Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીગઢડા પ્રથમ પ્રકરણ (વચનામૃત ૬ થી ૧૦)

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૬

પોતાનાં અવગુણને ભક્તમાં ગુણ જુવે તેવી વિવેક અવિવેકની વાત

સંવત : ૧૮૭૬ ના માગશર સુદ નવમી 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર  

શ્રીજી મહારાજ : આ સત્સંગમાં જે વિવેકી છે, તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાન અને ભગવાનના ભક્તને વિષે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે અને પોતાનાં હિતકારી માને છે અને દુ:ખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગને વિષે મોટ્યપને પામે છે અને જે અવિવેકી છે, તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિષે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે, તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિષે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિષે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટ્યપને પામે છે. 

વચનામૃત ૭

જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મનું અને પરબ્રહ્મનું અન્વય વ્યતિરેકપણું

સંવત : ૧૮૭૬ ના માગશર સુદ દશમી 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર  

શ્રીજી મહારાજ : શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મવાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે માટે માટે એ અધ્યાત્મવાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિષે એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે અને એ ત્રણ દેહથી પૃથક્પણે સત્તામાત્ર જે કહેવો, તે જીવનું અન્વયપણું છે તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે અને એ ત્રણ શરીરથી પૃથક અને સત્તામાત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે તથા માયા અને માયાનાં કાર્ય જે અનંતકોટિ બ્રહ્માંડ તેને વિષે વ્યાપકપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે તથા અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાનાં કાર્ય જે બ્રહ્માંડ, એમને વિષે જે શ્રીકૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે અને એ સર્વથી પૃથક્પણે કરીને પોતાના ગોલોક ધામને વિષે જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા છે એમ જે કહેવું, તે એ ભગવાનનું વ્યતિરેકપણું છે અને એ પુરુષોત્તમ ભગવાન, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે.  

વચનામૃત ૮

ઈન્દ્રિયોની ક્રિયાને ભગવાનને  સંતની સેવામાં પ્રવર્તાવવા વિષે

સંવત : ૧૮૭૬ ના માગશર સુદ એકાદશી 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં

સમય : દિવસે

પોશાક : શ્વેત વસ્ત્ર  

શ્રીજી મહારાજ : ઈંદ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય છે અને અનંતકાળનાં જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે અને જો ઈંદ્રિયોની વૃત્તિયોને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો તેનું અંત:કરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે, માટે શાસ્ત્રમાં જેવી રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહિ અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે, ત્યારે એને દેહને વિષે જે અહંબુધ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિષે જે મમત્વબુધ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિષે વૈરાગ્ય થાય છે.

પછી તેને તે દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ દાદાખાચરના દરબારમાં લીંબડાની સામા ગોખમાં વિરાજમાન હતા અને દિવસ દિવસ પોર એક ચઢ્યો હતો અને લીંબડા હેઠે પરમહંસની સભા બેઠી હતી અને ગૃહસ્થ સત્સંગી પણ બેઠા હતા અને સાંખ્યયોગી, કર્મયોગી બાયૂંની પણ સભા હતી.

શ્રીજી મહારાજ : હે પરમહંસો ! જેને જે અંગની અતિશે દ્રઢતા હોય તે સર્વે પોતપોતાના અંગની વાત કરો અને જે અંગ કાચું પોચું જણાતું હોય તો તે અંગની વાત કરશોમાં અને તે દ્રઢ અંગની વિગતી જે, જેને ભગવાનના સ્વરૂપનો અતિ દ્રઢ નિશ્ચય હોય તો તે અંગની વાત કરજો ને જેને આત્મજ્ઞાનનું અતિ બળ હોય તો તે અંગની વાત કરજો, જે હું તો દેહ નથી, ને આત્મા છું અને વળી જેને નિર્લોભી તથા નિષ્કામી તથા નિ:સ્પૃહી તથા નિ:સ્વાદી તથા નિર્માની એ પંચવર્તમાનમાં જે જે અંગની અતિ દ્ર્ઢતા હોય તે તે અંગની સર્વે વાત કહો.

પછી તો શ્રીજી મહારાજ પોતે પ્રસન્ન થઈને બોલ્યા જે, પ્રથમ તો અમે અમારા અંગની વાત કરીયે પછી તમે તમારા અંગની વાત કરજો.

શ્રીજી મહારાજ : શ્રીનરનારાયણના પ્રતાપ થકી અમને એવું વર્તે છે જે હું આત્મા છું, અછેદ્ય છું, અભેદ્ય છું, સચ્ચિદાનંદ છું અને અમારી જે મોટપ છે તે તો સ્વસ્વરુપનો પ્રકાશ તથા શ્રીનરનારાયણની ઉપાસના તે વડે છે. પણ ભારે ભારે વસ્ત્ર તથા અમૂલ્ય આભૂષણ તથા રથ, પાલખી, હાથી, ઘોડા તેની જે અસવારી તે વડે કરીને મોટપ નથી અને જગતનાં સર્વે માણસ અને જગતનાં સર્વે રાજા સત્સંગી થઈને હાથ જોડીને ઉભા રહે, તે વડે કરીને પણ અમારે મોટાઈ નથી અને આ સત્સંગી સર્વે છે તે વિમુખ થઈ જાય અને મુને કોઈ માને નહિ અને પહેરવાને વસ્ત્ર અને રહેવાની જગ્યા ન મળે, તેણે કરીને અમારી હીણપ થતી નથી. અમારી મોટપ તો શ્રીનારાયણની ઉપાસના વડે કરીને હું બ્રહ્મ છું, હું આત્મા છું એવી રીતની જે મારી મોટપ તેતો હું મુકવાને ઈચ્છું અથવા બીજા કોઈ બ્રહ્માદિક જેવા છે તે મુકાવવાને ઈચ્છે તોય પણ અમારી મોટપ ટળે નહિ અને અમારે શ્રીનરનારાયણની ઉપાસના છે તે પોતાનું જે બ્રહ્મરૂપ તેને વિષે પરબ્રહ્મને પરમાત્મા એવા જે શ્રીનરનારાયણ તેમની સાકાર મૂર્તિ તેની ઉપાસના છે, તે કોઈ પોતાને અનુભવે કરીને કહે અથવા શાસ્ત્રે કરીને કહે જે પરબ્ર્હ્મ જે પુરુષોત્તમ તે આકારે રહિત છે. તો તે વાત અમને મનાય નહિ, કાં જે તે પુરુષોત્તમની કૃપા થકી એ પુરુષોત્તમનું સાકાર સ્વરૂપ તેને હું પ્રત્યક્ષ દેખું છું અને અમારા હ્રદયમાં એમ સમજાય છે જે પરબ્ર્હ્મ એવા જે પુરુષોત્તમ તેને આકારે રહિત કહે છે, તેને પરમેશ્વરની વાત પણ સમજાણી નથી ને તેને તે સ્વરૂપનું દર્શન પણ નથી અને તે શાસ્ત્રને સમજી જાણતા નથી અને શાસ્ત્રમાં  જે ભગવાનનું નિરાકાર સ્વરૂપ કહ્યું છે. તે તો માયિક આકારને ખોટા કરવાને અર્થે કહ્યું છે, કાં જે ભગવાનની મૂર્તિને વિષે માયિક જે પંચભૂત તથા દશ ઈન્દ્રિયો તથા ચાર અંત:કરણ તે પ્રાકૃત જીવના જેવાં નથી. માટે શાસ્ત્રે નિરાકાર કહ્યા છે અને ભગવાનને અલૌકિક આકાર તો છે ખરો, જો ભગવાનને નેત્ર છે, તો તે નેત્રે કરીને પુરુષદ્વારે માયા સામું જુવે છે, ત્યારે માયામાંથી અનંતકોટિ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તે બ્રહ્માંડોને વિષે બ્રહ્માદિક દેવ અનંતકોટિ ઉત્પન્ન થાય છે અને તે બહ્માંડમાં સર્જ્યા એવા જે સ્થાવર, જંગમ જીવ એ સર્વે ઉત્પન્ન થાય છે, માટે ભગવાનને નેત્ર પણ છે અને જે દહાડે સ્થાવર, જંગમ સૃષ્ટિ સર્વેનો નાશ થાય છે, ને મહાપ્રલય થાય છે, ત્યારે એક જ પુરુષોત્તમ રહે છે, તે દહાડે વેદ આવીને ભગવાનની સ્તુતિ કરે છે, તે સ્તુતિને સાંભળીને ભગવાન વિશ્વને સરજે છે, તો ભગવાનને કાન પણ છે, એવી રીતે ચૌદે ઈન્દ્રિયો છે પણ અલૌકિક છે અને મન વાણીથી પર છે અને રામકૃષ્ણાદિક રૂપે કરીને જીવના કલ્યાણને અર્થે પ્રવર્તે છે ત્યારે અતિશે દયા કરીને જીવને દ્ર્ષ્ટિગોચર થાય છે ને એમ ધારે છે જે હું દ્ર્ષ્ટિગોચર નહિ થાઉં તો જીવ મારું ધ્યાન તથા સ્મરણ, પૂજન અર્ચનાદિક શી રીતે કરશે? માટે જ્ઞાની, અજ્ઞાની સર્વેને પ્રત્યક્ષ જણાય એવા થાય છે, પણ ભગવાન તો જેવા છે તેવા ને તેવાજ છે, ને જીવને દ્રષ્ટિગોચર થયા માટે કાંઈ માયિક એવાં જે દેહ અને ઈન્દ્રિયોએ યુક્ત નથી. માટે જે ભગવાનને નિરાકાર કહે છે તે અમને કોઈ કાળે મનાય નહિ અને તે શ્રીનારાયણની ઉપાસનાને પ્રતાપે કરીને આ બ્ર્હ્માંડનું રાજ્ય આવે અને બ્ર્હ્માંડમાં જેટલી દેવાંગના આદિ સ્ત્રીઓ છે તે સર્વે આવીને સેવામાં હાજર ઉભી રહે અને જેટલાં બ્રહ્માંડમાં સારાં પદાર્થ છે તે સર્વે લાવીને હાજર કરે તોય પણ એ સર્વે મળીને અમને મોહ પમાડવા સમર્થ નથી અને ધારીયે જે અમો મોહ પામીને એમાં બંધાઈએ તો પણ કોઈ રીતે અમારે બંધન જ થાય નહિ, એવી અમારે ઈષ્ટદેવની કૃપાયે કરીને સ્વસ્વરૂપની દ્રઢતા છે અને કોઈને દીકરો દેવો કે કોઈને દ્રવ્ય દેવું કે કોઈ મુવાને જીવતો કરવો, કે કોઈને મારવો એ તો અમને નથી આવડતું, પણ જીવનું જે રીતે કરીને કલ્યાણ થાય અને જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે તો અમને આવડે છે અને હવે તો અમે વધુ નહી બોલીએ, ને જો બોલીયે તો બોલતાં બોલતાં વધુ બોલાઈ જવાય. 

એવાં વચન કહીને સુંદર શરદ ઋતુના કમલ સરખાં નેત્રે કરીને સર્વ પરમહંસ સામું જોઈને હસતે મુખે સંતો પ્રત્યે બોલ્યા, હે સંતો ! હવે તમે તમારા અંગની વાત કહો. પછી પોતે એમ બોલ્યા, અમે ને તમે તો એક અંગવાળા છીએ. માટે અમારા અંગમાં તમારો ભાગ છે, માટે અમે કહ્યું તે રીતે સર્વે દ્ર્ઢ નિશ્ચય રાખજો. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનું અંગ કહી દેખાડ્યું, તે ભક્તજનને અર્થે છે અંને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. 

વચનામૃત ૯

પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપ ભગવાનથી જ પૂર્ણકામપણું માનવું

સંવત : ૧૮૭૬ ના માગશર સુદ દ્વાદશી 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર  

શ્રીજી મહારાજ : શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેનાં દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને અને અંત:કરણમાં ન્યૂનતા વર્તે જે, ગોલોક, વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાણું નથી, ત્યાં સુધી મારું પરિપૂર્ણ લક્યાણ થયું નથી. એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી, અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્ચર્ય છે અને પોતાની મૂર્તિયો છે તેને દેખાડે છે, માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ.

વચનામૃત ૧૦

માંદા સંતની સેવા, ને કૃતઘ્નીનો ત્યાગ, તે ઉપર સેવકરામનું દ્ર્ષ્ટાંત

સંવત : ૧૮૭૬ ના માગશર સુદ તેરસ 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર  

શ્રીજી મહારાજ : અમે વેંકટાદ્રિથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો તે શ્રીમદ્રાગવતાદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતાં માંદો પડ્યો, તેની પાસે રૂપિયા હજારની સોનામહોરો હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહિ માટે રોવા લાગ્યો, પછી તેને અમે કહ્યું, કાંઈ ચિંતા રાખશોમાં, તમારી ચાકરી અમે કરીશું. પછી ગામને બહાર એક કેળાંની ફુલવાડી હતી તેમાં એક વડનો વૃક્ષ હતો તે વડના વૃક્ષને વિષે હજાર ભૂત રહેતાં હતાં. પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહિ અને અતિશય માંદો થયો, તે ઉપર અમને અતિશે દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળનાં પત્ર લાવીને હાથ એક ઉંચી પથારી કરી આપી અને તે સાધુને લોહિખંડ પેટબેસણું હતું. તેને અમે ધોતા અને ચાકરી કરતા અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો તે અમો લાવીને રાંધી ખવરાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહિ ત્યારે અમારે ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહિ જે, અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ બે માસે કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા, ત્યારે તેનો ભાર મણ એક હતો તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો, તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહિ. માટે તેને સાધુ જાણીને અમે તેનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા, એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો પણ તે સાધુએ અમને એક પૈસાભાર અન્ન આપ્યું નહિ, પછી અમે તેને કૃતઘ્ની જાણવો અને કોઈક મનુષ્યે કાંઈક પાપ કર્યું અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું અને વળી તેને તે પાપે જે યુક્ત કહે, તેને પણ કૃતઘ્ની જેવો પાપી જાણવો.

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement