Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીગઢડા પ્રથમ પ્રકરણ (વચનામૃત ૨૧ થી ૨૫)

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૨૧

સ્વધર્મ વિચાર ભગવત્પ્રસન્નતાનાં સાધન. અક્ષરનાં બે સ્વરૂપ

સંવત : ૧૮૭૬ ના પોષ સુદ ત્રીજ 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા.

સમય : સાંજે

પોશાક : કાળા છેડાનો ખેસ, ધોળો ચોફાળ, ધોળી પાઘ માથે બાંધી હતી. 

શ્રીજી મહારાજ : સર્વે સાંભળો એક વાર્તા કરીએ. જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિષે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશે દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વે પદાર્થને વિષે અરુચિ તથા ભગવાનને વિષે માહાત્મ્યે સહિત એવી નિષ્કામ ભક્તિ, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશે પ્રસન્નતા થાય છે અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતાં-પીતાં, નાતાં-ધોતાં, ચાલતાં-બેઠતાં સર્વક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું અને જ્યારે અંતરમાં કાંઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતવન કરવું તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઈન્દ્રિયો, અંત:કરણ, દેવતા, વિષય એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહિ અને દેહના જે સંબંધી તેને પોતાનાં સંબંધી માનવાં નહિ; કેમ કે આ જીવ છે તે ચોરાશી લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા આદિક જગતમાં જેટલી કુતરીઓ, જેટલી મીનડીઓ, જેટલી વાનરીઓ એ આદિક જે જે ચોરાશીમાં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે અને આ જગતમાં જેટલી જાતની સ્રીઓ છે, તેમાં કઈ એણે સ્ત્રી નથી કરી ? સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે તેટલા માટે જેમ એ ચોરાશી લાખ જાતના સગપણને હમણે માનતા નથી તથા ચોરાશી લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહિ અને આ દેહના સંબંધીને પોતાનાં સંબંધી માનવાં નહિ, કેમ જે ચોરાશી લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહિ તો આ દેહનો સંબંધ પણ નહિ જ રહે. તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઈન્દ્રિયો, અંત:કરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું અતિશે માહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની અને પ્રાકૃત મતિવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે, તો પણ એને પશુ જેવો જાણવો અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે, તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય ? પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને, અર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. 

અક્ષરનાં બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધમ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે અને એ અક્ષરધામને વિષે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ તે સદા વિરાજમાન છે અને એ અક્ષરધામને વિષે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટિ મુક્ત રહ્યા છે તે સર્વે પુરુષોત્તમના દાસભાવે વરતે છે અને પુરુષોત્તમનારાયણ તે સર્વેના સ્વામી છે તે અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, માટે આપણા સત્સંગી સર્વેને તો એમજ નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હાજર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશે માહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજાં જે સ્ત્રીધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છ તેજ ટાળી નાખવી અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે તે તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિયો દેખાય તો તે ભગવાનને મુકીને તે સિદ્ધિયોમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય, માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. 

વચનામૃત ૨૨

સર્વ ક્રિયામાં ભગવાનની સ્મૃતિ રાખવી

સંવત : ૧૮૭૬ ના પોષ સુદ ચોથ 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બારણે ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. 

સમય : મધ્યાહ્ર 

પોશાક : શ્વેત વસ્ત્ર, પાઘને વિષે ફુલનો તોરો, બે કાન ઉપર પુષ્પના ગુચ્છ, કંઠમાં ગુલદાવદિના પુષ્પનો હાર પહેર્યો હતો.

શ્રીજી મહારાજ : સાંભળો એક વાત કરીએ. મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઈત્યાદિક વાજીંત્ર વજાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજીંત્ર વગાડે છે પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનનાં કીર્તન ગાવવાં તથા નામ રટણ કરવું તથા નારાયણ ધુન્ય કરવી ઈત્યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભારીને જ કરવું અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિષે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઊઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે, તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહિ. માટે હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં સર્વ ક્રિયાને વિષે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થાય અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. હવે કીર્તન ગાઓ.

વચનામૃત ૨૩

સ્થિતપ્રજ્ઞ કોણ કહેવાય. તે વિના શિવ જેવાને પણ વિધ્ન થાય

સંવત : ૧૮૭૬ ના પોષ સુદ પંચમી 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીને ઢોલિયા ઉપર વિરાજ્યા હતા. 

સમય : સવારે 

પોશાક : માથે ધોળો ફેંટો, ધોળું અંગરખું, ધોળો સુરવાળ તથા કેડ્યે કસુંબલ શેલું બાંધ્યું હતું.

શ્રીજી મહારાજ : ''વાસુદેવમાહાત્મ્ય'' નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે; કેમ જે, ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે એ ગ્રંથમાં કહી છે અને ભગવાનના જે ભક્ત તે બે પ્રકારના છે. તેમાં એકને ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે પણ તે દેહાત્મબુદ્ધિ સોતો ભગવાનનું ભજન કરે છે અને બીજો તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ, તેથી પર ને ચૈતન્યરૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે, પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભાળે ને તે પ્રકાશને વિષે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશે પ્રકાશે યુક્ત ભાસે, એવી રીતની સ્થિતિવાળો હોય અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે, તો પણ તેને માથે વિઘ્ન છે અને જો એવી સ્થિતિમાં શિવજી નો'તા વર્તતા તો મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા અને એવી સ્થિતિમાં બ્ર્હ્મા નો'તા વર્તતા તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા અને એવી સ્થિતિમાં નારદજી નો'તા વર્તતા તો પરણ્યાનું મન થયું અને ઈન્દ્ર તથા ચંદ્રાદિક તેમને જો એવી સ્થિતિ નો'તિ તો કલંક લાગ્યાં અને ભગવાનનો ભક્ત હોય પણ જો એવી સ્થિતિને ન પામ્યો હોય, તો ભગવાનને વિષે પણ પ્રાકૃત ભાવ પરઠાઈ જાય છે. જેમ રાજા પરીક્ષિત એવો ભક્ત નો'તો તો રાસક્રીડા સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે સંશય થયો અને શુકજી જો એવા ભક્ત હતા તો તેને કોઈ જાતનો સંશય થયો જ નહિ અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, મારે વિષે કોઈ દોષ અડી શકે નહિ તથા તે દોષ કાંઈ બાધ કરી શકે નહિ, તો જેને ભજને કરીને હું આવો થયો એવા જે ભગવાન તેને વિષે તો કોઈ માયિક દોષ હોય જ કેમ ? એમ દ્રઢપણે સમજે છે અને એવો જે ભગવાનનો ભક્ત તે ભગવાનની મૂર્તિને વિષે જ્યારે વૃત્તિને રાખે છે ત્યારે તે વૃત્તિના બે વિભાગ થાય છે, તેમાં એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રહે છે અને બીજી તો જે ભજનનો કરનારો તેમાં રહે છે અને ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે તે પ્રેમે યુક્ત રહે છે અને ભજનના કરનારામાં જે વૃત્તિ રહે છે તેતો વિચારે યુક્ત રહે છે અને તે વૃત્તિ જે તે ભજનના કરનારાને વિષે ભગવાનના ભજન વિના બીજા જે જે ઘાટ સંકલ્પ થાય છે તે સર્વેને ખોટા કરી નાખે છે. એવી રીતે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે અને ઘડીક તો એકાગ્ર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે ને ઘડીકમાં તો ચાળા ચૂંથતો ફરે તેને તો એવી સ્થિતિ થતી નથી. જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ, પછી વળી બીજે દિવસે અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહિ, કાંજે આગલા દિવસનું જળ આગલે દિવસ સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલે દિવસ સુકાઈ જાય અને જો આંગળી જેવી નાનીજ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટા પાણીનો ધરો ભરાઈ જાય, તેમ ખાતાં, પીતાં, હાલતાં, ચાલતાં તથા શુભ ક્રિયાને વિષે તથા અશુભ ક્રિયાને વિષે સર્વકાળે ભગવાનનાં અખંડ વૃત્તિ રાખવી. પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતાં રાખતાં એવી દ્રઢ સ્થિતિ થાય છે. 

વચનામૃત ૨૪

જ્ઞાનની સ્થિતિ ને માહાત્મ્યરૂપ ખટાઈ વિષે

સંવત : ૧૮૭૬ ના પોષ સુદ છઠ્ઠ 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર

સમય : સંધ્યા સમે 

પોશાક : માથે ધોળો ફેંટો, ધોળો ખેસ, ગરમ પોસની રાતી ડગલી, ધોળો ચોફાળ ઓઢ્યો હતો. 

શ્રીજી મહારાજ : જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિપુરુષથી પર છે અને એ જ્ઞાનને વિષે સ્થિતિ થાય છે. ત્યારે પ્રકૃતિપુરુષ ને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાઈએ નજરમાં આવતું નથી અને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે પણ બીજો કોઈ આકાર રહેતો નથી અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહિ, એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય; એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે, તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે અને તેટલો જ તેને પ્રણવ ને નાદ સંભળાય છે અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. જેમ લિબુની એક ચિર ચૂશી હોય તો થોડા થોડા દાંત અંબાય પણ હળવા હળવા ચણા ચવાય ખરા ને જો આખું લીંબુ ચુશ્યું હોય તો ચણા ચવાય નહિ ને મગનો દાણો પરાણે પરાણે ચવાય અને જો ઘણા લીંબુ ચૂંશ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહિં. તેમ ભગવાનનો નિશ્ચય અને માહાત્મ્યરુપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંત:કરણ ને દશ ઈન્દ્રિયોરૂપ જે દાઢો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે એ જીવ મનરૂપ પોતાની દાઢે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી, તેમજ ચિત્તરૂપ પોતાની દાઢે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થતો નથી, તેમજ બુદ્ધિરૂપ પોતાની દાઢે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી, તેમજ અહંકારરૂપ પોતાની દાઢે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી, તેમજ પંચ જ્ઞાન ઈન્દ્રિયો ને પંચ કર્મ ઈન્દ્રિયો રૂપ જે દાઢો છે, તે દાઢે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેના ઈન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતાં નથી અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિષે જે અલ્પ મતિવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિષે તો એકે દોષ નથી પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહિ. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે ને ભગવાનને ઇર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઇર્ષ્યાવાન થઈ જાય છે, એ આદિક જે જે દોષ ભગવાનને વિષે કલ્પે છે તે તો જેમ "સૂર્ય સામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે" તેમ ભગવાનને વિષે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે અને પોતાના ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશે નિર્દોષ સમજે તો પોતે પણ અતિશે નિર્દોષ થઈ જાય છે. 

બ્રહ્માનંદ સ્વામી : કોઈ વિષયમાં પણ પોતાના ઈન્દ્રિયો તાણાતાં ન હોય ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે ?

શ્રીજી મહારાજ : એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે તોય પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી જે, હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિષે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાતદિવસ બળે છે અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ, ક્રોધાદિક સર્વે વિકારથી રહિત કર્યો છે અને નારદ, સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે, માટે મારું મોટું ભાગ્ય છે. એવો વિચાર નથી કરતો ને આઠો પહોર અતિશે આનંદમાં નથી વર્તાતો એ મોટી ખોટ છે જેમ "બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય તેનું તેને માહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી" તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેફ રહેતો નથી જે "મારું પૂર્ણકામપણું થયું છે" એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે, અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે "આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે" એમ સમજીને તેનો પણ અતિશે ગુણ લેવો. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. 

વચનામૃત ૨૫

આત્મનિષ્ઠા ને પ્રત્યક્ષ પ્રભુના જ્ઞાને કરી પૂર્ણ કામ થવું

સંવત : ૧૮૭૬ ના પોષ સુદ સપ્તમી

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા હતા ને આથમણે પરથારે ઉગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા.

સમય : પ્રભાત સમે

પોશાક : ધોળો ખેશ, ધોળો ચોફાળ, ધોળો ફેંટો બાંધ્યો હતો.

શ્રીજી મહારાજ : સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બે વાનાં તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા અને એ બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી, તે તેને તેજ અતિશે દેખાણું તે તેજને જોઈને ચીસ પાડવા માંડી ને કહ્યું જે "હું બળુ છું" માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચ્યપ રહી જાય છે અને અમે તે હરિભક્તને સમજાવ્યું જે 'તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી ને આ લાડકીબાઈ નામ અને ભાટનો દેહ તે તું નથી અને અછેધ, અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે.' પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું જે, "ગણપતિને સ્થાનકે ચાર પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો" અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિષે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઉંચા ઉંચા સ્થાનકને વિષે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશે નાદ થાય છે ને કડાકા અતિશય થાય છે તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહા શૂરવીર હતા તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહિ, માટે એમ બોલ્યા જે "હે મહારાજ ! આ રૂપ જોવાને હું સમર્થ નથી માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો" એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિષે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી તે સારુ દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે એકતો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિષે વૃત્તિ જોડાય અને તે ભગવાનને વિષે વૃત્તિ ક્યારે જોડાય તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીશ કોશ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહિ અને તે વિશે કોશનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહિ. તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે અને જેને ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમજ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે સ્પર્શ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમજ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતનાં જે રૂપ તેને વિષે ફેલાઈ જાય છે, તેમજ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે, તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે, તેમજ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયને વિષે હજારો પ્રકારે ફેલાઈ જાય છે. એવી રીતે દશે ઈન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે, તે જ્યારે ચિત્ત તે ભગવાનનું જ ચિંતવન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે "હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું" એવું જ અભિમાન ધરે ત્યારે તેની એક વાસના થઈ જાણવી અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગયોગે કરીને થાય છે, તે અષ્ટાંગયોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર , ધારણા, ધ્યાન અને સમાધિ એ જે આઠ અંગ તેણે યુક્ત છે અને અષ્ટાંગયોગ તે સાધનરૂપ છે ને એનું ફળ તે ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણને નિરોધ એ કરીને ચિત્તનો નિરોધ થાય છે અને જો ચિત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય છે તો તે ચિત્તને નિરોધ એ કરીને પ્રાણનો નિરોધ થાય છે માટે જેમ અષ્ટાંગયોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે તેમ ભગવાનના સ્વરૂપને વિષે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો, માટે અમે કયા જે આત્મનિષ્ઠા અને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવા અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા, જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું, ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઈ દિવસ શૂદ્રના ઘરનું પાણી પીવે જ નહિ, તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહિ, કેમજે એ ભગવાનની માહાત્મ્ય જ્ઞાન તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ બેની અતિશે દ્રઢતા રાખવી અને પોતાને વિષે પૂર્ણકામપણું સમજવું જે,"હવે મારે ક્યાંઈ ન્યૂનતા રહી નથી." એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહિ અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહિ અને જો પોતાને અકૃતાર્થપણું માને તો એની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારાપાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું જ નહિ અને જો છકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું, માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહિ.

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement