॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
વચનામૃત ૧૬
બદ્રીકાશ્રમમાં નરનારાયણ ભગવાન ભક્તોના સુખવાસ્તે તપ કરે છે.
સંવત : ૧૮૭૭ ના ભાદરવા સુદ પંચમી
સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : શ્વેત વસ્ત્ર
પરમાનંદ સ્વામી : શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે, 'શ્રી નરનારાયણ ઋષિ જે તે બદ્રીકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે.' ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતા?
શ્રીજી મહારાજ : એનો ઉત્તર તો તે શ્રીમદ્ભાગવતના પંચમ સ્કન્ધને વિષે જ છે જે, 'એ ભગવાન તપ કરે છે તેતો પોતાના ભક્તને અર્થે કરે છે પણ અભક્તને અર્થે નથી કરતા.' કેવી રીતે તો આ ભરતખંડને વિષે અતિશે દુર્લભ એવું જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેષ જેનો એવા જે શ્રીનરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે અને પોતાને વિષે નિરંતર અધિક પણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્ચર્ય આદિક ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિપ્રલય થાય ત્યાં સુધી બદ્રીકાશ્રમને વિષે રહ્યા છે અને ભરતખંડને વિષે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદીક ગુણ તે જે તે અતિશે અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં જ અતિશે વૃદ્ધિને પામે છે અને તે પછી તે ભક્તજનના હૃદયને વિષે ભગવાનની ઇચ્છાએ કરીને જણાતું જે અક્ષર બ્રહ્મમય એવું તેજ તેને વિષે સાક્ષાત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે, એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી, એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે.
વચનામૃત ૧૭
ઉપાસનાની તારતમ્યતા, મુક્તના ભેદ.
સંવત : ૧૮૭૭ ના ભાદરવા સુદ છઠ્ઠ
સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : સાંજે
પોશાક : શ્વેત વસ્ત્ર
શ્રીજી મહારાજ : ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે, તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે, પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંઘાથે ચોટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય, ત્યાં દ્રષ્ટાંત છે જેમ સમુદ્ર છે તેને વિષે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકલું પણ પીવે ને મનુષ્ય, પશુ, ઘોડા, હાથી તથા મોટા મોટા મગર, મત્સ્ય એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે પણ સમુદ્ર લેશમાત્ર ઓછો થતો નથી અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે. વળી બીજું દ્રષ્ટાંત છે જેમ આકાશ છે તેને વિષે મચ્છર ઉડે ને ચરકલું ઉડે ને સમળા ઉડે ને સિંચાણો પણ ઉડે ને અનળ પક્ષી પણ ઉડે ને ગરુડ પણ ઉડે તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે અને જેને પાંખને વિષે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને વિષે ન્યુનપણું સમજતો જાય છે, તેમ મરીચ્યાદીક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસનાવાળા ભક્ત તો મચ્છર જેવા છે અને બ્રહ્માદીકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ચરકલા જેવા છે અને વિરાટ પુરુષાદીકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સમળા જેવા છે અને પ્રધાનપુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સીચાણા જેવા છે અને શુદ્ધ પ્રકૃતિ પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો અનળ પક્ષી જેવા છે અને અક્ષરધામમાં રહેનારા જે અક્ષરમુક્ત તેની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ગરુડ જેવા છે અને એ સર્વે ભક્ત જેમ જેમ વધુ વધુ સામર્થિને પામ્યા છે તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે અને જેમ જેમ વધુ સામર્થિને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિષે સ્વામીસેવકપણાનો ભાવ પણ અતિ દ્રઢ થતો ગયો છે અને જ્યારે ભજનનો કરનારો જીવરૂપે હતો, ત્યારે એ જીવમાં અદ્યોત જેટલો પ્રકાશ હતો, પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતા કરતા આવરણ ટળતું ગયું તેમ તેમ દિવા જેવો થયો, પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો, એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થિ પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યું. એવી રીતે અધોતથી કરીને મહાતેજ પર્યત આદ્ય, મધ્ય અને અંત જે ભેદ કહ્યા તે સર્વે મુક્તના ભેદ છે, તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું.
એમ કહીને શ્રીજી મહારાજ જયસચ્ચિદાનંદ કહીને ઉઠ્યા, પછી આંબલીની ડાળખીને ઝાલીને ઉગમણે મુખારવિંદે ઉભા રહ્યા થકા બોલ્યા.
શ્રીજી મહારાજ : જેમ પૂનમના ચન્દ્રમાનું મંડળ હોય તે અહીંથી તો નાની થાળી જેવું દેખાય છે પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય પછી અતિશે ઢૂંકડો જાય ત્યારે તો દ્રષ્ટિ પણ પહોંચી શકે નહિ એવું મોટું જણાય. તેમ માયારૂપી અંતરાય ટળીને જેમ જેમ ભગવાનને ઢુંકડું થવાય છે તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટપ જણાતી જાય છે અને ભગવાનને વિષે દાસપણું પણ અતિદ્રઢ થતું જાય છે.
વચનામૃત ૧૮
ખારભૂમિ વિષે, ભૂંડા સ્વભાવ ટાળવા વિષે.
સંવત : ૧૮૭૭ ના ભાદરવા સુદ આઠમ
સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી.
શ્રીજી મહારાજ : જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિષે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિષે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રકટ થઈ આવે છે અને કામ, ક્રોધાદીક જે વિકાર તે બળી જાય છે અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિષે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય, વિવેકાદીક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે, જેમ ખાર ભૂમિ હોય ને તેને વિષે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃણાદીક ઉગતા ન હોય અને તેજ ખાર ભૂમિને વિષે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળાં વડ, પિંપળા આદિક વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે, તેમ જેના હૃદયને વિષે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષયસુખનો અંકર પણ ઉઠે એમ ન હોય ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિષે કુસંગીરૂપી પાણીને વેગે કરીને જગતવાર્તારૂપીઓ આવીને કાંપ ભરાય પછી તે કાંપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે, પણ મૂર્ખાઈએ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહિ અને મૂર્ખ હોય તે જ્યારે મુંઝાય ત્યારે કાંતો સુઈ રહે ને કાંતો રૂવે અને કાંતો કોઈક સાથે વઢે, ને કાંતો ઉપવાસ કરે એ ચાર પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે અને એમ કરતાં જો અતિશે મુંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો, એવી રીતે મુર્ખને શોક ટાળ્યાનો ઉપાય છે, પણ એમ કર્યા થકી દુ:ખ પણ મટે નહિ ને સ્વભાવ પણ ટળે નહિ અને સમજીને ટાળે તો દુ:ખ ને સ્વભાવ એ બેય ટળી જાય, માટે સમજુ હોય તેજ સુખી થાય છે અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તે તત્કાળ ઓલાઈ જાય અને વીજળીના અગ્નિનો તો થોડોક ઝબકારો થતો હોય પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તોપણ ઓલાતો નથી તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે અને સમજીને જે વૈરાગ્ય ને પ્રીતિ હોય તેતો વીજળીના અગ્નિ જેવી છે તે થોડી હોય તો પણ નાશ ન પામે.
નિર્વિકારાનંદ સ્વામી : હે મહારાજ! કોઈક પુરુષમાં ક્રોધાદીક ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે?
શ્રીજી મહારાજ : જેમ વાણિયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે છે. તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે અને તે એમ વિચારે જે 'જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે અને વર્ષોવર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કાંઈ ફેર રહેતો હોય તે સર્વેને તપાસ્યા કરે, પણ મૂર્ખ વાણિયો જેમ નામું માંડે નહિ તેની પેઠે ન કરે.' એવી રીતે જે સત્સંગ કરીને પોતાનો જો તપાસ કરતો રહે તો તેના જે જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય છે.
મુક્તાનંદ સ્વામી : કુસંગ હોય ત્યારે ભૂંડો સ્વભાવ હોય જ પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ છે?
શ્રીજી મહારાજ : જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ, ક્રોધ, લોભાદીક શત્રુ હોય નહિ અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય, પછી જ્યારે યુવા અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તે જો જે સંતને વિષે કામાદિકશત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય એવા સંતનો સમાગમ રાખે તો યુવા અવસ્થારૂપી સમુદ્રને તરી જાય છે અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે તેનું તો કારણ એ છે જે મોટા પુરુષ હોય તેને વિષે જે જે જાતના દોષ પરઠે તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે અને જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે, 'મોટા પુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે અને મોટા પુરુષ તો નિર્દોષ છે અને મને દોષ જણાણો તે તો મારી કુમતીએ કરીને જણાણો છે' એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરુષની મલિનતા મટી જાય છે.
મહાનુભાવાનંદ સ્વામી : રાજસી, તામસી ને સાત્વિકી એ જે ત્રણ ગુણના સ્વભાવ તે સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા?
શ્રીજી મહારાજ : એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે.
મહાનુભાવાનંદ સ્વામી : દુર્વાસાદીક મુક્ત થયા છે તો પણ તે તામસી કેમ રહ્યા છે?
શ્રીજી મહારાજ : દુર્વાસાદીકમાં જે તમોગુણ આદિક ગુણ વર્તે છે તે તો પોતાને એ ગુણ રાખવા છે માટે રહ્યા છે અને તે એમ જાણે છે જે, 'કોઈક અવળો ચાલતો હોય તેને શિક્ષા કર્યા સારું આપણે તમોગુણ છે તે બહુ રૂડો છે' એમ ગુણ જાણીને રાખ્યો છે અને જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય ને તે ઉપર અભાવ આવે જે "હું ભગવાનનો ભક્ત છું તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહિ," એવી રીતે દોષરૂપ જાણીને જે જે સ્વભાવને તજવાને ઈચ્છે તો ભગવાનને પ્રતાપે કરીને તે તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે.
0 Comments