Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીસારંગપુર પ્રકરણ (વચનામૃત ૧ થી ૫)

      ॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૧

વૈરાગ્યથી વિષય નિવૃત્તિ પામે ત્યારે મન જીતાય તે વિષે.

સંવત : ૧૮૭૭ ના શ્રાવણ વદ પંચમી 

સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા.

સમય : સવારે

પોશાક : સર્વે શ્વેત વસ્ત્ર 

મુક્તાનંદ સ્વામી : जितं जगत् केन मनो हि येन ।। એ શ્લોકમાં એમ કહ્યું છે જે, જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વ જગત જીત્યું, તે મન જીત્યું કેમ જણાય?

શ્રીજી મહારાજ : શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેમાંથી જ્યારે ઈન્દ્રિયો પાછા હઠે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહિ, ત્યારે સર્વે ઈન્દ્રિયો વશ થાય છે અને જ્યારે ઈન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઈન્દ્રિયો લગણ આવે નહિ અને હૈયામાં ને હૈયામાં રહે એવી રીતે જેને પંચવિષયનો ત્યાગ અતિ દ્રઢ પણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું અને જો વિષય ઉપર કાંઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું. 

મુક્તાનંદ સ્વામી : વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે?

શ્રીજી મહારાજ : એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું માહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે, તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે, 'હું ચૈતન્ય છું ને દેહ જડ છે અને હું શુદ્ધ છું, ને દેહ નરકરૂપ છે અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે અને હું આનંદરૂપ છું ને દેહ દુ:ખરૂપ છે' એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહિ. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે અને ભગવાનનો મહિમા એમ વિચારે જે હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંતકોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ એ સર્વના સ્વામી જે શ્રી પુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમિષ માત્રનું દર્શન તે ઉપર અનંતકોટિ બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વે તે વારી ફેરીને નાખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંતકોટિ બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહિ અને જે ભગવાનનું અક્ષરધામ છે, તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે, એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું? અને વિષય સુખ તો કેવળ દુ:ખરૂપ જ છે. એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રકટે તે વૈરાગ્યે કરીને સર્વ વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે અને જેણે એવી રીતે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહિ અને એનું જ મન જીતાણું કહેવાય છે અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય, પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્રકલત્રાદિકને વિષે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચવિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિષે પ્રીતિ રહે નહિ અને વિકળ જેવો થઈ જાય અને જેમ કુતરાનું ગલુડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારું દીસે તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દીસે પણ અંતે શોભે નહિ.

વચનામૃત ૨

મન, કર્મ, વચને, ગુણે કરી ભગવાનમાં જે હેત થાય તે જ રહે છે.

સંવત : ૧૮૭૭ ના શ્રાવણ વદ છઠ્ઠ

સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરી ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછેડી ઓઢી હતી તથા શ્વેત ખેસ પહેર્યો હતો.

શ્રીજી મહારાજ : માંહોમાંહી પ્રશ્ન ઉત્તર કરો.

સ્વયંપ્રકાશાનંદ સ્વામી : ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કયે પ્રકારે થાય?

શ્રીજી મહારાજ : સ્નેહ તો રૂપે કરીને પણ થાય છે તથા કામે કરીને પણ થાય છે તથા લોભે કરીને પણ થાય છે તથા સ્વાર્થે કરીને પણ થાય છે તથા ગુણે કરીને પણ થાય છે. તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે તેતો જ્યારે તેના દેહમાં પિત્ત નિસરે અથવા કોઢ નિસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે. તેમજ લોભ, કામ અને સ્વાર્થે કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તેતો અંતે રહે છે.

સોમલો ખાચર : એ તે ગુણ કયા ઉપરલા કે માંહીલા?

શ્રીજી મહારાજ : ઉપરલે ગુણે શું થાય? એતો વચને કરીને, દેહે કરીને અને મને કરીને જે ગુણ હોય અને તે ગુણે કરીને જે હેત થયું હોય તે નથી નાશ પામતું અને તમે પૂછો છો તે ભક્તને ભગવાન ઉપર સ્નેહ થાય એમજ કેવળ પૂછો છો? કે ભગવાનને ભક્ત ઉપર સ્નેહ થાય એમ પણ પૂછો છો?

સ્વયંપ્રકાશાનંદ સ્વામી : એ બેયને પૂછીએ છીએ.

શ્રીજી મહારાજ : વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્રને દુ:ખવવા નહિ અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદવિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય તોપણ જે મોટાથી નાનો હોય તેને મોટાની સમીપે નમી દેવું અને આપણ કરતા મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન ઉત્તરે કરીને ભૂંઠા પડે એમ કરવું નહિ. મોટા સંત આગળ અને પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહે સહિત માનવું, તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહિ પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય અને તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સમાને વિષે ના પાડવી નહિ, એતો હાજ પાડવી અને એમજ કહેવું જે, 'હે મહારાજ! જેમ તમે કહેશો તેમ હું કરીશ' અને તે વચન પોતાને મનાય નહિ એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કહેવું જે, 'હે મહારાજ! તમે જે વચન કહ્યું તે તો ઠીક છે પણ આટલી મને તેમાં આશંકા થાય છે.' એ પ્રકારનું દીન થઈને વચન કહેવું અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્ત તેમને આગળ કહેવું જે,'આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે, તેતો મને માન્યામાં આવતું નથી.' પછી તેનું મોટા સંત સમાધાન કરે તથા પરમેશ્વર આગળ કહીને એ વચનનું સમાધાન કરાવે પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તે સમે ના પાડવી નહિ, એવી રીતની યુક્તિએ મોટાનાં વચનને પાછું ઠેલવું, પણ કહ્યું ને તત્કાળ ના પાડવી નહિ, એવી રીતે તો વચનને ગુણે કરીને વર્તવું. પછી તે ભક્તને ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે અને તે ભક્તને પણ ભગવાનને વિષે દ્રઢ સ્નેહ થાય છે.

હવે દેહને ગુણે કેમ વર્તવું તો પોતાના દેહમાં જો કાંઈ ઉન્મત્તપણું જણાય તો ભજનમાં બેસવે કરીને અથવા ચાન્દ્રાયણ વ્રતે કરીને દેહને નિર્બળ કરી નાખવું, પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે પણ પોતાને જાણે દેહનું જતન કરવું નહિ તથા દેહે કરીને ભગવાનની અને ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી, એવી રીતે જ્યારે એ દેહને ગુણે કરીને વર્તે ત્યારે તેને દેખીને તેને ઉપર પરમેશ્વર ને મોટા સંત તેને સ્નેહ થાય છે અને એ ભક્તને પણ ભગવાનને વિષે પ્રીતિ થાય છે. હવે મનને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ જે, પરમેશ્વરના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહિત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા અને પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુપક્ષી આવ્યું ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવળી, ઉંચી નીચી દ્રષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય, પછી એવી ફાટેલ દ્રષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી અને એ દર્શન કરે છે તે કેવા કરે છે, તો જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે અને એવી લૌકિક દ્રષ્ટિવાળો તો જેમ ખીલકોડી બોલે છે તે ભેળે પૂછડું ઉંચુ કરે છે તેવો જાણવો, શા સારું જે પરમેશ્વર ભેળે બીજા દર્શન કરે છે અને એવા લૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહિ અને તે દિવસે દિવસે ઉતરતો જાય.

તે માટે પરમેશ્વરના દર્શન કરતા કરતા આડી અવળી દ્રષ્ટિ કરવી નહિ, પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિષે જેવું અંતરમાં અલૌકિકપણું હોય તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય ને એક દ્રષ્ટિએ કરીને મૂર્તિને જોતે જવું અને દ્રષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી. જેમ ધર્મપુરમાં કુશળકુંવરબાઈ હતા તે અમારા દર્શન કરતા જતા હતા અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા, તેમ દર્શન તો મને યુક્ત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા અને જો પરમેશ્વરના દર્શન ભેળે બીજા દર્શન મનુષ્યના કે કૂતરા બિલાડાના કરે છે તો તેને જ્યારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય અને તે અન્ય પદાર્થ પણ ભેળે દેખાય, તે માટે પરમેશ્વરના દર્શન તો એક દ્રષ્ટિએ કરવા પણ ચપળ દ્રષ્ટિએ ન કરવા અને પરમેશ્વરના દર્શન દ્રષ્ટિને નિયમમાં રાખીને કરે છે તેને એ દર્શન નવીનમાં નવીન રહે છે અને પરમેશ્વરે જે જે વચન કહ્યા હોય તે પણ તેને નવીનનાં નવીન રહે છે અને લૌકિક બાહ્મદ્રષ્ટિએ કરીને દર્શન કર્યા હોય તેને પરમેશ્વરના દર્શન તથા વચન એ સર્વે જુના થઈ જાય છે તે રોજ દર્શન કર્યા કરે પણ એવાને તો જેમ ન થયા હોય તેવા ને તેવા રહે છે, તે જ્યારે ભજનમાં બેસે ત્યારે તેનું મન સ્થિર રહે નહિ, બહુધારાએ યુક્ત થાય અને પરમેશ્વરને ધારે ત્યારે તે ભેળે બીજા દર્શન જે જે કર્યા છે તે પણ વગર ધાર્યા આવીને હૈયામાં સ્ફુરે છે, તે માટે દર્શન તો એક પરમેશ્વરના જ કરવા અને એમ જે દર્શન કરે છે તેનું મન ભજન સ્મરણ કરતે એક પરમેશ્વરમાં જ રહે છે પણ તેની બહુધારા નથી રહેતી, એક રહે છે અને જે ચપળ દ્રષ્ટિએ દર્શન કરે છે તેને હું જાણું છું અને જેના દ્રષ્ટિને મન નિયમમાં હોય એવા જે મોટા સંત તે પણ જાણે જે, 'આ તો લૌકિક દર્શન કરે છે, પછી તે લૌકિક દર્શનનો કરનારો આ સમાગમમાંથી દિવસે દિવસે ઉતરતો જાય છે અને જેમ કોઈક કામી પુરુષ હોય તેની રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દ્રષ્ટિ પ્રોવાણી હોય તે સમે વચમાં કોઈક પશુપક્ષી આવે જાય કે બોલે પણ તેની તેને ખબર રહે નહિ, એવી રીતે એકાગ્ર દ્રષ્ટિએ કરીને પરમેશ્વરમાં જોડાવું પણ લૌકિક દર્શન ન કરવા.

નિર્વિકારાનંદ સ્વામી : હે મહારાજ! અમારે તો દેશદેશમાં મનુષ્ય આગળ વાર્તા કરવી પડે તેણે કરીને મનનું એકાગ્રપણું રહેતું નથી.

શ્રીજી મહારાજ : મનુષ્ય આગળ વાર્તા કરવી તેની તો અમે આજ્ઞા આપી છે પણ અહીં મૂર્તિના દર્શન મેલીને બીજા દર્શન કરવા એવી કયે દિવસ અમે આજ્ઞા આપી છે? એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા જે, પ્રથમ જ્યારે મૂર્તિના દર્શન થાય છે ત્યારે એને કેવું અલૌકિકપણું રહે છે તેવું ને તેવું અલૌકિકપણું તો તો રહે, જો મને સહિત દ્રષ્ટિ પરમેશ્વરમાં રાખે, એવી રીતે મનને ગુણે કરીને વર્તે ત્યારે તે ભક્તને ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીન ને નવીન હેત રહે છે અને તે ભક્તને પણ ભગવાનને વિષે નિત્ય પ્રત્યે નવીન ને નવીન હેત રહે છે અને વળી નેત્રને શ્રોત્ર એ બેને તો વિશેષે કરીને નિયમમાં રાખવા, તે શા સારું જે જ્યાં ત્યાં ગ્રામ્ય વાર્તા થતી હોય ને તેને શ્રોત્રની વૃત્તિદ્વારે તણાઈ જઈને સાંભળીએ તો તે સર્વે ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભરી આવે છે અને ફાટેલ નેત્રની વૃતિએ કરીને જે જે રૂપ જોયું હોય તે સર્વે ભજન કરતા સાંભરી આવે છે તે સારું એ બે ઇન્દ્રિયોને તો અતિશય નિયમમાં રાખવા અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જ્યારે મૂર્તિના દર્શન કરતા હોઈએ ને મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો તેને એમ ઉપદેશ દેવો જે 'હે મૂર્ખ! તું ભગવાનની મૂર્તિ વિના અન્ય રૂપને જુવે છે કે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે તેમાં તને શું પ્રાપ્ત થશે? અને હજી તને સિદ્ધદશા તો આવી નથી જે જેવું તું ચિંતવ્ય તેવું તને તત્કાળ મળે. શા સારું જે હજી તો તું સાધક છું. માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહિ અને ઠાલા વલખાં કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દે છે? અને કાંઈક જો તને અલ્પ વિષય મળશે તો તેના પાપમાં યમપુરીનો માર ખાતાં ખાતાં અંત નહિ આવે.' એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દેવો અને વળી એમ કહેવું જે, 'જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધદશાને પામીશ. પછી તું જે જે બ્રહ્માડમાં વાર્તા થાય છે તેને સહેજે સાંભળીશ અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવના જેવા રૂપને ઇચ્છીશ તો તેવા રૂપને પામીશ અને લક્ષ્મી કે રાધિકા જેવો ભક્ત થવા ઇચ્છીશ તો તેવો થઈશ અને ભગવાનનું ભજન કરતાં કરતાં સિદ્ધદશાને દેહ છતે નહિ પામ્ય તો દેહ પડ્યા પછી મુક્ત થઈશ ત્યારે સિદ્ધદશા મળશે, પણ સિદ્ધદશા આવ્યા વિના રૂપને જોઈ જોઈને મરી જઈશ તો પણ તે રૂપ મળશે નહિ અને ગ્રામ્ય શબ્દને સાંભળી સાંભળીને મરી જઈશ તો તેણે કરીને બુદ્ધિ તો અતિશે ભ્રષ્ટ થઈ જશે પણ તેમાંથી કાંઈ પ્રાપ્તિ નહિ થાય.' એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દઈને એક ભગવાનની મૂર્તિમાં જ રાખવા અને એવી રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે અને તે ભક્ત ઉપર પરમેશ્વરને ને મોટા સાધુને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે. 

વચનામૃત ૩

શ્રવણાદિ ભક્તિના લક્ષણ, ગદગદ કંઠે માનસી પૂજા કરવી.

સંવત : ૧૮૭૭ ના શ્રાવણ વદ સાતમ 

સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : સાંજે 

પોશાક : શ્વેત પાઘ મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ ઓઢયો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો. 

સ્વયંપ્રકાશાનંદ સ્વામી : હે મહારાજ! એક ભક્ત તો નાના પ્રકારની પૂજાસામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસીપૂજા કરે છે, એ બે ભક્તમાં શ્રેષ્ઠ તે કોણ છે?

શ્રીજી મહારાજ : જો ભગવાનને વિષે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદ ગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસીપૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદ ગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે અને માનસીપૂજા કરે છે તોય ન્યૂન છે.

સોમલાખાચર : એવી રીતે જે, પ્રેમ મગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસીપૂજા કરતો હોય તે ભક્ત કયે લક્ષણે કરીને ઓળખાય?

શ્રીજી મહારાજ : જેને ભગવાનની સેવા પૂજાને વિષે તથા કથા, વાર્તા, કિર્તનને વિષે અતિશે શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજતો હોય ને એ બે વાનાં દિવસે દિવસે નવાં ને નવાં રહેતાં હોય પણ ક્યારેય ગૌણ ન પડે, જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું માહાત્મ્ય હતું તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડ્યું નથી, એવે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો અને એવી રીતે માહાત્મ્ય ને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રીકૃષ્ણ ભગવાન ભેળાજ રહેતા અને જેમ રાજાની સેવાચાકરી કરે તેમ સેવાચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી અને ઉદ્ધવજી જો શ્રીકૃષ્ણ ભગવાનની શ્રદ્ધા મહાત્મ્યએ સહિત સેવાચાકરી કરતા તો તે પરમભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે.

નિર્વિકારાનંદ સ્વામી : હે મહારાજ! શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય?

શ્રીજી મહારાજ : શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરી વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિષે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભારવાનો જે અધ્યાસ રાખવો તેને નિદિધ્યાસ કહીએ અને તે વાર્તા જેવી હોય તેવીને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઈદ સાંભરી આવે તેને સાક્ષાત્કાર કહીએ અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિક કર્યું હોય તો આત્મસ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ, મનન, નિદિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે, પણ મનન ને નિદિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિદિધ્યાસ તે ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય અને તે દર્શન તો કેવળ શ્રવણમાત્ર સરખું કહેવાય અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિદિધ્યાસ તે કર્યો હશે, તો તે અંગ આજે સહેજે સાંભરી આવતું હશે અને જે અંગનું દર્શનમાત્ર જ થયું હશે તો તે અંગને સંભારતો હશે. તો પણ નહિ સાંભરતું હોય અને કેટલાક હરિભક્ત કહે છે જે, "અમે તો મહારાજની મૂર્તિ ધ્યાનમાં બેસીને ઘણાય સંભારીએ છીએ તોપણ એકે અંગ ધાર્યામાં નથી આવતું તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે?" તેનું પણ એજ કારણ છે જે ભગવાનની મૂર્તિના દર્શનમાત્ર જ કરે છે પણ મનન ને નિદિધ્યાસ નથી કરતો. માટે કેમ ધાર્યામાં આવે? કાં જે જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્ર દેખ્યું હોય ને કેવળ શ્રવણમાત્ર સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભારી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે, તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનન ને નિદિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભરે? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિદિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય, નહિ તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહિ.

વચનામૃત ૪

આત્મઅનાત્મના વિવેકનું.

સંવત : ૧૮૭૭ ના શ્રાવણ વદ અષ્ટમી 

સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : મસ્તકે શ્વેત પાઘ બાંધી હતી ને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો.

સ્વયંપ્રકાશાનંદ સ્વામી : હે મહારાજ! આત્મા અનાત્માની ચોખી જે વિક્તિ તે કેમ સમજવી? જે સમજવે કરીને આત્મા અનાત્મા એક સમજાય જ નહિ.

શ્રીજી મહારાજ : એક શ્લોકે કરીને અથવા બે શ્લોકે કરીને અથવા પાંચ શ્લોકે કરીને અથવા સો શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખું સમજાય તે ઠીક છે, જે સમજાણા કેડે આત્મા અનાત્માના એકપણાનો લોચોજ રહે નહિ અને ચોખું સમજાઈ જાય તે જ સમજણ સુખદાયી થાય છે અને ગોબરી સમજણ સુખદાયી થતી નથી. માટે એમ ચોખું સમજે જે, "હું આત્મા તે મારા જેવો ગુણ દેહને વિષે એકેય આવતો નથી અને જડ, દુ:ખ અને મિથ્યારૂપ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્ય તે મારે વિષે એકેય આવતો નથી" એવી વિક્તિ સમજીને ને અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્યરૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતવન કરે એવો જે જડ ચૈતન્યનો વિવેક તેને દ્રઢ વિવેક જાણવો અને ઘડીક પોતાને આત્મારૂપ માને અને ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એને ગોબરો જાણવો માટે એના અંતરમાં સુખ ન આવે. જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય ને તેમાં થોડુંક ઝેર નાખ્યું હોય તો તે અન્ન સુખદાયી ન થાય સામું દુ:ખદાયી થાય છે, તેમ આઠે પહોર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એટલે એનો સર્વે વિચાર ધૂળમાં મળી જાય છે માટે અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખો આત્મવિચાર કરવો અને કોઈકને એવો સંશય થાય જે, "અત્યંત નિર્વાસનિક નહિ થઈએ ને કાચા ને કાચા મરી જઈશું તો શા હવાલ થશે?" તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહિ અને એમ સમજવું જે, 'મરશે તો દેહ મરશે પણ હું તો આત્મા છું અને અજર અમર છું માટે હું મરું નહિ.' એવું સમજીને હૈયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળ મતિ કરવી અને એમ વાસના ટાળતા ટાળતા જો કાંઈક થોડી ઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષધર્મમાં નરક કહ્યા છે તેવા નરકની પ્રાપ્તિ થશે. તે નરકની વિગતી જે ભગવાનનો ભક્ત હોય તેને કાંઈ જગતની વાસના રહે તેને ઇન્દ્રદીક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય ને તે લોકને વિષે જઈને અપ્સરાઓ તથા વિમાન તથા મણીમય મહોલ એ આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહિ અને ચોરાશીમાં પણ જાય નહિ. માટે જો સવાસનીક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે, ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો ને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને નિર્વાસનિક થઈને અંતે ભગવાનના ધામને પામશો, પણ વિમુખ જીવની પેઠે નરક ચોરાશીને નહિ ભોગવો. એવું જાણીને ભગવાનનો ભક્ત હોય તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહિ ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું અને ભગવાન ને ભગવાનના સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો.

વચનામૃત ૫

ભક્તિથી વાસના જીતાય અને જીવ ઈશ્વરાદીકનું અન્વય વ્યતિરેકપણું.

સંવત : ૧૮૭૭ ના શ્રાવણ વદ નવમી 

સ્થળ : શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : દિવસે

પોશાક : શ્વેત વસ્ત્ર 

મુક્તાનંદ સ્વામી : વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય?

શ્રીજી મહારાજ : જેને શ્રદ્ધા તથા હરિ અને હરિજનના વચનને વિષે વિશ્વાસ તથા ભગવાનને વિષે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત થઈ જાય છે, તેમાં પણ જો એક માહાત્મ્ય અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા, વિશ્વાસ તથા પ્રીતિ એ ત્રણ દુર્બળા હોય તો પણ મહા બળવાન થાય છે અને માહાત્મ્ય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ દશ બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષય રોગ થાય પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહિ, તેમ જેને માહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે અને જેના હૃદયમાં માહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે અને જો મહાત્મ્યએ સહિત ભક્તિ જેના હૃદયમાં નથી તો શમદમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તોય પણ નહિ જેવા જ છે કેમ જે અંતે નાશ પામી જશે. માટે એક મહાત્મ્યએ સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત થઈ જાય ને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે. તે માટે મહાત્મ્યએ સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહા મોટું અચળ સાધન છે.

સ્વયંપ્રકાશાનંદ સ્વામી : જીવ અન્વય પણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે અને અક્ષરબ્રહ્મ અન્વયપણે કેમ છે અને વ્યતિરેકપણે કેમ છે અને પુરુષોત્તમ ભગવાનને અન્વયપણે કેમ જાણવા ને વ્યતિરેકપણે કેમ જાણવા? 

શ્રીજી મહારાજ : જન્મ મરણનું ભોક્તા એવું જે જીવનું સ્વરૂપ તે અન્વય જાણવું અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ તે વ્યતિરેક જાણવું અને વિરાટ, સુત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરમાં એકરસપણે વર્તે એ ઈશ્વરનું અન્વય સ્વરૂપ જાણવું અને પિંડ બ્રહ્માડથી પર સચ્ચિદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યું છે તે ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ જાણવું અને પ્રકૃતિપુરુષ તથા સૂર્યચંદ્રાદીક સર્વે દેવતા તેનું જે પ્રેરક તે અક્ષરનું અન્વયસ્વરૂપ જાણવું અને જે સ્વરૂપને વિષે પુરુષ પ્રકૃતિ અદ્યે કાંઈ ઉપાધિ રહેતી નથી. એક પુરુષોત્તમ ભગવાન જ રહે છે, એ અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષીરૂપ થકા રહ્યા છે અને બુદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી તેમજ જે ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષીરૂપે રહ્યા છે અને તે તે ઉપાધિ થકી રહિત છે એ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે અને જીવ, ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ જાણવું. એવી રીતે અન્વયવ્યતિરેકપણું છે. 

મુક્તાનંદ સ્વામી : ભગવાનના દર્શનનો જે મહિમા તથા ભગવાનના નામસ્મરણનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારું છે?

શ્રીજી મહારાજ : દર્શનાદિકનો તો ભેદ જુદોજ છે તે કહીએ તે સાંભળો જે, જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનના દર્શન કરે છે ત્યારે તેનું મન છે તે દ્રષ્ટિ દ્વારે આવીને તે સહિત દ્રષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે વિસારે તોય પણ વિસરે નહિ, એવી રીતે મને સહવર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વિસરે નહિ, જેમ ગોપાંગનાઓના ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે જે 'હે ભગવન! જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે જે સંસારનાં સુખ છે તે અમને વિષ જેવાં લાગે છે.' એવી રીતે સર્વે જ્ઞાનેન્દ્રિએ કરીને મને સહવર્તમાન જે દર્શન સ્પર્શ શ્રવણાદિક થાય છે તે કોઈ કાળે વિસરી જતાં નથી જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સહવર્તમાન જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેણે કરીને જે જે વિષય ભોગવ્યા હોય તે વિસારે તોય વિસરે નહિ, એવી રીતે ભગવાનનું પણ મને સહવર્તમાન જે દર્શનાદિક કરે છે તેનેજ દર્શનાદિક જાણવું અને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થયા જેવું છે, કાં જે, જે સમે એણે દર્શન કર્યા તે સમે એનું મન તો ક્યાંયે ફરતું હતું. માટે એ દર્શન એને કાંતો એક દિવસમાં વિસરી જશે અથવા પાંચ દિવસમાં અથવા પચાસ દિવસમાં અથવા છ મહિનામાં અથવા પાંચ વર્ષમાં જરૂર વિસરી જશે પણ અંતે રહેશે નહી, માટે જે માહાત્મ્ય જાણીને અતિશય પ્રીતિએ કરીને મને સહિત દ્રષ્ટિ આદિક જ્ઞાનેન્દ્રિયે કરીને દર્શન સ્પર્શદીક કરે છે તેનેજ તેમનું ફળ છે અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનાદિક થાય છે તેનું બીજબળ થાય છે અને યથાર્થ મહિમા તો જે મને સહવર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement