Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીસારંગપુર પ્રકરણ (વચનામૃત ૧૧ થી ૧૫)

        ॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૧૧

પુરુષપ્રયત્ન ને ભગવદ્દકૃપા, ખબરદારની કસર આ દેહે જ ટળી જાય છે.

સંવત : ૧૮૭૭ ના શ્રાવણ વદ અમાસ 

સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર 

મુક્તાનંદ સ્વામી : પુરુષપ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષપ્રયત્ને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે?

શ્રીજી મહારાજ : સદ્દગુરુ ને સત્ શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિષે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય તો તેને માથેથી જન્મમરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઉતર્યું તે શાળ પાછી ઉગે નહિ, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મમરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે, આટલું તો પુરુષપ્રયત્ને કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપરજ થાય છે અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે અને શ્રુતિએ કહ્યું છે જે "निरंजनः परमं साम्यमुपैति ।" એ શ્રુતિનો એ અર્થ છે જે, અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે. કહેતા જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહિ અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખાં રહ્યાં થકા ભગવાનની સેવામાં રહે છે, તેમ તે ભક્ત પણ અતિ હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે, આવી રીતની જે સામર્થિ તે તો ભગવાનની કૃપા થકી આવે છે. 

નિત્યાનંદ સ્વામી : જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી કાંઈક ન્યુનતા હોય તો તેની શી ગતિ થાય છે? 

શ્રીજી મહારાજ : વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસાધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈક અંગમાં ન્યુનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે તેને પામે અથવા વધુ સવાસનીક હોય તો દેવલોકને પામે, જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષધર્મને વિષે નરકતુલ્ય કહ્યા છે અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય અને "अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ।" એ શ્લોકનો પણ એજ અર્થ છે જે, જે ભગવાનનો ભક્ત સવાસનીક હોય તે નરકચોરાસીમાં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે પછી જ્યારે પૂર્વે કહ્યા એવા વૈરાગ્યદિક લક્ષણે યુક્ત થાય ત્યારેજ ભગવાનની કૃપાનું પાત્ર થાય અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે, માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારેજ ભગવાનની કૃપાનું પાત્ર થશે ને આત્યંતિક મોક્ષને પામશે પણ તે વિના તો નહિજ પામે. 

નૃસિંહાનંદ સ્વામી : આ દેહે કરીનેજ સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે?

શ્રીજી મહારાજ : જો ખબડદાર થઈને મંડે તો આને આ દેહેજ સર્વે કસર મટી જાય અથવા દેહપર્યત કસર ન મટી હોય અને અંત સમેજ નિર્વાસનિક થાય ને ભગવાનને વિષે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે, માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમે એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિષે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. 

વચનામૃત ૧૨

આત્મનિષ્ઠા, સ્વધર્મ ને સ્વરૂપનિશ્ચય સંતમાં અખંડ રહે છે, આત્મ વિચાર.

સંવત : ૧૮૭૭ ના ભાદરવા સુદ એકમ 

સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર 

નિર્વિકારાનંદ સ્વામી : સાધુને વિષે કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવે જાય એવા છે?

શ્રીજી મહારાજ : એક તો આત્મનિષ્ઠા અને બીજો સ્વધર્મ અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ ત્રણ ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા ને પાછા જાય પણ ખરા, માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે છે અને એ ત્રણ ગુણ તો અખંડ રહે છે.

મુક્તાનંદ સ્વામી : દેહની ને આત્માની નોખી વિક્તિ સમજાણી હોય તોય પણ તે વિક્તિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે? 

શ્રીજી મહારાજ : દેહ અને આત્માની વિક્તિ એકવાર ચોખી સમજાણી હોય તો પછી પાછી ભુલાય નહિ અને એમ માને જે, 'હું દેહ છું તો પણ દેહ પોતાનું રૂપ મનાયજ નહિ અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહિ અને એમ જણાય છે જે આત્મબુદ્ધિ મટીને દેહબુદ્ધિ આવી જાય છે એતો ખોટો ખોટો મનમાં ભ્રમ પડે છે, પણ દેહાભિમાન તો આવતું જ નથી અને એવો જે પરિપક્વજ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે અને તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ ને અખંડ રહે છે.

સ્વયંપ્રકાશાનંદ સ્વામી : પોતાના આત્માનો વિચાર કેમ કરવો?

શ્રીજી મહારાજ : જ્યારે અંતઃકરણ સામું દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બાહેર જે સ્થૂલ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વિસરી જાય છે અને અંતઃકરણ ને દ્રષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સર્વેના રૂપને જાણવા. પછી વિચારની દ્રષ્ટિએ એ અંતઃકરણના ઘાટ સામું જોતા જોતા જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું, પણ ધ્યાન ન કરવું અને જે બાહેર સ્થૂલ દેહને વિષે પંચ જ્ઞાન ઈન્દ્રિયો છે તે જ્યારે પોતપોતાના વિષય સામા જાય છે ત્યારે વિચારને બે પ્રકારે કરવો, એક તો જે વિષયને આકારે ઈન્દ્રિયો થયાં હોય તે વિષયને આકારે વિચાર કરવો અને બીજો તે ઇન્દ્રિયોના ગોલોકને વિષે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાને આકારે વિચાર કરવો, પછી વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે એ બે પ્રકારે જે વિચાર છે તે એક થઈ જાય છે, પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશે તૂટી જાય છે અને એમ વિચાર્યા વિના જો બળાત્કારે કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિને વિષયમાંથી પ્રીતિ મટે નહિ અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહિ.

માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિષયસન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહિ ને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું અને જ્યારે બાહેર સ્થૂલ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખો વિભાગ કરી રાખવો જે, જ્યારે સ્થૂલ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવું જ નહિ અને જ્યારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂલ દેહને વિસારી દેવું અને દ્રષ્ટાને ને દ્રશ્યને મધ્યે જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે દ્રષ્ટા ને દ્રશ્ય તે અતિશે જુદા જ છે' એમ સમજીને દેહના ભાવ તે દેહને વિષે હોમવા અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિષે હોમવા અને બાળ, યૌવન, વૃદ્ધ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે તે આત્માને વિષે માનવા જ નહિ અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે તે કોઈ કાળે દેહને વિષે સમજવા જ નહિ એ ગુણ તો આત્માને વિષે સમજવા. એવો જે વિચાર તે જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મુકવો નહિ. જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહિ અને જ્યારે શત્રુ માત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે. તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મન ને ઇન્દ્રિયોરૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કહ્યો એવો જે વિચાર તે દ્રઢપણે રાખવો અને જ્યારે મન ઇન્દ્રિયોના ઘાટ સર્વે શમી જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું. 

વચનામૃત ૧૩

શાસ્ત્રે કરીને થયેલ ભગવાનનો અડગ નિશ્ચય તે કોઈ રીતે ટળતો નથી.

સંવત : ૧૮૭૭ ના ભાદરવા સુદ બીજ 

સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર 

મુક્તાનંદ સ્વામી  : જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે, તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો?

સ્વયંપ્રકાશાનંદ સ્વામી : જેને પોતાના જીવાત્માને વિષે નિશ્ચય થયો હોય તે તો કોઈ રીતે ટળે નહિ અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે.

શ્રીજી મહારાજ : શાસ્ત્રને વિષે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કર્તાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાત છે, માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે, જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો? એ પ્રશ્નનો ઉત્તર કરો.

મુનિ : શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી, માટે હે મહારાજ! એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે?

શ્રીજી મહારાજ : જેને ભગવાનનો નિશ્ચય થાય છે, તેને શાસ્ત્રે કરીને જ થાય છે, કાં જે શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કહ્યા હોય અને સંતના પણ કહ્યા હોય, માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તેજ અચળ રહે છે અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિષે પણ મા, બેન, દીકરી અને સ્ત્રી તેની વિગતી રૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે. તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. કેમ જે શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તી છે. માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે. તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિજ નથી એતો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહિ કાં જે શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનના ચરિત્ર છે માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બારણે હોય જ નહિ, માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે અને કલ્યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહિ. 

વચનામૃત ૧૪

ધામમાંથી ભગવદિચ્છા વિના કોઈ પડે નહિ, પ્રમાદ ને મોહરૂપ શત્રુ ટાળવા.

સંવત : ૧૮૭૭ ના ભાદરવા સુદ ત્રીજ 

સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : કાળા છેડાનો શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પાઘમાં પીળા પુષ્પના છોગા ધારણ કર્યા હતા અને કંઠને વિષે પીળા પુષ્પનો હાર નાભિ સુધી હિંડળતો વિરાજમાન હતો અને આથમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા. 

સ્વયંપ્રકાશાનંદ સ્વામી : ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી, એમ ભગવાને ગીતામાં કહ્યું છે અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે?

શ્રીજી મહારાજ : કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો?

સ્વયંપ્રકાશાનંદ સ્વામી : એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી ને શ્રીદામાં પડ્યા.

શ્રીજી મહારાજ : જય વિજય પડ્યા એતો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા જે, 'સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એતો ભગવાનની ઇચ્છાએ થયું અને પડ્યો તો તે કહેવાય જે જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્યદેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા. માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય, તે સારું ભગવાનની જ ઇચ્છાએ જે ગોકોળથી પૃથ્વીને વિષે આવ્યાં, એ તે કાંઈ પડ્યાં ન કહેવાય, એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી, તે ભગવાનની ઇચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે અને જડ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય, કેમ જે ભગવાન તો અતિ સમર્થ છે તે જેમ કરે તેમ થાય પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહિ અને જે પડે છે, તે તો આધુનિક ભક્ત હોય, તે સાધનકાળમાંથી જ પડે છે તે તો યોગભ્રષ્ટ કહેવાય પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય તે તો જેવા શ્વેતદ્રીપને વિષે મુક્ત છે તે સરખા છે તે તો કોઈ કાળે પડતા નથી. લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ.

મુનિ : પૂછો. 

શ્રીજી મહારાજ : મહાભારતના ઉદ્યોગપર્વને વિષે સનત્સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે, એક તો પ્રમાદ અને બીજો મોહ એ બેયનો જે ત્યાગ કરે તો તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે. માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ ને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો નહિ રાખતો હોય તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે એ પ્રશ્ન છે?

સ્વયંપ્રકાશાનંદ સ્વામી : જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું માહાત્મ્ય અતિશે વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ ઝાઝી ચિંતા રાખે નહિ. 

શ્રીજી મહારાજ : ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે? અને જે ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે?

સ્વયંપ્રકાશાનંદ સ્વામી : ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે માટે એ વિશેષ જ છે તો.

શ્રીજી મહારાજ : જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે, તેને તો તમે શ્રેષ્ઠ કહો છો, જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશે મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહિ અને તેને એમ મનમાં બીક રહે જે જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારિણી જાણશે તો મારી સેવા અંગીકાર નહિ કરે એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે એવું જાણીને મનમાં ખટકો રાખે છે, તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને ને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ બતાવો છો અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો, એ તે શું તમારી એવી અવળી સમજણ છે, કે કેમ છે? અને જે ગાફ્લાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે તો તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહિ રહે. જેમ મદિરા પીવે તથા ભાંગ્ય પીવે તો જેમ વિમુખને કેફ ચડે છે તેમ જ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય, તેમ મદિરા ને ભાંગ્યરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમજ ભગવાનના ભક્તને પણ નડે અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો જ ફેર છે જે, વિમુખને એ બે શત્રુ ટળે નહિ અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય એટલો ભગવાનના ભક્તને વિશેષ છે અને જે ગાફ્લાઈ રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહિ.

શ્રીજી મહારાજ : સ્થૂલ શરીર તે કેટલા તત્ત્વનું છે? અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્ત્વનું છે? અને સ્થૂલ દેહમાં ને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્ત્વ છે, કે કાંઈ ઓછાં અધિક છે? એ બે શરીરનું રૂપ કરો.

મુનિ : હે મહારાજ! એનો ઉત્તર તમે કૃપા કરીને કરો.

શ્રીજી મહારાજ : સ્થૂલ દેહ છે તે તો પૃથ્વી આદિ પંચમહાભૂત નામે જે પાંચ તત્ત્વ તેનું છે અને સૂક્ષ્મ દેહ છે તેતો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેદ્રિયો પંચ પ્રાણ અને ચાર અંતઃકરણ એ નામે જે ઓગણીસ તત્ત્વ તેનું છે અને તે સ્થૂલ દેહને વિષે પણ જ્યારે સૂક્ષ્મ દેહ અનુસ્યુતપણે વર્તે છે ત્યારે જ સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે પણ તે વિના થતી નથી, કેમ જે કાન, નેત્ર આદિક જે ઇન્દ્રિયોના ગોલક તેમણે યુક્ત એવો જે સ્થૂલ દેહ તેને વિષે તે તે ઇન્દ્રિયાદીકે યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ તે ભળે છે તેણે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે પણ કેવળ સ્થૂલ દેહના ગોલકે કરીને થતું નથી તે માટે પંચ તત્ત્વનું જે સ્થૂલ દેહ તેને વિષે ઓગણીસ તત્ત્વનું જે સૂક્ષ્મ દેહ તે અનુસ્યુતપણે રહ્યું છે તે સારું સ્થૂલ દેહને વિષે પણ ચોવીશ તત્ત્વ છે અને તેમજ સૂક્ષ્મ દેહને વિષે પણ પંચ તત્ત્વનું જે સ્થૂલ દેહ તે એક્ત્વપણે વર્તે છે ત્યારે જ સૂક્ષ્મ દેહના ભોગ સિદ્ધ થાય છે અને સૂક્ષ્મ દેહ ઓગણીસ તત્ત્વનું છે તેને વિષે પંચ તત્ત્વનું સ્થૂલ દેહ ભળે છે માટે સૂક્ષ્મ દેહ પણ ચોવીશ તત્ત્વનું છે અને જો સૂક્ષ્મ દેહમાં સ્થૂલ દેહ છે તો સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે તેનો સ્થૂલ દેહમાં વીર્યપાત થઈ જાય છે. માટે સ્થૂલ દેહને સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાને વિષે ને સ્વપ્ન અવસ્થાને વિષે એકતા છે.

મુનિ : હે મહારાજ! આ તો જેવું સ્થૂલ દેહ છે તેવું જ સૂક્ષ્મ દેહ થયું ત્યારે જેમ સ્થૂલ દેહમાં કર્મ લાગે છે તેમજ સૂક્ષ્મ દેહમાં લાગે છે, કે કાંઈ ફેર છે?

શ્રીજી મહારાજ : સ્થૂલ દેહને વિષે જેવી દ્રઢ પોતાપણાની માનીનતા છે તેવીજ જો સૂક્ષ્મ દેહને વિષે માનીનતા હોય તો જેવું સ્થૂલ દેહમાં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મ દેહમાં પણ લાગે અને જે સૂક્ષ્મ દેહના કર્મને અલ્પ કહ્યા છે તે તો જીવને હિંમત દેવા સારું છે અને જેને સ્થૂલ દેહને કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી, કેમ જે એતો કેવળ આત્મ સત્તારૂપે જ વર્તે છે. માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂલ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહિ અને તે આ દેહે કરીને અશુભ કર્મને તો કરે જ નહિ અને પ્રારબ્ધ અનુસારે જે સુખદુઃખ આવે, તેને ભોગવે અને ભોગવતો થકો એમ માને જે 'હું એનો ભોક્તા નથી, હું તો આત્મા છું' અને જે અજ્ઞાની, દેહાભિમાની હોય તેને તો સ્થૂલ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે અને તે કર્મ પ્રમાણે સુખદુઃખને પણ ભોગવે છે કેમ જે, જે અજ્ઞાની છે તે જેજે વિષયને ભોગવે તે ભોગવતો થકો પોતાને દેહરૂપી માનીને એમ માને જે, 'હું વિષયનો ભોક્તા છું.' પછી જ્યારે અંતસમો આવે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમનાદૂત દેખાય ને દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્છા અવસ્થા આવે છે, પછી તે પમનાદૂત દેહને મુકાવીને જીવને જુદો કરે છે ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે, પછી તે દેહે કરીને યમપુરીના કષ્ટને ભોગવે છે અને જ્ઞાની એવો જે ભગવાનનો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે ને એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્છા અવસ્થા આવે છે. પછી એ દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતી તનુ આપે છે ને તે દેહે કરીને એ ભગવાનના ધામને વિષે રહે છે. 

વચનામૃત ૧૫

આત્મનિષ્ઠાને વૈરાગ્ય વિનાનો પ્રેમી ભક્ત ન્યૂન છે, મુગ્ધા મધ્યા ને પ્રૌઠાના ભેદ.

સંવત : ૧૮૭૭ ના ભાદરવા સુદ ચોથ 

સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર 

શ્રીજી મહારાજ : લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે, "બે પ્રકારના ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાનને વિષે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બાહેર પણ ઘણો દીઠામાં આવે છે અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિષે પ્રીતિ પણ છે તો પણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી અને પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બેય નથી તો પણ એની ભક્તિ અતિશે શોભે છે અને આત્મનિષ્ઠા ને વૈરાગ્યે યુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવી શોભતી નથી, એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે? ને કેની ભક્તિ કનિષ્ઠ છે? એ પ્રશ્ન છે."

સ્વયંપ્રકાશાનંદ સ્વામી : આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશે પ્રેમ છે તેજ સરસ છે.

શ્રીજી મહારાજ : જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો? કેમ જે એ તો દેહાભિમાની છે માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચવિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે, પછી ભગવાનને વિષે એવી પ્રીતિ નહિ રહે તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો?

સ્વયંપ્રકાશાનંદ સ્વામી : જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી, અમે તો ગોપીયો જેવા ભક્ત હોય તેને કહીએ છીએ.

શ્રીજી મહારાજ : ગોપીયો કાંઈ ભોળિયો નહોતી, એતો આત્મનિષ્ઠા ને વૈરાગ્યે યુક્ત હોય તેની સમજણે ઉલ્લંઘી જાય એવી ડાહીયો હતી, જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીયુને બોલ્યાંમાં ડહાપણ હતું અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી અને સર્વે યાદવમાં અતિશે ડાહ્યા ને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી તે ગોપીયોની સમજણ જોઈને ગદગદ કંઠ થઈ ગયા અને તે ઉદ્ધવજી એમ બોલ્યા જે, 'ગોપીયો પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો તે તો ભગવાને મારી ઉપર અતિશે અનુગ્રહ કર્યો.' અને પોતે ગોપીયોને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીયુના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો અને તમે કહેશો જે, 'ગોપીયો તો એવી બુદ્ધિમાન નહોતી' તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા, તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે જે 'અમે તમારે અર્થે કરી કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી અને એમ કરતાં જો વધુ છેડે તો ભગવાન સાથે રિસ કરે અને તોછડાં તોછડાં વચન બોલે જે 'જાણીએ જે હમણાં વિમુખ થઈ જશે એવી જાતના જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી અને જે મધ્યા હોય તેતો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે અને ડહાપણે કરીને યુક્તિ યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવા દે નહિ અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહિ અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે, એવા જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી અને જે પ્રૌઢા હોય તેતો કેવળ ભગવાનના ગમતા પ્રમાણેજ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહિ અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતેજ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપીયો હોય તે ઉપર ઈર્ષ્યા, ક્રોધ કરેજ નહિ અને માન મત્સર આદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન, કર્મ, વચને કરીને કોઈ કાળે કરે નહિ, એવાં જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એવા ગોપીયોના ભેદ છે, માટે ગોપીયુની સમજણમાં તો અતિશે વિવેક હતો તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહિ અને ગોપીયો તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહેજે એના હૈયામાં વર્તતા હતા, માટે એ ગોપીયોને વિષે તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના માહાત્મ્યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા.

એવા ભક્તની રીત તો આમ છે જે, 'શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ જે પંચ વિષય તે ભગવાન સંબંધીજ ઈચ્છે પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહિ અને ભગવાનને વિષે એ પંચ વિષયે કરીને જે અતિશે હેત તે હેતે કરીને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહિ.' અને જેમ વર્ષાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણના જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈએ ભાસે નહિ અને જ્યારે વર્ષાદ વરસે, ત્યારે એટલા તૃણ ઉગે જે પૃથ્વી જ દેખાય નહિ, તેમ જે આત્મનિષ્ઠા ને વૈરાગ્યે કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે ને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ નહિ રહે ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એ જે વૈરાગ્ય ને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે, 'મારે ભગવાનમાં લેશ માત્ર પ્રીતિ નથી,' માટે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તેતો અતિશે ન્યૂન છે અને જેને આત્મનિષ્ઠા છે, વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે તેતો એમ જાણે છે જે, 'મારા જીવાત્માને વિષે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે' એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન, સ્પર્શદીકને વિષે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે તો પણ એની પ્રીતિના મૂળ ઊંડા છે તે કોઈ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી, માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement