॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
भक्तिं वा ज्ञानमालम्ब्य स्त्रीद्रव्यरसलोलुभाः ।पापे प्रवर्तमानाः स्युः कार्यस्तेषां न सङ्गमः ।।२८।।
(જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપથકા પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો.)
શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, જે પુરુષો ભગવાનની ભક્તિ અને આત્મજ્ઞાનનો ઓથ લઈને સ્ત્રી, દ્રવ્ય અને નાના પ્રકારના રસાસ્વાદો તેમને વિષે તૃષ્ણાથી યુક્ત થઈને પરસ્ત્રીનો સંગ કરવો આદિક પાપકર્મમાં પ્રવર્તતા હોય, તેવા પુરુષોનો સંગ કરવો નહિ. કેટલાક પુરુષો તો શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલું ભક્તિના મહાત્મ્યનું બળ લઈને પાપકર્મમાં પ્રવર્તતા હોય છે. જેમ કે આદિત્યપુરણમાં ભગવાનના નામોચ્ચારણરૂપ ભક્તિનું માહાત્મ્ય બતાવેલું છે. नाम्नोङस्ति यावती शक्तिः पापनिर्दहने हरेः । तावत कर्तु न शक्नोति पातकं पातकी जनः ।।इति।। આ શ્લોકનો એવો અર્થ છે કે, ભગવાનના નામમાં તો અપાર શક્તિ રહેલી છે. પાપોને બાળવામાં ભગવાનના નામની અંદર જેટલી શક્તિ રહેલી છે, તેટલા તો પાપી પુરુષ પાપ કરવાને પણ સમર્થ થઈ શકતો નથી. મનુષ્ય જેટલા પાપો કરે એ સર્વે પાપો ભગવાનના નામોચ્ચારણથી નાશ પામી જાય છે. આ રીતે શાસ્ત્રોમાં જે મહાત્મ્ય બતાવેલું હોય, તેણે કરીને તો ભગવાનના નામોચ્ચારણમાં અધિક પ્રવૃત્તિ થવી જોઈએ, નહિ કે પાપકર્મમાં પ્રવૃત્તિ. કેટલાક જનો તો ભગવાનના નામોચ્ચારણ રૂપ આ ભક્તિના મહાત્મ્યનો ઓથ લઈને એમ વિચારતા હોય છે કે, નામોચ્ચારણરૂપ ભક્તિથી તો બધા પાપો નાશ પામી જાય છે, તો પછી પરસ્ત્રીનો સંગ કરવો, ચોરી કરવી, આદિક બે ત્રણ પ્રકારના પાપો કરવામાં શું વાંધો છે. જ્યાં સર્વે પાપો નાશ થઈ જતા હોય, તો ત્યાં બે ત્રણ પાપો નાશ પામી જાય, એમાં કહેવું જ શું? એ તો પામી જ જાય. આવી બુદ્ધિથી જે પાપી પુરુષો પરસ્ત્રીનો સંગ કરવો આદિક પાપકર્મમાં પ્રવર્તતા હોય, તેનો સંગ કરવો નહિ, આવો ભાવ છે.
જે પુરુષો આ રીતે ભક્તિનો ઓથ લઈને પાપકર્મમાં પ્રવર્તે છે, તે પુરુષો ભગવાનના અપરાધી છે. આ વિષયમાં પંચરાત્રશાસ્ત્રનું વાક્ય પ્રમાણરૂપ છે. नाम्नो बलाच्च पापानि ये कुर्युस्तेङपराधिनः ।।इति।। આ વાક્યનો એ અર્થ છે કે, નામના બળથી જે પુરુષો પાપકર્મ કરે છે, તે પુરુષો ભગવાનના અપરાધી છે અને વળી પદ્મપુરાણમાં પણ કહેલું છે કે, नाम्नो बलात् यस्य पापबुद्धिर्न विद्यते, तस्य यमैर्विशुद्धिः ।।इति।। ભગવાનના નામના બળથી જે પુરુષોની પાપકર્મમાં પાપ બુદ્ધિ થતી નથી, અર્થાત પોતે પાપ કર્મો કરે, છતાં "આ કર્મો પાપરૂપ છે." આ રીતે પાપકર્મમાં પાપબુદ્ધિ જેને થતી નથી, તે પુરુષોની તો યમરાજા જ શુદ્ધિ કરે છે, પણ આ લોકમાં તેની પ્રાયશ્ચિતાદિકે કરીને શુદ્ધિ થતી નથી. માટે શ્રીજી મહારાજનો એવો અભિપ્રાય છે કે, ભક્તિનો ઓથ લઈને કોઈએ પાપકર્મમાં પ્રવર્તવું નહિ અને કોઈ પ્રવર્તતા હોય, તો તેનો સંગ કરવો નહિ.
વળી જેમ ભક્તિનો ઓથ લઈને પાપકર્મમાં પ્રવર્તવું નહિ. એજ રીતે જ્ઞાનનો ઓથ લઈને પણ પાપકર્મમાં પ્રવર્તવું નહિ. ગીતામાં કહ્યું છે કે, ज्ञानाग्निः सर्व कर्माणि भस्मसात् कुरुते तथा ।।इति।। ઉપાસના કરવાથી ઉપાસકની અંદર બ્રહ્મના ગુણોનો આવિર્ભાવ થાય છે અને જ્યારે બ્રહ્મના ગુણોનો આવિર્ભાવ થાય છે. ત્યારે એ જીવ બ્રહ્મની સમાન થાય છે. તેથી તે સમયે જીવને પણ બ્રહ્મ કહેવામાં આવે છે અને બ્રહ્મના ગુણોનો જ્યારે જીવાત્મામાં આવિર્ભાવ થાય છે, ત્યારે જ જીવાત્માને પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે અને જીવાત્મા માયાના તમામ રાગથી રહિત થઈ જાય છે. આ રીતે પરમાત્માના સ્વરૂપનો જે સાક્ષાત્કાર છે, તેને જ જ્ઞાનરૂપી અગ્નિ કહ્યો છે અને એ જ્ઞાનરૂપી અગ્નિ જ્યારે પ્રગટ થાય છે, ત્યારે અનાદિકાળના સર્વે પુણ્ય અને પાપરૂપ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. આ રીતે ગીતામાં જ્ઞાનનું માહાત્મ્ય બતાવેલું છે. આ જ્ઞાનના મહાત્મ્યનો ઓથ લઈને अहं ब्रह्मास्मि, न मे कर्मबाधः ।।इति।। "હું બ્રહ્મ છું" હું તો ગમે તેવા કર્મ કરું, મને કોઈ કર્મનો બાધ નથી; આવી બુદ્ધિથી પાપકર્મમાં પ્રવર્તવું નહિ.
શતાનંદ સ્વામી વિશેષ સમજાવતાં કહે છે કે, જ્યારે જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે, ત્યારે જ માયાના તમામ રાગો નિવૃત્તિ પામી જાય છે. તેથી જેના હૃદયમાં જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થયો હોય, એ પુરુષ ક્યારેય પણ જાણીને પાપકર્મમાં પ્રવર્તી શકે નહિ. છતાં જે પુરુષો જ્ઞાનનો ઓથ લઈને પાપકર્મમાં પ્રવર્તે છે, તેને જ્ઞાની કહેવાય જ નહિ. એ કેવળ જ્ઞાનનો આડંબર જ કરે છે અને જો ઇચ્છાનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ થઈ જાય છે, તો એ પ્રવૃત્તિનું મૂળ હૃદયમાં રહેલા પંચવિષયના રાગો છે અને પંચવિષયમાં જે રાગ છે, એ જ અજ્ઞાનનું મૂળ છે. તો જેના હૃદયમાં અજ્ઞાનનું મૂળ જ ઉભું હોય, તેને બ્રહ્મજ્ઞાની કહેવાય જ કેમ? ન જ કહેવાય. આ વિષયમાં નૈષ્કર્મય સિદ્ધિનું વાક્ય પ્રમાણરૂપ છે. रागो मूलमबोधस्य चित्तव्यायामभूमिषु । कुतः शाद्वलता तस्य यस्याग्निः कोटरेतरोः ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, જે વૃક્ષના બખોલમાં ધગધગતો અગ્નિ રહ્યો હોય, એ વૃક્ષમાં નિલાશ ક્યાંથી હોય? ન જ હોય. એ જ રીતે જેના હૃદયમાં ધગધગતા પંચવિષયના રાગો રહ્યા હોય, એવા પુરુષોને જ્ઞાની કહેવાય જ કેમ? ન જ કહેવાય. છતાં પણ "अहं ब्रह्मास्मि" હું બ્રહ્મ છું મને કોઈ કર્મનો બાધ નથી, આવા ભાવથી જો ઇચ્છાનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ થઈ જાય છે, તો એ અજ્ઞાની જ છે. કારણકે જે બ્રહ્મજ્ઞાની હોય, તેની તો જાણી જોઈને ક્યારેય પણ પાપકર્મમાં પ્રવૃત્તિ થાય જ નહિ અને જો પાપકર્મમાં પ્રવૃત્તિ થઈ જાય છે, તો તેના હૃદયમાં પંચવિષયના રાગ છે અને તેજ અજ્ઞાનનું મૂળ છે. જો અજ્ઞાનનું મૂળ હૃદયમાં હોય, તો એ બ્રહ્મજ્ઞાની કહેવાય નહિ. માટે કેવળ જ્ઞાનનો આંચડો ઓઢીને જે પુરુષો પાપકર્મ કરતા હોય, એવા પુરુષોનો ક્યારેય પણ સંગ કરવો નહિ, આવો ભાવ છે.
વળી સાચી રીતે જેના હૃદયમાં જ્ઞાનરૂપી અગ્નિ પ્રજજ્વલિત થયો હોય, તેને બીજા કોઈ ફળની અપેક્ષા હોતી નથી અને કર્મની સાથે પણ સંબંધ રહેતો નથી, છતાં પણ જ્યાં સુધી દેહનું સ્મરણ હોય ત્યાં સુધી તો બીજાઓના સંગ્રહને માટે પણ સદ્ધર્મનું આચરણ કરવું, એજ બ્રહ્મજ્ઞાનીને યોગ્ય છે. પણ દુરાચાર કરવો એ યોગ્ય નથી. કારણકે મહાપુરુષોના આચરણને બીજા અજ્ઞાની લોકો અનુસરે છે. यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनाः ।।इति।। મહાપુરુષો જે જે આચરણ કરે છે, તે તે આચરણને બીજા અજ્ઞાની જનો અનુસરે છે કે, મોટા કરી ગયા, તો આપણે પણ કરવું. માટે જ્ઞાની પુરુષોએ પણ જ્યાં સુધી દેહનું સ્મરણ હોય, ત્યાં સુધી સદાચાર છોડવો નહિ, આવો શ્રીહરીનો અભિપ્રાય છે.
कृष्णकृष्णावताराणां खण्डनं यत्र युक्तिभिः ।कृतं स्यात्तानि शास्त्राणि न मान्यानि कदाचन ।।२९।।
(જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે વરાહાદીક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય, એવાં જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવાં.)
શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે, કેટલાક માયાવાદી પુરુષો યુક્તિઓ વડે ભગવાનના સ્વરૂપનું ખંડન કરતા હોય છે કે, શાસ્ત્રોમાં સર્વત્ર ભગવાનની વ્યાપકતા પ્રતિપાદન કરેલી છે. અર્થાત પરમાત્મા અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે, એજ પરમાત્માનું પ્રધાન લક્ષણ છે. માટે પરમાત્મા નિરાકાર છે. જો પરમાત્મા સાકાર હોય તો એ આકારની સાથે વ્યાપક બની શકે નહિ. આકારવાળી વસ્તુ હંમેશા એક જ દેશમાં રહે છે. જેમ કે આકૃતિવિશિષ્ટ પુરુષો જે સમયે મૃત્યુલોકમાં હોય, એ પુરુષો એજ સમયમાં સ્વર્ગ લોકને વિષે ન હોઈ શકે અને જે સમયે સ્વર્ગ લોકમાં હોય એ પુરુષો એજ સમયે મૃત્યુલોકમાં ન હોઈ શકે. ઘરમાં હોય એ વસ્તુ એજ સમયે બહાર ન હોઈ શકે અને બહાર હોય, એ વસ્તુ એજ સમયે ઘરમાં ન હોઈ શકે. આ રીતે આકારવાળી વસ્તુ એક દેશસ્થ કહેલી છે. માટે જો પરમાત્મા સાકાર હોય તો સાકાર પરમાત્માની વ્યાપકતા ઘટી શકે નહિ. પણ શાસ્ત્રોમાં તો પરમાત્માને વ્યાપક કહેલા છે. તેથી શાસ્ત્રમાન્ય એ પરમાત્માની વ્યાપકતાનો તિરસ્કાર થઈ શકે તેમ નથી. માટે જો પરમાત્માની વ્યાપકતાનો સ્વીકાર કરવો હોય, તો પરમાત્માને નિરાકાર જ કરવા પડશે, તેથી નિરાકાર એક જ સત્ય છે અને રામકૃષ્ણાદીક અવતારોના જે આકારો જોયામાં આવે છે, એ તો માયામય છે, માટે મિથ્યા છે. આ રીતે જે શાસ્ત્રોમાં યુક્તિઓ વડે ભગવાનના આકારનું મૂળમાંથી નિકંદન કરી નાખેલું હોય, એવા શાસ્ત્રો મારા આશ્રિતોએ વાંચવા સાંભળવા નહિ અને એ શાસ્ત્રો નાસ્તિકના શાસ્ત્રોની પેઠે જ અસત્ય જાણવા.
વેદોમાં ભગવાનનું સાકારપણું જ પ્રતિપાદન કરેલું છે, "सर्वे वेदा यत्पदम् आमनन्ति" ।।इति श्रुतेः।। આ શ્રુતિનો એવો અર્થ છે કે, સર્વે વેદો ભગવાનના ચરણનું પ્રતિપાદન કરે છે. ભગવાનના જો ચરણ હોય, તો બીજા અંગો પણ હોય. માટે વેદો ભગવાનને દિવ્ય મૂર્તિમાન પ્રતિપાદન કરે છે, માટે પરમાત્મા સાકાર છે.
ननु "निर्गुणं तन्निराकारं परंब्रह्म निरिन्द्रियम्" "तदपाणिपादम्" ।।इति।। હવે અહીં પ્રતિવાદી એવી શંકા કરે છે કે, તમો કહો છો કે, શ્રુતિમાં પરમાત્માને સાકાર કહ્યા છે, પણ આ શ્રુતિમાં તો પરમાત્મા નિર્ગુણ અને નિરાકાર જ સાબિત થાય છે. આ શ્રુતિમાં તો પ્રતિપાદન કરવામાં આવેલું છે કે, પરમાત્મા નિર્ગુણ છે, નિરાકાર છે, ઇન્દ્રિયોથી રહિત છે, પરમાત્માના હાથ નથી, પરમાત્માના ચરણ નથી. આ રીતે શ્રુતિઓ પરમાત્માને નિર્ગુણ નિરાકાર જ કહે છે. તો તમો કેવી રીતે પરમાત્માને સગુણ અને સાકાર કહો છો?
આ શંકાનો જવાબ આપતા શતાનંદ સ્વામી કહે છે કે, શ્રુતિઓ જે કાંઈ પણ કહે છે, એ સત્ય કહે છે. શ્રુતિઓમાં કોઈપણ જાતનો દોષ નથી. ભગવાનની અંદર માયામય સત્વાદિક ગુણો નથી. માટે શ્રુતિઓ પરમાત્માને નિર્ગુણ કહે છે અને દિવ્ય જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્ચર્ય, વીર્ય, તેજ ઇત્યાદિક અનંત કલ્યાણકારી ગુણો ભગવાનમાં રહ્યા છે, તેથી શ્રુતિઓ પરમાત્માને સગુણ કહે છે. ભગવાનને આપણા જેવા માયિક હસ્તચરણાદિક નથી, માટે શ્રુતિઓ પરમાત્માને નિરાકાર કહે છે અને પરમાત્માને માયાના કાર્યથી રહિત, દિવ્ય હસ્તચરણાદિક છે. અર્થાત પરમાત્માનો દિવ્ય આકાર છે, માટે શ્રુતિઓ પરમાત્માને સાકાર કહે છે.
વળી પરમાત્માની ઈન્દ્રિયો નથી, આમ જ્યાં કહ્યું છે, ત્યાં પણ પરમાત્માને આપણા જેવી માયિક ઈન્દ્રિયો નથી. દિવ્ય ઈન્દ્રિયો તો છે જ એમ સમજવું. માટે શ્રુતિઓથી જ એ સિદ્ધ થાય છે કે, પરમાત્મા સગુણ અને સાકાર છે. એટલા જ માટે શ્રીભાષ્યમાં રામાનુજાચાર્યે પણ દિવ્ય કલ્યાણકારી ગુણોના યોગે ભગવાનનું સગુણપણું પ્રતિપાદન કર્યું છે અને પ્રાકૃત માયિક ગુણોના અભાવે ભગવાનનું નિર્ગુણપણું મોટા વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે.
વળી "स ऐक्षत लोकान्नु सृजा" ।।इति।। પરમાત્માએ જ્યારે સુષ્ટિ કરવાનો સંકલ્પ કર્યો, ત્યારે મહામાયા સામી દ્રષ્ટિ કરી. આ શ્રુતિથી સિદ્ધ થાય છે કે, હજુ આ માયાનું કાર્ય ઉત્તપન્ન થયું ન હતું, તેથી પહેલાં પણ પરમાત્માને નેત્રો હતાં, માટે એ નેત્રો માયિક ન સંભવી શકે, કારણકે હજુ માયાનું કાર્ય ઉત્તપન્ન થયું જ ન હતું. માટે સિદ્ધ થાય છે કે, પરમાત્માને દિવ્ય નેત્ર છે અને જો નેત્રો હોય તો બીજી ઈન્દ્રિયો પણ હોય. માટે પરમાત્માની દિવ્ય અમાયિક ઈન્દ્રિયો પણ છે, આવું સિદ્ધ થાય છે. તમામ શ્રુતિઓથી એ જ સિદ્ધ કરી શકાય છે કે, પરમાત્મા માયિક ઈન્દ્રિયો, માયિક શરીર અને માયિક ગુણોથી રહિત છે. માટે નિરાકાર નિર્ગુણ કહેવામાં આવે છે અને દિવ્ય ઈન્દ્રિયો, દિવ્ય શરીર અને દિવ્ય કલ્યાણકારી ગુણોથી પરમાત્મા યુક્ત છે, તેથી પરમાત્માને સગુણ અને સાકાર કહેવામાં આવે છે.
વળી પરમાત્માને આપણા આ માયિક નેત્રોથી જોઈ શકાતા નથી, તેથી પરમાત્માને શ્રુતિઓમાં અરૂપ કહ્યા છે. એ પરમાત્મા દિવ્ય દ્રષ્ટિથી જ જોઈ શકાય છે. માટે પરમાત્માનું દિવ્યરૂપ અને દિવ્ય આકૃતિ કહેવામાં કોઈ બાધ નથી. યોગીઓ દિવ્ય દ્રષ્ટિથી પોતાના હૃદયમાં પરમાત્માને દેખે છે. માટે પરમાત્મા સાકાર છે અને પરમાત્મા રૂપવાન છે અને વળી યોગીઓ પોતાના હૃદયમાં પરમાત્માને દેખે છે. માટે દ્રષ્ટા અને દ્રશ્યની અંદર ભેદ પણ સિદ્ધ થાય છે. અર્થાત દેખનારો જે આત્મા એ પરમાત્મા થકી ભિન્ન છે. પરમાત્મા તત્ત્વ પૃથક છે અને આત્મા તત્ત્વ પણ પૃથક છે. પરમાત્મા એક છે અને આત્માઓ અનેક છે. પરમાત્મા શેષી છે અને આત્માઓ શેષ છે. પરમાત્મા સ્વામી છે અને આત્માઓ દાસ છે. પરમાત્મા ઉપાસ્ય છે અને આત્માઓ ઉપાસક છે. પરમાત્મા નિયામક છે અને આત્માઓ નિયમ્ય છે. પરમાત્મા કર્મફલના પ્રદાતા છે અને આત્માઓ એ કર્મફળના ભોક્તા છે. આ રીતે પરમાત્મા અને જીવાત્માઓ પરસ્પર વિપરીત ધર્મોથી વિશિષ્ટ હોવાથી બન્નેની અંદર મહાન ભેદ શ્રીભાષ્યમાં વિસ્તારેલો છે. માટે જીવાત્માઓ પરમાત્માને આધીન હોવા છતાં, તત્વે કરીને પરમાત્મા થકી જુદા છે. આ રીતે સર્વે શ્રુતિઓથી અને પુરણોથી એ નિશ્ચય થાય છે કે, પરમાત્મા સાકાર છે, માયા થકી પર છે અને જીવાત્માઓ થકી પણ પર છે.
અહીં પ્રતિવાદી શંકા કરે છે કે, मायापरं साकारं ब्रह्म चेत्तर्हि तत्स्थानमपि वक्तव्यम् ।।इति चेत् सत्यम्।। પરમાત્મા જો માયાથી પર અને સાકાર હોય, તો એ સાકાર બ્રહ્મનું સ્થાન પણ તમારે કહેવું જોઈશે. કારણકે નિરાકાર વસ્તુને આધાર જોઈતો નથી, અર્થાત નિરાકાર વસ્તુને રહેવાનું કોઈ એક સ્થાન હોતું નથી, નિરાકાર સર્વત્ર વ્યાપક હોય છે. સાકાર વસ્તુને તો આધાર જોઈએ, અર્થાત રહેવાનું સ્થાન જોઈએ. માટે તમો જો બ્રહ્મને સાકાર કહેતા હો, તો તમારે સાકાર બ્રહ્મનું સ્થાન પણ કહેવું પડશે.
આના જવાબમાં ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, તમારી વાત બિલકુલ સાચી છે. બ્રહ્મ જો સાકાર હોય તો તેને રહેવાનું સ્થાન પણ હોવું જ જોઈએ અને એ સ્થાન શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણોમાં પ્રસિદ્ધ છે. જેને અક્ષરધામ કહે છે, જેને અક્ષરબ્રહ્મ કહે છે, જેને બ્રહ્મલોક કહે છે અને જેને વૈકુંઠ શબ્દથી પણ કહે છે. આ વિષયમાં શ્રુતિનું પ્રમાણ ભાષ્યકાર રજૂ કરે છે, एतत् सत्यं ब्रह्मपुरं ।।इति।। अपहतपाप्मा ह्येष ब्रह्मलोकः ।।इति।। આ શ્રુતિઓમાં પરમાત્માના સ્થાનને બ્રહ્મપુર અને બ્રહ્મલોક શબ્દથી કહેલું છે અને વળી સ્મૃતિમાં પણ પ્રતિપાદન કરેલું છે. तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ।।इति।। આ ભગવદ્ગી તાનું વાક્ય છે. આ વાક્યમાં કહેલું છે કે, અર્ચીમાર્ગે જનારા બ્રહ્મજ્ઞાનીઓ પરમાત્માના બ્રહ્મપુર નામના સ્થાનને પામે છે. આ રીતે તમામ શાસ્ત્રો, ઇતિહાસો અને પુરાણોમાં ભગવાનનું અક્ષરધામ નામનું સ્થાન પ્રતિપાદન કરેલું છે અને વળી અક્ષરબ્રહ્મ, બ્રહ્મપુર કે બ્રહ્મલોક નામના પરમાત્માના સ્થાનની આગળ બીજા સર્વે દેવોનાં સ્થાનો પણ નરકની સમાન કહ્યા છે. માટે સર્વે સ્થાનોથી ઉત્કૃષ્ટ પરમાત્માનું બ્રહ્મપુર, અક્ષરબ્રહ્મ કે બ્રહ્મલોક નામનું સ્થાન છે, એ સિદ્ધ થાય છે.
વળી કેટલાક માયાવાદીઓ કહે છે કે, સાકાર વસ્તુ હંમેશા એક જ સ્થાનમાં રહેલી હોય છે. સાકાર હોય તેનું વ્યાપકપણું ઘટી શકે નહિ. અહીં તો ભગવાનનું ધામ છે એ સિદ્ધ થયું. ભગવાન સાકાર છે, એ પણ સિદ્ધ થયું. સાકાર ભગવાન પોતાના ધામમાં એક જ જગ્યાએ બિરાજેલા છે. તેથી કદાચ કોઈ એવી શંકા કરે કે પરમાત્મા જો ધામમાં એક જ જગ્યાએ બિરાજેલા હોય, તો પરમાત્માનું પરિચ્છિન્નપણું ઠરે અને તેથી પરમાત્માની જે વ્યાપકતા છે એ ઘટી શકે નહિ.
આના ઉત્તરમાં ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, જેમ આકાશમાં રહેલો સૂર્ય સાકાર છે, છતાં પણ પોતાના સ્વરૂપમાંથી નીકળતા તેજ વડે કરીને આખા બ્રહ્માંડમાં વ્યાપીને રહ્યો છે. તેવી જ રીતે પરમાત્મા પણ બ્રહ્મલોક નામના પોતાના સ્થાનમાં રહ્યા છે અને પોતાના સ્વરૂપભૂત સચ્ચિદાનંદાદિક શક્તિઓ વડે કરીને માયા અને માયાના કાર્યભૂત જે જીવો અને ઈશ્વરોને વિષે અંર્ત્યમીરૂપે અર્થાત સાક્ષીરૂપે વ્યાપીને રહ્યા છે. માટે પરમાત્મા પરિચ્છિન્ન નથી. અર્થાત કેવળ ધામમાં જ રહ્યા છે, એવું નથી. ધામમાં રહ્યા થકા જ પોતાની શક્તિ વડે સાક્ષીરૂપે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક છે. આ રીતે પરમાત્મા સાકાર હોવા છતાં પણ પરમાત્માની વ્યાપકતાનું ખંડન થતું નથી.
પ્રતિવાદી શંકા કરે છે કે, પૂર્વે કહેલ તમામ શ્રુતિઓના પ્રમાણોની અંદર કોઈપણ સ્થળે કૃષ્ણ શબ્દ તો જોયામાં આવતો નથી. કેવળ પરમાત્મા, પરબ્રહ્મ આદિ શબ્દો જોયામાં આવે છે. તેથી કૃષ્ણ કરતાં પરમાત્મા, પરબ્રહ્મ આદિ શબ્દોથી કહેવા યોગ્ય ભગવાન પૃથક હોય એમ જણાય છે.
આના ઉત્તરમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, શ્રીકૃષ્ણ છે એજ પરમાત્મા, પરબ્રહ્મ છે. પરમાત્મા તત્ત્વ એક જ છે, માટે પરમાત્મા, પરબ્રહ્મ આદિ શબ્દોથી કહેવા યોગ્ય તત્ત્વ શ્રીકૃષ્ણ થકી જુદું નથી. આ વિષયમાં વ્યાસનું વચન પ્રમાણરૂપ છે. शपतोङसकृद् विष्णुं यद् ब्रह्म परमव्ययम् । श्वित्रो न जातो जिह्वायां नान्धं विविशतुस्तमः ।।इति।। આ ભાગવતના વાક્યમાં રાજા યુધિષ્ઠિરે નારદ પ્રત્યે કહેલું છે કે, પરબ્રહ્મ પરમાત્મા એવા શ્રીકૃષ્ણને વારંવાર ગાળો આપતા દંતવક્ર અને શિશુપાલની જીભમાં કોઢ કેમ થયો નહિ? અને એ બન્ને અંધતમ નામના નરકમાં કેમ પ્રવેશ કર્યો નહિ? અર્થાત એ બન્નેને ભગવાને મુક્તિ શા માટે આપી? અહીં આ ભાગવતના વચનમાં શ્રીકૃષ્ણને પરબ્રહ્મ તરીકે વર્ણવેલા છે. એ સિવાય ઠેકઠેકાણે શ્રીકૃષ્ણ છે એ જ પરબ્રહ્મ છે. આ પ્રમાણે પ્રતિપાદન કરેલું છે. તેથી એ સિદ્ધ થાય છે કે, પરમાત્મા પરબ્રહ્મ શબ્દથી કહેલું તત્ત્વ, શ્રીકૃષ્ણ થકી જુદું નથી, શ્રીકૃષ્ણ છે એજ પરબ્રહ્મ છે.
વળી પ્રતિવાદી શંકા કરતા કહે છે કે, શ્રીકૃષ્ણ ભલે પરબ્રહ્મ હોય, પણ જે બ્રહ્મપુર ધામને વિષે રહેલ મૂળ પુરુષ ભગવાન છે, જેને પરતત્ત્વ કહે છે, સર્વે અવતારોના અવતારી કહે છે, આવા મૂળપુરુષ પરતત્ત્વ પરમાત્માને કૃષ્ણ શબ્દથી કહેવા ઘટી શકે નહિ. કારણકે એ મૂળપુરુષ ભગવાને જ્યારે દ્વાપરને અંતે વસુદેવ અને દેવકી થકી અવતાર ધારણ કર્યો ત્યાર પછી જ કૃષ્ણ નામની પ્રવૃત્તિ થયેલી છે. તેથી પહેલા કૃષ્ણ નામની પ્રસિદ્ધિ હતી જ નહિ. અર્થાત વસુદેવ દેવકીએ જ ભગવાનનું "કૃષ્ણ" આવું નામ પાડેલું છે, માટે ધામમાં રહેલા ભગવાનને "કૃષ્ણ" શબ્દથી કહી શકાય નહિ.
આના ઉત્તરમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, વસુદેવ દેવકીને ઘેર ભગવાન પ્રગટ થયા તેથી પહેલા પણ ભગવાનની "કૃષ્ણ" આવા નામની પ્રસિદ્ધિ હતી જ. આ વિષયમાં સંપૂર્ણ ભાગવત પુરાણ પ્રમાણરૂપ છે. જેમ કે, सा मां स्मृतिर्मृगदेहोङपि वीर ! कृष्णार्चनप्रभवा नो जहाति ।।इति।। ભાગવતમાં ભરતજીએ રહુગણ રાજા પ્રત્યે કહેલું છે કે, કૃષ્ણનું પૂજન કરવાથી ઉત્તપન્ન થયેલી સ્મૃતિ મૃગના જન્મને વિષે પણ મારો ત્યાગ કર્યો ન હતો. અર્થાત મૃગના જન્મને વિષે પણ મને પૂર્વના જન્મની સ્મૃતિ રહેલી હતી. અહીં "કૃષ્ણનું પૂજન" આ પ્રમાણે કૃષ્ણ શબ્દનો પ્રયોગ કરેલો હોવાથી એ સિદ્ધ થાય છે કે, આદિ સત્યયુગમાં પણ ભગવાનની "કૃષ્ણ" આવા નામની પ્રસિદ્ધિ હતી.
વળી कृष्णावतारोत्सवसंभ्रमोङस्पृशद् ।।इति।। આ ભાગવતના વાક્યમાં શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે, રાજન ! ભગવાન કૃષ્ણનો જન્મ થયો તેને સાંભળીને આનંદમાં આવી ગયેલા વસુદેવે સંકલ્પ કર્યો કે, મારે ઘેર કૃષ્ણનો જન્મ થયો ! માટે હું દશહજાર ગાયોનું દાન આપીશ. અહીં હજુ શ્રીકૃષ્ણનો જન્મ જ થયો હતો, પણ નામકરણ થયું ન હતું, નામકરણ થયાથી પહેલા જ વસુદેવે કૃષ્ણ શબ્દનો પ્રયોગ કરેલો હોવાથી એ સિદ્ધ થાય છે કે, ભગવાનનું અનાદિ કૃષ્ણ નામ છે, પણ ગોકુળ મથુરામાં પધાર્યા પછી જ "કૃષ્ણ" આવું નામ પડેલું હોય એમ નથી.
વળી અવતાર સ્વરૂપ વસુદેવ અને દેવકીના જે પુત્ર છે, તેની પણ કૃષ્ણ નામથી જ પ્રસિદ્ધિ છે. જેમ ધામમાં રહેલા શ્રીકૃષ્ણ એ પરબ્રહ્મ છે. તેમ વસુદેવ દેવકીના પુત્ર જે શ્રીકૃષ્ણ છે, એ પણ પરબ્રહ્મ છે. છતાં જે પુરુષો એ શ્રીકૃષ્ણને પરબ્રહ્મ જાણતા નથી તે પુરુષોને અસુરો કહેલા છે. આ વિષયમાં ભગવદ્ગીતા પ્રમાણરૂપ છે. अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परंभावमजानन्तो मम भूतमहेश्वरम् ।। मोघाशा मोघकर्मणो मोघज्ञाना विचेतसः । राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः ।।इति।। આ ભગવદ્ગીતાના વાક્યમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે કહ્યું છે કે, હું સાક્ષાત પરબ્રહ્મ છું, ઇશ્વરોનો પણ ઈશ્વર છું, છતાં મારા પરમ ભાવને નહિ જાણનારા જે પુરુષો મને સામાન્ય મનુષ્યની સમાન જાણે છે, તે પુરુષો મોહને ઉત્તપન્ન કરનારી રાક્ષસી એવી આસુરી પ્રકૃત્તિને આશ્રિને રહેલા છે અને તે પુરુષોની સર્વે આશાઓ, કર્મો અને જ્ઞાન નિષ્ફળ છે, એ બધા ચિત્ત વગરના છે, કે જેથી મને સામાન્ય મનુષ્યની સમાન જાણે છે અને વળી જે પુરુષો મનુષ્યરૂપે રહેલો એવો જે હું, તે મને સાક્ષાત પરબ્રહ્મ જાણીને મારા જન્મ અને કર્મને તત્ત્વપૂર્વક દિવ્ય જાણે છે, તે પુરુષો દેહનો ત્યાગ કરીને ફરીવાર જન્મ ધારણ કરતા નથી, પરંતુ મને જ પામી જાય છે. આ ભગવદ્ગીતાના વાક્યથી એ સિદ્ધ થાય છે કે, મનુષ્યરૂપે રહેલા દિવ્યમૂર્તિમાન એવા જે શ્રીકૃષ્ણ છે, એજ પરબ્રહ્મ છે.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ઉપસંહાર કરતા કહે છે કે, વેદોમાં, ઉપનિષદોમાં, સ્મૃતિઓમાં અને પુરાણોમાં ભગવાન અને ભગવાનના વરાહાદીક અવતારોનું દિવયમૂર્તિમાનપણું, માયાના ગુણોથી રહિતપણું અને સમગ્ર કલ્યાણકારી ગુણોથી યુક્તપણું પ્રતિપાદન કર્યું છે અને તે જ રીતે પરમાત્માના ધામમાં રહ્યા જે મુકતો છે, તેમનું પણ દિવયમૂર્તિમાનપણું, માયાના ગુણોથી રહિતપણું અને કલ્યાણકારી દિવ્યગુણોથી યુક્તપણું, શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે. જેમ પરમાત્માની અંદર માયાનો લેશ પણ નથી, એ જ રીતે પરમાત્માના ધામમાં અને મુકતોમાં પણ માયાનો લેશ નથી. માટે કોઈક શાસ્ત્રોમાં ભગવાન અને ભગવાનના વરાહાદીક અવતારોનું કેવળ નિર્ગુણપણું અને નિરાકારપણું પ્રતિપાદન કર્યું હોય, એવા શાસ્ત્રોને મારા આશ્રિતોએ ક્યારેય પણ વાંચવા, સાંભળવા નહિ. એટલું જ નહિ જે શાસ્ત્રમાં વરાહાદીક અવતારોનું અપકૃષ્ટપણું પ્રતિપાદન કર્યું હોય, અર્થાત અવતારોને પણ જીવની પંક્તિમાં બેસાડી દીધા હોય, એવા શાસ્ત્રોને પણ ક્યારેય વાંચવા, સાંભળવા નહિ. આવો શ્રીસહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે.
अगालितं न पातव्यं पानीयं च पयस्तथा ।स्नानादि नैव कर्तव्यं सूक्ष्मजन्तुमयाम्भसा ।।३०।।
(ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીણા જીવ ઘણાંક હોય તે જળે કરીને સ્નાનાદીક ક્રિયા ન કરવી.)
શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે, જળ હંમેશા ગાળી, શુદ્ધ કરીને પીવું. ગાળ્યા વિનાનું જળ પીવું નહિ. જળમાં કોઈ ને કોઈ અયોગ્ય વસ્તુ રહેલી હોય છે, જે શરીરના આરોગ્યને હાનિ પહોંચાડે છે. માટે મનુસ્મૃતિમાં કહેલું છે કે, दृष्टिपूतं न्यसेत् पादं वस्त्रपूतं जलं पिबेत् ।।इति।। દ્રષ્ટિથી પવિત્ર કરેલા પ્રદેશમાં પગ મુકવો, અર્થાત રસ્તો ખરાબ તો નથી ને? પગ મુકવાથી કોઈ જીવની હિંસા તો નથી થતી ને? આમ જોઈને ત્યાર પછી પગ મુકવો અને વસ્ત્રથી જળને શુદ્ધ કરીને પીવું, ગાળ્યા વિનાનું જળ પીવામાં તો પુરાણોમાં મહાન દોષ કહેલો છે. मत्स्यग्राहस्य यत्पापं षण्मासाभ्यान्तरे भवेत् । एकाहे तत्समं ज्ञोयमपूतं यो जलं पिबत् ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, છ માસ પર્યત માછીમાર માછલાં મારે અને જેટલું પાપ લાગે છે, તેટલું પાપ એક જ દિવસ ગાળ્યા વિનાનું જળ પીનારને લાગે છે. કારણકે ગાળ્યા વિનાના જળમાં ક્યારેક દ્રશ્ય એવા જંતુઓ પણ ઉદરમાં ચાલ્યા જાય છે. ક્યારેક રેતી, કચરો આદિક અયોગ્ય વસ્તુ પણ ગાળ્યા વિનાના જળ દ્વારા ઉદરમાં ચાલી જાય છે. જેથી શરીરના સ્વાસ્થ્યને અસર પહોંચે છે. ગાળ્યા વિનાના જળમાં કે ગાળેલા જળમાં નેત્રોથી જોઈ ન શકાય, એવા અદ્રશ્ય બેક્ટેરિયા તો રહેલા જ હોય છે. એમનું તો ગાળવાથી પણ નિવારણ થઈ શકે નહિ. છતાં પણ ક્યારેક દ્રશ્ય એવા સૂક્ષ્મ જંતુઓ પણ જળની અંદર જોયામાં આવતા હોય છે, એ ઉદરની અંદર ચાલ્યા ન જાય, તેથી હંમેશા સાવધાની રાખીને જળ ગાળ્યા વિના ક્યારેય પણ પીવું નહિ અને જો ગાળ્યા વિનાનું જળ પીવે, તો માંસભક્ષણની સમાન દોષ લાગે છે. આ વિષયમાં એક સ્મૃતિનું વચન પ્રમાણરૂપ છે. चर्मवारि भवेन्मांसं मांसं तोयमगालितम् ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, ચામડાના કોષનું જળ માંસની સમાન કહ્યું છે અને ગાળ્યા વિનાનું જળ પણ માંસની સમાન કહેલું છે, માટે ભક્તજનો હોય તેમણે ગાળ્યા વિનાનું જળ પીવું નહિ, આવો શ્રીહરીનો અભિપ્રાય છે.
હવે એક વખત ગાળેલું પાણી ક્યાં સુધી ચાલે, આ બાબતમાં શતાનંદ સ્વામી કહે છે કે, "द्विपरावधि" એક વખત ગાળેલું પાણી છ કલાક સુધી ગાળેલું ગણાય, છ કલાક પછી ફરીવાર ગાળવું જોઈએ, સવારે ગાળેલું બપોરે ગાળવું જોઈએ અને બપોરે ગાળેલું સાંજે ગાળવું જોઈએ.
વળી દૂધ પણ ગાળ્યા વિનાનું પીવું નહિ. કારણકે દૂધમાં ક્યારેક ગાય આદિક પશુઓના શરીરમાંથી રુંવાડા ખરી પડવાનો સંભવ હોય છે અને પશુઓને દોહતી વખતે મચ્છર, કચરો આદિક અયોગ્ય વસ્તુનો પણ પડવાનો સંભવ હોય છે. માટે ગાળી નાખવાથી દૂધની શુદ્ધિ થાય છે અને વળી બજારમાંથી ખરીદેલ ઘી, તેલ આદિક આહારના ઉપયોગમાં લેવાતી પ્રવાહી વસ્તુ પણ ગાળીને જ વાપરવી. કારણકે ઘી, તેલ આદિક રસોને જ્યારે ગાળીએ છીએ, ત્યારે કોઈક સમયે તેમાંથી કેશ, કીડી, મચ્છર, ત્યાગ કરવા યોગ્ય છાશનો ભાગ અને એ સિવાય બીજો કચરો પણ જોયામાં આવે છે. અત્યારના સમયમાં તો બધું ફિલ્ટર થઈને આવે છે, તેથી કોઈ કેશ, કીડી, મચ્છર આદિક જંતુઓનો કે કચરાનો સંભવ હોતો નથી, છતાં પણ મહારાજની આજ્ઞા છે અને ગાળવામાં કોઈ મોટું કષ્ટ પણ નથી. માટે કોઈપણ રસો હોય, તેને ગાળીને જ વાપરવા જોઈએ અને શાસ્ત્રોમાં પણ ઘી, તેલ આદિક રસોને અગ્નિમાં ગરમ કરી ગાળી નાખવાથી શુદ્ધિ બતાવેલી છે. रसानां वह्निगालनात् ।।इति।।
વળી જે જળમાં સૂક્ષ્મ જંતુઓ ઘણા હોય, એ જળમાં સ્નાન કરવાથી, હસ્ત ચરણ ધોવાથી, વસ્ત્રો ધોવાથી, તેમ જ પાત્રો માંજવાથી સૂક્ષ્મ જંતુઓનો નાશ થાય છે અને સૂક્ષ્મ જંતુઓનો નાશ થવાથી અહિંસા નામના પરમ ધર્મને વિષે દુષણની પ્રાપ્તિ થાય છે. તેથી પુરુષનો અહિંસામય ધર્મ રહેતો નથી, હિંસામય બની જાય છે. માટે સર્વ વર્ણવાળા પુરુષો હોય કે સ્ત્રીઓ હોય, તેમણે સૂક્ષ્મ જંતુવાળા જળ વડે સ્નાનાદીક ક્રિયા ક્યારેય પણ કરવી નહિ, આવો શ્રીસહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે.
यदौषधं च सुरया सम्पृक्तं पललेन वा । अज्ञातवृत्तवैद्येन दत्तं चाद्यं न तत् क्वचित् ।।३१।।
(જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્યે આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું.)
શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, પોતાના શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવું જરૂરી છે. શરીર જો સ્વસ્થ અને નિરોગી હોય, તો शरीरमाद्यं खलु धर्मसाधनम् ।।इति।। શરીરથી જ ધર્મ આચરણ થઈ શકે છે અને આ શરીરથી જ પરમાત્માની ભક્તિ થઈ શકે છે. આ શરીર અનેક પુરુષાર્થોના સાધનભૂત છે. માટે શરીરને સ્વસ્થ રાખવું, એ તો યોગ્ય જ છે. પણ શરીર સ્વસ્થ રાખવા સારું અંદર માંસ મદિરાનો જે પ્રવેશ કરાવવો એ યોગ્ય નથી. માટે જેમ બને તેમ શરીરની અંદર ઔષધના યોગે પણ દારૂ માંસનો પ્રવેશ ન થાય, એવી કાળજી રાખવી જોઈએ.
શતાનંદ સ્વામી સમજાવે છે કે, આ બધા ધર્મો સામાન્યપણે સ્વસ્થ દશાના બતાવ્યા છે. કોઈ સમયે પ્રાણ પણ રહે નહિ, આવી મોટી બીમારી આવી પડે, ત્યારે કોઈ વૈદ્ય કહે કે તમને આ ઔષધ લેવું પડશે અને એ ઔષધ પણ માંસ મદિરાથી મિશ્રિત છે અને જો આ ઔષધ લેશો તો જ શરીર બચશે, નહિ તો શરીર બચશે નહિ. આવા સમયમાં તો શરીરને બચાવવું એજ પ્રાથમિકતા છે, એમ સમજીને જાણે માંસ મદિરાથી યુક્ત ઔષધનું ભક્ષણ થાય અથવા અજાણે થાય, તો તેનું યથાશક્તિ પ્રાયશ્ચિત કરી નાખવું. મરિચિ સ્મૃતિમાં પ્રતિપાદન કરેલું છે કે, मांसमिश्रागदप्राशे तप्तकृच्छ्रं विशोधनम् ।।इति।। આ વાક્યનો એ અર્થ છે કે, કોઈ ભયંકર બીમારી આવી પડે અને માંસથી મિશ્રિત એવા ઔષધનું જો ભક્ષણ કરવું પડે, તો તેના પ્રાયશ્ચિત રૂપે તપ્તકૃચ્છ્ર નામનું વ્રત કરી નાખવું. અર્થાત આપતકાળ આવે ત્યારે આપતકાળનો ધર્મ સ્વીકારી લેવો અને જ્યારે આપતકાળની નિવૃત્તિ થાય, ત્યારે યથાશક્તિ પ્રાયશ્ચિત કરીને પોતાના મુખ્ય ધર્મમાં આવી જવું.
વળી અજાણ્યા વૈદ્યે આપેલા ઔષધમાં ક્યારેક નહિ ભક્ષણ કરવા યોગ્ય અપવિત્ર વસ્તુ આવી જતી હોય છે. માટે સારી રીતે પરિચિત એવા વૈદ્યે આપેલું ઔષધ ગ્રહણ કરવું, પણ અપરિચિત વૈદ્યનું ઔષધ ગ્રહણ કરવું નહિ, આવો શ્રીહરીનો અભિપ્રાય છે.

0 Comments