॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
વચનામૃત ૬૧
આત્મનિષ્ઠાવાળાને અંતકાળે ઉપાસનાની જરૂર વિષે. બળીરાજાનું દ્રષ્ટાંત.
સંવત : ૧૮૭૬ ના ફાગણ વદ ત્રીજ
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : હીરકોરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું અને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા.
મુક્તાનંદ સ્વામી : કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહિ તેનો શો ઉપાય છે?
શ્રીજી મહારાજ : 'હું દેહ નહિ, હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું.' એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશે દ્રઢ થાય, ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહિ અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહિ.
બ્રહ્માનંદ સ્વામી : જે આત્મનિષ્ઠા હોય તે અંત સમે કેટલીક સહાય કરે છે?
શ્રીજી મહારાજ : જેમ નદી તરવી હોય ત્યાંતો જેને તરતાં આવડતું હોય તે તરી જાય ને જેને તરતાં ન આવડતું હોય તે તો ઉભો થઇ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે, તેમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુ:ખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય. પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસનારૂપી વહાણનું કામ પડે છે, માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે પણ અંતસમે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી, તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી.
મુક્તાનંદ સ્વામી : ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિયો આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેનેજ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે?
શ્રીજી મહારાજ : સિદ્ધિયો તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે અને બીજાને તો સિદ્ધિયો ઘણી દુર્લભ છે અને એ સિદ્ધિયોને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારું ભગવાન જ પ્રેરે છે જે 'એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિયો ઉપર ઘણું હેત છે?' એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુવે છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. 'જેમ વામનજીએ બળીરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને ચૌદ લોકનાં બે પગલાં કર્યા અને ત્રીજા પગલાં સારું તે બળીરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું, તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો તો પણ ભક્તિ થકી પડ્યો નહિ, ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હતા અને ભગવાને તો બળીરાજાને ક્ષણ માત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે, તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળીને દરવાજે ઉભા છે અને બળીરાજાની દ્રષ્ટિ થકી પળ માત્ર પણ ભગવાન છેટે થતા નથી. એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહીશું અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુ:ખ દેશે તો ભગવાન પણ પોતે વશ થઈ જશે, શા માટે જે પોતે ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે, તે જેની પોતાને વિષે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે, પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે 'ભગવાન જેમ જેમ મને વધુ દુ:ખ દેશે, તેમ તેમ વધુ મારે વશ થશે અને પલમાત્ર મારાથી છેટે નહિ રહે' એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય, તેમ તેમ અતિ રાજી થવું. પણ કોઈ રીતે દુ:ખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહિ.
વચનામૃત ૬૨
પ્રત્યક્ષ પ્રભુના નિશ્ચયથી ભગવદ્રુણો આવે છે. ગરીબનો દ્રોહ ન કરવો.
સંવત : ૧૮૭૬ ના ફાગણ વદ ચતુર્થી
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાઘ વિરાજમાન હતી અને તે પાઘને વિષે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા.
સ્વયંપ્રકાશાનંદ સ્વામી : શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે, सत्यं शौचं दया क्षान्तिस्त्यागः सन्तोष आर्जवम् । शमो दमस्तपः साम्यं तितिक्षोपरतिः श्रुतम् ।। ज्ञानं विरक्तिरैश्वर्यं शौर्यं तेजो बलं स्मृतिः । स्वातन्त्र्यं कौशलं कान्तिधैर्यमार्दवमेव च ।। प्रागल्भ्यं प्रश्रयं शीलं सह ओजो बलं भगः । गाम्भीर्यं स्थैर्यमास्तिक्यं कीर्तिर्मानोनहंकृतिः ।। એ જે ઓગણચાલીસ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિષે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિષે કેવી રીતે આવે છે?
શ્રીજી મહારાજ : એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે, એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે, તે નિશ્ચય કેવો હોય તો જે 'ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે ને સર્વના કર્તા જાણે અને એ સર્વને કર્તા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહિ, તે ગમે તેવા તરેતરેના શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે, પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહિ. એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય, માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે, જેમ આપણાં નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે, ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે, તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચયે કરીને સંબંધ થાય છે, તેને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બધ છે અને જે ચ્હાય તે કરવાને સમર્થ છે, તેમ એ ભક્ત પણ અતિશે સમર્થ થાય છે અને નિર્બધ થાય છે.
નિર્વિકારાનંદ સ્વામી : નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માનને ઈર્ષ્યા તો દિવસે દિવસે વધતા જાય છે તેનું શું કારણ હશે?
શ્રીજી મહારાજ : ભગવાન પાસે એક અમૃત લાવીએ, શીંગડીયો વછનાગ લાવીએ અને દૂધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વને ભગવાનના થાળમાં ધરીએ, તોપણ જેવો જેનો ગુણ હોય તેનો તેવો જ રહે પણ પલટાઈ જાય નહિ, તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય, તે ભગવાનની સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહિ, પછી એ કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય, શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામીરૂપે કરીને રહ્યા છે. તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થી જણાવે છે. માટે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે, ત્યારે તે અપમાનના કરનારાનું અતિશે ભૂંડું થઈ જાય છે, જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી, એવો બળવાન હતો. તોપણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાન સ્તંભમાંથી નૃસિંહજી રૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો, એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશે ગરીબપણું પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહિ. કાં જે ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે એ ગરીબના અપમાનના કરનારાનું ભૂંડું કરી નાખે છે, એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુ:ખવવો નહિ અને જો અહંકારને વશ થઈને જેને તેને દુ:ખવતો ફરે, તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહિ, પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે, તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય, તેને લેશ માત્ર અભિમાન રાખવું નહિ અને એક કીડી જેવા જીવને પણ દુ:ખવવો નહિ, એજ નિર્માની સાધુનો ધર્મ છે.
વચનામૃત ૬૩
નિશ્ચયનું, તત્વે કરી ભગવાન જાણવાની રીત.
સંવત : ૧૮૭૬ ના ફાગણ વદ સપ્તમી
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : ધોળો ખેસ, ધોળી ચાદર ને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું ને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા.
નૃસિંહાનંદ સ્વામી : ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય?
શ્રીજી મહારાજ : જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામર્થી દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થી ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહિ, ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે જે 'હું આટલા દહાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો તો પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી.' એવી રીતે ભગવાનમાં દોષ પરઠે અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય, ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિષે પરઠે જે 'જેમ મારે વિષે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિષે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે.' એવી રીતના જેને અંતરમાં ઘાટ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી. એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય.
પરમચૈતન્યનંદ સ્વામી : હે મહારાજ! જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય?
શ્રીજી મહારાજ : જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે જે 'મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાંજ પરમધામ છે અને આ સંત સર્વે તે નારદ, સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રુર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે અને જે બાઈઓ હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રુક્મિણી, લક્ષ્મી તથા પાર્વતી એવી છે અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું' એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે. એવી રીતે જેના અંતરમાં વર્તવું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો.
તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી, તે તત્વે કરીને જાણ્યાંની રીત કહીએ તે સાંભળો, જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે જે, પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણવી જોઈએ, 'જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલીઓ હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય અને બાગ, બગીચા ને ઘોડા, વેલ્યો, ઘરેણાં એ આદિક જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય. ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય.' તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી. તો જેના નાભિકમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય? અને એવા અનંત કોટિ વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર, જેને વિષે એવાં અનંતકોટિ બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે, એવું એ ભગવાનનું ધામ છે અને તે ધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્યરૂપે કરીને સદા વિરાજમાન છે અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટપ સમજે અને જે જેથકી મોટો હોય તે તેથકી સૂક્ષ્મ હોય અને તે તેનું કારણ પણ હોય, 'જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે અને તે થકી સૂક્ષ્મ પણ છે અને જળ થકી તેજ મોટું છે અને તેજ થકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે' એવી રીતે અહંકાર, મહતત્ત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ અને અક્ષર એ સર્વે એક બીજાથી મોટા છે અને એક બીજાથી સૂક્ષ્મ છે, ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે પણ ભગવાનનું જે અક્ષરધામ છે તેતો અત્યંત મોટું છે, જેના એક એક રોમને વિષે અનંત કોટિ બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા ફરે છે. 'જેમ કોઈક મોટો હસ્તી હોય તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તે કશી ગણત્રીમાં આવે નહિ.' તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણત્રીમાં આવતું નથી. 'જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય અને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય અને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય અને સાપને મધ્યે સમળા હોય તે મોટી દેખાય, ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય, ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય અને તે પર્વતને મધ્યે મેરુપર્વત મોટો દેખાય અને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય અને તે લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે' એવી રીતે જળનું કારણ તે તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહતત્ત્વ છે, મહતત્ત્વનું કારણ પ્રધાન ને પુરુષ છે અને પ્રધાન ને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ અને બ્રહ્મ છે.
એ સર્વેનું કારણ અક્ષરબ્રહ્મ છે અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને એ અક્ષરની સંકોચને વિકાસ અવસ્થા થતી નથી સદાય એકરૂપે રહે છે અને તે અક્ષર મૂર્તિમાન છે. પણ અતિ મોટા છે માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી, "જેમ ચોવીસ તત્ત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે અને તે વિરાટ પુરુષ જે તે કર ચરણાદિકે કરીને યુક્ત છે, પણ તેની મૂર્તિ અતિશે મોટી છે માટે નજરે આવતી નથી અને તેની નાભિમાંથી થયું જે કમળ તેના નાળમાં બ્રહ્મા સો વર્ષ લગી ચાલ્યા પણ તેનો અંત ન આવ્યો અને જો કમળનો અંત ન આવ્યો, તો વિરાટ પુરુષનો પાર કેમ આવે? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી." તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહિ, તે શા માટે, જે એવાં એવાં બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઉડતા જ ફરે છે, એવડા મોટા છે. તે અક્ષરધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે સદાય વિરાજમાન છે અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંતકોટિ બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિષે અન્વયપણે રહ્યા છે અને તે અક્ષરધામને વિષે પોતાના સાધર્મ્ય પણાને પામ્યા એવા જે અનંતકોટિ મુક્ત તે એ ભગવાનની સેવાને વિષે રહે છે અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્યના જેવો પ્રકાશ છે, માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય? એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષરરૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિ પુરુષરૂપે થાય છે અને પછી પ્રધાન પુરુષરૂપે થાય છે અને પછી પ્રધાનમાંથી થયા જે ચોવીશ તત્ત્વ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્વે કરીને સર્જાણા જે વિરાટ પુરુષ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવમાં પ્રવેશ કરીને તે તે રૂપે થાય છે.
એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્ચર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે, 'જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીએ કરીને કાઢે તો નિસરે નહિ, તે તો અતિશે ઝીણું લોઢું હોય તેણે કરીને નિસરે.' તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશે અલ્પ રૂપનું ધારણ કરે છે, 'જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય' તેમ ભગવાન પણ પોતાની સામર્થી છુપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે જે 'ભગવાન કાંઈ સામર્થી કેમ પ્રગટ કરતા નથી? પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થી ઢાંકીને વર્તે છે અને જો પોતાની મોટપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના? એવી રીતે મહિમાયે સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી, માટે એવી રીતે તત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી.
નિત્યાનંદ સ્વામી : એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યકૃતિ ધરે છે, કે અનુક્રમ વિના પણ મનુષ્યકૃતિ ધરે છે?
શ્રીજી મહારાજ : અનુક્રમનો કાંઈ મેળ નથી, ત્યાં દ્રષ્ટાંત જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિષે ડૂબકી ખાય તે ડૂબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નિસરે અથવા કાંઠે નિસરે અથવા આસપાસ નિસરે, તેમ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરરૂપ ધામને વિષે ડૂબકી ખાઈને ગમે તો ત્યાંથી પાધરા જ મનુષ્યકૃતિને ધરે છે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યકૃતિને ધરે છે.
જેને અતિદ્રઢ નિશ્ચય હોય, તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે, જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃતિમાર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હઠે નહિ અને કચવાઈને પણ કરે નહિ, રાજી થકો કરે અને બીજું એ લક્ષણ જે, ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટિ ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય, ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો, તે સ્વભાવને તત્કાળ મૂકે અને ત્રીજું એ લક્ષણ જે પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા, કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડીમાત્ર રહેવાય નહિ અને પોતાનો અવગુણ લે, ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા, કીર્તન અને ભગવાનના સંતનો મહિમા સમજે, એવું જેને વર્તવું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો, એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધ યોગે કરીને કાંઈક વર્તવામાં ફેર પડી જાય, તોય પણ તેનું અકલ્યાણ ન થાય અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય, તોય પણ તેના કલ્યાણમાં ફેર છે.
વચનામૃત ૬૪
આત્માને અક્ષર ભગવાનનું શરીર છે અને ભગવાન શરીરી છે તે વિષે.
સંવત : ૧૮૭૬ ના ફાગણ વદ નવમી
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : ધોળો ખેસ પહેર્યો હતો ને કાળા છેડાનો ખેસ ઓઢયો હતો ને મસ્તકે હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું ને તુલસીની નવી કંઠી કંઠને વિષે પહેરી હતી.
શ્રીજી મહારાજ : "પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે" એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્માને અક્ષરને વિષે કાંઈ હેય ઉપાધિ નથી અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા ને અક્ષર પણ માયા થકી પર છે, એવા જે આત્મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે, ને વિકારવાન છે અને દેહી જે જીવ, તે તો નિર્વિકારી છે. માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે. તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર જે આત્મા ને અક્ષર તેને વિષે અત્યંત વિલક્ષણપણું જોઈએ, તે કહો કેમ વિલક્ષણપણું છે?
પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહિ.
શ્રીજી મહારાજ : આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, અધિનપણું અને અસમર્થપણું તેણે કરીને છે, કેવી રીતે તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા ને અક્ષર તેને વિષે વ્યાપક છે, ને એ બેય તો વ્યાપ્ય છે અને ભગવાન જે તે સ્વતંત્ર છે, ને આત્મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે અને ભગવાન જે તે અતિ સમર્થ છે, ને આત્મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે, એવી રીતે ભગવાન જેતે એ બેયના શરીરી છે અને એ બેય જે તે ભગવાનનું શરીર છે અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે અને એવા જે એ ભગવાન તે જે તે વ્યાપક ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય ને આત્માને દ્રષ્ય, એવા જે દેહ એ સર્વમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મપણે રહ્યા છે.
એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તેમને જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય, તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય, ત્યારે તે પુરુષોત્તમને દ્રશ્યરૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય અને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય, ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય છે અને વસ્તુતાએ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બેય થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે, ને સદા મૂર્તિમાન છે, ને પ્રાકૃત આકારે રહિત છે અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દ્રશ્ય એ બેયના દ્રષ્ટા છે અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્ચર્ય સંપન્ન છે ને પર થકી પર એવું અક્ષર તે થકી પણ પર છે, એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિષે મનુષ્ય જેવા જણાય છે, તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે અને અનંત ઐશ્ચર્યને પામે છે અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા, તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિષે વર્તે છે અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે, તે તો બ્રહ્મ સુષુપ્તિને વિષે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નિસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્ચર્યને પણ પામતો નથી અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે. પણ બીજા થકી તો પમાતી જ નથી, માટે આ વાર્તાને અતિ દ્રઢ કરીને રાખજો.
વચનામૃત ૬૫
જ્ઞાન, ક્રિયા, ઇચ્છાશક્તિના લક્ષણ.
સંવત : ૧૮૭૬ ના ફાગણ વદ ચૌદસ
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની ઓસરીએ ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : શ્વેત વસ્ત્ર
શ્રીજી મહારાજ કથા કરાવતા હતા તે સમે મોટા મોટા પરમહંસને પોતાને સમીપે બોલાવ્યા, પછી કથાનો અધ્યાય પૂરો થયો.
શ્રીજી મહારાજ : જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો, કેમ જે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે જેની જેવી બુદ્ધિ હોય તે જાણ્યાંમાં આવે.
સ્વયંપ્રકાશાનંદ સ્વામી : આકાશની ઉત્પત્તિ અને લય તે કયે પ્રકારે છે?
શ્રીજી મહારાજ : જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા તેના જન્મ સમયમાં તેને હૃદયાદીક જે ઇન્દ્રિયોના છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય, તેમ તેમ તે છિદ્રની વૃદ્ધિ થતી જાય ને તેમાં આકાશ પણ ઉત્તપન્ન થતો જણાય અને જ્યારે એ વૃદ્ધ અવસ્થાને પામે ત્યારે એનાં ઇન્દ્રિયોના છિદ્ર તે સંકોચને પામતા જાય ને તેમાં આકાશ પણ લય થતો જણાય, તેમ જ્યારે વિરાટ દેહ ઉપજે ત્યારે તેને અવાંતર હૃદયાદીક છિદ્રમાં આકાશ ઉત્તપન્ન થતો જણાય અને જ્યારે એ વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય. એમ આકાશની ઉત્પત્તિ અને લય છે, પણ જે આકાશ સર્વેનો આધાર છે તે તો જેમ પ્રકૃત્તિપુરુષ નિત્ય છે, તેમ નિત્ય છે, એની ઉત્પત્તિ ને લય તે કહેવાય નહિ અને વળી સમાધિએ કરીને પણ આકાશની ઉત્પત્તિ ને લય છે, તેની રીતને તો જે સમાધિવાળા છે તે જાણે છે.
પરમાનંદ સ્વામી : સુષુમ્ણા નાડી તે દેહને માહિલી કોરે કેમ રહી છે અને દેહથી બહાર કેમ રહી છે?
શ્રીજી મહારાજ : આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલુંજ આ પિંડમાં પણ છે અને પિંડમાં અલ્પ છે ને બ્રહ્માંડમાં મહત્ છે અને જેવો આ પિંડનો આકાર છે તેવોજ બ્રહ્માંડનો આકાર છે અને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે, તેમ પિંડમાં નાડીઓ છે અને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે, તેમ પિંડમાં કુક્ષીને વિષે જળ છે અને જેમ ત્યાં ચંદ્ર, સૂર્ય છે, તેમ પિંડમાં ઈંડા-પિંગલા નાડીને વિષે સૂર્ય ચંદ્ર છે. ઇત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે. તે જીહ્રાના અંતને પામે ત્યારે વરુણદેવને પમાય છે અને વાક્ ઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે છે અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પામે છે અને શિશ્રુના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે અને હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને પામે છે અને તેમજ હૃદયને વિષે રહી જે સુષુમ્ણા નાડી તેનું અંત જે બ્રહ્મરંધ્ર તેને જ્યારે પામે ત્યારે શિશુમાર ચક્રને વિષે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે, ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિપુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે તેને દેખે છે. તે તેજના માર્ગને સુષુમ્ણા કહીએ, એવી રીતે સુષુમ્ણા નાડી પિંડમાં ને બ્રહ્માંડમાં રહી છે.
પરમાનંદ સ્વામી : પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે, કે સ્વપ્રનો લય છે, કે સુષુપ્તિનો લય છે?
શ્રીજી મહારાજ : જાગ્રત અવસ્થાને વિષે સ્નેહે કરીને ભગવાનની મૂર્તિને વિષે લક્ષ થાય, ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે અને પછી સ્વપ્રનો ને સુષુપ્તિનો લય થાય છે અને જ્યારે મને કરીને ચિંતવન કરતે કરતે સ્વપ્રને વિષે ભગવાનની મૂર્તિમાં લક્ષ થાય, ત્યારે પ્રથમ સ્વપ્રનો લય થાય અને પછી જાગ્રતનો ને સુષુપ્તિનો લય થાય છે અને જ્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરતે કરતે ઉપશમપણે કરીને લક્ષ થાય છે, ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે અને પછી જાગ્રતનો ને સ્વપ્રનો લય થાય છે.
સ્વયંપ્રકાશાનંદ સ્વામી : ભગવાનને વિષે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને ઇચ્છાશક્તિ છે તે કેમ સમજવી?
શ્રીજી મહારાજ : આ જીવ જ્યારે સત્ત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય અને ત્યારે જે કર્મ કરે તે કર્મનું ફળ તે જાગ્રત અવસ્થા છે અને આ જીવ જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તે અને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ર અવસ્થા છે અને જ્યારે આ જીવ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય અને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુષુપ્તિ અવસ્થા છે અને તે સુષુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે ત્યારે જેવી પાણાની શિલા હોય તે જેવો જડ થઈ જાય છે અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી જે 'હું પંડિત છું, કે મૂર્ખ છું, કે આમ કર્યું છે, કે આ કામ કવું છે, કે આ મારી જાતિ છે, કે આવો મારો વર્ણ છે, કે આવો મારો આશ્રમ છે, કે આ મારું નામ છે, કે આ મારું રૂપ છે, કે હું દેવ છું, કે મનુષ્ય છું, કે બાળક છું, કે વૃદ્ધ છું, કે ધર્મિષ્ઠ છું, કે પાપિષ્ઠ છું, ઇત્યાદિક કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી અને એવી રીતનો જ્યારે આ જીવ થઈ જાય છે ત્યારે જે ભગવાન છે તે એને જ્ઞાનશક્તિએ કરીને સુષુપ્તિમાંથી જગાડીને એને એની સર્વે ક્રિયાનું જ્ઞાન આપે છે, તેને જ્ઞાનશક્તિ કહીએ અને એ જીવ જે જે ક્રિયાને વિષે પ્રવર્તે છે, તે ભગવાનની જે ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશક્તિ કહીએ અને એ જીવ જે જે કોઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઇચ્છાશક્તિને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે તેને ઇચ્છાશક્તિ કહીએ અને એ જીવને જાગ્રત, સ્વપ્ર અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા ભોગવાય છે તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવાતી, એ તો એને કર્મના ફળ પ્રદાતા જે પરમેશ્વર, તે એ જીવને જ્યારે કર્મફળને ભોગવાવે છે, ત્યારે ભોગવે છે. કેમ જે આ જીવ જ્યારે જાગ્રત અવસ્થાના ફળને ભોગવતો હોય ને ત્યારે એ ઈચ્છે જે મારે સ્વપ્રમાં જવું છે, તો એની વતે સ્વપ્રમાં જવાય નહિ, શા માટે જે ફળપ્રદાતા જે પરમેશ્વર તે એની વૃત્તિઓને રોકી રાખે છે અને સ્વપ્રમાંથી જાગ્રતમાં આવવાને ઈચ્છે તો જાગ્રતમાં અવાય નહિ અને સુષુપ્તિમાં પણ જવાય નહિ અને સુષુપ્તિમાંથી સ્વપ્રમાં તથા જાગ્રતમાં અવાય નહિ, એ તો જ્યારે જે કર્મના ફળના ભોગવાવનારા પરમેશ્વર છે તે એને જે અવસ્થાના કર્મફળને ભોગવાવે તેને જ ભોગવી શકે છે, પણ એ જીવ પોતાની ઇચ્છાએ કરીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી. એવી રીતે ભગવાનને વિષે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને ઇચ્છાશક્તિ તે રહી છે.

0 Comments