॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
कस्यापि प्राणिनो हिंसा नैव कार्याङत्र मामकैः ।सूक्ष्मयूकामत्कुणादेरपि बुद्धया कदाचन ।।११।।
(હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે, અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવપ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય પણ ન કરવી.)
શ્રી ભાષ્યકાર શતાનંદસ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, મન, કર્મ અને વચનથી કોઈનો અપકાર કરવો નહિ, કોઈને કષ્ટ આપવું નહિ. તેને શાસ્ત્રોએ અહિંસા કહેલી છે. અહિંસા વ્રત તો અતિ સૂક્ષ્મ અને ગહન છે. હિંસા કર્યા વિના તો આ સંસારમાં કોઈ ભોગજન્ય પદાર્થોની પ્રાપ્તિ પણ થતી નથી. શારીરિક કોઈપણ કર્મ કરતી વખતે હિંસા તો થતી જ હોય છે. હિંસાનો મુખ્ય સ્ત્રોત બુદ્ધિ છે. બુદ્ધિ કોઈપણ વસ્તુનો નિર્ણય કરીને વચન તથા કર્મમાં મનને પ્રવૃત કરે છે. બુદ્ધિમાં જેવો નિશ્ચય થાય છે એ પ્રમાણે મન, શરીરને અને વાણીને પ્રવર્તાવે છે. તેથી જ્યારે સંપૂર્ણ સાત્વિક બુદ્ધિ થાય, ત્યારે જ સૂક્ષ્મ હિંસાથી બચી શકાય છે. શતાનંદ સ્વામી સમજાવે છે કે, જીવપ્રાણીમાત્રની હિંસા કરવી નહિ. તેમાં કદાચ કોઈ એમ સમજી બેસે કે શ્રીજી મહારાજે હિંસાનો નિષેધ કરેલો છે, એતો બકરાં મૃગલાં આદિ મોટા પ્રાણીઓની હિંસાનો નિષેધ કર્યો છે.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, આવી મોટી હિંસા કરતા હોય એતો આ શિક્ષાપત્રીને લાયક જ કહેવાય નહિ. માટે શ્રીહરિ કહે છે કે, મારા આશ્રિતોએ જાણી જોઈને મચ્છર, માંકડ આદિક સૂક્ષ્મ જીવની પણ ક્યારેય હિંસા કરવી નહિ. અજાણતાં જો થઈ જાય તો ભક્તના વ્રત અને તપાદિકના પુણ્યથી એ પાપનો નાશ થઈ જાય છે, પણ જાણી જોઈને કરેલાં પાપો ક્યારેય પણ નાશ પામતા નથી.
શાસ્ત્રોમાં અજાણતાં થયેલા પાપોનો જ પ્રાયશ્ચિત વિધિ બતાવેલો છે. જેમ કે, कृत्वा पापं पूर्वमबुद्धिपूर्वं पुण्यानि चेत् कुरुते बुद्धिपूर्वम् । स तत्पापं नूदते धर्मशीलो वासो यथा मलिनं क्षारयुक्त्या ।।इति।। આ શ્લોકમાં વ્યાસ ભગવાન કહે છે કે, પુરુષ પ્રથમ અજાણતાં કોઈ પાપ કરી નાખેલું હોય અને પછી જ્યારે ખબર પડે, ત્યારે પશ્ચાતાપ પૂર્વક તે પાપના નિવારણને માટે જો કાંઈક પુણ્ય કરે, તો તે પુરુષ એ પાપને દૂર કરી શકે છે. જેમ મલિન વસ્ત્ર પાવડર વડે કે સાબુન વડે શુદ્ધ થઈ શકે છે. તેમ અજાણતાં કરેલું પાપ જ પ્રાયશ્ચિત વડે દૂર થઈ શકે છે. પણ જાણીજોઈને કરેલું પાપ તો પ્રાયશ્ચિત વડે પણ દૂર થઈ શકતું નથી. આ વિષયમાં યાજ્ઞાવલ્ક્ય ઋષિનું વચન પ્રમાણરૂપ છે. प्रायश्चितैरपैत्येनो यदज्ञानिकृतं भवेत् । कामतो व्यवहार्यस्तु वचनादिह जायते ।।इति।। યાજ્ઞાવલ્ક્ય કહે છે કે, અજાણતાં કરેલું પાપ જ પ્રાયશ્ચિત વડે દૂર થાય છે. જાણી જોઈને કરેલું પાપ તો પ્રાયશ્ચિત વડે પણ દૂર થતું નથી. પરંતુ જાણી જોઈને કરેલાં પાપમાં તો પ્રાયશ્ચિત આપનારા પુરુષના વચનના બળથી એ પાપી પુરુષ આલોકમાં વ્યવહારને યોગ્ય થાય છે. અર્થાત લોકમાં ભળી જાય છે પણ પાપ દૂર થતું નથી.
કદાચ અહીં કોઈને શંકા થાય કે, પાપને લીધે જ એ પાપી મનુષ્ય વ્યવહારને અયોગ્ય બનેલો હતો અને જાણીને કરેલું પાપ તો નાશ પામતું નથી. તો પાપ નાશ પામ્યા વિના પાપી માણસ વ્યવહારમાં કેવી રીતે ભળી શકે?
આના ઉત્તરમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે, પાપની બે શક્તિ છે. એક તો નરક ઉત્પન્ન કરનારી અને બીજી વ્યવહારને રોકનારી. તેમાં જાણીને કરેલાં પાપમાં નરકને ઉત્પન્ન કરનારી શક્તિનો નાશ થતો નથી. છતાં પણ વ્યવહારને રોકનારી શક્તિનો તો નાશ થઈ જાય છે. અર્થાત આલોકમાં એ વ્યવહારમાં ભળી જાય છે. પણ જાણીને કરેલું પાપ પુણ્યથી ઠેલાતું નથી અને પ્રાયશ્ચિત કરનારો પુરુષ બન્નેનાં ફળને જુદાં જુદાં ભોગવે છે. આ વિષયમાં પરાશરગીતાનું વાક્ય પ્રમાણરૂપ છે. अज्ञानाद्धि कृतं पापं तपसैवाभिनिर्नुदेत् । बुद्धया कृत्वा तु यः पापं शुभमेवाङनुतिष्ठति ।। प्रायश्चितं नरः कृत्वा उभयं सोङश्रुते पृथग् ।।इति।। પરાશર ઋષિ કહે છે કે, અજાણતાં કરેલું પાપ તપ વડે દૂર થાય છે. પણ જે માણસ જાણીને પાપ કરે છે અને પછી એ પાપને દૂર કરવા માટે પુણ્ય કરે છે. તો એ પાપી માણસ પાપ અને પુણ્ય આ બન્નેના ફળો જુદા જુદા ભોગવે છે. પ્રથમ જે પાપ કરેલું હોય, તેનું ફળ નરક ભોગવે છે અને નરકને ભોગવી લીધા પછી પાપને ઠેલવા માટે જે પુણ્ય કરેલું હોય, એ પુણ્યનું ફળ સુખ ભોગવે છે. પણ જાણીને કરેલાં પાપો પુણ્યથી ઠેલાતાં નથી. માટે બુદ્ધિપૂર્વક પાપાચરણ સર્વ પ્રકારે ક્યારેય પણ કરવું નહિ, આવું તાત્પર્ય છે.

0 Comments