Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શિક્ષાપત્રી : સાધારણ ધર્મ (શ્લોક ૨૪ થી ૨૭)

  ॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

 स्ववर्णाश्रमधर्मो यः स हातव्यो न केनचित् ।
परधर्मो न चाचर्यो न च पाखण्डकल्पितः ।।२४।।

(પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું.)

શતાનંદસ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, સૃષ્ટિના આરંભકાળથી વેદોએ વર્ણાશ્રમની મર્યાદા બાંધી છે. એ વર્ણાશ્રમની મર્યાદા અનાદિ કાળની છે, આજ કાલની નથી. માટે એ વર્ણાશ્રમની મર્યાદામાં રહીને પ્રભુનું ભજન કરવું, પણ મર્યાદાનું ક્યારેય પણ ઉલ્લંઘન કરવું નહિ.

શ્રીજી મહારાજે આ શ્લોકમાં "મારા આશ્રિતોએ વર્ણાશ્રમના ધર્મનું પાલન કરવું" આમ નહિ કહેતાં "કોઈ પણ મારા આશ્રિતોએ વર્ણાશ્રમના ધર્મનો ત્યાગ કરવો નહિ" આ રીતે ત્યાગ શબ્દનો પ્રયોગ કર્યો છે, એનું કારણ એ છે કે, જીવનમાં કોઈવાર ભક્તો પણ ભક્તિ અને જ્ઞાનના બળથી વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરી દેતા હોય છે. આવા પ્રસંગો ક્યારેક બનતા હોય છે. તેના નિવારણને માટે જેને ભક્તિ અને જ્ઞાનનું બળ હોય, એવા પુરુષે પણ જ્યાં સુધી દેહની સ્મૃતિ હોય, ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરવો જોઈએ નહિ, આવો શ્રીહરીનો અભિપ્રાય છે અને જો એ ધર્મનો ત્યાગ કરી દેવામાં આવે તો આલોકમાં તેમ જ પરલોકમાં અનર્થની પ્રાપ્તિ થાય છે. ધર્મ છે એ ભુક્તિ અને મુક્તિના સાધનરૂપ છે. સકામભાવથી જો ધર્મનું પાલન કરેલું હોય, તો સ્વર્ગાદિક ભુક્તિ આપે છે અને નિષ્કામભાવથી કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે ધર્મનું જો સેવન કરેલું હોય, તો એ ધર્મ મુક્તિ આપે છે. આ વિષયમાં ભાગવતનું વચન પ્રમાણરૂપ છે. धर्म आचरितः पुंसां वाङ्मनः कायबुद्धिभिः । लोकान् विशोकान् वितरतियथानन्त्यमसङ्गिनाम् ।।इति।। આ શ્લોકનો એજ અર્થ છે કે, સકામી પુરુષોને ધર્મ સ્વર્ગાદિક લોક આપે છે અને નિષ્કામી પુરુષોને મોક્ષરૂપી ફળ આપે છે. માટે નિષ્કામ ભાવથી કેવળ ભગવાનની પ્રસન્નતાનો માટે ધર્મનું પાલન કરવું જોઈએ.

વળી ધર્મ સર્વે સાધનોનું મૂળ છે. ભગવાનની પ્રાપ્તિના સર્વે સાધનોમાં ધર્મની જ પ્રધાનતા છે. ધર્મ વિના નથી જ્ઞાનની પ્રાપ્તિ થતી અને નથી ભક્તિની પ્રાપ્તિ થતી. તેથી સર્વે સાધનોના મૂળ રૂપ જે ધર્મ, તેનો જો ત્યાગ કરી દેવામાં આવે તો, સર્વે સાધનનું મૂળ છેદાયું કહેવાય છે. "मूलं नाशे कुतः शाखा" જેમ કોઈ વૃક્ષનું મૂળ છેદાઇ જાય, તો એ વૃક્ષની ડાળખીઓ છેદાઈ જાય એમાં કહેવું જ શું? એતો છેદાઈ જ જાય. તેમ ધર્મનો ત્યાગ કરવાથી સર્વે સાધનો છેદાણા કહેવાય છે. માટે કોઈપણ મારા આશ્રિતો હોય તેમણે ધર્મનો ત્યાગ કરવો નહિ. આવો અભિપ્રાય છે. 

વળી પરધર્મનું આચરણ કરવું નહિ. પરધર્મ એટલે બીજાઓનો ધર્મ. ગૃહસ્થના ધર્મો ત્યાગીઓ માટે પરધર્મ કહેવાય અને ત્યાગીઓના ધર્મો ગૃહસ્થ માટે પરધર્મ કહેવાય. આમ પરસ્પર એકબીજાના જે ધર્મ તેને પરધર્મ કહેવાય છે. વચનામૃતમાં ભગવાન સહજાનંદ સ્વામીએ કહેલું છે કે, ગૃહસ્થના ધર્મો ત્યાગીને માટે દુષણરૂપ છે અને ત્યાગીના ધર્મો ગૃહસ્થ માટે દુષણરૂપ છે. ગૃહસ્થોને અલંકારો ધારણ કરવાં એ શોભારૂપ છે. તો ત્યાગીને એ દુષણરૂપ છે. ત્યાગીને સ્ત્રીનો ત્યાગ રાખવો એ શોભારૂપ છે. તો ગૃહસ્થને એ દુષણરૂપ છે. આ રીતે પરસ્પર એકબીજાના ધર્મો દુષણરૂપ છે અને તેને પરધર્મ કહેવાય છે. ગીતામાં પણ કહ્યું છે કે, "स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ।।इति।। પોતાના ધર્મમાં રહીને જ જીવન વ્યતીત કરવું, એ કલ્યાણકારી છે. પણ પરનો જે ધર્મ છે, એતો ભયને આપનારો છે. માટે પરધર્મનું કદી પણ આચરણ કરવું નહિ.

વળી પાખંડ ધર્મનું આચરણ પણ કરવું નહિ. જેમાં વેદની ધર્મ મર્યાદાનું ખંડન થઈ જતું હોય, એ પાખંડ ધર્મ કહેવાય છે. અર્થાત વેદ વિરુદ્ધ ધર્મ. જેમ કે અહિંસા છે એજ વેદ માન્ય ધર્મ છે, માટે વેદ અહિંસા પરાયણ છે. છતાં કોઈ માંસ ભક્ષણની આસક્તિએ કરીને વેદ વિરુદ્ધ એવા હિંસામય યજ્ઞાને પણ ધર્મ માની લે છે. એ વેદ વિરુદ્ધ પાખંડ ધર્મ કહેવાય છે. કારણકે હિંસામય યજ્ઞામાં ધર્મ મર્યાદાનું ખંડન થઈ જાય છે. માટે હિંસામય યજ્ઞો કરવારૂપ જે ધર્મ છે, એ પાખંડ ધર્મ છે. અર્થાત વેદ વિરુદ્ધ ધર્મ છે.

વળી કલ્પિત ધર્મનું આચરણ કરવું નહિ. કલ્પિત એટલે શાસ્ત્રના આધાર વિના પોતાની ઇચ્છાએ કલ્પેલો ધર્મ, તેને કલ્પિત ધર્મ કહેવાય છે. જેમ કે શ્રીજી મહારાજે કહ્યું કે, વેદાદીક આઠ સચ્છાસ્ત્રો અમોને ઇષ્ટ છે. માટે એ ભણવા અને સાંભળવા આ શાસ્ત્રીય ધર્મ છે. પણ આમાં કેટલાકની એવી કલ્પના હોય છે કે, શ્રીજી મહારાજને એ વેદાદીક આઠ સચ્છાત્રો ઇષ્ટ છે, પણ માન્ય નથી. આવી રીતે પોતાની ઈચ્છાથી કલ્પના કરીને એ શાસ્ત્રોને ભણવા સાંભળવામાં અરુચિ બતાવવી, એ કલ્પિત ધર્મ કહેવાય. કારણકે આમા કોઈ શાસ્ત્રોનો આધાર નથી. કેવળ પોતાની જ કલ્પના છે. માટે કલ્પિત ધર્મનું આચરણ કરવું નહિ. પાખંડ ધર્મ અને કલ્પિત ધર્મ આ બંને અધર્મની જ શાખાઓ છે. માટે ધર્મજ્ઞા એવા પુરુષોએ અધર્મની પેઠે જ તેનો ત્યાગ કરી દેવો આવો અભિપ્રાય છે. 

कृष्णभक्तेः स्वधर्माद्वा पतनं यस्य वाक्यतः ।
स्यात्तन्मुखान्न वै श्रव्याः कथावार्ताश्च वा प्रभोः ।।२५।।

(જેના વચનને સાંભળવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી.) 

શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, જે વક્તાના મુખની વાણી સાંભળવાથી આપણે જો ભગવાનની ભક્તિ અને પોતાના ધર્મ થકી પડી જતા હોઈએ, તો એ વક્તાની અંદર ભક્તિ અને ધર્મ હોય જ ક્યાંથી? ન જ હોય. વક્તાની અંદર જો ભક્તિ અને ધર્મ હોય તો શ્રોતાને કોઈ દિવસ ભક્તિ અને ધર્મ થકી ભ્રષ્ટ થવાનો પ્રસંગ આવે જ નહિ. કારણકે લોકમાં પણ કહેવત છે કે, હૈયે હોય તે હોઠે આવે અને કૂવામાં હોય તો હવાડામાં આવે. વક્તાના હૃદયમાં જો ધર્મ અને ભક્તિ હોય, તો મુખમાં પણ ધર્મપ્રધાન અને ભક્તિપ્રધાન શબ્દો જ પ્રગટ થતાં હોય અને જો વક્તાના હૃદયમાં ધર્મ અને ભક્તિ ન હોય, તો તેના મુખે પણ ધર્મ અને ભક્તિના આભાસરૂપ જ શબ્દો વહેતા હોય છે. માટે જે વક્તા ધર્મ સહિત ભગવાનની ભક્તિમાં નિષ્ઠાવાળો હોય એવા વક્તાના મુખ થકી જ ભગવાનની કથા વાર્તા સાંભળવી. પણ જેના હૃદયમાં ભક્તિ ન હોય અને ધર્મ પણ ન હોય એવા વક્તાના મુખ થકી નીકળતા શબ્દોની અંદર ધર્મ અને ભક્તિનો અંશ હોતો નથી. તેથી તેને ગ્રામ્યવાર્તા કહેવાય છે અને શાસ્ત્રમાં ગ્રામ્યવાર્તા શ્રવણ કરવાનો નિષેધ કરેલો છે. માટે મારા આશ્રિતો હોય તેમણે ધર્મપ્રધાન અને ભક્તિપ્રધાન એવા શબ્દો સાંભળવા પણ ધર્મના આભાસરૂપ અને ભક્તિના આભાસરૂપ એવી ગ્રામ્યવાર્તા ક્યારેય પણ સાંભળવી નહિ, આવો અભિપ્રાય છે. 

स्वपरद्रोहजननं सत्यं भाष्यं न कर्हिचित् ।
कृतघ्नसङ्गस्त्यक्तव्यो लुञ्चा ग्राह्या न कस्यचित् ।।२६।।

(જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું અને જે કૃતઘ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિષે કોઈની લાંચ ન લેવી.)

શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ નિરૂપણ કરતાં કહે છે કે, આપણા મનમાં એમ થાય કે મારે હંમેશા સાચું જ બોલવું છે, ખોટું ક્યારેય બોલવું નથી. છતાં પણ સાચું બોલવાથી જો પોતાને અથવા બીજાને પીડા થઈ જતી હોય, તો એવું સાચું ક્યારેય બોલવું નહિ. એ સિવાય હંમેશાં સાચું બોલવું.

હવે અહીં પ્રતિવાદી શંકા કરે છે કે, ખોટું બોલવામાં તો શાસ્ત્રોને વિષે મહાન દોષ કહ્યો છે. આ વિષયમાં ભાગવતશાસ્ત્ર પ્રમાણરૂપ છે. न ह्यसत्यात् परोधर्म इति होवाच भूरियम् । सर्व वोढुमलं मन्ये ऋते लीकपरं नरम् ।।इति।। આ શ્લોકનો એવો અર્થ છે કે, ખોટું બોલવું, એ મોટો અધર્મ છે. અસત્ય સિવાય બીજો કોઈ મોટો અધર્મ નથી. આ પ્રમાણે પૃથ્વીએ કહ્યું છે અને વળી પૃથ્વી કહે છે કે, હું મારા ઉપર ઝાડ, પહાડ ઇત્યાદિક સર્વે ધારણ કરવા સમર્થ છું, પણ ખોટું બોલનાર પુરુષને હું ધારણ કરવા સમર્થ નથી. આ રીતે ખોટું બોલવામાં મહાન દોષ કહ્યો છે. તો પછી શા માટે સાચું ન બોલવું? સાચું જ બોલવું જોઈએ. તો પછી તમો ખોટું બોલવાનું શા માટે કહો છો? 

શતાનંદ સ્વામી આ શંકાનું સમાધાન કરતાં કહે છે કે, અમો હંમેશા કાંઈ ખોટું બોલવાનું કહેતા નથી, જેણે કરીને ઉપર કહેલા દોષનો પ્રસંગ આવે. અમારો અભિપ્રાય તો એવો છે કે, કોઈ સમયે પ્રાણીઓનું મૃત્યુ થાય એવો આપતકાળ આવી પડેલો હોય, એ સમયે ખોટું બોલવાથી જો પ્રાણી મૃત્યુ થકી બચી જતું હોય તો ખોટું બોલીને પણ પ્રાણીઓનું રક્ષણ કરવું, આવો અમારો અભિપ્રાય છે, નહિ કે હંમેશા ખોટું બોલવાનો. હંમેશા જે ખોટું બોલે છે, તેની તો આલોકમાં મહાન અપકીર્તિ થાય છે. આ બાબતમાં ભગવાનનું વચન પ્રમાણરૂપ છે. सर्व नेति अनृतं ब्रूयात् स दुष्कीर्तिः श्वसन् मृतः । स्त्रीषु नर्म विवाहे नानृतं स्याञ्जुगुप्सितम् ।।इति।। આ શ્લોકમાં એમ કહ્યું છે કે, હંમેશને માટે જે ખોટું બોલે છે, તેની આલોકમાં દુષ્ટ કીર્તિ થાય છે અને એ પુરુષ જીવતો મરેલો છે. માટે હંમેશા ખોટું બોલવું નહિ. પણ પોતાના કે બીજાના પ્રાણનું રક્ષણ કરવામાં ખોટું બોલાય, સ્ત્રીઓની આગળ ખોટું બોલાય, હાંસી મશ્કરીમાં ખોટું બોલાય, વિવાહ કરતી વખતે ખોટું બોલાય, પોતાના ગુરુને માટે ખોટું બોલાય, તો તેમાં દોષ નથી, માટે શ્રીહરીનો અભિપ્રાય એવો છે કે, અહિંસા ધર્મ પ્રધાન છે. તેથી પોતાની કે બીજાની હિંસા થતી હોય તો ખોટું બોલીને પણ એ હિંસાને અટકાવવી.

વળી કૃતઘ્નીનો સંગ કરવો નહિ. આપણે કરેલા ઉપકારોને જે વાણીના પ્રલાપોથી વ્યર્થ કરી નાખે, તેને કહેવાય કૃતઘ્ની. અર્થાત આપણે ઘણા ઉપકારો કર્યા હોય, છતાં એ અનેક જગ્યાએ બોલતો ફરે કે એમણે મારા માટે શું સારું કર્યું છે? મારો શું ઉપકાર કર્યો છે? મને તો મારા નસીબમાં હતું તે મળ્યું. આ રીતે આપણા ઉપકારોને વાણીના પ્રલાપથી જે હણી નાખે, તેને કૃતઘ્ની કહેલો છે. આવા કૃતઘ્નીનો સંગ કરવામાં મહાન દોષ છે. આ વિષયમાં દેવળમુનિનું વાક્ય પ્રમાણરૂપ છે. ब्रह्मघ्ने च सुरापे च स्तेने च गुरुतल्पगे । मुनिभिर्निष्कृतिः प्रोक्ता कृतघ्ने नास्ति निष्कृतिः ।।इति।। આ શ્લોકનો એવો અર્થ છે કે, બ્રહ્મહત્યાદિક પાંચ પાપોનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવ્યું છે, પણ કૃતઘ્નીનું તો પ્રાયશ્ચિત જ શાસ્ત્રમાં બતાવ્યું નથી. અર્થાત કૃતઘ્ની બ્રહ્મહત્યાદિક પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપી છે. શ્રીહરીનો અભિપ્રાય છે કે, આવા કૃતઘ્નીથી જરા દૂર રહેવું, જેથી એવા કૃતઘ્નીના પાપોનો આપણી અંદર પ્રવેશ થાય નહિ.

વળી કોઈની લાંચ ક્યારેય પણ ગ્રહણ કરવી નહિ. "प्रच्छन्नं गृह्मते" ।।इति।। ખાનગીમાં જે લેવાય, તેને કહેવાય લાંચ. ન્યાયની અને હકની વસ્તુ ખાનગીમાં લેવાની કોઈ જરૂર પડતી નથી. અન્યાયનું જે ધન હોય, એજ ખાનગીમાં લેવું પડે છે. લાંચનું દ્રવ્ય કોઈપણ વ્યક્તિ પ્રેમથી આપતી નથી. કોઈ મનુષ્યને અવશ્યનું કાંઈ કામ પડેલું હોય, ત્યારે એ મનુષ્ય કોઈ અધિકારી પાસે જઈને કામ પાર પાડવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ અધિકારી ભય બતાવે છે કે, તમારો ગુનો બહુ મોટો છે અથવા તમારું કાર્ય બહુ અટપટું છે. તમે જો આટલું મને આપશો તો જ તમારું કાર્ય પાર પડી શકશે, નહિ તો તમો મરી જવાના છો. આમ ભય બતાવીને કાર્યને પાર પાડવા તત્પર થયેલા પુરુષ પાસેથી છાની રીતે લાંચનું ધન ગ્રહણ કરવામાં આવે છે. માટે લાંચનું દ્રવ્ય વ્યક્તિના નિશાસા સાથેનું હોય છે, આપવું પડતું હોય છે, પણ પ્રેમથી આપતું નથી. જો પ્રેમથી આપતું હોય તો એ ભેટ કહેવાય, પણ લાંચ કહેવાય નહિ. લાંચ અને ભેટમાં ઘણો તફાવત છે. લાંચ આપવી પડે છે, જ્યારે ભેટ અપાતી હોય છે. લાંચનું દ્રવ્ય જો આપણી પાસે આવે તો એ ક્લેશ અને ત્રાસ ઉપજાવે છે. લાંચનું દ્રવ્ય મનુષ્યને ક્યારેય પણ સુખી થવા દેજ નહિ. લેતી વખતે જરા સુખ કે આનંદ જેવું જણાય, પણ પરિણામે લાંચનું દ્રવ્ય દુ:ખરૂપ છે. માટે લાંચનું દ્રવ્ય ગ્રહણ કરવું નહિ. આ વિષયમાં સ્કંદપુરાણનું વચન પ્રમાણરૂપ છે. उत्कोचद्यूतदौत्यार्तद्रव्यं दूरात् परित्यजेत् ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, લાંચનું દ્રવ્ય, જુગારનું દ્રવ્ય, કોઈ દાસીનું દ્રવ્ય અને દુ:ખી માણસનું દ્રવ્ય આ ચાર પ્રકારના દ્રવ્યનો દૂરથી જ ત્યાગ કરી દેવો અને વળી યાજ્ઞાવલ્કયે કહેલું છે કે, જે લાંચ વડે જીવતો હોય, તેને રાજા હોય તેમણે સંપત્તિ લઈને દેશવટો આપી દેવો. માટે શ્રીહરીનો એ અભિપ્રાય છે કે, સાત્વિક અને ન્યાયિક વૃત્તિથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય ગ્રહણ કરવું, પણ લાંચના દ્રવ્યનો તો સ્પર્શ પણ કરવો નહિ.

चोरपापिव्यसनिनां सङ्गः पाखण्डिनां तथा । 
कामिनां च न कर्तव्यो जनवञ्चनकर्मणाम् ।।२७।।

(ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમીયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો.)

શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે, શ્રીજી મહારાજે આ શ્લોકમાં બતાવેલા છ પ્રકારના મનુષ્યોનો સંગ કરવો નહિ, એટલે તેઓની સાથે મિત્રતા કરવી નહિ, તેઓની સાથે બેસવું, ઉઠવું પણ નહિ. કારણકે એવા પુરુષોની સાથે બેસવા, ઉઠવાથી તેની અસર જરૂર પોતાને લાગે છે. આ વિષયમાં મહાભારતનું વચન પ્રમાણરૂપ છે. यदि सन्तं सेवते यद्यसन्तं तपस्विनं यदि वा स्तेनमेव । वासो यथा रङ्गवशं प्रयाति तथा स तेषां वशमभ्युपैति ।।इति।। આ શ્લોકનો એવો અભિપ્રાય છે કે, જો સંતને સેવે તો સંત સરખો થાય છે. જો અસંતને સેવે તો અસંત થઈ જાય છે. જો ચોરનું સેવન કરવામાં આવે તો પોતે ચોર થઈ જાય છે. ઉત્તમ પુરૂષોનું સેવન કરવાથી શ્રેષ્ઠ બુદ્ધિ થાય છે. મધ્યમ પુરુષોને સેવવાથી તેની બુદ્ધિ મધ્યમ થાય છે અને નીચ પુરુષોની સાથે સહવાસ રાખવાથી તેની બુદ્ધિ નીચ થઈ જાય છે. જેમ સફેદ વસ્ત્રને જેવા રંગમાં પલાળીએ, તેવા રંગના વશપણાને જરૂર પામે છે. તેમ પુરુષ જેમનું સેવન કરે, તેમની અસર જરૂર પોતાને લાગી જાય છે અને વળી પુરુષોને જેવા શાસ્ત્રોનો સંગ હોય, તે પુરુષની બુદ્ધિ તેવા પ્રકારની જ થાય છે. સચ્છાસ્ત્રોનું જો સેવન હોય, તો તેની બુદ્ધિ સત થાય છે અને અસચ્છાસ્ત્રોનું સેવન હોય, તો તેની બુદ્ધિ અસત થાય છે. માટે સજ્જન પુરૂષોનું સેવન કરવું, સચ્છાસ્ત્રોનું સેવન કરવું પણ અસત્પુરુષોનું કે અસચ્છાસ્ત્રોનું સેવન ક્યારેય પણ કરવું નહિ, આવો શ્રીહરીનો અભિપ્રાય છે. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement