Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શિક્ષાપત્રી : સાધારણ ધર્મ (શ્લોક ૩૨ થી ૩૫)

    ॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

 स्थानेषु लोकशास्त्राभ्यां निषिद्धेषु कदाचन ।
मलमूत्रोत्सर्जनं च न कार्यं ष्ठीवनं तथा ।।३२।।

(લોકને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વજર્યાં એવા સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર, વૃક્ષની છાયા તથા ફૂલવાડી-બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિષે મળમૂત્ર ન કરવું તથા થુકવું પણ નહિ.)

શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, કેટલાંક સ્થાનો એવા હોય છે કે, જે મળ-મૂત્ર કરવાને અર્થે લોકદ્રષ્ટિએ નિષેધ કરાયેલા હોય છે. જેમ કે બીજાના ઘરનું આંગણું, કોઈ રાજકીય સ્થાન જે ઓફીસ કે પોલીસની કચેરી અને તલવાર, બંદૂક આદિક શસ્ત્રોને ધારણ કરનાર વ્યક્તિનું સ્થાન, ઇત્યાદિક સ્થાનો મળમૂત્ર કરવાને અર્થે લોકમાં નિષેધ કરેલા છે. માટે આવા સ્થાનોમાં મળમૂત્ર કરવા જવું નહિ.

વળી કેટલાક સ્થાનો એવા હોય છે, જે મળમૂત્ર કરવાને અર્થે શાસ્ત્રદ્રષ્ટિએ નિષેધ કરાયેલા હોય છે. જેમ કે, न गोव्रजे न वल्मीके नोदके न च भस्मनि । न गर्तेषु ससत्त्वेषु न तिष्ठन्न च वर्तमनि ।।इति।। न फालकृष्टभू भागे नदीतीरे च सैकते । न जीर्णदेवतागारे न रथ्यायां न संस्कृते ।। नाप्रावृत्तशिराः कुर्यान्मलमूत्र विसर्जनम् ।।इति।। આ સ્કંદપુરાણનું વચન છે. આમાં મળમુત્રને અર્થે કેટલાક સ્થાનો વર્જ્ય કહેલા છે. કોઈ ગૌશાળા હોય, રાફડો હોય, ત્યાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. કારણકે ગૌશાળા તો અતિ પવિત્ર કહેવાય છે અને રાફડામાં સૂક્ષ્મ જંતુઓ હોય છે. જળમાં મળમૂત્રનો ત્યાગ કરવો નહિ. કારણકે વરુણદેવનો અપરાધ થાય છે. કોઈ રાખનો ઢગલો પડેલો હોય, તેના ઉપર પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહિ, જેમાં જંતુઓ ઘણા રહેતા હોય, એવો કોઈ ખાડો હોય તેમાં પણ મળમૂત્ર કરવા નહિ. ઉભા ઉભા મળમૂત્રનો ત્યાગ કરવો નહિ. જે માર્ગમાંથી મનુષ્યોની અવરજવર થતી હોય, એવા માર્ગમાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહિ. સારો પ્રદેશ હોય, વાળી ચોળીને શુદ્ધ કરેલો હોય, ત્યાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહિ. તેજ રીતે રેતાળ નદીનો કિનારો હોય, જ્યાં મનુષ્યો બેસતાં હોય, ત્યાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહિ અને જૂના થઈ ગયેલા દેવમંદિરો હોય કે જેમાં કોઈ માણસ પણ ફરકતું ન હોય, આવા મંદિરોમાં ભૂતનો વાસ હોય છે, માટે ત્યાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહિ. બજારમાં મળમૂત્ર કરવા નહિ. વૃક્ષની છાયા હોય કે જે વૃક્ષની છાયાનો મનુષ્યો ઉપયોગ કરતા હોય, રસ્તે ચાલતા મનુષ્યો વિસામો ખાતા હોય, પશુઓ પણ નીચે બેસીને વિશ્રાતિ લેતા હોય, આવા વૃક્ષની છાયામાં કોઈ દિવસ મળમૂત્ર કરવા નહિ અને ગાય, બ્રાહ્મણ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ગુરુ, સ્ત્રી અને દેવ તેઓની સામે મળમૂત્રનો ત્યાગ કરવો નહિ અને મસ્તકને ઢાંકયા વિના પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહિ. આ રીતે આ બધા સ્થાનકો શાસ્ત્રમાં નિષેધ કર્યા છે. આ સિવાયના બીજા જે સ્થાનકો હોય, ત્યાં મળમૂત્રનો ત્યાગ કરવો અને વળી ઉપર નિષેધ કરાયેલા સ્થાનકોમાં થૂંકવું પણ નહિ. આવો શ્રીહરીનો અભિપ્રાય છે. 

 अद्वारेण न निर्गम्यं प्रवेष्टव्यं न तेन च ।
स्थाने सस्वामिके वासः कार्योङपृष्ट्वा न तत्पतिम् ।।३३।।

(ચોર માર્ગે કરીને પેસવું નહિ અને નિસરવું નહિ અને જે સ્થાનક ધણીયાતું હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો.) 

શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, ક્યારેક અપતકાળમાં ગુપ્ત રીતે જવા આવવા માટે ઘરમાં રાખેલું જે દ્વાર તેને અદ્વાર કહેવામાં આવે છે. અર્થાત અયોગ્ય દ્વાર કહેવામાં આવે છે અથવા એનું નામ ચોર દ્વાર પણ કહેવાય છે. કોઈ વાળ કરેલી હોય, કિલ્લો હોય કે ભીંત હોય, તેમને ઉલ્લંઘીને ક્યારેય પણ પેસવું નહિ અને બહાર નીકળવું નહિ. આ વિષયમાં મનુસ્મૃતિ પ્રમાણરૂપ છે. अद्वारेण न चातीयात् ग्रामं वा वेश्म वा वृतम् ।।इति।। આ શ્લોકનો એવો અર્થ છે કે, કોઈ ગામ હોય, ઘર હોય કે વંડી હોય, તેમાં દ્વાર વિના ક્યારેય પણ પ્રવેશ કરવો નહિ. કારણકે કોઈને શંકા થાય કે આ ચોર તો નહિ હોય ને? તેના કરતાં પ્રસિદ્ધ માર્ગે જ પ્રવેશ કરવો, એ હિતાવહ છે અને પ્રસિદ્ધ માર્ગે જ નીકળવું જેથી કોઈને કોઈ જાતનો સંદેહ થાય નહિ, આવો શ્રીહરીનો અભિપ્રાય છે. 

વળી ધણીયાતું કોઈ ઘર હોય, ધર્મશાળા હોય, તેને વિષે તે સ્થાનના માલિકને પૂછ્યા વિના ઉતરવું નહિ અને જો ધણીયાતા સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો કરેલો હોય અને જ્યારે ધણીને ખબર પડે કે આ મારી રજા વિના અહીં ઉતર્યો છે. ત્યારે એ ધણી જો રાજસિક, તામસિક સ્વભાવનો હોય, તો અતિ ક્રોધાયમાન થાય અને તિરસ્કાર કરીને જ્યારે આપણને કાઢી મૂકે, ત્યારે આપણને પણ ક્રોધ ઉત્તપન્ન થાય. આમ પરસ્પર ક્રોધ ઉત્તપન્ન થવાથી ઝઘડો થાય છે અને વ્યર્થ મહાન કલેશ ઉત્તપન્ન થાય છે. માટે ધણીયાતા સ્થાનકને વિષે, તેના ધણીને પૂછ્યા વિના એક રાત્રી પણ ઉતારો કરવો નહિ.

શતાનંદ સ્વામી કહે છે કે, અહીં ધણીયાતા સ્થાનમાં ઉતરવાની મનાઈ કરી છે. તેથી જે સ્થાનનો કોઈ માલિક જ ન હોય, તેવા સ્થાનકોમાં ઉતરવામાં દોષ નથી. જે સ્થાનોનો કોઈ માલિક ન હોય, તેવા સ્થાનો વસિષ્ઠ મુનિએ વર્ણવેલા છે. वनानि नद्यो गिरयस्तीर्थान्यायतनानि च । देवखाताश्च गर्ता ये तेषु स्वामी न विद्यते ।।इति।। વનનો કોઈ માલિક નથી, નદીઓનો કોઈ માલિક નથી, પર્વતોનો કોઈ માલિક નથી, સાર્વજનિક તીર્થો, દેવાલયો અને ગુફાઓ તેમનો પણ કોઈ માલિક હોતો નથી. આ બધા સાર્વજનિક સ્થાનો કહેવાય છે. માટે આવા માલિક વિનાના જે સ્થાનો હોય, ત્યાં એમને એમ ઉતરવામાં કોઈ જાતનો બાધ નથી, આવો શ્રીસહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે. 

ज्ञानवार्ताश्रुतिर्नार्या मुखात् कार्या न पूरुषैः ।
न विवादः स्त्रिया कार्यो न राज्ञा न च तज्जनैः ।।३४।।

(અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાઈ માણસના મુખ થકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો.)

શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, કોઈ સ્ત્રી શાસ્ત્રોને ભણેલી હોય અને સભા કરીને પ્રવચનો આપતી હોય, પારાયણો કરતી હોય, તો એ સભામાં મારા આશ્રિત પુરુષોએ સાંભળવા જવું નહિ, સ્ત્રીઓ હોય તેમણે જવું. અર્થાત પુરુષોએ સ્ત્રીના મુખ થકી જ્ઞાનવાર્તા સાંભળવી નહિ. ઘરમાં કદાચ માતા પુત્રને શાસ્ત્રનો ઉપદેશ આપે, તો પુત્રે પ્રેમથી સાંભળવો અને પત્ની હોય તે પોતાના પતિને ઉપદેશ આપે, તો પતિએ પણ પ્રેમથી સાંભળવો. કારણકે પતિ જો કુમાર્ગે જાય તો તેનો અર્ધો ભાગ પત્નીને પ્રાપ્ત થાય છે. માટે પત્નીની ફરજ પણ ખરી કે પોતાના પતિને ઉપદેશ આપવો. માટે પતિને પત્નીના મુખ થકી ઉપદેશ સાંભળવામાં કોઈ દોષ નથી. પણ કોઈ સ્ત્રી પાટ કે બાજોડ રાખીને કથા વાર્તા કરવા બેસે તો પુરુષોએ સાંભળવા જવું નહિ.

શતાનંદ સ્વામી સમજાવે છે કે, સામાન્ય રીતે સ્ત્રીઓની વાણીમાં પુરૂષોનું મન આકર્ષાતું હોય છે. તેથી પુરુષો જો સ્ત્રીઓના મુખ થકી કથા વાર્તાનું શ્રવણ કરવા માંડે, તો ધીરે ધીરે સ્ત્રીઓની વાણી સાંભળવામાં આસક્તિ ઉત્તપન્ન થાય છે અને આસક્તિ છે, એજ વિકૃતિ છે. સ્ત્રીની વાણી સાંભળવામાં આસક્તિ થવાથી સ્ત્રીનો મનોમન પ્રસંગ થાય છે અને પછી ધીરે ધીરે સ્ત્રીના પ્રસંગે કરીને એવા દ્રઢ બંધનની પ્રાપ્તિ થાય છે કે, જે બંધનને પછી ભેદી શકાતું નથી. આ વિષયમાં ભાગવત શાસ્ત્રનું વાક્ય પ્રમાણરૂપ છે. न तथाङस्य भवेन्मोहो बन्धश्चाङन्यप्रसङ्गतः । योषित्सङ्गाद्यथा पुंसो यथा तत्सङ्गिसङ्गतः ।।इति।। આ શ્લોકનો અર્થ એવો છે કે, કપિલ ભગવાન માતાને કહે છે, હે માતાજી! પુરુષોને સ્ત્રીઓના પ્રસંગે કરીને જેવો મોહ અને બંધન થાય છે, એવો મોહ અને બંધન તો બીજા કોઈના પ્રસંગે કરીને થતા નથી અને વળી હે માતા! મારી સ્ત્રીરૂપી માયાનું બળ તો તમે જુઓ, એના બળની હું શું વાત કરું. દશે દિશાઓને ગજાવનારા એવા પુરુષોને પણ જે સ્ત્રી એક ભ્રકુટીના વિલાસમાત્રથી પગની પેની નીચે દબાવી દે છે. અર્થાત પુરુષને એવો પરાધીન કરી દે છે કે બેસી જા, તો બેસી જાય અને ઉઠી જા તો ઉઠી જાય. આ રીતે સ્ત્રીઓનો પ્રસંગ મોટા મોટા જ્ઞાનીઓને પણ બંધન કરનારો છે. માટે મારા આશ્રિત પુરુષો હોય તેમણે સ્ત્રીઓના મુખ થકી જ્ઞાનવાર્તાનું શ્રવણ કરવામાં આગ્રહ રાખવો નહિ.

વળી મારા આશ્રિત પુરુષો હોય, તેમણે સ્ત્રીઓની સાથે વિવાદ કરવો નહિ. અર્થાત સ્ત્રીઓની સ્ત્રીઓની સાથે વિરુદ્ધ વાદ કરવો નહિ અને જો વિરુદ્ધ વાદ કરે તો, જૂઠું બોલવું, વગર વિચારે કાર્ય કરી નાખવું, કપટ કરવું, ઇત્યાદિક સ્ત્રીઓના સ્વાભાવિક દુર્ગુણો કહેલા છે. એ સ્વાભાવિક દુર્ગુણોને સ્ત્રી જલદી વશ થતી હોય છે. તેથી વિરુદ્ધ વાદ કરનારા પુરુષને અનર્થની પ્રાપ્તિ થાય છે, આવો શ્રીહરીનો અભિપ્રાય છે.

વળી રાજા કે રાજપુરુષો સાથે પણ વિવાદ કરવો નહિ. કારણકે રાજા તથા રાજપુરુષોને રાજનું કે સત્તાનું બળ હોય છે. તેથી રાજા કે રાજપુરુષો સાથે જો વિવાદ થાય તો પછી એ કોઈના સમજાવ્યા સમજે નહિ અને વિવાદ કરનારને મહાન અનર્થની પ્રાપ્તિ થાય છે. માટે જેમ બને તેમ રાજા અને રાજપુરુષોથી દૂર રહેવું. આવો ભાવ છે. 

अपमानो न कर्तव्यो गुरूणां च वरीयसाम् । 
लोके प्रतिष्ठितानां च विदुषां शस्त्रधारीणाम् ।।३५।।

(ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું.)

શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, પુરુષોના નવ ગુરુઓ કહેવાય છે. आचार्यश्च पिता ज्येष्ठो भ्राता चैव महीपतिः । मातुलः श्वशुरस्त्राता मातामहपितामहौ ।। वर्णश्रेष्ठः पितृव्यश्च पुंस्येते गुरवो मताः ।।इति।। આ શ્લોકમાં પુરુષના નવ ગુરુઓ વર્ણવેલા છે. તેમાં પ્રથમ આચાર્ય જે હોય તે ગુરુ કહેવાય છે, માટે આચાર્યનું અપમાન કરવું નહિ. એ જ રીતે પિતા, મોટાભાઈ, રાજા, મામા, સસરો, રક્ષક, નાનો, દાદો અને કાકો આ નવ ગુરુઓ શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યા છે. માટે શાસ્ત્રમાં બતાવેલા આ નવ ગુરુઓનું અપમાન કરવું નહિ, હંમેશા તેઓનું બહુમાન કરવું.

એજ રીતે પ્રખ્યાત ગુણોવાળા જે મહાપુરુષો હોય, સાધુ સંતો હોય, તેઓનું પણ અપમાન કરવું નહિ તથા આ લોકમાં પ્રતિષ્ઠાને પામેલા કોઈ રાજા હોય કે રાજકીય પુરુષો હોય તથા શ્રેષ્ઠ જાતિ, શ્રેષ્ઠ આચરણ, તે વડે આ લોકમાં પ્રતિષ્ઠાને પામેલા હોય અને જાતિએ કરીને ભલે ઉતરતા હોય, પણ ધનાદિકે કરીને આ લોકમાં પ્રતિષ્ઠાને પામેલા હોય, આવા કોઈપણ પુરૂષોનું અપમાન કરવું નહિ અને વળી વેદ અને શાસ્ત્રોના પારને પામેલા વિદ્વાનો હોય, તેઓનું પણ અપમાન કરવું નહિ. મનુસ્મૃતિમાં મનુએ કહેલું છે કે, क्षत्रियं चैव सर्पं च ब्राह्मणं च बहुश्रुतं । नावमन्येत वै भूष्णुं कृशानपि कदाचन ।।इति।। ક્ષત્રિય, સર્પ અને વેદ વેદાંતના પારને પામેલો વિદ્વાન બ્રાહ્મણ, આ ત્રણે ભલે શરીરે અતિ દુબળા હોય, છતાં આ ત્રણેયનું અપમાન કરવું નહિ, છેડતી કરવી નહિ. કારણકે આ ત્રણે દાઢમાં ઝેર રાખનારા છે. માટે વેદ શાસ્ત્રોના પારને પામેલા વિદ્વાનોનું અપમાન કરવું નહિ અને વળી તલવાર, બંદૂક આદિક શાસ્ત્રોને ધારણ કરનારા શસ્ત્રધારી પુરૂષોનું પણ અપમાન કરવું નહિ.

શતાનંદ સ્વામી કહે છે કે, સત્કાર ન થાય તો કાંઈ નહિ, પણ આટલા પુરૂષોનું અપમાન તો કરવું નહિ અને સત્કારમાં તેઓ આવે એટલે ઉભા થવું, આવો આવો બેસો. એમ કહીને આસન ઉપર બેસાડવા, પાણીનું પૂછવું, મીઠી વાણીથી બોલાવવા, ઇત્યાદિક રીતે બહુમાન કરવું, પણ અવજ્ઞા ક્યારેય કરવી નહિ, આવો અભિપ્રાય છે.

જો કોઈ પુરૂષોનું અપમાન કરવામાં આવે, તો મોટા અનર્થની પણ પ્રાપ્તિ થાય છે. ભાગવતમાં પ્રતિપાદન કરેલું છે કે, મહાપુરુષોનો જે અપરાધ છે, એતો કલ્યાણોનો નાશ કરી નાખે છે. આયુષ્ય, લક્ષ્મી અને યશનો પણ નાશ કરી નાખે છે. સ્કંદપુરાણમાં પણ કહેલું છે કે, सतामतिक्रमादेव पुण्यानां महतामपि । सद्यः क्षयः स्यात् सर्वेषामपि आयुषः संपदाम् ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, પવિત્ર મહાન એવા સાધુ પુરુષોની અવજ્ઞા કરવાથી તત્કાળ જ આયુષ્ય અને સંપત્તિનો નાશ થઈ જાય છે. જેમ કે ભક્ત પ્રહલાદનો અપરાધ કરવાથી હિરણ્યકશિપુની દેવતાના વરદાનથી પ્રાપ્ત થયેલી લાંબી આયુષ્યનો અને લક્ષ્મીનો તત્કાળ જ નાશ થયો હતો. માટે કોઈપણ મહાપુરુષો હોય, આ લોકમાં પ્રતિષ્ઠિત કોઈ વ્યક્તિ હોય, વિદ્વાન કોઈ વ્યક્તિ હોય, શસ્ત્રધારી હોય અને ગુરુઓ હોય તેઓનું અપમાન કરવું નહિ, પણ હંમેશા તેઓનું બહુમાન જ કરવું, આવો શ્રીહરીનો અભિપ્રાય છે. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement