Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીગઢડા પ્રથમ પ્રકરણ (વચનામૃત ૧ થી ૫)

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૧

ભગવત્સ્વરૂપમાં અખંડવૃત્તિ રાખવા વિષે

સંવત : ૧૮૭૬ ના માગશર સુદ ચતુર્થી 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં

સમય : રાત્રે

પોશાક : શ્વેત વસ્ત્ર  

શ્રીજી મહારાજ : સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે?

શ્રીજી મહારાજ : ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે ભગવાનની મૂર્તિ છે તેતો ચિંતામણી તુલ્ય છે, જેમ ચિંતામણી કોઈક પુરૂષના હાથમાં હોય તે પુરૂષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃત્તિ  રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે, તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્ર્હ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.

હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈ : જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? 

શ્રીજી મહારાજ : ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.

મુક્તાનંદ સ્વામી : ભગવાનનો ભક્ય જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? 

શ્રીજી મહારાજ : ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે અને જ્યારે દેહને મુકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથા ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે, એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યૌઅસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. 

હરિભક્ત ઠક્કર હરજી : કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે, તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે?

શ્રીજી મહારાજ : એને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મુકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી, કાં જે અન્ય સ્થળને વિષે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતાં નથી, તે શાસ્ત્રમાં કહ્યું છે તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય.

વચનામૃત ૨

ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ત્રણ પ્રકારના વૈરાગ્યનાં લક્ષણ

સંવત : ૧૮૭૬ ના માગશર સુદ પંચમી 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં

સમય : રાત્રે

પોશાક : શ્વેત વસ્ત્ર  

મયારામ ભટ્ટ : હે મહારાજ ! ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેનાં શાં લક્ષણ છે તે કહો?

શ્રીજી મહારાજ : ઉત્તમ વૈરાગ્ય જેને હોય, તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહિ અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે પણ પ્રીતીએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહિ અને તેનો ત્યાગ મોળો ન પડે અને તે વિષયને વિષે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશ, કાળ, સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે નહિ, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય અને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિષે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય, તેને સામાન્ય ને દોષે યુક્ત એવા પંચ વિષય જો પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પંચ વિષય પ્રાપ્ત થાય ને તેને બોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ્યવાળો કહીએ.

વચનામૃત ૩

ભગવાનની લીલા સંભારી રાખવા વિષે

સંવત : ૧૮૭૬ ના માગશર સુદ છઠ  

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં 

સમય : રાત્રે

પોશાક : શ્વેત વસ્ત્ર  

શ્રીજી મહારાજ : જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, તેણે પણ ભગવાનને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વેને સંભારી રાખવા. તે શા સારુ જે, કદાપી દેહ મુક્યા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય, તો પણ ભગવાને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભરી આવે, તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય, તે માટે અમે મોટા મોટા વિષ્યુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વૃતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ અને જો કોઈક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.

વચનામૃત ૪

સત્સંગીએ પરસ્પર ઈર્ષ્યા ન કરવી તે બાબત ને નારદ અને તુંબરૂનું દ્ર્ષ્ટાંત

સંવત : ૧૮૭૬ ના માગશર સુદ સપ્તમી 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં 

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર  

શ્રીજી મહારાજ : ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી.

આનંદાનંદ સ્વામી : હે મહારાજ ! ઈર્ષ્યા તો રહે છે.

શ્રીજી મહારાજ : ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી, જેમ 'એક સમયને વિષે નારદજી ને તુંબરુ એ બે વૈકુંઠને વિષે લક્ષ્મીનારાયણનાં દર્શન કરવા ગયા, તે લક્ષ્મીનારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું, તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બેય પ્રસન્ન થઈને તુંબરુને પોતાનાં વસ્ત્ર આભૂષણ આપ્યાં ત્યારે નારદજીને તુંબરુ ઉપર ઈર્ષ્યા આવી જે, 'હું તુંબરુના જેવી ગાનવિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું.' પછી નારદજી ગાનવિદ્યા શીખતા હતા અને ભગવાન આગળ ગાતા હતા, ત્યારે ભગવાને કહ્યું જે તમને તુંબરુના જેવું ગાતાં નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાનવિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હતા, તો પણ ભગવાન એની ગાનવિદ્યા ઉપર પ્રસન્ન ન થયા, એવી રીતે સાત મન્વંતર સુધી ગાનવિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા તો પણ ભગવાન પ્રસન્ન ન થયા, પછી તુંબરુ પાસે ગાનવિદ્યા શીખ્યા અને શ્રીકૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હતા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાનાં વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યાં, ત્યારે નારદજીએ તુંબરુ સાથે ઈર્ષ્યા મેલી, માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે જેની ઉપર ઈર્ષ્યા હોય, તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા અને તેવું ન થવાય ને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો.'

વચનામૃત ૫

આગ્રહપૂર્વક ધ્યાન કરનાર ઉપર ભગવત્કૃપા થાય

સંવત : ૧૮૭૬ ના માગશર સુદ અષ્ટમી  

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં 

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર  

શ્રીજી મહારાજ : રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતાં મૂર્તિ હ્રદયને વિષે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મુકી દેવું નહિ, એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement