Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીગઢડા પ્રથમ પ્રકરણ (વચનામૃત ૧૬ થી ૨૦)

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૧૬

પોતાનો અવગુણ ને કુસંગ તજી આત્મા સ્વરુપે વર્તે તે વિવેકી 

સંવત : ૧૮૭૬ ના માગશર વદ ચોથ 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર  

શ્રીજી મહારાજ : જે ભગવાનના ભક્તને સત્ અસત્નો વિવેક હોય, તે તો જે જે અવગુણ પોતાનાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું ગ્રહણ કરે અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસેજ નહિ અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને પણ તે વચનને વિષે સંશય કરે નહિ અને સંત કહે જે 'તું દેહ, ઈન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને તેનો જાણકારો છું અને એ દેહાદિક સર્વે અસત્ય છે' એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વેથી જુદો આત્મારુપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહિ અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ્ય આવે એવાં જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટેજ રહે અને તેના બંધનમાં આવે નહિ અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. 

વચનામૃત ૧૭

સત્સંગમાં કુસંગરુપ હિંમત વિનાની વાત થાય તો ઉપવાસ કરવો

સંવત : ૧૮૭૬ ના માગશર વદ પાંચમ

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડામાં 

સમય : દિવસે 

પોશાક : ધોળો ખેસ, ધોળી ચાદર, ધોળી પાઘ, પીળાં પુષ્પની માળા અને પીળાં પુષ્પનો તોરો પાઘને વિષે ખોશ્યો હતો. 

શ્રીજી મહારાજ : આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે, તે સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે 'વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે' તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે જે, ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે ? અને વર્તમાનધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પળે તેટલું પાળીએ અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે અને વળી એમ વાત કરે છે જે, 'ભગવાનનું સ્વરુપ જે હ્યદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે' એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઈત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન, તેમાંથી બીજાને મોળા પાળે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહિ. સદા હિંમત સહિત જ વાત કરજો અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો. 

વચનામૃત ૧૮

વિષય ખંડનનું, પાંચ જ્ઞાનેન્દ્રિયે કરી કુસંગીના શબ્દાદિક વિષયનો ત્યાગ કરવો

સંવત : ૧૮૭૬ ના માગશર વદ છઠ્ઠ 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજ્યા હતા 

સમય : રાત્રિ પાછલી પહોર એક બાકી હતી ત્યારે 

પોશાક : શ્વેત વસ્ત્ર 

શ્રીજી મહારાજ : એક વાત કહું તે સાંભળો, મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ અને આ વાત છે તેને સમજીને તેજ પ્રમાણે વર્તે તેજ મુક્ત થાય છે અને તે વિના તો ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ અને ભારતાદિક ઈતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહિ, તે વાત કહીએ તે સાંભળો જે, બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નહિ અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય, એવો અમારો સ્વભાવ છે. માટે અમે હ્રદયમાં વિચાર કર્યો જે ભગવાનના ભક્તના હ્રદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે ? પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંત:કરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંત:કરણમાં તો ભગવાનના સ્વરુપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગે કરીને અંત:કરણને ગાફલતા રહે છે જે 'ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી' એવું ગાફલપણું રહે છે એટલો જ અંત:કરણનો વાંક છે અને ઝાઝો વાંક તો પંચ જ્ઞાનઈન્દ્રિયોનો છે તેની વિગતી કહીએ છીએ જે, એ જીવ જે નાના પ્રકારનાં ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે, તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે અંત:કરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે અને જો લિલાગર ભાંગ્ય પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તોપણ લિલાગર ભાંગ્યને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહિ અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહિ, તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લિલાગર ભાંગ્યની પેઠે જ અનંત પ્રકારના છે, તેનો ગણતાં પણ પાર આવે નહિ. તેમજ એ જીવ શ્રોત્રદ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંત:કરણમાં ગુણ પ્રવર્તે છે, જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય અથવા કોઈક સ્ત્રી વ્યભિચારિણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય તેમની જે વાત સાંભળવી તે તો જેવી લિલાગર ભાંગ્ય પીવે અથવા દારૂ પીવે એવી છે માટે તે વાતના સાંભળનારાના અંત:કરણને ભ્ર્ષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે, તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે, તેમાં પાપી જીવનો જે સ્પર્શ તેજ ભાંગ્ય દારૂના જેવો છે. માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુધબુધને ભુલાડી દે છે. તેમજ રૂપ પણ અનંત પ્રકારનાં છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે, તે કોઈક ભ્ર્ષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લિલાગર ભાંગ્ય તથા દારૂ પીધે ભુંડું થાય છે તેમજ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભુંડું જ થાય છે અને બુદ્ધિ ભ્ર્ષ્ટ થઈ જાય છે તેમજ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લિલાગર પીધે બુદ્ધિ ભ્ર્ષ્ટ થાય છે. એવી રીતે જેમ ભુડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્ર્ષ્ટ થાય છે તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે અને જીવની બુદ્ધિ ભ્ર્ષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે, તેમજ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે અને વર્તમાનની આડ્યે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય અને તેમજ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાન રાખીને દર્શન કરવાં. તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે, તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમજ તે મોટા પુરુષને ચઢ્યું એવું જે પુષ્પ, ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે, તે માટે એ પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહિ કરે અને તે નારદ, સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્ર્ષ્ટ થઈ જશે, તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્ર્ષ્ટ થાય તેમાં શું કહેવું ? તે સારુ એ પંચ ઈન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંત:કરણ ભ્ર્ષ્ટ થઈ જાશે અને પંચ ઈન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંત:કરણ શુદ્ધ થાશે અને અંત:કરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે અને જો પંચ ઈન્દ્રિયોના આહારમાંથી એક ઈન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંત:કરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે, તેનું કારણ તો પંચ ઈન્દ્રિયોના વિષય જ છે પણ અંત:કરણ નથી. 

આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંત:કરણ થાય છે; તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય ને તે હવેલીને વિષે કાચના તક્તા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાનાં કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયી જન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થઈ થેઈકાર કરી રહી હોય અને નાના પ્રકારનાં વાજીંત્ર વાજતાં હોય ને તે સભામાં જઈને જે જન બેસે તે સમે તેનું અંત:કરણ બીજી જાતનું થઈ જાય છે અને તૃણની ઝુંપડી હોય ને તેમાં ફાટેલા ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહવર્તમાન ભગવદ્રાર્તા થાતી હોય તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમે તેનું અંત:કરણ બીજી રીતનું થાય છે માટે સત્સંગ અને કુસંગને યોગે કરીને જેવું અંત:કરણ થાય છે તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે અને ગબરગંડને તો કાંઈ ખબર પડતી નથી, માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય અને જે કાંઈક વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરંત સમજ્યામાં આવે છે માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહિ અને સત્સંગ મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેલવો અને જો ન કાઢે તો એમાંથી ઝાઝું ભુંડું થાય, જેમ ''જે આંગળીને સર્પે કરડી હોય અથવા કિડિયારાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરંત કાપી નાખે તો પંડે કુશળ રહે, ને તેનો લોભ કરે તો ઝાઝો બીગાડ થાય'' તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજ્યો અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજ્યો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું, કાં જે તમે અમારો દાખડો સુફળ કર્યો અને ભગવાનનું ધામ છે ત્યાં આપણ સર્વે ભેળા રહીશું અને જો એમ નહિ રહો તો તમારે અને અમારે ઘણું છેટું થઈ જાશે અને ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે અને હેરાન થાશો અને જે કાંઇ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રઝળતાં રઝળતાં કોઈક કાળે પ્રગટ થાશે, ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો.

જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભુંડું થાશે. કાંજે અમારા હ્રદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે અને હું તો અનાદિમુક્ત જ છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું, જેમ સિંહ બકરાંને પકડે છે તેની પેઠે એ અંત:કરણને હું પકડું છું અને બીજાને તો એ અંત:કરણ દેખ્યામાં પણ આવતાં નથી, માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું. તે તો નારદ સનકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહિ તો બીજાની શી વાર્તા કહેવી ? અને અનંત મુક્ત થઈ ગયા ને અનંત થશે તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહિ અને હમણાં પણ કોઈએ નથી અને કોટિ કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી, માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે અને અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ તેતો તેના જીવના રૂડા સારુ બોલાવીએ છીએ અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છીએ અથવા કોઈ સારાં ભોજન કરાવે છે તેને જમીએ છીએ અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઈત્યાદિક જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે અંગીકાર કરીએ છીએ પણ અમારા સુખને વાસ્તે કરતા નથી અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રીરામાનંદ સ્વામીના સમ છે માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશો માં અને પંચ ઈન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજ્યો, એ વચન અમારું જરુરા જરુર માનજ્યો અને આ વાત તો સર્વને સમજાય એવી સુગમ છે માટે સર્વેના સમજ્યામાં તુરંત આવી જાશે. તે સારુ સત્સંગમાં અતિશય પ્રવર્તાવજ્યો તેમાં અમારો ઘણો રાજીપો છે, એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધારતા હતા. 

વચનામૃત ૧૯

આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય ને સ્વધર્મ દ્રઢ રાખવો

સંવત : ૧૮૭૬ ના પોષ સુદ એકમ 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં

સમય : સંધ્યા સમે 

પોશાક : શ્વેત વસ્ત્ર  

શ્રીજી મહારાજ : આ સત્સંગને વિષે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરુપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તે માટે એ આત્મનિષ્ઠા આદિક જે ચારે ગુણ તે સિદ્ધ કરવા. શા માટે તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો જે, આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિને વિષે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્ચર્ય જે ''માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય'' તેને એ ભક્ત નથી પામતો અને શ્રીહરિને વિષે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થાતી નથી અને શ્રીહરિને વિષે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બેય હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચ વિષયને વિષે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થાતી નથી અને વૈરાગ્ય તો હોય પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરુપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થાતી નથી અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂલોક, ભુવલોક અને બ્ર્હ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થાતી નથી અને આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેની સિદ્ધિ થાતી નથી. એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તેમને એકબીજાની અપેક્ષા છે, તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારે ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વે સાધન સંપૂર્ણ થયાં અને એને જ એકાંતિક ભક્ત જાણવો તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી. 

વચનામૃત ૨૦

પોતાના સ્વરુપને નહિ જોનારો અજ્ઞાનીમાં અજ્ઞાની છે

સંવત : ૧૮૭૬ ના પોષ સુદ બીજ 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓશરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા. 

સમય : દિવસે 

પોશાક : ધોળી પાઘ માથે, પીળા ફુલનો તોરો, કંઠને વિષે પીળા પુષ્પનો હાર, બે કાનને વિષે ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ, ધોળો ચોફાળ, કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા. 

શ્રીજી મહારાજ : સાંભળો સર્વેને એક પ્રશ્ન પુછીએ છીએ.

સર્વે હરિભક્ત : પુછો 

શ્રીજી મહારાજ : અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની તે કોણ છે ? 

સર્વે હરિભક્ત : હે મહારાજ ! તમથી જ યથાર્થ ઉત્તર થશે માટે કહો 

શ્રીજી મહારાજ : આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુવે છે અને કુરૂપને જુવે છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુવે છે, એવાં અનંત પદાર્થને જુવે છે પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્મ દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે પણ પોતે પોતાને નથી જોતો, તેજ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઈત્યાદિક સર્વે ઈન્દ્રિયોએ કરીને વિષયસુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી તે પોતે પોતાના રૂપને જાણતો નથી, એજ સર્વે અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે અને એજ ઘેલામાં અતિશે ઘેલો છે અને એજ મૂર્ખમાં અતિશે મૂર્ખ છે અને એજ સર્વે નીચમાં નીચ છે. 

શુકમુનિ : પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે ? અને જો પોતાના હાથમાં હોય તો જીવ શીદ અતિશય અજ્ઞાની રહે ?

શ્રીજી મહારાજ : જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દહાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ને ન દીઠું ? અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતદ્રષ્ટિ કરીને જાય છે પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતદ્રષ્ટિ કરતો નથી અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતદ્રષ્ટિ કરે છે તેતો પોતાના સ્વરૂપને અતિશે ઉજ્જ્વળ પ્રકાશમાન જુવે છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુવે છે અને નારદ-સનકાદિક જેવો સુખિયો પણ થાય છે માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement