Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીગઢડા પ્રથમ પ્રકરણ (વચનામૃત ૭૧ થી ૭૫)

     ॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૭૧

ભગવાનનું પૃથ્વી ઉપર પધારવું ને ભગવદાકારનું ખંડન ન કરવું.

સંવત : ૧૮૭૬ ના ચૈત્ર વદ ચતુર્થી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર મેડીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા.

સમય : સાંજે 

પોશાક : ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો. 

સોમલા ખાચર : ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે?

શ્રીજી મહારાજ : બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે, એ અપરાધને ભગવાન માફ નથી કરતા. માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહિ અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે. તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહિ અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતા પણ અધિક પાપ લાગે છે અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે તેને જે નિરાકાર સમજવા, એજ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટિ સૂર્ય, ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિષે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે અને બ્રહ્મરૂપ એવા જે અનંતકોટિ મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન તેજ પોતે કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રકટ થાય છે, ત્યારે જે જે તત્ત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્ત્વ બ્રહ્મરૂપ છે, કાંજે રામકૃષ્ણાદીક અવતારને વિષે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દશ ઈન્દ્રિયો, પંચ પ્રાણ ઇત્યાદિક સર્વે તત્ત્વ મનુષ્યની પેઠે જણાય છે, પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી, તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું.

માતરેધાધલ : ઇર્ષ્યાનું શું રૂપ છે?

શ્રીજી મહારાજ : જેની ઉપર જેને ઈર્ષ્યા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહિ અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય, એ ઇર્ષ્યાનું લક્ષણ છે. 

ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય એ તો સત્સંગની રીતિ છે; પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે. માટે તેની કથા થતી નથી અને શ્રીમદ્ભાગવત પુરાણ અને મહાભારત એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે, માટે તેની જગતમાં કથા થાય છે, માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે. માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો.

પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે, એવી રીતે પ્રતિપાદન કર્યું.

શ્રીજી મહારાજ : અમે પણ એજ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, "નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રકટ મળ્યા તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્રીપ એ આદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે, ત્યારે એને નિશ્ચય છે કે નથી?

મુનિ : ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે, 'જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખીશું, ત્યારે આપણું કલ્યાણ થયું' એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી. 

શ્રીજી મહારાજ : એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મસ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એતે શું એણે પાપ કર્યું જે, નિશ્ચયની ના પાડો છો?

મુનિ : જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનના જ છે, માટે તેની પણ અરુચિ શા સારું રાખે? પણ ભગવાન વિના એને ઈચ્છે નહિ.

શ્રીજી મહારાજ : તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે ને માયા પર છે, માટે એમાં શું દુષણ છે જે એને ઈચ્છે નહિ? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રકટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો?

મુનિ : એ ઘરને તો અમે બ્રહ્મપુરાદીક ધામ સમજીએ છીએ, ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ.

શ્રીજી મહારાજ : બ્રહ્મપુર અને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે, તેને મૃત્યુ લોકના નાશવંત એવાં જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો? 

નિત્યાનંદ સ્વામી : હે મહારાજ! એનો ઉત્તર તો તમે કરો.

શ્રીજી મહારાજ : ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્ચર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામા આવે નહિ અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિષે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિ કોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંતકોટિ જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે, માટે એ સર્વે ભગવાન ભેળું જ છે, તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની જ સેવાને અંગીકાર કરે છે અને તે પોતાના ભક્તના ગાર્ય, માટી ને પાણાના જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે, તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે, તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે, માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.  

વચનામૃત ૭૨

મહાત્મ્ય સહિત નિશ્ચય, ભક્તના લક્ષણ.

સંવત : ૧૮૭૬ ના ચૈત્ર વદ એકાદશી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર 

મુક્તાનંદ સ્વામી : હે મહારાજ! કાલને દિવસ તમે દાદાખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે.

શ્રીજી મહારાજ : જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્યએ સહિત હોય, ને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું કર્મ જો કઠણ હોય, ને કાળ પણ કઠણ હોય, તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશે બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઇચ્છે તોય પણ રૂડું થતું નથી અને જે ગરીબને કલપાવે તેનું તો કોઈ રીતે રૂડું થાય જ નહિ અને મહાભારતમાં ભીષ્મપિતાએ રાજા પુધિષ્ઠિરને એમ કહ્યું છે જે, "જો તું ગરીબને કલપાવિશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ." માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય, પણ ગરીબ માત્રને લેશમાત્ર દુ:ખવવો નહિ અને જો ગરીબને દુ:ખવે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહિ અને જો ગરીબને દુ:ખવે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે અને તેમ જ કોઈને માથે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું, પણ તેને ફજેત કરવો નહિ અને તેમજ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મભંગ કરાવે, તો તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કઈ, તો એક તો પોતાને શરણે આવી હોય અને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત ઉપવાસને દિવસે પોતાનો સંગ કરવા ન ઇચ્છતી હોય અને ત્રીજી તે પતિવ્રતા હોય અને ચોથી તે વિધવા સ્ત્રી અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી, એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંઘાથે જો વ્યભિચાર કરે તો, તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિષે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી.

ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી જ સર્વે ક્રિયા હોય, તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે અને વિમુખ જીવ હોય અથવા કાચોપોચો હરિભક્ત હોય તેતો ચરિત્રને વિષે દોષ પરઠે, જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. પછી એમ પૂછ્યું જે, 'ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રકટ થયા હતા, તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો?' એવી રીતે દોષ લીધો અને શુકજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું જે, કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા તેનો કામદેવને અતિશે ગર્વ થયો, તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો, તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાની ગાંઠની દારૂગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય, તેમ ભગવાને કામદેવરૂપી શત્રુને લડયાનો સામાન મોરથી આપ્યો. તે શું તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય. તેમાં પણ શરદઋતુને વિષે રાત્રીમાં કામદેવનું વધુ બળ થાય તથા સ્ત્રીના રાગરંગ વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો તેણે કરીને કામદેવનું અતિશે બળ વધે છે, એ સર્વે સામાન શ્રીકૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઉર્ધ્વરેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહિ, એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને શુકજીએ ભગવાનના ચરિત્રગાન કર્યા અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહિ ત્યારે દોષ પરઠયો. 

માટે કોઈક એમ કહે જે, "તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાઓ છો?" તો તેને એમ કહેવું જે, 'જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનના રસિક ચરિત્રને વિષે દોષ પરઠીએ, તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ. માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી, શા માટે જે પરમહંસ માત્રના ગુરુ જે શુકજી તેણે ભગવાનના રસિક ચરિત્ર ગાયાં છે, માટે અમારે પણ જરૂર ગાવવા.' અને ક્ષર, અક્ષરથી પર એવા પુરુષોત્તમ જે ભગવાન છે તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિષે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્યારે સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે અને જેમ મનુષ્યને વિષે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા લ, તૃષ્ણા, ઈર્ષ્યા ઇત્યાદિક માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે, તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે, પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદને પામે છે અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે, તેમ જ પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે અને ક્ષર અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર અક્ષરથી ન્યારા છે અને ભગવાનની મોટાઈ તો એવી છે જે, "જેના એક એક રોમના છિદ્રને વિષે અનંત કોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે." એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે. ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહિ, તો મનુષ્યને તો રહે જ ક્યાંથી? અને જેમ વડવાનળ અગ્નિ છે, તે સમુદ્રના જળને વિષે રહ્યો છે અને સમુદ્રના જળને પીવે છે ને તે સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી, એવો મોટો છે, તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય, ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહિ અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ અને તેજ અગ્નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે, ને આનંદ થાય અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલાવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે. તો પણ તે થકી જ આપણને સુખ થાય. પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય, તેમજ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય, પણ જેના એક એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડ રહ્યા છે, એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહિ, માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય, તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે, પણ એમ ન સમજવું જે, 'ભગવાન થઈને એમ શું કરતા હશે?' અને ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવા એ જ ભક્તનો ધર્મ છે અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. 

કાકાભાઈ : જેને માહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? અને જેને મહાત્મ્યએ સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે?

શ્રીજી મહારાજ : જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય જે, 'ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ થશે કે નહિ થાય?' અને જેને મહાત્મ્યએ સહિત નિશ્ચય હોય તેને એમ સમજાય જે 'જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે અને જે જીવ ભાવે કરીને મારુ દર્શન કરે તથા મારુ વચન માને તેનું કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શો સંશય છે? હું તો કૃતાર્થ છું અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું.' એમ સમજે તેને ભગવાનનો મહાત્મ્યએ સહિત નિશ્ચય જાણવો.

કાકાભાઈ : ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેના શા લક્ષણ છે?

શ્રીજી મહારાજ : જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુ:ખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિક છે તે આત્માને વિષે માને નહિ અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઇત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિષે માને નહિ અને પોતાના શરીરને વિષે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિષે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશમાત્ર ન હોય, એવા જેનાં લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે, તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે જે, "મોટા થઈને વગર વાંકે આમ શીદ કરતા હશે?" એવાં જેના લક્ષણ હોય તે મધ્યમ ભક્ત જાણવો અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનને વિષે પ્રીતિ હોય અને જગતના વ્યવહારને વિષે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્યવહારને વિષે હર્ષ શોકને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણવો. 

વચનામૃત ૭૩

વીર્ય જીત્યે કામ જીતાય, નરનારાયણ ભગવાનનું દ્રષ્ટાંત. કામ જીતાયા વિષે.

સંવત : ૧૮૭૬ ના ચૈત્ર વદ અમાસ 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા.

સમય : રાત્રે 

પોશાક : ધોળો ખેસ, ધોળી ચાદર ઓઢી હતી તથા શ્વેત ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો. 

ગોપાળાનંદ સ્વામી : કામનું શું રૂપ છે?

શ્રીજી મહારાજ : 'વીર્ય એજ કામનું રૂપ છે.' 

ગોપાળાનંદ સ્વામી : વીર્ય તો સાત ધાતુ માંહિલો એક ધાતુ છે, માટે એ જ કામનું રૂપ કેમ કહેવાય? અને તે વીર્યની ઉત્પત્તિ શાણે કરીને છે?

શ્રીજી મહારાજ : મનોવહા નામે નાડીને વિષે મન રહ્યું છે, તે મનને વિષે જ્યારે સ્ત્રી સંબંધી સંકલ્પ થાય છે ત્યારે, જેમ દહીં હોય તે રવાઈએ કરીને મથાય ત્યારે ઘી હોય તે સર્વ ઉપર તરી આવે છે, તેમ સ્ત્રી સંબંધી સંકલ્પે કરીને વીર્ય જે તે શરીરમાંથી મથાઈને મનોવહા નાડીને વિષે ભેળું થઈને શિશ્ન દ્વારે આવે છે અને જેને વીર્ય શિશ્ન દ્વારે ન આવે તે ઉર્ધ્વરેતા પુરુષ કહેવાય અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય અને શ્રીકૃષ્ણ ભગવાને રાસક્રીડાને વિષે સ્ત્રીઓનો સંગ કરીને પણ વીર્યપાત થવા દીધો નહિ, તે માટે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી કહેવાણા ને કામને જીત્યો. માટે વીર્ય તેજ કામનું રૂપ છે, જેણે વીર્યને જીતીને વશ રાખ્યું તેણે કામને જીત્યો.

ગોપાળાનંદ સ્વામી : જ્યારે એ દેહને બાળી દે છે ત્યારે સપ્તધાતુ દેહ ભેળા બળી જાય છે. માટે જો વીર્યજ કામનું રૂપ હોય તો દેહ ભેળે વીર્યને બળવે કરીને કામ પણ બળી ગયો જોઈએ, ત્યારે એ જીવ બીજા દેહમાં જાય છે ત્યારે કામના કેમ ઉદય થાય છે?

શ્રીજી મહારાજ : સૂક્ષ્મદેહ ભેળું વીર્ય રહે છે તે સૂક્ષ્મ દેહને યોગે કરીને સ્થૂળ દેહ ઉદય થઈ આવે છે, જેમ ભૂત હોય તે સૂક્ષ્મ દેહપ્રધાન હોય, પછી સૂક્ષ્મ દેહમાંથી સ્થૂળ દેહને ધરીને સ્ત્રીનો સંગ કરે છે અને તે સ્ત્રીને ભૂત થકી બાળક ઉત્પન્ન થાય છે, માટે સૂક્ષ્મ દેહ ભેળું જ વીર્ય રહે છે.

ગોપાળાનંદ સ્વામી : શિવજી ઉર્ધ્વરેતા હતા પણ મોહિનિરૂપને જોઈને વીર્યપાત થયો, તેમ જેના દેહમાં વીર્ય હોય અને તેને જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો યોગ થાય ત્યારે વીર્યપાત થયા વિના રહે નહિ, માટે જ્યાં સુધી દેહમાં વીર્ય હોય ત્યાં સુધી નિષ્કામી કેમ કહેવાય?

શ્રીજી મહારાજ : શિવજીને પણ એટલી યોગકળામાં ખોટ કહેવાય છે અને જેને જાગ્રત અથવા સ્વપ્નને યોગે કરીને સ્ત્રીના સંકલ્પ થકી વીર્યપાત થાય તો તેને પાકો બ્રહ્મચારી કહેવાય નહિ, માટે આ સંસારમાં દ્રઢ બ્રહ્મચર્યવાળા તો એક નરનારાયણ ઋષિ છે અને તે નરનારાયણનો આપણે આશ્રય છે, તેના પ્રતાપ થકી ધીરે ધીરે એ નરનારાયણનું ભજન કરીને આપણે પણ એ સરખાજ નિષ્કામી થઈશું અને દેહમાં જે વીર્ય રહે છે તેને બાળી નાખવાને અર્થે યોગી કેટલાક પ્રકારનું યત્ન કરે છે અને શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખ્યું, તે એવું સામર્થ્ય તો ભગવાનમાં જ હોય પણ બીજાથી એમ રહેવાય નહિ, માટે બીજા યોગીને તો જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો સંકલ્પ ન થાય એવું યત્ન કરવું. 

શુકમુનિ : દ્વારિકામાં સોળ હજાર એકસો ને આઠ જે ભગવાનની સ્ત્રીઓ હતી, તેમાં એક એક સ્ત્રીને વિષે દશ દશ પુત્ર અને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે. તેનું કેમ સમજવું?

શ્રીજી મહારાજ : દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે, દ્વારિકામાં તો ભગવાન સાંખ્યમતને આશર્યા હતા અને સાંખ્યમતવાળો હોય તે દેહ, ઈન્દ્રિયો, મન એ સર્વે થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે અને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે અને તે ક્રિયાએ કરીને હર્ષ શોકને પામે નહિ, એ મતને ભગવાન આશર્યા હતા. માટે ભગવાનને નિર્લેપ કહ્યા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્યમતને આશર્યા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે, જે રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્યમતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્થાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા માટે સાંખ્યમતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા અને વૃંદાવનને વિષે તો યોગકળાને આશર્યા હતા તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું, એ ઠેકાણે તો પોતાને વિષે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું, તે શ્રીમદ્ભાગવતમાં કપિલદેવે દેવહુતી પ્રત્યે કહ્યું છે જે "સ્ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી." માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી ત્યારે ગોપીઓ બોલી જે, 'અમે યમુનાજી કેમ ઉતરીશું?' પછી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, યમુનાજીને એમ કહેજો જે 'જો શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી હોય તો અમને માગ દેજો.' પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો, પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલિયો જે, 'અમારે આડા યમુનાજી છે તે અમે ઘેર કેમ કરીને જઈશું?' પછી ઋષિએ કહ્યું જે, 'કેમ કરીને આવ્યા હતા.?' પછી ગોપીઓએ કહ્યું જે, અમે યમુનાજીને એમ કહ્યું જે, 'શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજો' એટલે યમુનાજીએ માગ દીધો, પણ હવે કેમ કરીને ઘેર જઈએ? પછી દુર્વાસા ઋષિ બોલ્યા જે, યમુનાજીને એમ કહેજો જે, 'દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજો' પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો, ત્યારે ગોપીઓના મનને વિષે અતિ આશ્ચર્ય થયું, પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકવી હવી અને ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા માટે બ્રહ્મચારી હતા અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને વિષે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા અને અન્ન તો સર્વે ભગવાનને જમાડયું હતું, માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહિ અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારો જડે, પણ યોગકળાએ કરીને ઉર્ધ્વરેતા હોય, એવા તો એક નરનારાયણ જ છે અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દ્રઢ બ્રહ્મચર્યવાળા થાય છે. પણ બીજાથી થવાતું નથી અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહિ અને જે સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે, તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દ્રઢ બ્રહ્મચારી થશે અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે, 'વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે' પછી તે વીર્યને ઉર્ધ્વ રાખવાને સારું અમે બે પ્રકારની જળબસ્તિ શીખ્યા હતા અને કુંજર ક્રિયા શીખ્યા હતા અને કામને જીત્યા સારું કેટલાક આસન શીખ્યા હતા અને રાત્રીએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહિ, પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું જે, 'શરીરમાંથી પરસેવો જ નીકળે નહિ અને ટાઢ તડકો પણ લાગે નહિ' પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વાળ્યા સારું બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહિ, માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એતો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ હોય અને અતિશય પંચવિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય, તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે.

નિત્યાનંદ સ્વામી : નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે?

શ્રીજી મહારાજ : વૈરાગ્ય તો એકલો ટકી શકે નહિ, અંતે જતો નાશ થઈ જાય છે અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય પછી એમ વિચારે જે 'હું તો આત્મા છું, સચ્ચિદાનંદ રૂપ છું અને પિંડબ્રહ્માંડ તો માયિક છે, ને નાશવંત છે, માટે હું ક્યાં? ને એ પિંડબ્રહ્માંડ ક્યાં? અને મારા ઇષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંતકોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર, તે થકી પણ પર છે. તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે.' એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહિ. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય અને વડવાનળ અગ્નિ સમુદ્રને વિષે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી, તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવાનળ અગ્નિ તથા વીજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કાળે ઓલાય નહિ અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહિ અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ તે સરખો છે, તે અમારા સ્વભાવને તો જે અતિશે અમારા ભેળા રહ્યા હશે તે જાણે છે અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણ્યાંમાં આવતો નથી અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે, તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે જે 'મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે.' અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી અને એવી રીતે એ જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે અને અંતર્યામી સહુમાં રહ્યા છે, તે બાઈ ભાઈને મનમાં એમ સમજાવે છે જે, 'બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ નથી.' તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે, મોટા પુરુષોને વિષે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે, તે પોતે સર્વે દોષ થકી રહિત થાય છે અને જે મોટા પુરુષને વિષે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ હોય તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિષે દોષબુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે અને એ સત્સંગ કરે છે તોય પણ દુ:ખીયો મટે નહિ અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે જે, 'જેટલા સંસારમાં મોહ ઉપજાવવાના પદાર્થ ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે તે કોઈમાં મહારાજને હેત નથી અને મહારાજ તો સર્વે થકી ઉદાસી છે અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે, કે જ્ઞાનવાર્તા કરે છે, તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે' અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તોય પણ અમારા સ્વભાવને એમ ન જાણે અને છેટે રહે તો પણ એમ ન જાણે.

આ વાત સમજાય પણ તેને, જેને આત્મનિષ્ઠા હોય અને તે આત્માને વિષે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહિ. માટે આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિષે વાસના રહેતી નથી અને વાસના ટળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખદુઃખને ભોગવે ખરો, પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે, તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત દર્શન થાય છે ત્યારે બુઠ્ઠીયો થઈ જાય છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યા હોય ને દાંત અતિશે અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહિ અને અતિશે ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહિ, તેમ જેણે આત્માનો ને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે તેને કોઈ લોકના વિષયસુખને વિષે આનંદ થાય નહિ અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો, પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે અને વાસના ટળવી એ પણ કામ અતિશે ભારે છે, વાસના તો સમાધિનિષ્ઠ થાય તો પણ રહી જાય છે અને સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી અને જો અવાય છે તો તેના ત્રણ હેતુ છે, તેમાં એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે અને કાંતો અતિસમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઇચ્છાએ પાછો દેહમાં આવે અને કાંતો કોઈક પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે એ ત્રણ પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે અને જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે, ત્યારે કોટિ કોટિ સૂર્ય સરખો બ્રહ્મનો પ્રકાશ દેખીને, જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિષે ન્યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે, એટલે ઉપાસનાનો ભંગ થયો. માટે પ્રત્યક્ષ મૂર્તિને વિષે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ તો સર્વે કામ સરે અને અમે પણ એમ દ્રઢ નિશ્ચય કર્યો છે જે, 'કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશ માત્ર અંતરાય રાખે નહિ, તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહિ.'

મુક્તાનંદ સ્વામી : જેણે મન દીધું હોય તેના કેવા લક્ષણ હોય અને મન ન દીધું હોય તેના કેવા લક્ષણ હોય?

શ્રીજી મહારાજ : જેણે મન અર્પણ કર્યું હોય તેને જો પરમેશ્વરની વાત થતી હોય તથા પરમેશ્વરના દર્શન થતા હોય અને તે સમે જો પોતે ન હોય તો તેની અતિશે પોતાના હૈયામાં દાઝ થાય અને જ્યારે ભગવાનની વાત સાંભળે તથા ભગવાનના દર્શન કરે તેને વિષે અધિક અધિક પ્રીતિ થતી જાય, પણ તેમાંથી મન પાછું હઠે નહિ અને પરમેશ્વર જ્યારે કોઈકને પરદેશ મુકયાની આજ્ઞા કરતા હોય, ત્યારે જેણે મન આપ્યું હોય તેના મનમાં એમ થાય જે, 'જો મને આજ્ઞા કરે તો બુરાનપુર તથા કાશી જ્યાં મૂકે ત્યાં રાજી થકો જાઉં.' એવી રીતે પરમેશ્વરના ગમતામાં રહીને જે રાજી રહેતો હોય, તે તો હજાર ગાઉ ગયો હોય તોય અમારે પાસે છે અને જેણે એવી રીતે મન ન આપ્યું હોય અને તે અતિશે અમારી સમીપે રહેતો હોય, તોય લાખો ગાઉ છેટે છે અને જેણે અમને મન ન આપ્યું હોય તેને તો ઉપદેશ કરતા પણ બીક લાગે, જે શુ જાણીએ સવળું સમજશે કે અવળું સમજશે? એવી રીતે મન આપ્યું હોય અને ન આપ્યું હોય તેના લક્ષણ છે.

વચનામૃત ૭૪

પ્રભુ ઈચ્છાથી સત્સંગ વધો કે ઘટો પણ સદા આનંદમાં ભજન કરવું.

સંવત : ૧૮૭૬ ના વૈશાખ સુદ એકાદશી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા.

સમય : સવારમાં 

પોશાક : શ્વેત વસ્ત્ર 

શ્રીજી મહારાજ : જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહિ અને ઝાઝી સંપત કે આપત આવે એની વાત શી કહેવી? પણ આ દાદાખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે.

મુક્તાનંદ સ્વામી : ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો, તે પણ સમજીને રહે છે જે, જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય અને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહિ, એટલા માટે હર્ષ શોક જેવું થઈ આવે છે.

શ્રીજી મહારાજ : આપણે તો શ્રી નરનારાયણના દાસ છીએ, તે શ્રીનરનારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું અને એ શ્રીનરનારાયણની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે, ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે અને એ શ્રીનરનારાયણ આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું અને એ શ્રીનરનારાયણના ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહિ અને આવા થુંકના સાંધા હોય તેને વિષે જેનું મન ક્ષોભ પામે તો જ્યારે સાચે સાચોજ જગત વ્યવહાર માથે આવ્યો હોય તો તેના શા હાલ થાય? માટે આપણા પતિ જે શ્રીનરનારાયણ તે તો બોરડીના ઝાડ હેઠે બેઠા તપ કરે છે અને કોઈ જાતના સંસારના સુખને સ્પર્શ કરતા નથી. ત્યારે આપણા પતિ જે શ્રીનરનારાયણ તેના આપણે દાસ છીએ. તે જેમ પતિવ્રતા સ્ત્રી હોય, તે પોતાના પતિ કરતા ઘરેણાં, વસ્ત્ર, ખાનપાનાદિક જે ભોગ એ સર્વે પતિથી પોતાને વાસ્તે ન્યૂન રાખે, પણ અધિક રાખે નહિ, તેમ આપણા પતિ જે શ્રીનરનારાયણ તે થકી આપણે પણ સાંસારિક સુખ ન્યૂન રાખવું જોઈએ અને જેટલા કાંઈક ભગવાનને વાસ્તે સારા સારા પદાર્થ ઇચ્છવા તે તો એ ભક્ત પોતાની ભક્તિએ કરીને, નિષ્કામી થઈને ઇચ્છતો હોય તો તો ઠીક છે, પણ પોતે ઇચ્છનારો જે ભક્ત તેને તે ભગવાન સંબંધી પદાર્થ ભોગવવાની ઈચ્છા રાખવી નહિ અને ભગવાનને તો સંસારના સુખની ઈચ્છા નથી, પણ પોતાના ભક્તની ભક્તિ જાણીને પોતાને જે જે પદાર્થ અર્પણ કરે છે તેનો અંગીકાર કરે છે અને જો ભગવાનને સંસારનું સુખ જોઈતું હોય, તો અનંત કોટિ બ્રહ્માંડના પતિ, ને બ્રહ્મપુર, ગોલોક, ને વૈકુંઠાદિક ધામના પતિ અને રાધિકા લક્ષ્મી આદિ જે પોતાની શક્તિઓ તેના પતિ, એવા જે ભગવાન તે, સર્વે પોતાના વૈભવને તજીને બોરડીના ઝાડ હેઠે તપ કરવાને શા સારું બેસે? માટે ભગવાનને તો વિષય સંબંધી સુખની આસક્તિ હોય જ નહિ. તેમાં પણ બીજા અવતાર કરતા આપણા પતિ જે શ્રીનરનારાયણ તે તો અત્યંત ત્યાગી છે અને જીવના કલ્યાણને અર્થે તપ કરે છે અને એ નરનારાયણને કોઈ વૈભવ જોઈતો હોય તો બોર ખાઈને શા સારું બેસી રહે? આ સંસારમાં મૂર્ખા જીવ હોય છે, તે પણ ગામગરાસ ભોગવે છે, તો નરનારાયણ તો સાક્ષાત ભગવાન છે, તે જો એમને કાંઈ જોઈતું હોય તો વધુ તો નહિ, પણ ચાર તો ગામડાં વસાવી બેસે? પણ એ ભગવાનને કાંઈ જોઈતું જ નથી. માટે આપણા સ્વામી જ્યારે એવા ત્યાગી છે તો આપણે તો એ થકી વિશેષ ત્યાગી રહેવું જોઈએ અને એ ભગવાનની ઇચ્છાએ કરીને જેવી જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી રીતે રાજી રહેવું. પછી એ ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાઓ અથવા એની ઇચ્છાએ સર્વે સત્સંગી મટી જાઓ, પણ કોઈ રીતે હર્ષ શોક મનમાં ધારવો નહિ. એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહિ.

વચનામૃત ૭૫

ભક્તનું માહાત્મ્ય સમજે તેનું કલ્યાણ, એમ ઇકોતેર પેઢીનો ઉદ્ધાર.

સંવત : ૧૮૭૬ ના વૈશાખ વદ એકાદશી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : દિવસે

પોશાક : પીળા પુષ્પના હાર કંઠને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા.

સુરાખાચર : "જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના ઇકોતેર પરિયાનો ઉદ્ધાર થાય છે." એમ કહ્યું છે અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના ને ભગવાનના દ્વેષી પણ હોય, ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર થાય છે?

શ્રીજી મહારાજ : જેમ કર્દમ ઋષિનો દેવહુતિએ પતિબુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો, તો પણ કર્દમ ઋષિને વિષે સ્નેહ હતો તો એનો ઉદ્ધાર થયો અને માંધાતા રાજાની દીકરીઓ પચાસ તે સૌભરી ઋષિનું રૂપ જોઈને વરિયો, તેને કામનાએ કરીને સૌભરીને વિષે હેત હતું, તો તે સર્વેનું કલ્યાણ ઋષિના જેવું થયું, માટે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વે એમ માને જે 'આપણું મોટું ભાગ્ય છે, જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે.' એવી રીતે ભક્તનું માહાત્મ્ય સમજીને હેત રાખે તો તે સર્વે કુટુંબીનું કલ્યાણ થાય અને મરીને પીત્રી જે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે જે, 'આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે.' એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે, તો તે પીત્રીનું પણ કલ્યાણ થાય અને જે ભગવાનના ભક્ત સંઘાથે વૈરબુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય અને જેમ જેમ વૈર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય અને દેહ મૂકે ત્યારે પંચ મહાપાપના કરનારા, જે નરકના કુંડમાં પડે, તે પણ તે જ કુંડમાં પડે છે. તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય, તો સંબંધી હોય અથવા બીજો કોઈ હોય તે સર્વનું કલ્યાણ થાય છે.

નાજે ભક્ત : ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્ચયવાળો હોય અને એક થોડા નિશ્ચયવાળો હોય અને ઉપરથી તો બેય સારા દેખાતા હોય તે બે કેમ ઓળખ્યામાં આવે?

શ્રીજી મહારાજ : જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય અને ભક્તિ ને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો અને એમાંથી જો એકે વાનું ઓછું હોય તો નિશ્ચય છે, તો પણ માહાત્મ્ય વિનાનો છે અને એ ચારવાના સંપૂર્ણ હોય તે માહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય જાણવો. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement