Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીગઢડા પ્રથમ પ્રકરણ (વચનામૃત ૭૬ થી ૭૮)

      ॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૭૬

ક્રોધી, ઇર્ષ્યાવાળો, કપટી ને માની વિષે.

સંવત : ૧૮૭૬ ના પ્રથમ જ્યેષ્ઠ સુદ એકાદશી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર 

શ્રીજી મહારાજ : ક્રોધી, ઇર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહિ અને ક્રોધ ને ઈર્ષ્યા એ બેય માનને આશરે રહે છે અને કામિનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી જે 'એ સત્સંગી છે' અને કામી તો સત્સંગમાં હોય તોય વિમુખ જેવો છે અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ, તોપણ કોઈ રીતે દેહ પર્યત મુંઝાય નહિ, એવો હોય તે પાકો સત્સંગી છે અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે અને એવા ગુણ ન હોય તો હેત કરવા જોઈએ તોય પણ હેત થાય નહિ અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે. 

વચનામૃત ૭૭

જ્ઞાનભક્તિની ઓથે ધર્મને ખોટા ન કરવા વિષે.

સંવત : ૧૮૭૬ ના દ્વિતીય જ્યેષ્ઠ વદ અમાસ 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર 

મુનિ માંહોમાંહી પ્રશ્ન ઉત્તર કરતા હતા, પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જેવા કરવા માંડ્યા.

શ્રીજી મહારાજ : ભગવાનના જ્ઞાનનો ઓથ લઈને જે ધર્મને ખોટા કરી નાખે તેને અસુર જાણવો અને ભગવાનના સ્વરૂપમાં તો એવા કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે તે શ્રીમદ્ભાગવતને વિષે પ્રથમ સ્કંધમાં પૃથ્વીએ ધર્મ પ્રત્યે કહ્યા છે, માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય, તેમાં એકાદશ સ્કંધમાં કહ્યા એવા જે સાધુના ત્રીસ લક્ષણ તે આવે છે, માટે જેમાં ત્રીસ લક્ષણ સંતના ન હોય, તેને પૂરો સાધુ ન જાણવો અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે અને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે, ત્યારે તે સાધુ ત્રીસ લક્ષણે યુક્ત હોય, માટે આજથી જે કોઈ પંચ વર્તમાનરૂપ જે ધર્મ, તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે, તે ગુરુદ્રોહી, વચન દ્રોહી છે અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો અને એમ કહેવું જે, 'તમે તો અસુરનો પક્ષ લીધો છે, તે અમે નહિ માનીએ.' એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાખવી.

સંત : હે મહારાજ! કોઈક ભગવાનનો અતિ દ્રઢ ભક્ત હોય ને દેહ મુકવા ટાણે તેને પીડા થઈ આવે છે અને બોલ્યાંનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી અને કોઈક તો કાંઈ પાકો હરિભક્ત જણાતો ન હોય, ને તે દેહ મૂકવાને સમે તો અતિ સમર્થ જણાય છે ને અતિશે ભગવાનના પ્રતાપે જાણીને ને ભગવાનનો મહિમા મુખે કહીને સુખીયો થકો દેહ મૂકે છે. એનું શું કારણ છે? જે સારો હોય તેનું અંત સમે સારું ન દેખાય અને જેવો તેવો હોય તેનું અંત સમે સારું દેખાય છે, એનું કારણ કહો.

શ્રીજી મહારાજ : દેશ, કાળ, ક્રિયા, સંગ, ધ્યાન, મંત્ર, દીક્ષા અને શાસ્ત્ર એ આઠ જેવા હોય તેવી પુરુષની મતિ થાય છે, તે જો સારા હોય તો સારી મતિ થાય છે અને ભૂંડા હોય તો ભૂંડી મતિ થાય છે અને પુરુષના હૃદયને વિષે પરમેશ્વરની માયાના પ્રેર્યા થકા ચારે યુગના ધર્મ વારા ફરતી વર્તતા હોય, તે જો અંત સમે સતયુગનો ધર્મ આવી જાય તો મૃત્યુ બહુ શોભી ઉઠે અને ત્રેતા ને દ્વાપરનો ધર્મ આવે તો તેથી થોડું શોભે અને કળીનો ધર્મ મૃત્યુ સમે આવે તો અતિશે ભૂંડું દેખાય, એમ અંત સમે સારું નરસું તે તો કાળે કરીને છે અથવા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે. તેમાં જો અંત સમે જાગ્રત અવસ્થા વર્તતી હોય તો પાપી હોય તે પણ બોલતાં ચાલતા દેહ મૂકે છે અને અંત સમે સ્વપ્ન અવસ્થા વર્તતી હોય, તો ઝંખ્યાં જેવું કાંઈ ને કાંઈ બોલતો થકો ભગવાનનો ભક્ત હોય, તો પણ દેહ મૂકે અને અંત સમે સુષુપ્તિ અવસ્થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિમુખ હોય તો પણ ઘેનમાં ને ઘેનમાં રહીને દેહ મૂકે. પણ સારું કે નરસું કાંઈ બોલાય નહિ અને અંતકાળે એ ત્રણ અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવો પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે, તે તો જેવી ઈશ્વરની સામર્થિ હોય તેવી સામર્થિ જણાવીને દેહ મૂકે છે અને એમ બ્રહ્મરૂપ થઈને ને સામર્થિ જણાવીને દેહ મુકવો, તે ભગવાનના ભક્ત નેજ થાય છે. પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહિ, એવી રીતે કાળે કરીને અંત સમે સારું નરસું જણાય છે અથવા અવસ્થાઓને યોગે કરીને સારું નરસું જણાય છે અને વિમુખ હોય ને તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય, ને બોલતો બોલતો દેહ મુકે, તેણે કરીને કાંઈ તેનું કલ્યાણ થતું નથી, વિમુખ તો સારી રીતે દેહ મુકે અથવા ભૂંડી રીતે મુકે પણ નરકેજ જાય અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મૂકે અથવા ઝંખ્યા જેવું બોલીને દેહ મુકે અથવા શૂન્ય મૌન રહીને દેહ મુકે પણ તેનું કલ્યાણ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી એમ ભગવાનના ભક્તને જાણવું અને ભગવાનનો ભક્ત હોય તેને અંત સમે સ્વપ્નાદીકને યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય, પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કરીને અતિ આનંદ વર્તતો હોય, માટે નક્કી હરિભક્ત હોય ને અંત સમે લાવા ઝંખા કરતો થકો દેહ મુકે, પણ એના કલ્યાણમાં લેશ માત્ર સંશય રાખવો નહિ. 

વચનામૃત ૭૮

દેશકાળાદિકના પ્રધાનપણાનું.

સંવત : ૧૮૭૬ ના અષાઢ સુદ ત્રીજ 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાઘ વિરાજમાન હતી ને કંઠને વિષે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો. 

શ્રીજી મહારાજ : સર્વે સંત સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. "દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દેવતાનું ધ્યાન, દીક્ષા અને શાસ્ત્ર એ આઠ સારા હોય, તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે અને એ આઠ ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે એ આઠેમાં પૂર્વ સંસ્કાર કર્મનું કાંઈ જોર છે કે નથી?"

મુનિ : પૂર્વ કર્મનું જોર જણાય છે તો ખરું, જો સારા પૂર્વ કર્મ હોય તો પવિત્ર દેશને વિષે જન્મ આવે અને ભૂંડા પૂર્વ કર્મ હોય તો ભૂંડા દેશને વિષે જન્મ આવે. તેમજ દેશકાળાદીક સાત છે તેમાંથી પણ જેવા પૂર્વ કર્મ હોય તેવાનો યોગ બને છે, માટે સર્વેમાં પૂર્વ કર્મનું પ્રધાનપણું જણાય છે અને દેશકાળાદિક જે આઠ તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય ને પૂર્વ કર્મનું તો સર્વે ઠેકાણે પ્રધાનપણું છે.

શ્રીજી મહારાજ : દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યત સર્વને વિષે પૂર્વ કર્મને પ્રધાન કહો છો તે ક્યા શાસ્ત્રને મતે કહો છો, તેનું કોઈ વચન ભણી દેખાડો? અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી, બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તનો સંગ તેનુજ પ્રધાનપણું છે. માટે તમે કેવળ પૂર્વ કર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો અને છાના નાસ્તિક છો કે શું? કેમ જે નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી અને નાસ્તિક તો વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસ જે મહાભારતાદિક તેને ખોટા જાણે છે, ને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને જ સાચા માને છે. માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે અને જો પૂર્વ કર્મે કરીને દેશાદિક આઠ ફરતા હોય, તો મારવાડને વિષે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે. તેમને અર્થે સો હાથ ઉંડા પાણી હતા તે ઉપર છલાં થયા નથી અને જો પૂર્વ કર્મને વશ જો દેશ હોય તો પુણ્ય કર્મવાળાને અર્થે પાણી ઉંચા આવ્યા જોઈએ, ને પાપીને અર્થે ઉંડા ગયા જોઈએ, પણ એમ તો થતું નથી અને મારવાડ દેશમાં પાપી હોય અથવા પુણ્યવાળો હોય પણ ઉંડા પાણી ઉપજે. પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશકાળાદિક પૂર્વ કર્મના ફેરવ્યા ફરે નહિ. તે માટે જે પોતાના કલ્યાણને ઈચ્છે, તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બળ રાખવું નહિ અને ભૂંડા દેશકાળાદિક આઠ હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશકાળાદિક આઠ તેનું સેવન કરવું અને દેશ તો બારણે પણ સારો નરસો હોય અને પોતાનો દેહરૂપ જે દેશ તે પણ સારો નરસો હોય, તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેને વિષે જીવ હોય, ત્યારે શીલ, સંતોષ, દયા, ધર્મ ઇત્યાદિક જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ તેને વિષે જીવ રહ્યો હોય ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિક ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વિગતી એમ છે જે, જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહિ ત્યારે તેનો સંગ થયો જાણવો અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ઘાલીને મળે છે, પણ અંતરમાંતો તે સાથે લાખો ગાઉનું છેટું છે. એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય અને મન, કર્મ, વચને કરીને જે સંગ કરે, તેજ સંગ કર્યો કહેવાય. માટે એવી રીતે મન, કર્મ, વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો. જેથી જીવનું કલ્યાણ થાય, પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરવો.

પછી મધ્યાહ્ન સમે શ્રીજી મહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાને સમીપે બોલાવ્યા.

શ્રીજી મહારાજ : તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો.

મોટા શિવાનંદ સ્વામી : જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય?

શ્રીજી મહારાજ : જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાસે અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય, ક્યારેક શોક કરે ઇત્યાદિક અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે જે 'પ્રભુની સર્વે ક્રિયા કલ્યાણને અર્થે છે.' તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો.

નિર્માનાનંદ સ્વામી : ભગવાન અને ભગવાનના સંત તેને વિષે દોષ બુદ્ધિ ન આવે તેનો શો ઉપાય છે?

શ્રીજી મહારાજ : જેવો પ્રથમ કહ્યો એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષ બુદ્ધિ આવે નહિ અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહિ.

નિર્માનાનંદ સ્વામી & નાના પ્રજ્ઞાનાનંદ સ્વામી : જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થાને વિષે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય?

શ્રીજી મહારાજ : પૂર્વ જન્મનો કોઈક શુભ સંસ્કાર બલિષ્ઠ હોય, તેને ભગવાનની મૂર્તિ ત્રણે અવસ્થામાં અખંડ દેખાય છે અથવા ભય, કામ અને સ્નેહ એ ત્રણ જેને વિષે અખંડ હોય, તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણ અવસ્થામાં અખંડ દેખાય છે, તો ભગવાન દેખાય એમાં શું કહેવું? એ તો દેખાય જ.

નાના શિવાનંદ સ્વામી : સત્સંગને વિષે અચળ પાયો જેનો હોય તે કેમ જણાય? એક તો એ પ્રશ્ન છે અને બીજું પ્રશ્ન એ છે જે "માન, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને ઈર્ષ્યા ઇત્યાદિક જે શત્રુ તે કયે પ્રકારે કરીને નાશ પામે છે?

શ્રીજી મહારાજ : જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય, તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે જ નહિ, જેમ પોતાનો કુટુંબી હોય ને તે સાથે કચવાણ થઈ હોય તોય પણ જ્યારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહિ, એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિષે અચળ છે અને બીજા પ્રશ્નનો એ ઉત્તર છે જે, જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંઘાથે માન, મત્સર, ઈર્ષ્યા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન, મદ, મત્સર, ઈર્ષ્યા આદિક સર્વશત્રુનો નાશ થઈ જાય છે અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગી ને કુસંગીને વિષે સમભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતા જરૂર વિમુખ થાય.

નાના આત્માનંદ સ્વામી : ભગવાન અને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કહેવું ઘટે તેમ કહે છે અને તેની કોરનો એમ ભરુસો આવે છે જે, આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તોય પણ કોઈ રીતે એ પાછો નહિ પડે. એવો જે ભરુસો તે ભગવાન ને ભગવાનના સંતને કેમ આવે? એક તો એ પ્રશ્ન છે અને બીજું પ્રશ્ન એ છે જે, "જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે?

શ્રીજી મહારાજ : જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે, તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય તો તેને કહેતા સાંભળતા ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહિ અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહિ જે, 'આને કહેશું તો આ સત્સંગમાંથી જતો રહેશે,' તેની કોરનો દ્રઢ વિશ્વાસ જ હોય જે 'એનો સત્સંગ તો અચળ છે માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી' અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે, જેને પાસે પોતે પ્રથમ રહેતો હોય અને તેને સાથે પોતાને ન બન્યું, ત્યારે બીજા પાસે જઈને રહે તોપણ જેને પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈક ઘસાતું બોલે તો ખમી શકે નહિ, ત્યારે સર્વે સંતને એમ સમજાય જે, 'આ તો કૃતઘ્ની નથી. જેને પાસે ચાર અક્ષર ભણ્યો છે તેનો ગુણ મુકતો નથી, માટે બહુ રૂડો સાધુ છે.' એમ જાણીને સર્વે સંતને હેત રહે અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય, ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે, ત્યારે સર્વે સંતને એમ જણાય જે 'આ કૃતઘ્ની પુરુષ છે. તે જ્યારે આપણી સાથે નહિ બને, ત્યારે આપણી પણ નિંદા કરશે.' પછી તે ઉપર કોઈને હેત રહે નહિ. 

દહરાનંદ સ્વામી : ભગવાન તો અક્ષરાતીત છે અને મન વાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે તેનો શો હેતુ છે?

શ્રીજી મહારાજ : અક્ષરાતીત ને મન વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે 'જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વે મને દેખો.' એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે ભગવાન તે કૃપાએ કરીને મૃત્યુલોકના સર્વે મનુષ્ય દેખે એવા થાય છે.

ત્યાગાનંદ સ્વામી : ભગવાન રાજી કેમ થાય?

શ્રીજી મહારાજ : જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઇચ્છવું નહિ અને દર્શનનો પણ લોભ રાખવો નહિ, ને ભગવાન જેમ કહે તેમ કરવું, એજ ભગવાનને રાજી થયાનું સાધન છે.

લક્ષ્મણાનંદ સ્વામી : ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ, ત્યારે જણાય અને આઠે પહોર અહો અહો સરખું કેમ રહે?

શ્રીજી મહારાજ : જે ભક્ત એમ સમજે જે, 'આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે, તે સંત અને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે, ત્યાંજ એ સર્વે ધામ છે અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે, તે મારુ અતિ બડું ભાગ્ય છે,' એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે.

પરમાત્માનંદ સ્વામી : સંતના એકાદશ સ્કંધમાં જે ત્રીસ લક્ષણ કહ્યા છે તે શો ઉપાય કરે તો આવે?

શ્રીજી મહારાજ : જે ત્રીસ લક્ષણે યુક્ત સંત હોય તેને વિષે ગુરુબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન, કર્મ, વચને એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિષે પણ એ ત્રીસ લક્ષણ આવે છે, એવી રીતે સર્વ શાસ્ત્રમાં કહ્યું છે જે, 'સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે.'

શાન્તાનંદ સ્વામી : એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાનનું ભજન સ્મરણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે, એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે?

શ્રીજી મહારાજ : જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહિ, એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે અને જેને દેહની ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાની મેળે ઉઠીને ખાવું, પીવું, દેહની ક્રિયા, તે સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ને ન સાંભળે, તો તે થકી તો ભગવાનની કથા કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે.

આધારાનંદ સ્વામી : કેવી રીતે વર્તીએ તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય?

શ્રીજી મહારાજ : પંચ વર્તમાન સંપૂર્ણ રાખીએ, ને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહિ, તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે. એમાં લેશમાત્ર સંશય નથી.

વેદાંતાનંદ સ્વામી : જેણે પ્રથમ કાંઈક ગોબરુ વર્તાણું હોય, પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય?

શ્રીજી મહારાજ : જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય, તેને દેખીને ભગવાન અને ભગવાનના સંત કુરાજી થતા હોય, તે સ્વભાવ સાથે જ્યારે વૈર કરીએ ત્યારે જેને જે સાથે વૈર હોય, તે તો સર્વે જગત જાણે એવું હોય તે સંતને પણ ખબર પડે, પછી સંત તો તે સ્વભાવના વૈરી છે, તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે, માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સુધું દ્રઢ વૈર બાંધીને તેનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય, ત્યારે તેના હૈયામાં અતિશે સુખ વર્ત્યા કરે અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થિ વધે અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાદીક તેનું બળ ઘટી જાય છે, માટે જે પોતાના હૃદયને વિષે અતિશે શત્રુ પીડતો હોય તે સાથે અતિશે વૈર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે, માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વૈર કરવું ઘટે છે અને પોતાના અંતઃશત્રુ સાથે વૈર કર્યામાં ઘણો જ લાભ છે.

ભગવદાનંદ સ્વામી : હે મહારાજ! જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈએ ને રહે છે તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે તે કેમ સમજીએ તો રહે?

શ્રીજી મહારાજ : જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તોય પણ રહે, જો ભગવાનનું પૂરું માહાત્મ્ય સમજે તો, તે માહાત્મ્ય એમ સમજવું જે "અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઇચ્છાએ કરીને અનંત કોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે અને અન્વય થકા પણ વ્યતિરેક છે અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે, તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામીરૂપે વિરાજમાન છે અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી અને અનંત કોટિ બ્રહ્માંડને વિષે જે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય થાય છે અને તેને વિષે સુખદુઃખનો જીવોને સંબંધ થાય છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે, જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે, એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એતો ઘોડાના આધાર છે અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય જે પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એતો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે અને જ્યારે રાત્રી હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય, પણ એ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્નિ એ સર્વને પ્રકાશના દાતા છે. એવી અદ્વુત સામર્થિ છે, તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે, એવી રીતે માહાત્મ્ય સમજે તો જેવી પાસે રહે મર્યાદા રહે છે, તેવી ને તેવી છેટે જાય તોય પણ રહે. 

ભગવદાનંદ સ્વામી : ભગવાનના કર્યા વિના કાંઈ થતું નથી, સર્વે ભગવાનનું જ કર્યું થાય છે. ત્યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને કાંઈક ભૂંડો દેશકાળ આવે છે ત્યારે તે દુ:ખને કેમ ભગવાન ટાળતા નથી અને તેને ટાળ્યાના મનસૂબા કેમ કરે છે? 

શ્રીજી મહારાજ : એતો જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાનની એવી રીત જ છે જે, 'મનુષ્યની પેઠે સર્વે વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થિને પ્રગટ કરે નહિ,' એવી રીતે સર્વે શાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર કહ્યા છે, તેથી જ્યારે ભગવાન કાંઈક નવા ચરિત્ર કરે, ત્યારે સંશય કરજયો. પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે તેના જેવા ચરિત્ર કરે, ત્યાં સુધી તો સંશય કરવો નહિ.

નિર્મળાનંદ સ્વામી : કેમ સમજીએ ત્યારે પ્રભુના સંતનો મહિમા અતિશે જણાય?

શ્રીજી મહારાજ : મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, પરશુરામ અને રામકૃષ્ણાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે જે, 'જે ભગવાને રામકૃષ્ણદિક અવતારે કરીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે, તે ભગવાનના આ સંત છે. તેનો મારે સમાગમ મળ્યો છે, તે માટે હું પણ અતિ બડભાગી છું. એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશે જણાતો જાય.

નારાયણાનંદ સ્વામી : સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિષે જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે?

શ્રીજી મહારાજ : જ્યારે દેહને વિષે સુખ દુ:ખનો યોગ થાય છે ત્યારે તે સુખ દુ:ખને જીવ પોતાને વિષે માને, ત્યારે તે જીવ અન્વયપણે છે અને જ્યારે ત્રણે દેહના સુખ દુ:ખથી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે.

શૂન્યાતીતાનંદ સ્વામી : જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં ને સત્સંગીમાં અતિશે હેત હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે?

શ્રીજી મહારાજ : પ્રથમ તો એને સંતને વિષે અલૌકિક મતિ હોય અને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને ઝાઝો દોષ પરઠે છે. પછી એની અસદ વાસના થઇ જાય છે, તેણે કરીને સંતને વિષે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદ વાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય અને જો અસદ વાસના ન ટાળે તો અંતે જતાં વિમુખ થઈ જાય છે.

પ્રસાદાનંદ સ્વામી : જીવને મોક્ષનો શો હેતુ છે?

શ્રીજી મહારાજ : જેમ સંત કહે તેમ જ સંશય રહિત થકો કરે એજ જીવને મોક્ષનો હેતુ છે.

ત્રિગુણાતીતાનંદ સ્વામી : દેશ, કાળ, ક્રિયા, સંગ એનું વિષમપણું હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો?

શ્રીજી મહારાજ : દેશાદિક વિષમ હોય, ત્યાં તો ઉગર્યાનો એજ ઉપાય છે જે ત્યાંથી જે તે પ્રકારે કરીને ભાગી છુટવું.

નાના નિર્વિકારાનંદ સ્વામી : ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદ વાસના કેમ ટળતી નથી?

શ્રીજી મહારાજ : ભગવાનનું માહાત્મ્ય યથાર્થ જાણ્યું નથી એટલે અસદ વાસના ટળતી નથી. 

મોટા યોગાનંદ સ્વામી : ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે, તો પણ ભગવાનને વિષે ને ભગવાનની કથાને વિષે હેત કેમ થતું નથી?

શ્રીજી મહારાજ : ભગવાનનું જેવું માહાત્મ્ય છે તેવું એને સમજયામાં આવ્યું નથી અને જો યથાર્થ ભગવાનનું માહાત્મ્ય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહિ ને એક ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનની કથા, કીર્તન તેને વિષે જ અચળ હેત થાય છે. 

પ્રતોષાનંદ સ્વામી : ભગવાનની ભક્તિ અચળ કેમ રહે?

શ્રીજી મહારાજ : અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવ એ જે ચતુર્વ્યુહ તથા કેશવાદીક ચોવીશ મૂર્તિઓ તથા વરાહાદીક જે અવતારો એ સર્વેના કારણ એવા પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશયપણે કરીને સમજે, તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવધા ભક્તિ તે અચળ રહે.

એવી રીતે સર્વે મુનિના પ્રશ્નોના ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ સર્વેને પૂછતાં હતા જે, "કામ, ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે. એમાંથી જેને જે અતિશય જીતયામાં આવ્યો હોય તે સર્વે કહો?" પછી જેને જે વાતની અતિશે દ્રઢતા હતી તે તેવી રીતે બોલ્યા. તે મુનિના વચન સાંભળીને શ્રીજી મહારાજ અતિશે રાજી થયા અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી એ ચાર જણાને રાજી થઈને હૃદયને વિષે ચરણારવિંદ દીધા અને એમ બોલ્યા જે, 'જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિક જે મોટેરા છે તે ભેળા આ ચાર પણ છે. માટે એમનું કોઈને અપમાન કરવા દેશોમાં' એમ મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સાધુ તેમને ભલામણ કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement