Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીગઢડા પ્રથમ પ્રકરણ (વચનામૃત ૫૬ થી ૬૦)

  ॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૫૬

જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ, આત્મા અનાત્માના વિવેકનું કારણ ને ઉપાસનાની દ્રઢતા.

સંવત : ૧૮૭૬ ના માઘ વદ દ્વાદશી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : સાંજે

પોશાક : ધોળો ખેશ પહેર્યો હતો, ને જરીયાન કસુંબલ રેંટો ઓઢયો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો. 

શ્રીજી મહારાજ : કીર્તન રાખો અને ઘડીક પ્રશ્ન ઉત્તર કરીએ. લ્યો હું પ્રશ્ન પૂછું છું જે, "શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે?" 

પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહિ.

શ્રીજી મહારાજ : જ્ઞાની છે તે તો બ્રહ્મસ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે. માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે, તેને ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો, એ પણ એને વિષે મોટી ખોટ છે અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિષે દ્રઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહિ અથવા તેની આગળ દીન વચન બોલાય નહિ, તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે જે, "પાણી ઘણું થશે" અને જો ઉપરથી રણકતો હોય ને માંહી કાપે ત્યારે અગ્નિ ઝરે તો સલાટ એમ કહે જે, 'આ કૂવામાં પાણી થશે તો અર્ધા કોશનું કે પા કોશનું થશે પણ વધુ નહિ થાય,' તેમ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે, તો એ મોટો તો કહેવાય, પણ જેવું અર્ધા કોશનું કે પા કોશનું પાણી થયું એવો મોટો થાય, પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે, માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહિ. તો એ પુરુષના હૃદયને વિષે પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણનારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે.

મુક્તાનંદ સ્વામી : હે મહારાજ! જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે, તે માનને કયા ઉપાયે કરીને ટાળવું? 

શ્રીજી મહારાજ : ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવાચાકરી કરે અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય અને અતિશે પ્રેમલક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિને જ દ્રઢ કરાવે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહિ. એજ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે અને અંતદ્રષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જ્યારે લગારે માન આવતું હશે, ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે અને જ્યારે નિર્માનીપણે વર્તાતુ્ં હશે, ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દ્રષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે. માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહિ અને જો માન સહિત જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય તો, જેમ સોનુ હોય અને તેમાં ભેગભળે ત્યારે તે સોનું પનરવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો બારવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો આઠવલું કહેવાય. તેમ એ ભક્તને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે, તેમ તેમ એ ત્રણે ઓછાં થતાં જાય છે માટે માન રહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે, પણ એના અંતરમાં ઝાઝું બળ હોય નહિ. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ "પચાસ કોટિ યોજન પૃથ્વી, તે સમુદ્ર, પર્વત અને સર્વ ભૂતપ્રાણીમાત્ર તેનો આધાર છે માટે ઘણી બળવાન જણાય છે અને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે, જે જળને વિષે પૃથ્વી છાણાની પેઠે તરે છે અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે અને આકાશનું તો કાંઈ બળ જણાતું નથી પણ આકાશ સર્વેથી બળવાન છે કાં જે એ ચારેનો આકાશ આધારરૂપ છે." તેમ માનરહિત જે એ ભક્તના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તે આકાશ સરખાં બળવાન છે. માટે ઉપરથી તો જણાય નહિ પણ નિર્માની ભક્ત તે સર્વેથી શ્રેષ્ઠ છે અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ઘાટ સંકલ્પ હોય નહિ. તેમજ સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય, પણ બાળકની પેઠે માનરહિત વર્તવું. 

મુક્તાનંદ સ્વામી : ઈન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે, એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે, તોય પણ ઈન્દ્રિયો, અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજનસ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુ:ખિયો કેમ થઈ જાય છે?

શ્રીજી મહારાજ : કેટલાક સિદ્ધ થાય છે, ને કેટલાક સર્વજ્ઞ થાય છે, ને કેટલાક દેવતા થાય છે. ઇત્યાદિ અનંત પ્રકારની મોટયપ પામે છે તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી, માટે શાસ્ત્રમાંથી આત્મા અનાત્માની વિક્તિ સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને, જાણે જે "હું આત્મા અનાત્માની વિક્તિ કરી લઉં" પણ એમ વિક્તિ થતી નથી. એ તો એ જીવને પોતાના ઇષ્ટદેવ જે પરમેશ્વર તેને વિષે નિષ્ઠા હોય, તેટલોજ આત્મા અનાત્માનો વિવેક થાય છે. પણ ઇષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતા નથી અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે, તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, 'ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે પણ એની એ મૂર્તિ છે તે ગોલોકાદીક જે પોતાના ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે અને મૃત્યુલોકને વિષે ભગવાનની મનુષ્ય સેવા કરે છે અને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે પણ એ તો સૂર્ય ચંદ્રાદિક સર્વેને પ્રકાશના દાતા છે અને ગોલોકાદીક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે, ત્યારે આ પ્રગટ ભગવાન છે તેજ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષદ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એજ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એજ આત્મા અનાત્માના વિવેકનું કારણ છે અને જેટલી એ ભક્તને ભગવાનના મહાત્મયે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે, તેટલોજ એ ભક્તના હૃદયમાં વૈરાગ્ય આવે છે. માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, "ગમે તેવો પાપી હોય ને અંત સમે જો તેને 'સ્વામિનારાયણ' એવા નામનું ઉચ્ચારણ થાય, તો તે સર્વ પાપ થકી છુટીને બ્રહ્મમહોલને વિષે નિવાસ કરે, તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે?" એમ માહાત્મ્ય સમજે તે સારું જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું. 

વચનામૃત ૫૭

અસાધારણ મોક્ષનો હેતુ, સ્વરૂપ જ્ઞાન અને માહાત્મ્ય છે.

સંવત : ૧૮૭૬ ના ફાગણ સુદ દ્વિતીયા 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર

શ્રીજી મહારાજ : જેને પ્રશ્ન ઉત્તર કરતાં આવડે તે એક એક પ્રશ્ન પૂછો.

મુક્તાનંદ સ્વામી : હે મહારાજ! મોક્ષનું અસાધારણ કારણ તે શું છે?

શ્રીજી મહારાજ : ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે. 

મુક્તાનંદ સ્વામી : ભગવાનને વિષે જે સ્નેહ તેનું શું રૂપ છે?

શ્રીજી મહારાજ : સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ ત્રુટી જાય. માટે હેત તો જેમ થયું હોય તેમ ને તેમ રહેવા દેવું, પણ વિચાર કરીને વારે વારે સ્થાપન ઉત્થાપન કરવું નહિ અને મૂઢપણે ભગવાનને વિષે હેત કરવું અને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહિ માટે હેત તો જેમ દેહના સંબંધી સંઘાથે છે તેવું ભગવાનને વિષે હેત કરવું અને એ હેતને મૂઢપણાનું હેત કહીએ અને ભગવાનનું માહાત્મ્ય જાણીને જે હેત થાય છે, તે તો બીજી જ રીતનું છે એમ જાણવું.

શિવાનંદ સ્વામી : સત્સંગમાં રહેવાનો ખપ છે, તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી? 

શ્રીજી મહારાજ : જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે? અને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે? ત્યાં દ્રષ્ટાંત છે જેમ, "કોઈક પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય, તો પછી તે સાથે મિત્રપણું ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય, કાં જે મિત્ર કરતા ભાઈનો સંબંધ અધિક છે." તેમ જો એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે એવો છે તોય પણ, એની ઉપર વૈરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રિસ ચઢતી નથી, તો જો એને સત્સંગમાં પૂરું હેત નથી અને જો જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય, તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે, શા માટે જે જીવ તો અતિ સમર્થ છે, કેમ જે મન અને ઈન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે માટે જે કરે તે થાય. 

વચનામૃત ૫૮

દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કાર, મોટાને જાણે તેવો થાય તે વિષે.

સંવત : ૧૮૭૬ ના ફાગણ સુદ પંચમી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા. 

સમય : સંધ્યા આરતીને સમે 

પોશાક : સર્વે શ્વેત વસ્ત્ર 

શ્રીજી મહારાજ : પ્રશ્ન કરો.

મુક્તાનંદ સ્વામી : હે મહારાજ! જ્યારે ભજનસ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી. તે એ ગુણના વેગ કેમ ટળે? 

શ્રીજી મહારાજ : એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વના સંસ્કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્તયા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે અને કુસંગે કરીને પ્રવર્તયા હોય તે સંતને સંગે કરીને ટળે છે અને જે રજોગુણ તમોગુણના વેગ એ બેયે કરીને પણ ન ટળે, તે તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે. 

આનંદાનંદ સ્વામી : પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે?

શ્રીજી મહારાજ : અતિશે મોટા પુરુષનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.

આનંદાનંદ સ્વામી : શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય?

શ્રીજી મહારાજ : પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષ્યા એ સર્વેનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે, ને અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહે કરીને સર્વેને નમતો રહે, તો એની ઉપર મોટા સંત રાજી થાય છે.

મહાનુભાવાનંદ સ્વામી : હે મહારાજ! સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિનદિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે?

શ્રીજી મહારાજ : મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય, તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય અને અતિશે જે મોટા હોય તેને જો અતિશે નિષ્કામી જાણે, તો પોતે કૂતરા જેવો કામી હોય તે પણ નિષ્કામી થાય અને જો મોટા પુરુષને વિષે કામીપણાનો દોષ પરઠે, તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશે કામી થાય અને મોટાને વિષે ક્રોધી, લોભીપણું પરઠે તો પોતે ક્રોધી, લોભી થાય અને જો મોટા પુરુષને અતિશે નિષ્કામી, નિર્લોભી, નિ:સ્વાદી, નિર્માની, નિ:સ્નેહી સમજે, તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તેનો જેમ દુ:ખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિષે અચળ નિષ્ઠા વર્તે છે, તેને પાકો હરિભક્ત જાણવો, તે એવો પાકો હરિભક્ત થયાનો તો એજ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે "એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું" એમ જાણીને હરિભક્તનો દાસનુદાસ થઈ રહે, એવી રીતે જે વર્તે, તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. 

વચનામૃત ૫૯

પ્રત્યક્ષ શ્રીહરિમાં અસાધારણ સ્નેહ વિષે.

સંવત : ૧૮૭૬ ના ફાગણ સુદ ચતુર્દશી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. 

સમય : દિવસે 

પોશાક : ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે હિરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું ને લલાટને વિષે ચંદનની અર્ચા વિરાજમાન હતી.

શ્રીજી મહારાજ : પ્રશ્ન ઉત્તર કરો.

મુક્તાનંદ સ્વામી : હે મહારાજ! ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે?

શ્રીજી મહારાજ : એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે, આ મને મળ્યા છે તે નિશ્ચે જ ભગવાન છે તથા આસ્તિકપણું હોય તથા ભગવાનના જે ઐશ્ચર્ય તેને જાણે જે 'આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે અને પુરુષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, ચોવીસ તત્ત્વ, બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કર્તા જાણે નહિ, એક ભગવાન પુરુષોત્તમને જ કર્તા જાણે અને સર્વના અંતર્યામી જાણે.' એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે નિશ્ચય તેજ પરમેશ્વરને વિષે અસાધારણ સ્નેહનું કારણ છે. 

મુક્તાનંદ સ્વામી : એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેતુ ન થાય તેનું શું કારણ છે?

શ્રીજી મહારાજ : જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે, તો એને ભગવાનને વિષે અસાધારણ હેત છે પણ એ જાણતો નથી, 'જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈના જણાવ્યા વિના જણાણું નહિ' અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈ ચાલ્યો, ત્યારે પોતાનાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા ન હતા. પછી જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે જાણ્યું.' તેવી રીતે એ ભક્તને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ તો છે, પણ જણાતી નથી.

મુક્તાનંદ સ્વામી : એ પ્રીતિના બળને જણાયાનું શું કારણ છે?

શ્રીજી મહારાજ : સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ છે તે જણાઈ આવે છે.

મુક્તાનંદ સ્વામી : દેશ, કાળ અને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે કોઈ બીજો છે?

શ્રીજી મહારાજ : દેશ તો પૃથ્વી કહેવાય તે સર્વ ઠેકાણે સરખો છે અને કાળ પણ સરખો છે, પણ અતિશે જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય, તે સર્વે સારા થઈ જાય છે અને અતિશે ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગે કરીને સારો દેશ અને સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ અને અશુભ એવા જે દેશ, કાળ અને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ, કાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે ને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે ને તેથી ઉતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ અશુભ જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો શુભ અને અશુભ એ બે પ્રકારના પુરુષ છે. 

વચનામૃત ૬૦

વાસના ટાળવાના ત્રણ ઉપાય-વિષયમાં સમબુદ્ધિથી વાસના ટળે.

સંવત : ૧૮૭૬ ના ફાગણ વદ એકમ 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે વિરાજમાન હતા.

સમય : દિવસે

પોશાક : ધોળો ખેશ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને તે પાઘને વિષે ધોળા પુષ્પના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા.

શ્રીજી મહારાજ : સર્વ સાધન કરતાં વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વિક્તિ છે જે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને વિષે જેટલી પોતાને તૃષ્ણા હોય, તેનો વિચાર કરવો જે મારે જેટલી ભગવાનને વિષે વાસના છે તેટલી જ જગતને વિષે છે કે ઓછી વધુ છે? તેની પરીક્ષા કરવી, ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્રઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય, તો એમ જાણવું જે 'ભગવાનમાં અને જગતમાં બરોબર વાસના છે.' એવી જ રીતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય, ને ભગવાનની વાસનાને વધારતો જાય, તેણે કરીને એને પંચવિષયને વિષે સમ બુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિંદા અને સ્તુતિ સરખા લાગે અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે. તેમજ સારું રૂપ અને ભૂંડું રૂપ તથા બાળ, યુવાન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો અને કંચન એ સર્વે સરખું ભાસે, તેમજ સારા અને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય, ત્યારે જાણીએ જે વાસના જીતાણી અને વાસનાએ રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે અને વાસના જરાક રહી જાય તો, સમાધિવાળો હોય અને નાડીપ્રાણ તણાતાં હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે, માટે વાસના ટાળે તેજ એકાંતિક ભક્ત છે.

મુક્તાનંદ સ્વામી : વાસના ટાળ્યાનો શો ઉપાય છે?

શ્રીજી મહારાજ : એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચવિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશે માહાત્મ્ય જાણ્યું જોઈએ જે, 'ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ સર્વે ધામના પતિ છે, માટે એવા ભગવાનને પામીને તુચ્છવિષયનાં સુખમાં હું શું પ્રીતિ રાખું?' એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે અને વળી એમ વિચાર કરે જે, 'ભગવાનને ભજતાં થકા પણ જો કોઈક ખોટ રહી જશે ને કદાપિ જો ભગવાનના ધામમાં નહિ જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિષે ભગવાન મુકશે, તોય પણ આલોકના કરતા તો ત્યાં કોટિ ઘણાં વધુ સુખ છે' એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે, ત્યાર પછી એને એમ જણાય છે જે, "મારે કોઈ કાળે વાસના હતી જ નહિ અને એતો મને વચમાં કાંઈ ભ્રમ જેવું થયું હતું, પણ હું તો સદા વાસનાએ રહિત છુ" એવું ભાસે છે અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તેતો જે એવો નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય, તેને વચને કરીનેજ પમાય પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહિ, માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement