।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।।
देवतापितृयागार्थमप्यजादेश्च हिंसनम् ।न कर्तव्यमहिंसैव धर्मः प्रोत्त्कोस्ति यन्महान् ।।१२।।
(દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલાં, સસલા, માછલા આદિક કોઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે, એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે.)
શ્રી ભાષ્યકાર શતાનંદસ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં કહે છે કે, કોઈ જગ્યાએ શાસ્ત્રોના નામે દેવોની આગળ હિંસા થતી હોય છે, તો કોઈ જગ્યાએ દેવોના યજ્ઞામાં પણ હિંસા થતી હોય છે તથા પિતૃઓના નામે શ્રાદ્ધમાં પણ હિંસા થતી હોય છે. શ્રીહરિ કહે છે, આવી હિંસા પણ ન કરવી. યજ્ઞામાં નહિ, કોઈ દેવ દેવી સમક્ષ નહિ અને શ્રાદ્ધમાં પણ નહિ. કારણકે અહિંસા છે એ જ મોટો ધર્મ છે.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે, વેદોમાં કોઈક જગ્યાએ "યજ્ઞામાં હિંસા કરવી." આવો હિંસાનો જે આભાસ છે, એતો કેવળ હિંસાના સંકોચને માટે છે. કોઈ વ્યક્તિ જ્યાં ને ત્યાં બહુ હિંસા કરતો હોય, તેને અટકાવવા માટે છે. પણ નાસ્તિકો અને માંસ ભક્ષણમાં આસક્ત એવા પુરુષો વેદોનો શું સિદ્ધાંત છે, તેને સમજ્યા વિના તદ્દન ખોટી રીતે હિંસા પ્રવર્તાવેલી છે. બાકી વિધિરૂપે વેદ કે શાસ્ત્રોમાં કોઈપણ જગ્યાએ હિંસાનું પ્રતિપાદન નથી. કેવળ સંકોચરુપે જ ક્યાંક જ હિંસાનું પ્રતિપાદન છે. આ વિષયમાં ભાગવતશાસ્ત્ર પ્રમાણરૂપ છે, लोके व्यवायामिषमद्यसेवा नित्यास्तु जन्तो र्न हि तत्र चोदना । व्यवस्थितिस्तेषु विवाहयज्ञासुराग्रहैरासु निवृत्तिरिष्टा ।।इति।। આ શ્લોકનો અર્થ છે કે, આ લોકમાં મૈથુન કરવું, માંસ ભક્ષણ કરવું અને દારૂનું પાન કરવું આ ત્રણ બાબતમાં કોઈને પણ આજ્ઞા કરવી પડતી નથી. એતો આસક્તિથી મનુષ્યોમાં નિત્ય પ્રવર્તેલ છે. આની જ્યાં ત્યાં અને જેમ તેમ બહુ પ્રવૃત્તિ થતા વેદોએ મર્યાદા બાંધી છે કે સંતાનોત્પત્તિને માટે વિવાહ કરીને મૈથુન કરવું, પણ જ્યાં ત્યાં નહિ અને માંસ ભક્ષણ કરવામાં બહુ આસક્તિ હોય અને કોઈપણ પ્રકારે રહી શકાય નહિ, તો અશ્વમેઘ યજ્ઞા કરીને માંસ ભક્ષણ કરવું. કારણકે અશ્વમેઘ યજ્ઞા તો રાજા તથા ધનવાન સિવાય સામાન્ય મનુષ્યોથી થઈ શકે નહિ. તેથી આવા નિયમો વડે સામાન્ય મનુષ્યોમાંથી માંસ ભક્ષણની પ્રવૃત્તિ અટકી જાય છે અને દારૂનું પાન કરવામાં અતિ આસક્તિ હોય, કોઈપણ પ્રકારે રહી શકાય નહિ, તો સુત્રામણી યજ્ઞા કરીને દારૂનું પાન કરવું. આ રીતે મર્યાદા બાંધીને વેદોએ વધી ગયેલી પ્રવૃત્તિમાં નિવૃત્તિ જ ઇચ્છેલી છે. અર્થાત સંકોચ કરાવેલો છે. પણ હિંસા કરવી જ, દારૂનું પાન કરવું જ, એવો કોઈ વેદનો સિદ્ધાંત નથી. આ રીતે ભાગવતમાં વર્ણવેલું છે.
પ્રતિવાદી અહીં શંકા કરે છે કે, હિંસા કરવાની મનાઈ કરો છો તો પછી યજ્ઞા કેવી રીતે કરી શકાય? વેદમાં તો "अजेन यजेत" અજ વડે યજ્ઞો કરવા, આવો વિધિ બતાવેલો છે. શતાનંદ સ્વામી આનો ઉત્તર આપતાં કહે છે કે, અજ વડે યજ્ઞો કરવા એવો જે વિધિ બતાવેલો છે, એ વિધિમાં અજ શબ્દનો અર્થ ડાંગર થાય છે, પણ બકરો નહિ. આ વિષયમાં ધનંજયનું વાક્ય છે કે, "अजस्त्रैवार्षिको व्रीहिः ।।इति।।" ત્રણ વર્ષ જેમને વીતી ગયાં હોય અને વાવીએ તો પણ ઉગે નહિ, આવી જે ડાંગર તેને શાસ્ત્રમાં અજ શબ્દથી કહેલ છે. માટે ડાંગર ઇત્યાદિક હોમદ્રવ્યો વડે યજ્ઞો કરવા, પરંતુ બકરાદીક પ્રાણીઓ વડે કદી પણ યજ્ઞો કરવા નહિ.
વળી વેદ તો કદી પણ હિંસા કરવાનું કહે જ નહિ. આ વિષયમાં નારદપંચરાત્રનું વાક્ય પ્રમાણરૂપ છે, श्रुतिर्वदति विश्वस्य जननीव हितं सदा । कस्यापि द्रोहजनकं न वक्ति प्रभुतत्परा ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, વેદો તો જગતની માતા છે. માતા જેમ પોતાના બાળકનું હંમેશાં હિત જ કહે, તેમ વેદો પણ સારા વિશ્વનું હંમેશાં હિત જ કહે છે. કોઈનો દ્રોહ થાય કે હિંસા થાય એવું વેદો કદી પણ કહે જ નહિ. કારણકે વેદો પણ પ્રભુપરાયણ છે અને પરમાત્માનો તો એ અભિપ્રાય છે કે, સર્વે પ્રાણીઓને પોતાની માફક જોવા. જેમ મને સન્માન સારૂં લાગે છે, એમ બીજાને પણ સારું લાગતું હશે અને જેમ અપમાન મને ખરાબ લાગે છે, તેમ બીજાને પણ અપમાન ખરાબ લાગતું હશે. મને જેમ મરવું ગમતું નથી, તેમ બીજાને પણ મરવું ગમતું નહિ હોય. મને મારૂં જીવન વહાલું લાગે છે, તેમ બીજાને પણ વહાલું લાગતું હશે. આ રીતે સર્વે પ્રાણીઓને પોતાની પેઠે જોવા, આ પ્રમાણે ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે કહેલું છે. માટે સર્વે પ્રાણીઓને પોતાની પેઠે જોવા, આવો ભગવાનનો અભિપ્રાય છે. તો જે ઈશ્વરનો અભિપ્રાય હોય, એ જ વેદનો હોય છે. માટે વેદો કદી પણ પ્રાણીઓની હિંસા કરવાનું કહે જ નહિ. માટે કોઈપણ પ્રાણીઓની યજ્ઞાને માટે પણ હિંસા કરવી નહિ.
વળી હિંસામય યજ્ઞાનું ફળ તો શાસ્ત્રોમાં બહુ જ ખરાબ બતાવેલું છે. આ વિષયમાં ભાગવતનું વાક્ય પ્રમાણરૂપ છે, भो भो प्रजापते राजन् पशून् पश्य त्वयाङध्वरे । संज्ञापितान् जीवसंङ्घान् निर्घृणेनसहस्त्रशः ।। एते त्वां संप्रतीक्षन्ते स्मरन्तो वैशसं तव । संपरेतमयः कुटैश्छिन्दन्त्युत्थितमन्यवः ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, પ્રાચીન બર્હિષ રાજાએ અનેક હિંસામય યજ્ઞો કરેલા હતા. યજ્ઞો કરી કરીને આ જગતની બધી પૃથ્વીને ચીતરી મુકેલી હતી. એક વખત જ્યાં યજ્ઞાકુંડ થયેલો હોય, ત્યાં ફરીવાર બીજો યજ્ઞાકુંડ થઈ શકે નહિ. તેથી રાજા પાસે યજ્ઞા માટે જગ્યા રહી નહીં. તેથી વિચાર કરે છે કે, મારે યજ્ઞો કઈ જગ્યાએ કરવા? આમ જ્યાં વિચારે છે, ત્યાં જ પ્રભુની પ્રેરણાથી નારદમુની પધાર્યા. રાજા નારદમુનિને કહે છે કે, હે મુને! આપ મને જગ્યા બતાવો, મેં યજ્ઞો કરીને સારાયે વિશ્વની પૃથ્વીને ચીતરી મૂકી છે. હવે મારી પાસે જગ્યા નથી.
તે સમયે નારદજી કહે છે કે, તમો કેવા યજ્ઞો કરો છો? રાજાએ ઉત્તર આપ્યો કે, "હિંસામય." ત્યારે નારદજી કહે છે, "અરે!!! રાજન! હિંસામય યજ્ઞો કદી થતા હશે? હિંસામય યજ્ઞાનું ફળ તો તમે જુઓ!!!" તમોએ યજ્ઞામાં નિર્દયપણે મારેલાં હજારે હજાર પશુઓ તમારી રાહ જોઇને આકાશમાં ઉભા છે. જુઓ! એ સર્વે પશુઓ તમને બોલાવે છે કે, "અહીં આવ, અહીં આવ" તારો બદલો લઈએ. નિર્દય એવો તું, તે નિર્દોષ એવાં અમને મારેલાં છે, માટે અહીં આવ, તને તારા કર્મનું ફળ આપીએ. આ રીતે સર્વે પશુઓ પોકારે છે. માટે હે રાજન! મર્યા પછી તમો જ્યારે પરલોકમાં જશો ત્યારે તમને જોઈને ક્રોધિત થયેલા બધા પશુઓ તમારા તલ તલ જેટલા ટુકડા કરી નાખશે. આ રીતે જ્યારે નારદે કહ્યું, ત્યારે રાજાએ પણ નારદજીની કૃપાથી આકાશમાં ક્રોધિત થયેલા પશુઓ દેખાયા છે. તેથી રાજા અતિ ભયભીત થઈને હિંસામય યજ્ઞો છોડી દીધા હતા. આ રીતે હિંસામય યજ્ઞાનું ફળ અતિશે ખરાબ કહેલું છે.
હવે પ્રતિવાદી શંકા કરે છે કે, પ્રત્યક્ષ પશુને માર્યા વિના ખરીદેલા માંસ વડે યજ્ઞા કરીએ તો શું દોષ છે? શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે, તેમાં પણ દોષ છે, પ્રથમ તો માંસ વડે યજ્ઞો થાય જ નહિ અને ખરીદેલા માંસ વડે યજ્ઞો કરનારો પણ ઘાતકી જ કહેલો છે. માર્કંડેયમુનિએ (૧) એક માંસ લાવનાર (૨) પશુને મારવા માટે અનુમોદન આપનાર (૩) માંસના કટકા કરનાર (૪) ખરીદનાર (૫) વહેંચનાર (૬) રાંધનાર અને (૭) માંસ ખાનાર. આ સાતેયને ઘાતકીની ગણનામાં આવરેલા છે. માટે ખરીદેલા માંસથી પણ યજ્ઞા થાય નહિ, આવું તાત્પર્ય છે.
હવે જેવી રીતે દેવતાઓના યજ્ઞામાં હિંસા કરવી નહિ. એવી જ રીતે પિતૃઓના યજ્ઞામાં કે શ્રાદ્ધમાં પણ હિંસા કરવી નહિ. પિતૃઓ માંસથી કદી પણ તૃપ્ત થતા નથી. આ વિષયમાં ભાગવતની અંદર નારદમુનિનું વચન છે, न दद्यादामिषं श्राद्धे नाचाद्यात् धर्मतत्त्ववित् । मुन्यन्नैः स्यात् पराप्रीतिर्यथा न पशुहिंसया ।।इति।। નારદજી કહે છે કે, શ્રાદ્ધમાં પિતૃઓને કદીપણ માંસ અર્પણ કરવું નહિ અને પોતાને માંસનું ભક્ષણ કરવું નહિ. કારણકે પિતૃઓ મુનિઓનું અન્ન જે સામો, નિવાર, દૂધ અને ઘીથી જેવા પ્રસન્ન અને તૃપ્ત થાય છે, તેવા માંસથી કદીપણ તૃપ્ત થતા નથી. માટે સહજાનંદ સ્વામીનો એવો અભિપ્રાય છે કે, કોઈપણ ધાર્મિક ક્રિયાની અંદર કોઈપણ પ્રકારની હિંસા કરવી નહિ. સાત્વિકતાથી જ સર્વે ધાર્મિક ક્રિયાઓનું અનુષ્ઠાન કરવું.

0 Comments