Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શિક્ષાપત્રી : સાધારણ ધર્મ (શ્લોક ૨૦ થી ૨૩)

 ॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

 मिथ्यापवादः कस्मिंश्चिदपि स्वार्थस्य सिद्धये ।
नारोप्यो नापशब्दाश्च भाषणीयाः कदाचन ।।२०।।

(પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી.)

શતાનંદસ્વામી આ શ્લોકનો અભિપ્રાય વર્ણવતા કહે છે કે, શરીરથી જ પાપ થાય એવું નથી. મન, કર્મ અને વચનથી પાપકર્મ થાય છે. કોઈનું ખરાબ ચિતવીએ એ જેમ મનનું પાપ છે, ચોરી ઇત્યાદિક કર્મ કરીએ એ જેમ શરીર સંબંધી કર્મનું પાપ છે. એજ રીતે ખરાબ અને ખોટી વાણી વાપરીએ એ વચનનું પાપ છે. મિથ્યાપવાદ એ એક વાણીનો ભયંકર દોષ છે. અર્થાત વાણીનું બહુ જ મોટું પાપ છે. કોઈના ઉપર ખોટી રીતે આરોપ મુકવાથી પંચમહાપાપ કરતાં પણ ભયંકર પાપ લાગે છે. આ વિષયમાં આદિત્યપુરાણનું વચન પ્રમાણરૂપ છે, यानि मिथ्या भिशस्तानां पतन्त्यश्रूणि रोदनात् । तानि पुत्रान् पशून् ध्नन्ति तेषां मिथ्याङभिशंसिनाम् ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, જેમના ઉપર મિથ્યાપવાદ આરોપણ કરવામાં આવેલો હોય, તેના મનમાં બહુ જ દુ:ખ થાય છે કે મેં કાંઈ કર્યું નથી, છતાં આ ખોટી રીતે મને બદનામ કરે છે. આમ ઘણું દુ:ખ થવાથી તેનું હૈયું ભરાઈ આવે છે અને આંખોમાંથી અશ્રુઓ સરી પડે છે. એ આંસુઓના જેટલા બિંદુઓ આ પૃથ્વી ઉપર પડે છે, તેટલા મિથ્યા અપવાદ કરનારના પુત્રો અને પશુઓ નાશ પામી જાય છે. અર્થાત આંખમાંથી સરી પડેલા અશ્રુઓ જ પુત્રો અને પશુઓનો નાશ કરી નાખે છે અને શાસ્ત્રોમાં બ્રહ્મહત્યા આદિક પંચ મહાપાપો કહ્યા છે. તો એ પંચમહાપાપોનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવ્યું છે, પણ મિથ્યા અપવાદનું તો પ્રાયશ્ચિત પણ શાસ્ત્રમાં બતાવ્યું નથી. નરકમાં નિવાસ એજ એનું પ્રાયશ્ચિત છે. યાજ્ઞાવલ્ક્ય ઋષિએ પણ મિથ્યાપવાદ આરોપણનો મહાન દોષ કહ્યો છે. मिथ्याङभिशंसिनो दोषो द्विः समो भूतवादिनः । मिथ्याङभिशस्तदोषं च समादत्ते मृषा वदन् ।।इति।। મિતાક્ષરા નામની ટીકામાં વિજ્ઞાનેશ્વર પંડિતે આ શ્લોકનો અર્થ કરેલો છે કે, બીજા કોઈની ચડતી થતી હોય, બીજો કોઈ પોતાથી આગળ નીકળી જતો હોય, તેને જોઈને પ્રથમ ઈર્ષ્યા ઉત્તપન્ન થાય છે અને ત્યારપછી ઇર્ષ્યાને કારણે એને પાછો પાડી નાખવા માટે ઘણો ઘણો ક્રોધ ઉત્તપન્ન થાય છે અને ક્રોધે કરીને તો તેનું અંતઃકરણ કલુષિત બની જાય છે. અર્થાત અંતઃકરણ અંધકારમય બની જાય છે. એ સારું નરસું વિચારી શકતો નથી અને પછી વિચાર્યા વિના બીજાની આગળ ખોટી ખોટી વાતો કરે છે કે, આને તો પરસ્ત્રીનો સંગ કર્યો છે, બ્રહ્મહત્યા કરેલી છે, એ સિવાય પણ આને ઘણા ઘણા દુષ્કર્મો કરેલા છે. તમને ખબર નહિ હોય, પણ મને બધી ખબર છે. આ રીતે કર્યું કાંઈ ન હોય, છતાં ઇર્ષ્યાને કારણે મિથ્યા અપવાદ આરોપણ કરે છે. યાજ્ઞાવલ્ક્ય કહે છે કે, આ રીતે મિથ્યાપવાદ આરોપણ કરનાર પુરુષનેજ પાપ બે ઘણું લાગે છે. પોતે કાંઈ પાપ કર્યું ન હોય, છતાં બીજા ઉપર જે પાપોનો કેવળ આરોપ મૂકે છે, એજ પાપો પોતાને બમણાં લાગે છે. 

 હવે મિથ્યા અપવાદ તો નહિ, પરંતુ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. તેથી કોઈ મનુષ્યથી કાંઈ ભુલ થઈ ગઈ હોય, એ આપણે જાણતા હોઈએ કે, આ કર્મ અમુક વ્યક્તિએ કરેલું છે. છતાં જાહેરમાં પ્રકાશ કરવું નહિ. જેણે પાપકર્મ કર્યું છે, તેને એકાંતમાં બોલાવીને સમજાવવો કે આ કર્મ તને શોભતું નથી. આ પાપકર્મ જ છે અને આ તારા માટે હિતકારી નથી. આમ સમજાવીને સારે રસ્તે વાળવો, જીવનું હિત કરવું એ સજ્જનોનું કર્તવ્ય છે અને જો પાપ કરનારી વ્યક્તિને સમજાવ્યા વિના અને ચેતવણી આપ્યા વિના એ પાપને જન સમક્ષ જાહેરમાં પ્રકાશ કરી દે તો "भूतवादिनः समः" ।।इति।। બન્નેને સમાન દોષ લાગે છે. પોતે એ દોષથી રહિત હોય છતાં એ દોષનો ભાગીદારી બને છે.

કેવળ એટલું જ નહિ, જેના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરેલો હોય, તેણે જન્મથી આરંભીને બીજા પણ જે જે પાપો કર્યા હોય, એ સર્વે પાપો મિથ્યા અપવાદ આરોપણ કરનારને વળગે છે. આ રીતે વિજ્ઞાનેશ્વર પંડિતે યાજ્ઞાવલ્ક્ય ઋષિના શ્લોકની વ્યાખ્યા કરી છે. 

વળી જેવી રીતે મિથ્યા અપવાદ એ વાણીનું પાપ છે, તેવી જ રીતે અપશબ્દો બોલવા એ પણ વાણીનું જ પાપ છે. વાણી એવી વસ્તુ છે કે અમૃત વાણીમાંથી ઝરે છે અને ઝેર પણ વાણીમાંથી જ ઝરે છે. કહેવાય છે કે તલવારનો ઘા રૂઝાઈ શકે છે, પણ વાણીનો ઘા કોઈ દિવસ રૂઝાઈ શકતો નથી. અપશબ્દો એટલે જે વાણી બોલવાથી સામી વ્યક્તિને દુ:ખ થઈ જતું હોય, સામી વ્યક્તિનું મર્મ સ્થળ ભેદાઇ જતું હોય, આવી નીચની વાણી જે બોલવી તેને અપશબ્દો કહેવાય છે. ગ્રામ્યવાર્તાને પણ અપશબ્દો કહેવાય છે.  ગાળો દેવી તેને પણ અપશબ્દો કહેવાય છે. માટે સહજાનંદ સ્વામીનો એ અભિપ્રાય છે કે મારા આશ્રિતોએ વાણી વગર વિચારે બોલવી નહિ, પાણી અને વાણી આ બન્નેનો ગાળીને ઉપયોગ કરવો. પાણીને વસ્ત્રથી ગાળવું અને વાણીને વિવેક અને વિચારથી ગાળવી. 

देवतातीर्थविप्राणां साध्वीनां च सतामपि ।
वेदानां च न कर्तव्या निन्दा श्रव्या न च क्वचित् ।।२१।।

(દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી.) 

શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, અપશબ્દો બોલવા, ગાળો દેવી, મિથ્યાપવાદ આરોપણ કરવો, એ જેમ વાણીનું પાપ છે, તેમ કોઈની પણ નિંદા કરવી એ પણ વાણીનું પાપ છે. શ્રીજી મહારાજે આ શ્લોકમાં પણ વાણીને કાબુમાં રાખવાની ભલામણ કરેલી છે. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, સાધુપુરુષો, પતિવ્રતા સ્ત્રી અને વેદો. આ છ જણાની નિંદા તો મશ્કરીમાં પણ કરવી નહિ અને વિનયથી રહિત એવા કોઈ પુરુષો જો નિંદા કરતા હોય, તો સાંભળવી પણ નહિ. ખરાબ બોલવામાં જેમ પાપ છે, તેમ ખરાબ સાંભળવામાં પણ પાપ છે. માટે વાણીથી કોઈના ગુણોને હલકા કરવા નહિ. વાણીને બરાબર વિવેકથી બોલવી. જે પુરુષો વાણીના દોષને જીતી શકતા નથી, એ પુરુષો કોઈના પણ આદરપાત્ર બની શકતા નથી, અને જે પુરુષો વાણીનો સંયમ રાખે છે, જેટલું જોઈએ તેટલું જ બોલે છે, પ્રયોજન વિનાનું ક્યારેય બોલતા નથી અને તેમાં પણ મધુર વાણીથી બીજાના હૈયાને આનંદિત અને સત્કૃત કરે છે, તે પુરુષો તો સર્વે દેવતાઓના પણ આદર પાત્ર બની જાય છે. માટે કોઈ વ્યક્તિની સાથે આપણને ન ગમે તો એ એને રસ્તે, આપણે આપણા રસ્તે, પણ નિંદા ક્યારેય કરવી નહિ. કારણકે બીજાની નિંદા કરવાથી તેના પાપ ધોવાય છે અને આપણાં તો પુણ્ય ધોવાય છે. આ બાબતમાં વ્યાસમુનિનું વચન પ્રમાણરૂપ છે. निन्दाङन्यस्यात्मनः श्लाघा द्वयं सुकृतनाशकृत ।।इति।। આ વાક્યનો એ અર્થ છે કે બીજાની નિંદા અને પોતાની પ્રશંસા, આ બન્ને પોતાના પુણ્યને જ નાશ કરનાર છે. માટે બીજા કોઈની પણ નિંદા કરવી નહિ. તેમાં પણ દેવતાઓની નિંદા તો આત્માને અધોગતિમાં જ નાખનારી છે. માટે ગમે તે દેવ હોય, આપણને ઠીક લાગે તો માથું નમાવવું અને જો ઠીક ન લાગે તો માથું ન નમાવવું. પણ કોઈ દેવની નિંદા તો ક્યારેય પણ કરવી નહિ. કારણકે દેવોની નિંદા કરવામાં લાભ તો એક પૈસા ભાર પણ નથી, જે છે એ તો નુકશાન જ છે.

વળી તીર્થની પણ નિંદા કરવી નહિ, કારણકે તીર્થની નિંદા કરવાથી તીર્થની અંદર મહત્તા છે, તેમાં તો કોઈ પણ ઉણપ આવતી નથી. જે ઉણપ આવે છે, એ તો નિંદા કરનારની અંદર જ આવે છે, તો નિંદા કરવાથી લાભ શું? બધી રીતે ખોટ જ છે. માટે બુદ્ધિમાન પુરુષો હોય તેમણે ખોટનો વ્યાપાર તો ક્યારેય કરવો ન જોઈએ. 

વળી બ્રાહ્મણોની પણ નિંદા કરવી નહિ. મનુષ્યોમાં બ્રાહ્મણોનું પ્રાથમિક પૂજ્ય સ્થાન છે. બ્રાહ્મણો ગુરુની સમાન કહેવાય છે. માટે બ્રાહ્મણોની નિંદા એ ગુરુની નિંદા સમાન છે અને ગુરુની નિંદા તો પોતાની આયુષ્યને બાળી નાખનાર છે. આ વિષયમાં મહાભારતનું વચન પ્રમાણરૂપ છે. गुरुनिन्दा दहत्यायुर्मनुष्याणां न संशयः ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, ગુરુની નિંદા મનુષ્યોની આયુષ્યને બાળી નાખે છે. એમાં કોઈ જાતનો સંશય નથી.

વળી પતિવ્રતા સ્ત્રીની પણ નિંદા કરવી નહિ. કારણકે પતિવ્રતા સ્ત્રીનો મોટો મહિમા છે. સત્સંગી જીવન બતાવે છે કે, વાયુ પણ પતિવ્રતા સ્ત્રીનો સ્પર્શ કરતા ડરે છે અને પતિવ્રતા સ્ત્રીના દર્શન પણ પાપનો નાશ કરે છે. માટે પતિવ્રતા સ્ત્રીની નિંદાથી દૂર રહેવું.

વળી વેદની પણ નિંદા કરવી નહિ. વેદ તો સાક્ષાત ભગવાનના મુખમાંથી આવિર્ભાવને પામેલા છે. માટે વેદની નિંદાને તો બ્રહ્મહત્યાની સમાન કહેલી છે. આ વિષયમાં યાજ્ઞાવલ્ક્ય મુનિનું વચન પ્રમાણરૂપ છે. वेदनिन्दा ब्रह्महत्या समं ज्ञेयम् ।।इति।। 

હવે અહીં શતાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે, જેમ મહાપુરુષોની નિંદા કરવી નહિ, તેમ કોઈ સામાન્ય જનની પણ નિંદા કરવી નહિ. કેમકે આપણે જેમની નિંદા કરીએ, એમનાં તો પાપો જ ધોવાય છે અને આપણી અંદર પ્રવેશે છે. માટે નિંદા કરવાથી આપણને પાપ સિવાય બીજું કશું જ મળતું નથી, આવું તાત્પર્ય છે.

देवतायै भवेद्यस्यै सुरामांसनिवेदनम् ।
यत्पुरोजादिहिंसा च न भक्ष्यं तन्निवेदितम् ।।२२।।

(જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું.)

શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે, આ પ્રકૃતિ મંડળની અંદર જેમ મનુષ્ય રાજસી અને તામસી હોય છે, તેમ દેવતાઓ પણ રાજસી અને તામસી હોય છે. જ્યાં સુરા, માંસનું નિવેદ થતું હોય, બકરાં આદિક જીવની હિંસા થતી હોય, ત્યાં સાત્વિક દેવતાઓનો વાસ હોય જ નહિ અને સાત્વિક દેવતાઓ સુરા અને માંસનો કદી પણ સ્વીકાર કરે જ નહિ. રાજસિક અને તામસિક જે દેવતાઓ હોય, એજ સુરા માંસનો સ્વીકાર કરે છે. માટે રાજસ, તામસ એવા કોઈપણ દેવતાઓને નિવેદન કરેલું ભલે અન્ન હોય, તો પણ ભક્ષણ કરવું નહિ. કારણકે એ અન્ન ઉપર રાજસિક અને તામસિક દેવતાઓની દ્રષ્ટિ પડેલી હોય છે. તેથી ખાનારની સાત્વિકતાનો નાશ કરે છે. ખાનારનું અંતઃકરણ પણ રાજસિક તામસિક ભાવથી વ્યાપ્ત બને છે. આ વિષયમાં વિષ્ણુધર્મનું વચન પ્રમાણરૂપ છે. मद्यमांसाशिनो नाद्यमन्नं हिसारुचेरपि । वैष्णवेन विशेषेण सत्वनाशकरं हि तत् ।।इति।। આ શ્લોકનો એ અભિપ્રાય છે કે, મદ્ય માંસ ભક્ષણ કરનારા કે હિંસામાં રુચિવાળા દેવો હોય કે મનુષ્યો હોય, તેમનું અન્ન કોઈએ ભક્ષણ કરવું નહિ. વૈષ્ણવો હોય તેમણે તો વિશેષે કરીને ભક્ષણ કરવું નહિ. કારણકે આવું અન્ન સત્વનો નાશ કરે છે. સત્વનો નાશ થવાથી સારા વિચારોનો નાશ થાય છે અને સારા વિચારોનો નાશ થવાથી મનુષ્યનું અધ:પતન થાય છે. માટે શ્રીજી મહારાજનો અભિપ્રાય એવો છે કે, રાજસિક તામસિક મનુષ્યોનો સંગ જેમ સર્વ પ્રકારે છોડી દેવો જોઈએ. એજ રીતે એવા દેવોનો સંગ પણ સર્વ પ્રકારે છોડી દેવો જોઈએ. છતાં પણ કોઈ દેવોની અવજ્ઞા કરવી નહિ. નમસ્કાર માત્ર કરી લેવા, આ બાબત હવે પછીના શ્લોકમાં શ્રીજી મહારાજ કહે છે. 

दृष्ट्वा शिवालयादीनि देवागाराणि वत्मनि । 
प्रणम्य तानि तद्देवदर्शनं कार्यमादरात् ।।२३।।

(માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું.)

શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, આપણે ઘેરથી બહાર ગમે ત્યાં જતા હોઈએ, ત્યાં માર્ગમાં શિવ, ગણેશ, સૂર્યનારાયણ, પાર્વતીજી આદિક કોઈપણ દેવ મંદિરો આવે તો એ દેવ મંદિરોને જ પ્રથમ પ્રણામ કરી લેવા, આ પહેલો વિધિ છે અને બીજો વિધિ એ છે કે, એ મંદિરોની અંદર જે દેવો પધરાવેલા હોય, એ દેવોનાં આદર થકી દર્શન કરવાં અને જો એમ ન કરે તો એ દેવના અપરાધની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં વસિષ્ઠસ્મૃતિનું વચન પ્રમાણરૂપ છે. देवताप्रतिमां दृष्ट्वा यतिं च दृष्ट्वा च योगिनम् । नमस्कारं न यः कुर्यात् प्रायश्चित्तीयते हि सः ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, દેવતાઓની પ્રતિમાને કે કોઈ સાધુ મહાત્માઓને જોઈને જે પુરુષ નમસ્કાર કરતો નથી અને આગળ વધે છે, એ પુરુષ પ્રાયશ્ચિતને યોગ્ય થાય છે, અર્થાત એ અપરાધી બને છે. વાલ્મિકી રામાયણમાં એક કથા આવે છે કે, ગાયને નમસ્કાર નહિ કરવાથી દિલીપરાજાને અપરાધ થયો અને તેથી રાજાને સંતાનો થયા નહિ. પછી ગુરુ વસિષ્ઠ પાસે જઈને પ્રાયશ્ચિત માંગ્યું અને વસિષ્ઠના કહેવા પ્રમાણે ગાયની સેવા દિલીપ રાજાએ કરી અને ત્યારબાદ સંતાન થયું. આ રીતે ગાયને નમસ્કાર કર્યા વગર આગળ વધવાથી જો આટલો દોષ લાગતો હોય તો પછી દેવ કે ભગવાનના મહાન ભક્તોને નમસ્કાર કર્યા વગર આગળ વધીએ તો જરૂર દોષ લાગે છે. શતાનંદ સ્વામી કહે છે કે, આપણે જેને આપણા ઇષ્ટદેવ માનતા હોઈએ, એ સિવાયના કોઈપણ દેવને નમસ્કાર કરવાથી પતિવ્રતા ભક્તિનો ક્યારેય પણ ભંગ થતો નથી. નિષ્કુળાનંદ સ્વામીએ પણ પોતાના કાવ્યમાં કહ્યું છે કે, જેમ આકાશમાં બાણ છોડવાથી, એ બાણ ગમે ત્યાં પૃથ્વી ઉપર જ પડે છે. એ જ રીતે સર્વ નમસ્કાર કેશવ ભગવાનને જ પ્રાપ્ત થાય છે. આવો અભિપ્રાય છે. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement