॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
अकार्याचरणे क्वापि जाते स्वस्य परस्य वा ।अङ्गच्छेदो न कर्तव्यः शस्त्राद्यैश्च क्रुधापि वा ।।१६।।
(ક્યારેક પોતાવતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજાવતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું.)
શ્રી ભાષ્યકાર શતાનંદસ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, જેમ કોઈ પણ પ્રાણીઓની હિંસા કરવી નહિ. તેજ રીતે કોઈ પણ પ્રાણીઓના અંગનું છેદન પણ કરવું નહિ. ક્યારેક લોક અને શાસ્ત્રમાં નિષેધ કરેલા પાપકર્મનું આચરણ પોતાથી અથવા બીજાથી થઈ ગયું હોય, તો તલવાર, છરી, સજાયો આદિક શસ્ત્રો વડે કરીને પોતાના અથવા પોતાનો અપરાધ કરનાર સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી આદિક બીજાના કર્ણ, નાસિકા, શિશ્ન આદિક અંગનું છેદન કરવું નહિ. ભગવાને આપેલા અખંડિત શરીરને જો પોતે ખંડિત કરી નાખે છે, તો એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય છે અને એના ઉપર ભગવાનનો કુરાજીપો થાય છે. તેથી વારંવાર જન્મમરણરૂપી સંસૃતિમાં ભ્રમણ પ્રાપ્ત થાય છે.
શતાનંદ સ્વામી સમજાવે છે કે, પોતાના હાથવડે ચોરી ઇત્યાદિક અયોગ્ય કર્મ થઈ ગયું હોય અથવા નેત્રો વડે પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ ઇત્યાદિક પાપ કર્મ થઈ ગયું હોય અને પછી વિચારે કે મારા હાથથી અથવા નેત્રોથી આવું અયોગ્ય કર્મ થયું. માટે મારે હવે હસ્ત તથા નેત્રો જોઈએ જ નહિ. આમ આવેશમાં આવીને હસ્તને કાપી નાખે, નેત્રોને ફોડી નાખે, તેણે કરીને હૃદયમાં રહેલા વેગો કાંઈ દૂર થઈ જતા નથી અને એ પુરુષ કાંઈ જીતેન્દ્રિય પણ કહેવાતો નથી. કારણકે સર્વે ઇન્દ્રિયોનો નાયક મન છે, અર્થાત ઇન્દ્રિયોને પ્રેરણા આપનાર મન છે અને મનને પ્રેરણા આપનાર બુદ્ધિ છે. બુદ્ધિ જેવો નિશ્ચય કરે છે. એ પ્રમાણે મન, ઇન્દ્રિયોને પ્રવર્તાવે છે. માટે ઇન્દ્રિયોને છેદી નાખવાથી કોઈ અર્થ સિદ્ધ થતો નથી. સાત્વિક વાતાવરણમાં રહીને અને સાત્વિક કર્મથી જ્યારે બુદ્ધિને સાત્વિક બનાવવામાં આવે, ત્યારે જ મન અને ઈન્દ્રિયો ઉપર કાબુ આવી શકે છે. ત્યારે જ પુરુષ જીતેન્દ્રિય બની શકે છે. એમ છતાં પણ જો ક્યારેક પ્રકૃતિને પરવશ બનીને પોતાથી તથા બીજાથી કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય, તો શાસ્ત્રને અનુસારે યથાશક્તિ પ્રાયશ્ચિત વ્રત કરવું અથવા બીજા પાસે કરાવવું એ યોગ્ય છે. પણ અંગોનું છેદન કરી નાખવું એ યોગ્ય નથી, આવું તાત્પર્ય છે.
વળી સ્કંદપુરાણમાં કહેલું છે કે, परस्य त्रासजननी नोच्चार्या वागपि क्वचित् ।।इति।। બીજાને ત્રાસ ઉત્પન્ન કરનારી વાણી પણ ક્યારેય બોલવી નહિ. "આજે હું મારા અંગને કાપી નાખીશ, કે તમે આ દેવદત્તનું અંગ કાપી નાખો" આવું પોતાના તથા બીજાના અંગને છેદવાનું વચન પણ બોલવું નહિ. બોલવામાં પણ પાપ છે, આવો ભાવ છે.
તેવી જ રીતે કોઈ દુર્જન પુરુષોએ અથવા પોતાના સંબંધીઓએ મર્મસ્થળને ભેદી નાખે એવું કઠોર વચન કહેલું હોય અને તેણે કરીને પોતાને ક્રોધ ઉત્પન્ન થાય, અરે! મને આમ કહ્યું, આમ આવેશમાં આવીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન કરવું નહિ. કારણકે ક્રોધ છે એ પોતે કરેલા સમગ્ર પુણ્યમાત્રને બાળી નાખનાર છે. માટે ક્રોધને નિયમમાં કરી લેવો, પણ અંગોનું છેદન કરવું નહિ, આવો અભિપ્રાય છે.
स्तेनकर्म न कर्तव्यं धर्मार्थमपि केनचित् ।सस्वामिकाष्ठपुष्पादि न ग्राह्यं तदनाज्ञाया ।।१७।।
(ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણીયાતું જે કાષ્ટ, પુષ્પ આદિક વસ્તુ, તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું.)
શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે, ધર્મને અર્થે પણ ચોરી ન થાય, તો પોતાના કુટુંબના પોષણાદિકને માટે કે પોતા માટે તો ચોરી ક્યાંથી થાય? ન જ થાય.
ચોરીનું કર્મ એટલે ધણીની હાજરીમાં બળાત્કારે અથવા તો ધણીની ગેરહાજરીમાં પારકા દ્રવ્યમાત્રનું હરણ કરી લેવું, પારકું દ્રવ્ય લૂંટી લેવું તેને કહેવાય ચોરીનું કર્મ, આવું ચોરીનું કર્મ કોઈ ધર્મ સંબંધી કાર્યને માટે પણ કરવું નહિ. કારણકે ચોરીનું દ્રવ્ય બીજાના અંતઃકરણને કલેશ આપીને મેળવેલું હોય છે અને એ અન્યાયનું કહેવાય છે. માટે એ ચોરીનું દ્રવ્ય ધર્મકાર્ય માટે યોગ્ય જ નથી. નીતિ અને ન્યાયથી પ્રાપ્ત કરેલું દ્રવ્ય હોય એ જ ધર્મકાર્ય માટે યોગ્ય છે.
શતાનંદ સ્વામી સમજાવે છે કે, આપણા મનમાં ક્યારેક એમ થાય જે હું ભગવાનના દર્શન માટે મંદિરમાં જાઉં છું અને આ વસ્તુ પણ ભગવાનને અર્પણ કરવી છે, આમાં આપણને ક્યાં સ્વાર્થ છે, કેવળ ભગવાનને માટે લેવી છે ને? એમ માનીને કોઈની વાડીમાંથી પુષ્પાદિક વસ્તુ ચોરીને ભગવાનને અર્પણ કરવામાં આવે, તો એ અર્પણ ક્રિયામાં કાંઇ પાપ નથી, એમાં તો પુણ્ય જ છે. પણ એ પુણ્ય તો જેમની વસ્તુ હોય તેમને જ મળે છે. પોતાના ભાગમાં તો પોતે ચોરી કરી, તેનું પાપ જ મળે છે. આ વિષયમાં દાનખંડને વિષે યમસ્મૃતિનું વાક્ય છે. अपहत्य परस्यार्थं दानं यस्तु प्रयच्छति । स दाता नरकं याति यस्यार्थास्तस्य तत्फलम् ।।इति।। આ વાક્યનો એ અર્થ છે કે, પારકા દ્રવ્યનું હરણ કરીને દાન આપવું કે કોઈપણ ધર્મસંબંધી કાર્ય કરવું, તેમાં બે ક્રિયાઓ થાય છે. એક ક્રિયા પાપરૂપ છે અને બીજી ક્રિયા પુણ્યરૂપ છે. પારકું દ્રવ્ય ચોરી લેવું એ ક્રિયા પાપરૂપ છે અને પારકા દ્રવ્ય વડે જે ધર્મસંબંધી કાર્ય કરવું, એ ક્રિયા પુણ્યરૂપ છે. પણ એ પુણ્ય જેની વસ્તુ હોય તેના ખાતામાં જમા થાય છે અને ચોરી કરીને ધર્મકાર્ય કરનાર પુરુષના ખાતામાં તો પાપ જ જમા થાય છે, પણ પુણ્ય નહિ. માટે મારા આશ્રિતોએ ન્યાયથી મેળવેલા દ્રવ્યથી જ ધર્મસંબંધી કાર્ય કરવું, આવો અભિપ્રાય છે.
વળી કોઈપણ વસ્તુ ધણીયાતી હોય, એ વસ્તુ તેના ધણીની આજ્ઞા વિના લેવી નહિ. કોઈપણ વસ્તુ પોતાને જોઈતી હોય, તો તેના ધણીની આજ્ઞા લઈને જ લેવી અને જે વસ્તુનો કોઈ ધણી ન હોય, એવી વસ્તુ લેવામાં કોઈ દોષ નથી. મોટે ભાગે ધણી વિનાની કોઈ વસ્તુ હોતી નથી. વસ્તુનો કોઈ ને કોઈ ધણી હોય છે. કોઈ જંગલ કે પહાડો હોય એ પણ સરકારની હસ્તક હોય છે. તેથી માલિકીની વસ્તુ તેના માલિકની આજ્ઞા વિના લેવી નહિ.
વળી શાસ્ત્રોમાં કોઈક જગ્યાએ ચોરી કરવાની છૂટ પણ આપેલી છે. જેમ કે, द्विजस्तृणैंधपुष्पाणि सर्वतः स्ववदाहरेत् ।।इति।। આ વાક્યનો એ અર્થ છે કે, ગાયને માટે ઘાસ જોઈતું હોય, યજ્ઞાને માટે કાષ્ટ જોઈતા હોય અથવા દેવને માટે પુષ્પ જોઈતા હોય, તો બધી જગ્યાએથી પોતાનું જાણીને લઈ લેવું. આમાં શતાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે, પહેલાના સત્યયુગના સમયમાં, કોઈ ગાય માટે ઘાસ લે, કે હોમને માટે કાષ્ટ લે અથવા દેવને માટે પુષ્પ લે, તેમાં કદાચ કોઈ એમના માલિક બોલતા નહિ હોય. કારણકે, પહેલાના સમયમાં મોટે ભાગે મનુષ્યો સાત્વિક હતા અને ગાય તથા દેવને વિષે ભાવનાવાળા હતા. પણ અત્યારના સમયમાં જો કોઈ આ સ્મૃતિને સંભારીને કોઈની વાડીમાં ગાયને માટે ઘાસ કે દેવને માટે પુષ્પ લેવા માટે પ્રવેશ કરે, તો એની શું દશા થાય? કારણકે વાડીના માલિકને યજ્ઞાનો, દેવનો કે ગાયનો મહિમા ન પણ હોય, તેથી ઝઘડા સિવાય ઘાસ કે પુષ્પાદિક કાંઈ પણ પ્રાપ્ત થાય નહિ. કેવળ કલહ જ પ્રાપ્ત થાય છે. માટે શતાનંદ સ્વામીનો તો અભિપ્રાય એવો છે કે, આ કલિયુગમાં જે કોઈપણ વસ્તુ જોઈતી હોય, તો ધણીને પૂછીને જ લેવી.
વળી મનુઋષિએ ક્યારેક આપત્કાળમાં ચોરીની છૂટ પણ આપેલી છે. द्विजोङध्वगः क्षीणवृत्तिः द्वाविक्षू द्वे च मूलके । आददानः परक्षेत्रात् न दण्डं दातुमहर्ति ।।इति।। આ વાક્યનો એ અર્થ છે કે, કોઈ સમયે કોઈ પુરુષ માર્ગમાં ભટકતો હોય, બહુ ભૂખ લાગેલી હોય તો એ પુરુષ જો બીજાની વાડીમાંથી બે શેરડીના સાંઠા કે બે મૂળા લઈ લે તો એ રાજાના દંડને યોગ્ય નથી. તેવી જ રીતે કોઈ પુરુષને ત્રણ ઉપવાસ થઈ ગયા હોય, એવો પુરુષ ચોથે દિવસે કોઈકની વાડીમાંથી એક ટક ચાલે તેટલું જો અન્ન ગ્રહણ કરી લે, તો પણ એને દોષ લાગતો નથી.
આમાં શતાનંદ સ્વામીનો અભિપ્રાય એ છે કે, માલિક જો હાજર હોય, તો માલિકને પૂછીને જ લેવું. પણ માલિક જો હાજર ન હોય અને પોતાને ત્રણ ઉપવાસ થઈ ગયા હોય, એવો પુરુષ જો ચોથે દિવસે એક ટક જેટલું અન્ન લઈ લે અથવા બે શેરડીના સાંઠા કે બે મૂળા લઈ લે, તો એ દોષનો ભાગીદાર બનતો નથી. કારણકે એ આપાતકાળનો વિષય છે. આપાતકાળમાં તો આપાતકાળના ધર્મ પ્રમાણે રહેવું, આવું શ્રીહરીનું તાત્પર્ય છે.
व्यभिचारो न कर्तव्यः पुम्भिः स्त्रीभिश्च मां श्रितैः ।द्युतादि व्यसनं त्याज्यं नाद्यं भङ्गादि मादकम् ।।१८।।
(અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય, મફર, માજમ, ગાંજો આદિક જે કેફ કરનારા વસ્તુ તે ખાવા નહિ અને પીવા પણ નહિ.)
શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, શ્રીજી મહારાજે સદાચારને અતિ મહત્વ આપેલું છે. ગૃહસ્થો માટે સદાચારમાં સારામાં સારું પાસું એક પત્ની વ્રત છે. પોતાની પત્ની સિવાય બીજી તમામ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ, બહેનભાવ કે દિકરીભાવ રહે આવા ગૃહસ્થને બ્રહ્મચારીની સમાન ઉત્તમ કહેલો છે અને જો ગૃહસ્થ પુરુષો કે સ્ત્રીઓના હૃદયમાં પાપમય વાસનાનો પ્રવેશ થાય અને એ પ્રવેશને પોતે અટકાવી શકે નહિ અને જો અનિષ્ઠ આચરણ કરે, તો એ ગૃહસ્થ મહાપાપી બને છે અને આ લોકમાં પણ મહાન નિંદાને પામે છે. આ વિષયમાં અહીં મનુસ્મૃતિનું વાક્ય પ્રમાણરૂપ છે. व्यभिचारात्तु भर्तुः स्त्री लोके निन्द्यतां प्राप्नोति । शृगालयोनिमाप्नोति पापरोगैश्च पीडयते ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, સ્ત્રી જો વ્યભિચાર કર્મ કરે, અર્થાત જો પરપુરુષનો સંગ કરે તો એ સ્ત્રી આ લોકમાં નિંદાને પાત્ર બને છે અને પરલોકમાં શિયાળીની યોનિને પામે છે અને એ યોનિમાં પાપ તથા રોગ વડે પીડા પામે છે. એ જ પ્રમાણે પુરુષ જો પરસ્ત્રીનો સંગ કરે, તો પુરુષ પણ આ લોકમાં નિંદાને પાત્ર બને છે અને પરલોકમાં શિયાળની યોનિને પામે છે અને એ યોનિમાં પાપ અને રોગ વડે પીડા પામે છે. આ રીતે બન્નેને સમાન દોષ કહ્યો છે.
તેવી જ રીતે મહાભારતના આનુશાસનિક પર્વમાં પણ મહાન દોષ બતાવ્યો છે. परदारेषु ये मूढाश्चक्षुर्दुष्टं प्रयुञ्जते । तेन दुष्टस्वभावेन जात्यन्धास्ते भवन्ति हि ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, જે પુરુષો સ્ત્રીઓ ઉપર ખોટી દ્રષ્ટિ કરે છે, એ પુરુષો પોતાના જ દુષ્ટ સ્વભાવે કરીને જન્મથી જ આંધળા થાય છે અને વળી વાસુદેવમહાત્મ્યમાં પણ બતાવેલું છે કે, ગૃહસ્થાશ્રમી પુરુષોએ કામભાવે કરીને પરસ્ત્રીઓને ક્યારેય પણ જોવી નહિ અને શ્રાદ્ધ, પર્વ અને વ્રત આદિક દિવસોમાં પોતાની સ્ત્રીનો સંગ કરવો નહિ અને વળી દેવળસ્મૃતિની અંદર પણ વ્યભિચારના વિષયમાં મહાન દોષ બતાવેલો છે. या कामेनापङन्यपुरुषं योषाङभिसरति क्वचित् । सा खरी सप्तजन्मनि निरयान्तेङतिरुग् भवेत् ।।इति।। આ શ્લોકનો અભિપ્રાય એ છે કે, જે સ્ત્રી કામાસક્ત થઈને પરપુરુષનો સંગ કરે છે, એ સ્ત્રી પ્રથમ નરકને પામે છે અને નરકનું દુ:ખ ભોગવી લીધા પછી સાત જન્મ પર્યત ગધેડીના જન્મને પામે છે અને અતિ રોગી થાય છે. એજ રીતે ભાગવત શાસ્ત્રમાં પણ પ્રતિપાદન કરેલું છે કે, જે સ્ત્રી અને પુરુષ બન્ને પરસ્પર જો વ્યભિચાર કર્મ કરે છે, તો યમદૂતો નરકમાં ચાબુક વડે પ્રહાર કરતા થકા અગ્નિથી તપાવેલી લાલચોળ લોઢાની સ્ત્રીની પૂતળી સાથે પુરુષને આલિંગન કરાવે છે અને પુરુષના પૂતળાની સાથે સ્ત્રીને આલિંગન કરાવે છે. આ રીતે વ્યભિચાર કર્મનું મહાન દુ:ખ તમામ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. માટે મન વડે કરીને પણ વ્યભિચાર કરવો નહિ, આવું તાત્પર્ય છે.
શતાનંદ સ્વામી વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, કામ વડે વિહ્વળ બનેલા કેટલાક પુરુષો એવો બકવાદ કરે છે કે, સ્ત્રી અને પુરુષને પરસ્પર જો પ્રેમ ઉત્પન્ન થાય અને પરસ્પર સંમતિથી જો કામક્રીડા કરવામાં આવે તો દોષ લાગતો નથી, પરંતુ બળાત્કારમાં જ દોષ છે.
શતાનંદ સ્વામી આનું ખંડન કરતાં કહે છે કે, આ વાત બિલકુલ અયોગ્ય છે. પાપ અને પુણ્યની વ્યાખ્યા એ જ છે કે, જે મહારાજની આજ્ઞાનું પાલન કરવું, એ પુણ્ય છે અને મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ જ પાપ છે. બીજી કોઈ પાપ પુણ્યની વ્યાખ્યા જ નથી. માટે પરસ્પર સંમતિથી જે કામક્રીડા કરવામાં આવે, એ પણ આજ્ઞાનું ઉલ્લંઘન જ છે અને આજ્ઞાનું ઉલ્લંઘન એજ પાપ છે. શ્રીજી મહારાજની આજ્ઞા એવી છે કે, અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ ગૃહસ્થ જે સ્ત્રી પરણેલી હોય, એ સિવાયની તમામ સ્ત્રીઓમાં મા, બહેન અને દીકરીની ભાવના રાખવી અને એ ભાવના જો ન રહી શકે, તો આજ્ઞાનું ઉલ્લંઘન છે અને આજ્ઞાનું ઉલ્લંઘન એજ પાપ છે. બીજી કોઈ પાપની વ્યાખ્યા નથી. માટે પરસ્પર પ્રેમથી કે સંમતિથી પણ અનિષ્ઠ કર્મ કરવું નહિ. આવું તાત્પર્ય છે.
વળી કેટલાક એવો બકવાદ કરે છે કે, જે વસ્તુ આપણે બજારમાંથી ખરીદેલી હોય, એ વસ્તુના માલિક આપણે કહેવાઈએ છીએ, તેમ બજારમાંથી પૈસા આપીને ખરીદેલી સ્ત્રી છે, એ પરસ્ત્રી કહેવાતી નથી, એતો પોતાની જ સ્ત્રી કહેવાય છે. માટે તેનો સંગ કરવામાં દોષ નથી.
ભાષ્યકાર શતાનંદ સ્વામી આ વાતનું ખંડન કરતાં કહે છે કે, જે સ્ત્રીઓ ધનથી પોતાના શરીરને વહેંચતી હોય, એવી સ્ત્રીઓને તો શાસ્ત્રમાં વેશ્યા કહેલી છે અને વેશ્યા સ્ત્રીનો સંગ કરવામાં અધિક દોષ શાસ્ત્રમાં બતાવ્યો છે. માટે સહજાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે, અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ પોતે જે સ્ત્રીને પરણ્યો હોય, એ સિવાયની તમામ સ્ત્રીઓને વિષે કામભાવથી થતી અનિષ્ઠ ક્રિયાનો ત્યાગ કરી દેવો.
વળી જુગાર આદિક વ્યસનોનો ત્યાગ કરી દેવો. જે પોતાને કલ્યાણના માર્ગ થકી પાડે, કલ્યાણનો માર્ગ ત્યાગ કરાવે તેને કહેવાય વ્યસન. માટે નિર્વ્યસની એવા પુરુષો જ મોક્ષના અધિકારી છે. વ્યસની કોઈ દિવસ સંયમી અને સાત્વિક બની શકતો નથી. વ્યસનનો ત્યાગ કરે એજ ભક્ત બની શકે છે. વ્યસન માણસને લાચાર બનાવી દે છે. જે વસ્તુનું વ્યસન હોય, એ વસ્તુ જો એક દિવસ પ્રાપ્ત ન થાય તો વ્યસનીને માટે આકાશ પાતાળ એક થઈ જતા હોય છે. આખો દિવસ એ બેચેની અનુભવતો હોય છે. આ મનુષ્ય દેહ ઈશ્વરે આપ્યો છે. એ અન્ન અને પાણી વિના ચાલે નહિ. પણ એ સિવાયનું જેટલું જેટલું શરીરમાં પેઠું એ બધા વ્યસનો છે. વ્યસનો કેવળ ધનનો જ નાશ કરે છે એવું નથી, પરંતુ શરીરનો પણ નાશ કરે છે. શરીરનો નાશ એટલે આરોગ્યનો નાશ. વ્યસનો બુદ્ધિનો નાશ કરે છે. બુદ્ધિનો નાશ એટલે સાર અસારનો વિચાર કરવાની શક્તિનો નાશ.
દક્ષે મનુષ્યના દશ પ્રકારના વ્યસનો બતાવ્યા છે. स्त्री द्यूतं मृगया मद्यं नृत्यं गीतं वृथाटनम् । वाद्यं निन्दा दिवा स्वापो व्यसनानि नृणां दश ।।इति।। આ શ્લોકનો એવો અર્થ છે કે, સ્ત્રી એક વ્યસન છે કારણકે સ્ત્રીમાં આસક્તિ થતા પુરુષને કલ્યાણના માર્ગ થકી પાડે છે. જે કલ્યાણના માર્ગ થકી પાડે એનું નામ વ્યસન. જુગાર એ પણ એક ભયંકર વ્યસન છે. તેજ રીતે મૃગયા કરવી, મદ્યનું પાન કરવું, નૃત્ય કરવું, ગ્રામ્ય ગીતો ગાવા, ખોટી રીતે ફરવું, વ્યર્થ વાજિંત્રો વગાડવા, એ પણ એક વ્યસન છે. કારણકે જેને વાજિંત્રનું વ્યસન પડી ગયું હોય એ રાત્રી દિવસ કાંઈ જુએ નહિ. પરની નિંદા કરવી એ પણ એક વ્યસન છે. કારણકે બીજાની નિંદા કરવાનું જેને વ્યસન પડી ગયું હોય, તેને થોડી નિંદા કર્યા સિવાય શાંતિ જ આવે નહિ. તેથી એ નિંદા મોક્ષમાર્ગ થકી પાડનારી છે, માટે નિંદા એ વ્યસન છે. દિવસની નિદ્રા એ પણ એક વ્યસન છે, કારણકે જેને દિવસની નિદ્રા કરવાની ટેવ હોય, તેને જો દિવસની નિદ્રા મળે નહિ, તો એ બેચેની અનુભવે છે. આ રીતે દક્ષે મનુષ્યોના દશ પ્રકારના વ્યસનો બતાવ્યા છે.
શ્રીજી મહારાજનો અભિપ્રાય એવો છે કે, જેવી રીતે સોનાની થાળીમાં લોખંડનો દાગ જરા પણ શોભે નહિ. તે જ રીતે ભગવાનના ભક્તને વ્યસનો પણ જરા શોભે નહિ. માટે ભક્તોએ વ્યસનોનો સર્વપ્રકારે ત્યાગ કરી દેવો જોઈએ.
વળી ભાંગ, ગાંજો, અફીણ, માજમ એ આદિક કેફ કરનારી વસ્તુનું પણ ભક્ષણ કરવું નહિ. જેમ મદ્ય મદ ઉત્પન્ન કરે છે અને વિચારતંત્રમાં ફેરફાર કરી નાખે છે, તેવી જ રીતે ભાંગ, ગાંજો, અફીણાદીક કેફ કરનારી વસ્તુનું ભક્ષણ પણ શરીરમાં મદ ઉત્પન્ન કરે છે અને વિચારતંત્રને બદલાવી નાખે છે. માટે જ નારદીય પુરાણમાં કહેલું છે કે, न भक्ष्यं मादकं किञ्चिच्चित्तविभ्रमकृद्धि तद् ।।इति।। ચિત્તની વિભ્રાંતિને કરનારી, કોઈપણ વસ્તુનું ભક્ષણ કરવું નહિ. અર્થાત હંમેશા સાત્વિક વસ્તુને શરીરમાં પ્રવેશ આપવો, જેથી હંમેશા સાત્વિક વિચારો રહે અને હંમેશા સદમાર્ગે ચાલનારા સારા વિચારો ચિત્તમાં પ્રકટે. માટે ચિત્તની વિભ્રાંતિને કરનાર કોઈપણ માદક વસ્તુનું ભક્ષણ કરવું નહિ, આવો અભિપ્રાય છે.
अग्राह्मान्नेन पक्वं यदन्नं तदुदकं च न ।जगन्नाथपुरोङन्यत्र ग्राह्मं कृष्णप्रसाद्यपि ।।१९।।
(જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી-ચરણામૃતના માહાત્મ્ય એ કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહિ.)
શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે, શ્રીજી મહારાજે આ શ્લોકમાં પવિત્ર આહારને મહત્વ આપેલું છે. જો આહાર પવિત્ર અને સાત્વિક હશે તો જ જીવન સાત્વિક બનીને આધ્યાત્મિક માર્ગના પંથે સ્થિર થઈ શકશે. માટે જેમનું અન્ન તથા જેમના પાત્રનું જળ કોઈપણ અપવિત્રતાના કારણે પોતાથી સ્વીકારી શકાય એમ ન હોય તો એ સ્વીકારવું નહિ, પણ જગન્નાથપુરીને વિષે જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેવામાં દોષ નથી. એ સિવાય પ્રસાદીના માહાત્મ્યથી પણ લેવું નહિ.
જગન્નાથ ભગવાનનું શાસ્ત્રોમાં બહુ મોટું માહાત્મ્ય બતાવેલું છે. પુરાણ પ્રસિદ્ધ એક કથા છે કે, જગન્નાથ ભગવાનની જ્યારે સ્થાપના થઇ ત્યારે સર્વે દેવતાઓ જગન્નાથ ભગવાનના દર્શન કરવા પધાર્યા હતા. લાખો માણસોની જન મેદની ભેળી થઈ હતી. તે વખતે પણ ભાતનો પ્રસાદ વહેંચતો હતો. સર્વે જનો નીચે પડી ગયેલો ભાત પણ પ્રસાદીના માહાત્મ્યથી લેતા હતા. એ સમયે મહાદેવજી પણ એક ભાતનો દાણો મુખની અંદર મુક્યો. તેને જોઈને બ્રહ્માજી પણ વાંકા વળ્યાં, પ્રસાદીનો ભાતનો દાણો હાથમાં લીધો પણ બ્રહ્માજીને શંકા થતાં એ ભાતનો દાણો મુખમાં મુક્યો નહિ. તેથી બ્રહ્માજીને મંદિરમાં જગન્નાથ ભગવાનના દર્શન થયા નહિ. તે સમયે બ્રહ્માજી શંકરને કહેવા લાગ્યા કે, આ મંદિરમાં જગન્નાથ ભગવાન બિરાજ્યા છે એ કઈ જગ્યાએ છે? મંદિર તો ખાલી છે. ત્યારે શંકરે કહ્યું કે, અમને તો બધાને દર્શન થાય છે. તમને કેમ થતા નથી? વિચાર વિમર્શ કર્યા પછી જ્યાં બ્રહ્માજીએ નીચે પડેલો ભાતનો દાણો ઉપાડીને મુખમાં મુક્યો, ત્યાં જ બ્રહ્માજીને જગન્નાથજીના દર્શન થયાં. તેથી જગન્નાથજીના પ્રસાદનું માહાત્મ્ય એવું છે કે, એમાં વર્ણાશ્રમનો બાધ આવતો નથી. આ તો એક જગન્નાથપુરીની વાત શ્રીજી મહારાજે લખી, પણ શતાનંદ સ્વામી કહે છે કે, આ સત્સંગમાં મોટા મોટા ઉત્સવો થાય છે, તેમાં લાખો ભક્તજનો ભેળા થતા હોય છે. કેટલાક ઉંચ જાતિના હોય છે, કેટલાક નીચ જાતિના હોય છે. બધા વર્ણના મનુષ્યો હોય છે, તો ત્યાં પણ જગન્નાથપુરી સમજીને પ્રસાદ લઈ લેવામાં દોષ નથી. એ સિવાય બીજે આપણે ગયા હોઈએ અને કોઈ પ્રસાદી આપતું હોય તો ત્યાં પોતાને ગ્રહણ કરવા યોગ્ય ન હોય, તો તે પ્રસાદી ગ્રહણ કરવી નહિ. કારણકે આહાર શુદ્ધિ એ અગત્યની બાબત છે. ગમે તેનું ખાનારો માણસ ક્યારેય પણ સુવિચારી બની શકતો નથી. એની બુદ્ધિમાં સારા વિચારો આવતા નથી અને સાંભળેલા સારા વિચારો સ્થિર થતા નથી. કારણકે આહાર તેવો ઓડકાર, જેવો આહાર હોય તેવું અંતઃકરણ થાય છે. અનાજથી માણસનું અંતઃકરણ બદલાઈ જાય છે. રસોઈ જો અતિ પવિત્ર રીતે થતી હોય અને ભગવાનને અર્પણ થતી હોય તો માણસના વિચારો જરૂર બદલાઈ જાય છે. માટે ભક્તજનો હોય તેમણે આહાર શુદ્ધ રાખવો, આવું તાત્પર્ય છે.

0 Comments