Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીગઢડા પ્રથમ પ્રકરણ (વચનામૃત ૬૬ થી ૭૦)

    ॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૬૬

શાસ્ત્રના શબ્દછળ ને ચતુર્વ્યુહની વાત.

સંવત : ૧૮૭૬ ના ફાગણ વદ અમાસ

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો.

શ્રીજી મહારાજ : શ્રીમદ્ભાગવતને વિષે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યુહનીજ વાર્તા છે તે કોઈ ઠેકાણે એને સગુણ કરી કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે, તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે. માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે અને એમ જાણે છે જે 'ભગવાનનો તો આકાર નથી' તે સમજનારાની અવળી સમજણ છે અને શાસ્ત્રમાં જે શબ્દછળ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી, તે ક્યા શબ્દછળ તો જે 'ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્યાપક છે.' એવાં વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે, 'શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે.' અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે 'શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કહ્યા છે, તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્યમૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે અને તેજના પુંજરૂપ કહ્યા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહિ, માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે, પણ સમજુ હોય તે એમ જાણે જે અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે, તેમ જ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે, તે જળ દેખાય છે અને વરુણની મૂર્તિ દેખાતી નથી, પણ સમજુ હોય તે એમ જાણે જે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મ સત્તારૂપ જે કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે અને શાસ્ત્રમાં એવાં વચન હોય જે, "જેમ કાંટો કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે, તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે, તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે." એવા જે શબ્દના છળ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભુલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે, પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણના પુત્ર લેવાને ગયા, ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંધીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેને વિષે રથને હાંકીને ને તેજ:પુંજને વિષે પ્રવેશ કરીને, ભૂમાપુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હતા. માટે શ્રીકૃષ્ણ ભગવાન દિવ્યમૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વ દિવ્ય ને માયાપર જે ચૈતન્ય તે રૂપે થતા હતા અને જો દિવ્યરૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાંજ લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહિ, માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ માયિક થયાં. એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંતકોટિ મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે.

માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વાંચતા હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે, તે ઠેકાણે એમ જાણવું જે, એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે. પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. 

વચનામૃત ૬૭

મહિમાયુક્ત સંતનો ગુણ લેવાથી સંતના ગુણ મુમુક્ષુમાં આવે છે.

સંવત : ૧૮૭૬ ના ચૈત્ર શુદ સાતમ

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર 

શ્રીજી મહારાજ : કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, 'આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિષે પ્રીતિ થાય તો ઘણું સારું છે' અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહિ, એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિષે કેમ સમજે તો આવે, ને કેમ સમજે તો ન આવે?" એ પ્રશ્ન છે.

મુક્તાનંદ સ્વામી : જેને આલોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે, તેને વિષે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને જે એવો ન હોય તેમાં ન આવે.

શ્રીજી મહારાજ : એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે, તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો જે, જે પુરુષને પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે જે, "આ પુરુષ તો અતિશે મોટા છે અને એની આગળ લાખો માણસ હાથ જોડીને ઉભા રહે છે, તો પણ લેશમાત્ર સંસારના સુખને ઇચ્છતા નથી અને હું તો અતિશે પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશમાત્ર સમજ તોજ નથી, માટે મને ધિક્કાર છે' એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે. પછી એમ ને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિષે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ તે સાંભળો જે, જે પુરુષ એમ સમજે છે જે, 'આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી અને ખાતાપીતાં પણ આવડતું નથી અને ઓઢતા પહેરતા પણ આવડતું નથી અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે,' એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે, એવો જે કુમતિ પુરુષ હોય તેને વિષે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવેજ નહિ.

વચનામૃત ૬૮

અષ્ટ પ્રકારની પ્રતિમા તથા સંતમાં અખંડ ભગવાન રહ્યા વિષે.

સંવત : ૧૮૭૬ ના ચૈત્ર શુદ નવમી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : ધોળો ખેસ, ધોળી ચાદર ને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું.

શ્રીજી મહારાજ : અમે એક પ્રશ્ન પૂછીએ છીએ.

મુનિ : પૂછો.

શ્રીજી મહારાજ : ઓગણતેરા કાળમાં અમને એક મહિના સુધી જ્યારે નિદ્રા આવે ત્યારે એમ ભાસતું જે, અમે પુરુષોત્તમપુરીને વિષે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિષે પ્રવેશ કરીને રહ્યા છીએ અને તે મૂર્તિ તો કાષ્ઠની જણાય પણ નેત્રે કરીને અમે સર્વને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છળકપટ સર્વ દેખતા અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વેને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે 'શુકજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા,' માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે, માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે, તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે, તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે 'જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે, તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે, તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ, તે તો એ ભક્ત લેશમાત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે, 'મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિષે હું અખંડ નિવાસ કરીને રહું છું.' અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલફતુર કરે છે, પણ લેશમાત્ર ભગવાનનો ડર રાખતો નથી. એને ભગવાનનો નિશ્ચય છે કે નથી?

પરમહંસ : જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો, તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. 

શ્રીજી મહારાજ : એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે, ત્યારે એનું કલ્યાણ થશે કે નહિ થાય?

સંત : એનું કલ્યાણ નહિ થાય.

શ્રીજી મહારાજ : જેને ભગવાનની મૂર્તિને વિષે નાસ્તિકપણું આવે અને સંતને વિષે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહિ રહે. એને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને એ ભગવાનના ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ છે તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાયે કરીને ને કર્મે કરીને માનશે, પણ પરમેશ્વર વતે કરીને નહિ માને, એવો પાકો નાસ્તિક થશે.

મુક્તાનંદ સ્વામી : એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે, કે કોઈ કુસંગ છે?

શ્રીજી મહારાજ : નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિકના ગ્રંથને વિષે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષ્યા એ પણ નાસ્તિકપણાના હેતુ છે, કેમ જે એ માંહિલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ, સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહિ અને એ નાસ્તિકપણું મટે ક્યારે, તો જ્યારે શ્રીમદ્ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિષે કહી જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય રૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું માહાત્મ્ય સમજે, ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે. 

વચનામૃત ૬૯

અહિંસા, ધર્મ, કોઈનું પણ ભૂંડું ન ઇચ્છવું, નાસ્તિકનો સંગ તજવો.

સંવત : ૧૮૭૬ ના ચૈત્ર શુદ દ્વાદશી

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર 

શ્રીજી મહારાજ : ધર્મ તે કેનું નામ છે, એનો શાસ્ત્રની રીતે કરીને ઉત્તર કરો? અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યો હોય તેને મારતા નહિ અને મારવા પણ દેતા નહિ, માટે શરણે આવ્યો જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે તેમ બીજાને માર્યાનું પાપ છે કે નથી?

મુનિ : હે મહારાજ! અમે એ જ તમને પ્રશ્ન પૂછીએ છીએ જે, યજ્ઞાદીકને વિષે પશુહિંસા સહિત ધર્મ કહ્યો છે અને અહિંસારૂપ પણ ધર્મ કહ્યો છે, માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો!

શ્રીજી મહારાજ : હિંસા યુક્ત જે ધર્મ તે તો ધર્મ, અર્થ અને કામ પર છે તે પણ હિંસાના સંકોચને અર્થે કહ્યો છે અને અહિંસામય જે ધર્મ છે તે મોક્ષપરાયણ છે અને એ સાધુનો ધર્મ છે અને હિંસામય જે ધર્મ છે તે તો રાગપ્રાપ્ત છે પણ કલ્યાણને અર્થે નથી અને જે અહિંસારૂપ ધર્મ છે તેતો કેવળ કલ્યાણને અર્થે છે, માટે ગૃહસ્થ અથવા ત્યાગી એ સર્વેને અહિંસારૂપ જે ધર્મ તેજ કલ્યાણને અર્થે કહ્યો છે. જેમ રાજા ઉપરિચરવસુ રાજ્યમાં હતા તોય પણ અહિંસા ધર્મને વિષે રહ્યા હતા, તે માટે સાધુને તો મન, કર્મ, વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહિ અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહિ અને સર્વના દાસાનુદાસ થઈને રહેવું અને ક્રોધે યુક્ત જે પ્રકૃતિ તેતો દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું તેજ સાધુનો ધર્મ છે અને કોઈ કહેશે જે, 'હજારો માણસને નિયમમાં વર્તાવવા હોય, તેને કેમ સાધુતા ગ્રહણ કર્યે ચાલે?' તો એનો ઉત્તર એ છે જે, રાજા યુધિષ્ઠિરનું હજારો ગાઉમાં રાજ્ય હતું તોય પણ સાધુતા રાખી હતી અને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય તે વારીએ તોય પણ કર્યા વિનાનું રહેવાય નહિ. માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ નથી, એવા તો ઘણાય હોય, પણ સાધુ થવું એ જ ઘણું દુર્લભ છે. 

વચનામૃત ૭૦

ચોરને કાંટો વાગ્યાનું દ્રષ્ટાંત, સત્સંગથી શૂળીનું દુ:ખ મટવા વિષે.

સંવત : ૧૮૭૬ ના ચૈત્ર શુદ પૂર્ણિમા 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : દિવસે

પોશાક : માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને હસ્તકમળમાં તુલસીની માળા લઈને ફેરવતા હતા. 

શ્રીજી મહારાજ : મોટા મોટા પરમહંસ માંહોમાંહિ પ્રશ્ન ઉત્તર કરો તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો.

કાકાભાઈ : અંતરની માંહીલી કોરે એક કહે છે જે વિષયને ભોગવીએ અને એક તેની ના પાડે છે. તે ના પાડે છે તે કોણ છે, ને હા પાડે છે તે કોણ છે?

નિત્યાનંદ સ્વામી : ના પાડે છે તે જીવ છે ને હા પાડે છે તે મન છે.

શ્રીજી મહારાજ : આ આપણ છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી, તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો જે "આ તારી મા ને આ તારો બાપ ને આ તારો કાકો ને આ તારો ભાઈ, ને આ તારો મામો ને આ તારી બોન ને આ તારી મામી ને આ તારી કાકી ને આ તારી માસી ને આ તારી ભેંશ ને આ તારી ગાય ને આ તારો ઘોડો ને આ તારું લૂગડું ને આ તારું ઘર ને આ તારી મેડી ને આ તારું ખેતર ને આ તારાં ઘરેણાં" ઇત્યાદિક જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે, તે કેવી રીતે રહ્યા છે તો જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય છે, તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દ ને તેના રૂપ તે પંચવિષયે સહિત રહ્યાં છે અને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની ને વિષય ખંડનની ને જગતમિથ્યાની વાર્તા કરી, તે સંતની વાર્તા ને તે સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યા છે, તે એ બે લશ્કર છે તે સામસામાં ઉભા છે. 'જેમ કુરુક્ષેત્રને વિષે કૌરવ ને પાંડવના લશ્કર સામસામાં ઉભા હતા ને પરસ્પર તીર ને બરછી ઇત્યાદિક શસ્ત્રની લડાઈ થતી હતી અને કોઈક તરવારે લડવા હતા ને કોઈક ગદાએ લડતા હતા ને કોઈક બથોબથ લડતા હતા ને તેમાં કોઈનું માથું ઉડી ગયું ને કોઈની સાથળ કપાઈ ગઈ એમ કચ્ચરઘાણ ઉડતો હતો.' તેમ આ જીવના અંતઃકરણમાં પણ જે કુસંગીના રૂપ છે તે પંચવિષયરૂપી શસ્ત્ર બાંધીને ઉભા છે અને વળી જે આ સંતના રૂપ છે તે પણ 'ભગવાન સત્ય ને જગત મિથ્યા ને વિષય ખોટા' એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઉભા છે અને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે. તે જ્યારે કુસંગીનું બળ થાય છે, ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા થઈ આવે છે ને જ્યારે આ સંતનું બળ થાય છે, ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા નથી થતી. એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે. તે જેમ यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः । तत्र श्रीविजयो भूतिर्धृवा नीतिर्मतिर्मम ।। એ શ્લોકમાં કહ્યું છે જે "જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે, ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્ચર્ય છે અને અચળ નીતિ છે" તેમ જેની કોરે આ સંત મંડળ છે, તેનો જ જય થશે. એમ નિશ્ચય રાખવો.

કાકાભાઈ : હે મહારાજ! એ સંતનું બળ વધે, ને કુસંગીનું બળ ઘટે, તેનો શો ઉપાય છે?

શ્રીજી મહારાજ : અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે. પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે, માટે બહારના કુસંગીનો સંગ ન કરે અને બહારના જે સંત છે તેનોજ સંગ રાખે, તો કુસંગીનું બળ ઘટી જાય અને સંતનું બળ વધે એમ છે. 

કાકાભાઈ : હે મહારાજ! એકને તો કુસંગીની લડાઈ આળશી ગઈ છે ને સંતનું જ બળ છે એક એવો છે અને એકને તો એમ ને એમ લડાઈ થતી રહે છે, તે એ બેમાં જેને લડાઈ આળશી ગઈ છે તે મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, તેમાં તો કાંઈ સંશય નથી. પણ જેને લડાઈ એમ ને એમ થાય છે, તે મરે તેની શી ગતિ થાય તે કહો?

શ્રીજી મહારાજ : જેમ એક લડવા નિસર્યો તેને આગળ વાણીયા કે ગરીબ વર્ણ આવ્યા તેને જીતી ગયો તે પણ જીત્યો જ તો અને એક તો લડવા નિસર્યો તેને આગળ આરબની બેરખ આવી તથા રજપુત આવ્યા તથા કાઠી તથા કોળી આવ્યા તેને તો જીતવા કઠણ જ છે. પણ કાંઈ એ વાણિયાની પેઠે તરત જીતાઈ જાય એવા નથી. માટે એતો એમને એમ લડે છે અને તેમાં જો જીત્યો તો જીત્યો અને જો લડતે લડતે શત્રુનો હઠાવ્યો તો ન હઠયો, પણ દેહનું આયુષ્ય આવી રહ્યું અને મૃત્યુ પામ્યો તો પણ જે એનો ધણી છે તે શું નહિ જાણે? જે 'એને આગળ આવા કરડાં માણસ આવ્યા હતા તે નહિ જીતાય અને આની આગળ તો વાણીયા આવ્યા હતા તે જીતાય એવા હતા.' એમ એ બેય ધણીની નજરમાં હોય, તેમ એની ભગવાન સહાય કરે જે, "આને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે માટે એને શાબાશ છે, એમ જાણીને ભગવાન એની સહાય કરે છે; માટે બેફિકર રહેવું, કાંઈ ચિંતા રાખવી નહિ, ભગવાનને એમને એમ ભજયા કરવું ને સંતનો સમાગમ અધિક રાખવો ને કુસંગીથી છેટે રહેવું." 

જીવાભાઈ : ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય?

નિત્યાનંદ સ્વામી : કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશે રાખીએ, તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય ન થાય.

શ્રીજી મહારાજ : ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈક પદાર્થની ઇચ્છાએ કરીને ન કરવો, જે 'હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય અથવા વાંઝીયો છું તે દીકરો આવે, કે દીકરા મરી મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થઉં, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે,' એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પુરી થાય, તો અતિશે પાકો સત્સંગી થઈ જાય અને જો ઈચ્છા પુરી ન થાય તો નિશ્ચય ઘટી જાય, માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહિ, કા જે ઘરમાં દશ માણસ હોય અને તે દશેનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઉગરે તો શું થોડો છે? કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે, એમ માનવું. એમ અતિશે દુ:ખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી અને જો શૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે. ત્યાં એક વાર્તા છે જે એક ગામમાં ચોર બહુ રહેતા. તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો તેને માર્ગને વિષે પગમાં કાંટો વાગ્યો તે પગમાં સોંસરો નીકળ્યો, તેણે કરીને પગ સુણ્યો તે ચોરીએ ન જવાણું અને બીજા ચોર તો ચોરી કરવા ગયા તે એક રાજાનો ખજીનો ફાડીને ઘણુંક ધન લઈ આવ્યા અને સૌએ માંહો માંહી વહેંચી લીધું તે પૈસા બહુ આવ્યા. તેને સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્યો હતો તેનાં માબાપ, સ્ત્રી અને સગાં સર્વે વઢવા લાગ્યાં જે તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું, ને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા.' એમ વાર્તા કરે છે ત્યાં રાજાનું લશ્કર આવ્યું તે 'તે સર્વે ચોરને ઝાલીને શૂળીએ દીધા તેને ભેળે એને પણ ઝાલીને શૂળીએ દેવા સારું લઈ ગયા. ત્યારે તે સર્વે ગામને માણસે તથા સાધુએ સાંખ્ય પુરી જે, આ તો ચોરી કરવા નો'તો ગયો, એને તો કાંટો વાગ્યો હતો,' ત્યારે તે ઉગર્યો. એમ સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુ:ખ હોય તે કાંટે મટે છે, કાંજે અમે રામાનંદ સ્વામી પાસે માંગી લીધું છે જે, 'તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુ:ખ થવાનું હોય તો તે મને એક એક રૂવાડે કોટિ કોટિ વીંછીનું દુ:ખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહિ અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુ:ખી ન થાય, એ બે વર મને આપો.' એમ મેં રામાનંદ સ્વામી પાસે માગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે, માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુ:ખ થવાનું લખ્યું હોય તે થાય નહિ, તોય પણ પદાર્થ નાશવંત છે માટે એ પદાર્થની ઇચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહિ, માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો. તો અડગ નિશ્ચય થાય, ઇત્યાદિક ઘણીક વાર્તા તો કરી છે, પણ આ તો દિશમાત્ર લખી છે. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement