॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
વચનામૃત ૬
એક અવસ્થામાં બબે અવસ્થા અને ચારવાણીના સ્વરૂપ.
સંવત : ૧૮૭૭ ના શ્રાવણ વદ દશમી
સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : સર્વે શ્વેત વસ્ત્ર
નિત્યાનંદ સ્વામી : એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે?
શ્રીજી મહારાજ : આ જીવાત્મા જે તે 'જેને વિષે રહીને વિષય ભોગને ભોગવે છે' તેને અવસ્થા કહીએ, તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે, તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્ત્વગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિષે રહી છે એવી જે જાગ્રત અવસ્થા તેને વિષે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળદેહના અભિમાને સહિત થકો દશ ઈન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મને અનુસારે બાહ્મ શબ્દાદીક પંચ વિષયના ભોગને ભોગવે છે, તેને સત્ત્વગુણપ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ અને એ જાગ્રતને વિષે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્મ વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિષે સ્વપ્ન કહીએ અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિષે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો બાહ્મ વિષયભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સુષુપ્તિ કહીએ અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્યગર્ભની જે ઉપત્તિ અવસ્થા તેનું કાર્ય છે, ને રજોગુણાત્મક છે, ને કંઠ સ્થાનકને વિષે રહી છે એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિષે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો ઈન્દ્રિયો અંતઃકરણે કરીને પૂર્વકર્મને અનુસારે સુખદુઃખરૂપ વાસનામય ભોગને ભોગવે છે, તેને રજોગુણપ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ અને એ સ્વપ્નને વિષે એ જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે ત્યારે તેને સ્વપ્નને વિષે જાગ્રત અવસ્થા કહીએ અને એ સ્વપ્નને વિષે જણાણા જે વાસનામય ભોગ તેમને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિષે સુષુપ્તિ કહીએ અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિષે રહી છે, એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઈન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષય ભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિષે લીન થઈ જાય છે અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું પ્રધાન પુરુષરૂપ સગુણ બ્રહ્મના સુખલેશને વિષે અતિશે લીનપણું થઈ જાય છે તેને તમોગુણપ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ અને એ સુષુપ્તિને વિષે કર્મ સંસ્કારે કરીને કર્તાવૃત્તિનું જે ઉત્તપન્ન થવું તેને સુષુપ્તિને વિષે સ્વપ્ન કહીએ અને જાગ્રત ને સ્વપ્નને વિષે જે પીડા તેના તાપ થકી તે સુષુપ્તિના સુખને વિષે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિષે જાગ્રત કહીએ, એવી રીતે એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ રહી છે અને એ જે અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે અને વળી તે તે અવસ્થાને વિષે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને તુર્ય પદ કહે છે, અંતર્યામી કહે છે, દ્રષ્ટા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે.
નિત્યાનંદ સ્વામી : પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ જે ચાર વાણી તેને કેમ સમજવી?
શ્રીજી મહારાજ : એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશે સૂક્ષ્મ છે અને શ્રીમદ્ભાગવતના એકાદશ સ્કંધને વિષે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો જે, પ્રથમ ઉપત્તિકાળને વિષે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજપુરુષના મસ્તકને વિષે રહ્યું છે જે સહસ્ત્રદળનું કમળ તેને વિષે પ્રવેશ કરીને અક્ષરબ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા. પછી તે નાદ જે તે સુષુમ્ણા માર્ગે કરીને તે વિરાટ પુરુષના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો ત્યાંથી ઉંચો વૃદ્ધિને પામતો હવો તેણે કરીને તે વિરાટપુરુષનું જે નાભિપદ્મ તે અધોમુખ હતું તે ઉર્ધ્વમુખ થતું હવું, એવી રીતે તે વિરાટપુરુષના નાભિકંદને વિષે જે નાદ થયો તેને પરાવાણી કહીએ અને તે પરાવાણી જે તે વેદની ઉપત્તિને અર્થે પોતે ભગવાને બીજરૂપે કરીને પ્રકાશી છે ને તેજના પ્રવાહરૂપ છે ને અર્ધમાત્રારૂપ છે, પછી તે પરાવાણી જે તે ત્યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્યંતી નામે થતી હવી ને ત્યાં થકી કંઠદેશને પામીને મધ્યમા નામે થતી હવી ને ત્યાંથી તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી હવી અને અકાર, ઉકાર ને મકાર એ ત્રણ વર્ણરૂપે થઈને પ્રણવરૂપે થતી હવી ને પછી બાવન અક્ષરરૂપે થઈને ચાર વેદરૂપે થતી હવી, એવી રીતે વિરાટ પુરુષને વિષે પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ ચાર વાણી સમજવી.
હવે આ જીવના દેહને વિષે પણ ચાર વાણી કહીએ તે સાંભળો જે, એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિષે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે ને એ જીવની જે ત્રણ અવસ્થા તેને વિષે સ્વતંત્ર થકા અનુસ્યુત છે એવા જે ભગવાન તેજ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે અવતાર ધારે છે ત્યારે એ જીવ જે તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે તથા તે ભગવાનના જે ધામ, ગુણ અને ઐશ્ચર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેનાં ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા અનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક પૃથક કહી દેખાડે એવી જે વાણી તેને પરાવાણી કહીએ અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે તેને વૈખરી વાણી કહીએ અને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે તેને મધ્યમા વાણી કહીએ અને એ પદાર્થને ને વિષયને અંધ ધંધ સરખું કહી દેખાડે ને કાંઈ સમજયામાં ન આવે તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિષે એ ચાર વાણીનું રૂપ સમજયામાં આવે છે અને સ્વપ્ન ને સુષુપ્તિને વિષે તો કોઈક સમાધિવાળાને એ ચાર વાણીના રૂપ સમજયામાં આવે પણ બીજાને સમજયામાં આવતાં નથી.
વચનામૃત ૭
મનોમય ચક્ર ને તેની ધારા તે જે જગ્યાએ કુંઠિત થાય તે નૈમિષારણ્ય ક્ષેત્ર.
સંવત : ૧૮૭૭ ના શ્રાવણ વદ એકાદશી
સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : રાત્રે
પોશાક : શ્વેત વસ્ત્ર
શ્રીજી મહારાજે શ્રીમદ્ભાગવત પુરાણના પ્રથમ સ્કંધની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી જે, "જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિશારણ્યક્ષેત્ર જાણવું."
મુક્તાનંદ સ્વામી : હે મહારાજ! એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી?
શ્રીજી મહારાજ : મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દશ ઈન્દ્રિયો છે એમ જાણવું અને તે ઇન્દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બુઠ્ઠી થઈ જાય તેને નૈમિશારણ્યક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિનદીન પ્રત્યે વૃદ્ધિ પામે એવું જે નૈમિશારણ્યક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું અને જ્યારે મનોમયચક્રની ઈન્દ્રિયોરૂપ જે ધારા તે બુઠ્ઠી થઈ જાય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષયને વિષે પ્રીતિ રહે નહિ અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્રઅલંકારાદીક અતિ સુંદર પદાર્થ દેખાય, ત્યારે મૂળગો તેના મનમાં અતિશે અભાવ આવે પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોંટે નહિ, જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોટાડે તે પદાર્થને વીંધીને માંહી પ્રવેશ કરી જાય છે અને પાછું કાઠયું પણ નિસરે નહિ અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીંતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે પણ જેમ ફળ સોતું ભીંતને વિષે ચોંટી જાય છે તેમ ચોંટે નહિ, તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઈન્દ્રિયો તે બુઠ્ઠીયો થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોટે નહિ અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હઠે, એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું સંતના સમાગમ રૂપી નૈમિશારણ્યક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઇચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું.
વચનામૃત ૮
ઇર્ષ્યાનું કારણ માન છે તેથી કોઈની મોટાઈ ખમાય નહિ.
સંવત : ૧૮૭૭ ના શ્રાવણ વદ દ્વાદશી
સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : શ્વેત વસ્ત્ર
ચૈતન્યાનંદ સ્વામી : હે મહારાજ! ઇર્ષ્યાનું શું રૂપ છે?
શ્રીજી મહારાજ : જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષ્યા પ્રવર્તે છે અને ક્રોધ મત્સર ને અસૂયા તે પણ માનમાંથી પ્રવર્તે છે અને ઇર્ષ્યાનું એ રૂપ છે જે, "પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહિ," એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવું જે આના હૈયામાં ઈર્ષ્યા છે અને યથાર્થ ઇર્ષ્યાવાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહિ.
વચનામૃત ૯
યુગનું કારણ ગુણ, ગુણનું કારણ કર્મ તેને ટાળ્યાનો ઉપાય.
સંવત : ૧૮૭૭ ના શ્રાવણ વદ તેરસ
સ્થળ : શ્રીકુંડળ મધ્યે અમરાપટગરના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : મસ્તકે શ્વેત પાઘ બાંધી હતી ને શ્વેત પછેડી ઓઢી હતી અને ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો.
મુક્તાનંદ સ્વામી : હે મહારાજ! જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે?
શ્રીજી મહારાજ : યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે તે જ્યારે શુદ્ધ સત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સત્યયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે સત્ત્વ અને રજોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે રજોગુણ ને તમોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં દ્વાપરયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કળિયુગની પ્રવૃત્તિ હોય, એમ ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે.
મુક્તાનંદ સ્વામી : ગુણની પ્રવૃત્તિ થયાનો શો હેતુ છે?
શ્રીજી મહારાજ : ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે, તે જેવા પૂર્વ કર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે, માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહિ માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું જે, 'હું તો આત્મા છું તે મારે વિષે માયાકૃત ઉપાધિ હોય નહિ ને હું તો ગુણાતીત છું' અને ભગવાનનો મહિમા એમ વિચારવો જે, 'અજામેલ મહાપાપી હતો ને દીકરાના યોગે નારાયણ એવું નામ લીધું તે સર્વે પાપથી છૂટીને પરમપદને પામ્યો તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાતદિવસ તે ભગવાનનું હું નામ લઉં છું. માટે હું તો કૃતાર્થ થયો છું' એવી રીતે વિચારીને આનંદમાં રહેવું પણ જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહિ અને જેવું બની આવે તેવું ભજનસ્મરણ કરવું ને દેહે કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોતપોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂર્ણકામ માનવું.
મુક્તાનંદ સ્વામી : જેને તામસી કર્મ ઘણાં હોય તેના હૈયામાં કળિયુગ વર્તે તે કોઈ ઉપાયે ટળે કે ન ટળે?
શ્રીજી મહારાજ : જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિષે અતિશે શ્રદ્ધા હોય અને અતિ દ્રઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય અને કળિયુગના ધર્મ મટીને સત્યયુગના ધર્મ હોય તે વર્તે, માટે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહિ અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય.
સ્વયંપ્રકાશાનંદ સ્વામી : સ્થાન તે કેને કહીએ?
શ્રીજી મહારાજ : ચારવર્ણ અને ચાર આશ્રમ તેને જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણવું અને તમે ત્યાગી છો તે તમારાથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગૃહસ્થને માર્ગે ચલાય તો તે સ્થાનક થકી ભ્રષ્ટ થવાણું એમ જાણવું માટે ગમે તેવો આપતકાલ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચળવું નહિ અને જેમ ગૃહસ્થ વસ્ત્ર તથા અલંકારે કરીને અમારી પૂજા કરવાને ઈચ્છે તેમ તમારે ઇચ્છવું નહિ. તમારે તો પત્ર, પુષ્પ, ફળ અને જળે કરીને પૂજા કરવી ને એવી પૂજાએ કરીનેજ આનંદ માનવો પણ પોતાના ધર્મમાંથી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહિ. માટે સર્વેને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી. એ અમારી આજ્ઞા છે તેને દ્રઢ કરીને સર્વે રાખજો.
વચનામૃત ૧૦
ધર્મી અધર્મીનું લક્ષણ, સંત સમાગમ અંતદ્રષ્ટિ બાહ્મદ્રષ્ટિ વિષે.
સંવત : ૧૮૭૭ ના શ્રાવણ વદ ચૌદશ
સ્થળ : શ્રીજી મહારાજ સર્વે સંતનું મંડળ લઈને ગામ કુંડળથી ચાલ્યા તે વાટમાં ગામ ખાંભડે આવ્યા ને ત્યાં પીપરના વૃક્ષ હેઠે ઉતર્યા પછી તે ગામના માણસે ઢોલિયો લાવીને તે ઉપર પધરાવ્યા.
સમય : દિવસે
પોશાક : શ્વેત વસ્ત્ર
શ્રીજી મહારાજ : આ સંસારને વિષે ધર્મવાળા ને અધર્મી એ બે પ્રકારના માણસ છે, તેમાં ધર્મવાળા જે માણસ હોય તે ચોરી તથા પરસ્ત્રીનો સંગ તથા ચાડીચુગલી એ આદિક સર્વે પાપનો ત્યાગ કરીને ને પરમેશ્વરથી ડરીને ધર્મમર્યાદામાં ચાલે છે, તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા કોઈ બીજા હોય પણ તે સર્વે વિશ્વાસ કરે ને તે જે બોલે તે વચન સૌને સત્યજ ભાસે અને એવા જે ધર્મવાળા હોય તેનેજ સાચા સંતનો સમાગમ ગમે અને જે અધર્મી માણસ હોય તે તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મદ્યમાંસનું ભક્ષણ, વટલવું, વટલાવવું એ આદિક જે સર્વે કુકર્મો તેને વિષેજ ભરપૂર હોય ને તેનો સંસારમાં કોઈ વિશ્વાસ કરેજ નહિ ને એના સગા હોય તે પણ કોઈ એનો વિશ્વાસ ન કરે અને એવા જે અધર્મી હોય તેને સાચા સંતનો સમાગમ તો ગમેજ નહિ અને જો કોઈ બીજો તે સંતનો સમાગમ કરે તો તેનો પણ દ્રોહ કરે, માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને અધર્મીને માર્ગે ચાલવું જ નહિ અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો તો નિશ્ચય જ એ જીવનું કલ્યાણ થાય એમાં કાંઈ સંશય નથી.
પછી ત્યાંથી શ્રીજી મહારાજ પાછા સારંગપુર પધાર્યા પછી જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા ને તે સમે પોતે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
શ્રીજી મહારાજ : ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ તેને બાહ્મ દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણાં છેટે છે અને આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી, માટે બાહ્મ દ્રષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે અને જે સાધુ એમ સમજતો હોય જે મારા ચૈતન્યને વિષે ભગવાન સદાય વિરાજમાન છે તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિષે ભગવાન રહ્યા છે અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે અને પોતાના જીવાત્માને સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પૃથક માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ સમજે તો તે સંત થકી ભગવાન તથા ભગવાનના ધામ તે અણુમાત્ર છેટે નથી અને એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે 'મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું' ને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે અને જેને આવી સમજણ તો આવી શકે નહિ ને જો તે સંતના સમાગમમાં પડ્યો રહ્યો ને તે સંત નિત્ય પાંચ ખાસડા મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહિ, જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહિ તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવીજ જે સંત સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય છે.
0 Comments