Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીગઢડા પ્રથમ પ્રકરણ (વચનામૃત ૧૧ થી ૧૫)

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૧૧

વિષય ભોગની વાસના તજી બ્રહ્મરૂપ થઈ ભક્તિ કરે તે અકાંતિક

સંવત : ૧૮૭૬ ના માગશર સુદ ચૌદશ 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર  

બ્રહ્માનંદ સ્વામી : હે મહારાજ ! વાસનાનું શું રૂપ છે ? 

શ્રીજી મહારાજ : પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંત:કરણને વિષે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય, તેની જે અંત:કરણને વિષે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. 

મુક્તાનંદ સ્વામી : હે મહારાજ ! ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ?

શ્રીજી મહારાજ : જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્ર્હ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. 

વચનામૃત ૧૨

પ્રકૃતિ પુરુષાદિકનાં લક્ષણ, સૃષ્ટિની ઉત્પત્તિ, ભગવદ્ધાવર્ણન

સંવત : ૧૮૭૬ ના માગશર સુદ પુનમ 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર  

શ્રીજી મહારાજ : જગતનાં કારણ એવાં જે પુરુષ, પ્રકૃતિ, કાળ અને મહત્તત્વાદિક  ચોવીશ તત્ત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિષે રહી જે અવિદ્યા અને તેનાં કાર્ય એવાં જે ચોવીશ તત્ત્વ તેના બંધન થકી મુકાય છે.

મુક્તાનંદ સ્વામી : હે મહારાજ ! એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે ?

શ્રીજી મહારાજ : એમનાં સ્વરૂપ તો એમનાં લક્ષણને જાણવે કરીને જણાય છે, તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતીય, અખંડ, અનાદિ, અનંત, સત્ય, સ્વયંજ્યોતિ, સર્વજ્ઞ, દિવ્યવિગ્રહ, સમગ્ર આકાર માત્રની પ્રકૃતિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે, જડચિદાત્મક છે, નિત્ય છે, નિર્વિશેષ છે અને મહદાદિક સમગ્ર તત્ત્વ અને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શક્તિ છે અને ગુણસામ્ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ. 

હવે મહતત્ત્વાદિક જે તત્ત્વ તેનાં લક્ષણ કહીએ તે સાંભળો જે, ચિત્તને અને મહતત્ત્વને અભેદપણે જાણવું અને જે મહતત્ત્વને વિષે સૂક્ષ્મરૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે અને પોતે નિર્વિકાર છે ને પ્રકાશમાન છે ને સ્વચ્છ છે ને શુદ્ધ સત્ત્વમય છે અને શાંત છે. 

હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ જે, અહંકાર તે ત્રિગુણાત્મક છે ભૂતમાત્ર, ઈન્દ્રિયો, અંત:કરણ, દેવતા અને પ્રાણ એ સર્વેની ઉત્પત્તિનું કારણ છે અને એને વિષે શાંતપણું છે, ઘોરપણું છે અને વિમૂઢપણું છે. 

હવે મનનું લક્ષણ કહીએ છીએ જે, મન જે તે સ્ત્રી આદિક પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે અને સંલ્પવિકલ્પરૂપ છે અને સમગ્ર ઈન્દ્રિયોનું નિયંતા છે. 

હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ જે, બુદ્ધિને વિષે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઈન્દ્રિયોને વિષે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિ વર્તે છે અને જે બુદ્ધિને વિષે સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ એ રહ્યાં છે અને શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાક્, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ એ જે દશ ઈન્દ્રિયો તેમનું લક્ષણ તો એ છે જે, પોતપોતાના વિષયમાં પ્રવર્તવું. 

હવે પંચમાત્રાનાં લક્ષણ કહીએ છીએ, તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે, શબ્દ જે તે અર્થમાત્રનો આશ્રય છે અને વ્યવહાર માત્રનું કારણ છે અને બોલનારાની જે જાતિ અને સ્વરુપ તેનો જણાવનારો છે અને આકાશને વિષે રહેવાપણું છે અને આકાશની માત્રા છે અને શ્રોત્ર ઈન્દ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવે છે, તે શબ્દનું લક્ષણ છે,

હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ જે, સ્પર્શ છે તે વાયુની તન્માત્રા છે અને કોમળપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું અને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શનું સ્પર્શપણું છે. 

હવે રૂપનું લક્ષણ કહીએ છીએ જે, પદાર્થ માત્રના આકારને જણાવી દેવાપણું અને તે પદાર્થને વિષે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું અને તેજ તત્ત્વનું તન્માત્રાપણું અને ચક્ષુ ઈન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રૂપનું રૂપપણું છે.

હવે રસનું લક્ષણ કહીએ છીએ જે, મધુરપણું, તીખાપણું, કષાયલાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું અને જળનું તન્માત્રાપણું અને રસના ઈન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે.

હવે ગંધનું લક્ષણ કહીએ છીએ જે, સુગંધપણું, દુર્ગંધપણું અને પૃથ્વીનું તન્માત્રાપણું અને ઘ્રાણ ઈન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે.

હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ જે, સર્વ જીવમાત્રનું ધારવાપણું અને લોકરૂપે કરીને સ્થાનપણું અને આકાશાદિક જે ચાર ભૂત તેનું વિભાગ કરવાપણું અને સમગ્ર ભૂતપ્રાણી માત્રના શરીરનું પ્રકટ કરવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે.

હવે જળનું લક્ષણ કહીએ છીએ જે, પૃથિવ્યાદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું ને પદાર્થને કોમળ કરવાપણું, ભીનું કરવાપણું, તૃપ્તિ કરવાપણું, પ્રાણીમાત્રને જીવાડવાપણું, તૃષાની નિવૃત્તિ પમાડવાપણું, તાપને ટાળવાપણું અને બહુપણું એ જળનું લક્ષણ છે.

હવે તેજનું લક્ષણ કહીએ છીએ જે, પ્રકાશપણું, અન્નાદિકને પચવી નાખવાપણું, રસને ગ્રહણ કરવાપણું, કાષ્ઠનું ને હુતદ્રવ્યાદિકનું ગ્રહણ કરવાપણું, ટાઢ્યને હરવાપણું, શોષણ કરવાપણું અને ક્ષુધા અને તૃષા એ તેજનું લક્ષણ છે.

હવે વાયુનું લક્ષણ કહીએ છીએ જે, વૃક્ષાદિકને કંપાવવાપણું, તૃણાદિકને ભેળા કરવાપણું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેને શ્રોત્રાદિક પંચઈન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું અને સર્વ ઈન્દ્રિયોનું આત્માપણું એ વાયુનું લક્ષણ છે.

હવે આકાશનું લક્ષણ કહીએ છીએ જે, સમગ્ર જીવમાત્રને અવકાશદેવાપણું, ભૂતપ્રાણી માત્રનો જે દેહ તેનો માંહિલો વ્યવહાર અને દેહને બાહેરનો વ્યવહાર તેનું કારણપણું અને પ્રાણ, ઈન્દ્રિયો અને અંત:કરણ એ સર્વેનું સ્થાપકપણું એ આકાશનું લક્ષણ છે. એવી રીતે ચોવીશ તત્ત્વ, પ્રકૃત્તિ, પુરુષ અને કાળ એમનાં જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે.

એ જે સર્વે તેની ઉત્પત્તિ જાણવી તે ઉત્પત્તિ કહીએ છીએ જે, પોતાના ધામને વિષે રહ્યા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અક્ષરપુરુષરૂપે કરીને માયાને વિષે ગર્ભને ધરતા હતા, ત્યારે તે માયા થકી અનંત કોટિ જે પ્રધાન અને પુરુષ તે થતા હતા, તે પ્રધાન પુરુષ કેવા છે તો અનંત કોટિ બ્ર્હ્માંડની ઉત્પત્તિના કારણ છે, તે મધ્યે એક બ્ર્હ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ જે, પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે પુરુષરુપે કરીને પ્રધાનને વિષે ગર્ભને ધરતા હતા. પછી તે પ્રધાન થકી મહત્તત્ત્વ ઉત્પન્ન થતું હતું અને મહત્તત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હતો, તેમાં સાત્વિક અહંકાર થકી મન અને ઈન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હતા અને રાજસ અહંકાર થકી દશ ઈન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ એ ઉત્પન્ન થતાં હતાં અને તામસ અહંકાર થકી પંચભૂત અને પાંચ તન્માત્રા એ ઉપજતાં હતાં, એવી રીતે સમગ્ર તત્ત્વ ઉપજ્યાં. 

પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યા થકાં, પોતપોતાના અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતાં હતાં, તે ઈશ્વરના દેહને તે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત અને જીવના દેહને તે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ અને તે વિરાટ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્રિપરાર્ધ કાળપર્યત આયુષ છે અને તે વિરાટ પુરુષના એક દિવસને વિષે ચૌદ મન્વંતર થાય છે અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે અને જ્યારે એની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે, તેને નિમિત્તપ્રલય કહીએ અને જ્યારે તે વિરાટ પુરુષનો દ્રિપરાર્ધ કાળ પુરો થાય છે ત્યારે એ વિરાટ દેહનો સત્યાદિક લોક સહિત નાશ થાય છે અને મહદાદિક જે ચોવીશ તત્ત્વ, પ્રધાનપ્ર્કૃતિ અને પુરુષ એ સર્વે મહામાયાને વિષે લય પામે છે, તેને પ્રાકૃત પ્રલય કહીએ અને એ મહામાયા તે અક્ષરબ્ર્હ્મના પ્રકાશને વિષે લય પામે છે, જેમ દિવસને વિષે રાત્રિ લય પામે છે તેને આત્યંતિક પ્રલય કહીએ અને દેવ, દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ તેનો જે ક્ષણક્ષણ પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિષે વૈરાગ્ય થાય અને ભગવાનને વિષે ભક્તિ થાય છે અને જ્યારે એ સર્વે બ્ર્હ્માંડનો પ્રલય થાય છે ત્યારે જે સર્વે જીવ છે તેતો માયાને વિષે રહે છે અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. 

મુક્તાનંદ સ્વામી : તે ભગવાનનું ધામ કેવું છે ?

શ્રીજી મહારાજ : તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે અને અખંડ છે, તેને દ્ર્ષ્ટાંતે કરીને કહીએ છીએ, જેમ પર્વત ને વૃક્ષાદિકે સહિત અને મનુષ્ય, પશુ, પક્ષ્યાદિકની જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય અને આકાશને વિષે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય, તેને તેજ કરીને તે સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએયુક્ત ભગવાનનું ધામ છે એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિષે દેખે છે અને દેહ મુક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. 

વચનામૃત ૧૩

દેહ દેહ પ્રત્યે જીવ જુદા છે. કર્માનુસારે પ્રભુ જુદા જુદા દેહ પમાડે છે.

સંવત : ૧૮૭૬ ના માગશર વદ એકમ 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરને સમીપે લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને 

સમય : રાત્રે

પોશાક : રાતો સુરવાળ, રાતી ડગલી, માથે સોનેરી શેલું, મોતીની માળાઓ, મોતીના તોરા 

નિત્યાનંદ સ્વામી : દેહ દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે ? અને જો એક કહેશો તો વડ, પીંપર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવો ને તેવો જ વૃક્ષ થાય છે. એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો ? અને કહેશો જે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે તે કપાણો કેમ ?

શ્રીજી મહારાજ : લ્યો તેનો ઉત્તર કરીએ જે, શ્રીકૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃત્તિ એ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરુષને પ્રકૃત્તિરુપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટરુપે ધારતા હતા અને તે વિરાટરુપ જે એ ભગવાન તે પ્રથમ બ્રાહ્મકલ્પને વિષે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંબ પર્યત સમગ્ર જીવને સૃજતા હતા અને પાજ્ઞકલ્પને વિષે તો એ ભગવાન બ્ર્હ્મારુપે કરીને મરિચ્યાદિકને સૃજતા હતા અને કશ્યપ અને દક્ષરુપે કરીને દેવ, દૈત્ય, મનુષ્ય અને પશુપક્ષ્યાદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૃજતા હતા, એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે પુરુષપ્રકૃતિરુપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ જીવ પ્રત્યે અંતર્યામીરુપે રહ્યા છે અને જે જીવે જેવાં કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે અને તે જીવ છે તેણે પૂર્વજ્ન્મને વિષે કેટલાંક કર્મ તો સત્ત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાંક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાંક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્રિજ જાતિના જે દેહ, જરાયુજ જાતિના જે દેહ, સ્વેદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ, તેને પમાડે છે અને સુખદુ:ખરુપ જે કર્મનાં ફળ તેને પમાડે છે અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. જેમ ''કશ્યપાદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા હતા'' તેમ એના એ ભગવાન અંતર્યામીરુપે કરીને સમગ્ર જીવ જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારાએ ઉપજાવે છે.  

વચનામૃત ૧૪

अन्ते या मति: सा गति: નો અર્થ, શ્રીહરિના દાસનું લક્ષણ

સંવત : ૧૮૭૬ ના માગશર વદ બીજ

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે 

સમય : દિવસે 

પોશાક : માથે ધોળી પાઘ, ધોળો ખેસ, ધોળી ચાદર, પીળા પુષ્પના તોરા પાઘમાં વિરાજમાન હતા અને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ અને તે ગુચ્છની ઉપર ગુલાબનાં પુષ્પ, કંઠ્ને વિષે પીળા પુષ્પના હાર અને જમણાં હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા.

શ્રીજી મહારાજ : એક હરિજન છે તે સંસારને તજીને નીસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે, એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે અને વળી બીજો ગૃહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે, તેટલી તે ગૃહસ્થને પણ વાસના છે. એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે ? 

મુક્તાનંદ સ્વામી : એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે.

શ્રીજી મહારાજ : ઓલ્યો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નીસર્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે ? અને ગૃહસ્થ તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે ? 

મુક્તાનંદ સ્વામી : હે મહારાજ ! તમે ઉત્તર કરો.

શ્રીજી મહારાજ : ત્યાગી હોય અને તેને સારી પેઠે ખાવા મળે અને જો કાચી મતિવાળો હોય તો પાછી સંસારની વાસના હ્રદયમાં ઉદય થાય અથવા ઘણું દુ:ખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય, એવા ત્યાગી કરતાં તો ગૃહસ્થ ઘણો સારો, કેમ કે, ગૃહસ્થ ભક્તને જ્યારે દુ:ખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે જે ''રખે મારે આમાંથી બંધન થાય'' એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે માટે ત્યાગી તો તે ખરો જે ''જેણે સંસાર મુક્યો ને પાછી સંસારની વાસના રહે જ નહિ'' અને ગૃહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતાં ઘણો શ્રેષ્ઠ છે. જો ગૃહસ્થના ધર્મ સચવાય તો, પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે અને અનંત પ્રકારનાં સુખદુ:ખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહિ અને એમ સમજે જે ''સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે અને ધન, દોલત, દીકરા, દીકરી એ તો સર્વે સ્વપ્રતુલ્ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એજ છે.'' એમ સમજે અને ગમે તેવું ભારે દુ:ખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહિ, એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે અને સૌ કરતાં ભગવાનના ભક્ત થાવું એ ઘણું કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે.

મુક્તાનંદ સ્વામી : શ્રુતિમાં એમ કહ્યું છે જે ''अन्ते या मति: सा गति:।'' એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિષે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય. એવો એ શ્રુતિનો અર્થ ભાસે છે, ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે ? 

શ્રીજી મહારાજ : જેને સાક્ષાત્ ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહિ, તેની તો ભગવાન રક્ષા કરે છે અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતાં ચાલતાં દેહ મુકે છે તો પણ તેનું કલ્યાણ થાતું નથી અને મરીને યમપુરીમાં જાય છે અને કેટલાક પાપી કસાઈ હોય તે બોલતાં ચાલતાં દેહ મુકે છે અને ભગવાનનો ભક્ત હોય અને તેનો અકાળ મૃત્યુ થયો તે માટે શું તેનું અકલ્યાણ થાશે ? અને તે પાપીનું શું કલ્યાણ થાશે ? નહિ જ થાય. ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો જે, જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે તો તેનું કલ્યાણ અંતકાળે થઈ રહ્યું છે અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરુપની પણ પ્રાપ્તિ નથી થઈ તેની મતિમાં તો એમ વર્તે છે જે ''હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહિ થાય.'' તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી; એનાં દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું ? પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે કેમ જે, ભગવાનના દાસ હોય તેનાં તો એ લક્ષણ છે જે ''દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાનાં જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહિ અને પોતાના સ્વામીનું ગમતું મુકીને બીજાનું આચરણ કરે જ નહિ, એવો હોય તે હરિનો દાસ કહેવાય અને જે હરિનો દાસ હોય ને દેહરુપે વર્તે તો તે પ્રાકૃત ભક્ત કહેવાય. 

વચનામૃત ૧૫

મૂર્તિ હ્રદયમાં અખંડ ધારવી, કાયર ન થવું, નિત્ય નવી શ્રદ્ધા રાખવી

સંવત : ૧૮૭૬ ના માગશર વદ ત્રીજ

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર  

શ્રીજી મહારાજ : જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જેજે વચન કહેશે તેમજ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહિ મનાય એવું વચન તો ભૂલ્યે પણ ન કહે અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવી શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતાં જ્યારે ભૂંડા ઘાટસંકલ્પ થાય અને તે હઠાવ્યા હઠે નહિ તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરુપને હૈયામાં ધારતો રહે, તે ધારતાં ધારતાં દશ વર્ષ થાય અથવા વીશ વર્ષ થાય અથવા પચીશ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરુપને ધારવું તે મુકી દે નહિ, કેમ જે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે, ''अनेकजन्म संसिद्धस्ततो याति परां गतिम् ।'' તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય, તેને એકાંતિક ભક્ત કહીએ. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement