Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીગઢડા પ્રથમ પ્રકરણ (વચનામૃત ૫૧ થી ૫૫)

 ॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૫૧

પ્રભુનો નિશ્ચયે પ્રભુવતેજ થાય તેમાં, હીરે કરીને હીરો વિધ્યાનું દ્રષ્ટાંત.

સંવત : ૧૮૭૬ ના માઘ વદ બીજ

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : રાત્રે

પોશાક : ધોળો સુરવાળ, ધોળું અંગરખું, માથે ધોળી પાઘ બાંધી હતી. 

શ્રીજી મહારાજ : કાંઈ પ્રશ્ન પૂછો.

પૂર્ણાનંદ સ્વામી : દશ ઈન્દ્રિયો તેતો રજોગુણની છે અને ચાર અંતઃકરણ છે તે તો સત્વગુણનાં છે માટે એ સર્વે ઇન્દ્રિયોને અંતઃકરણ તેતો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે, તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઈન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે?

શ્રીજી મહારાજ : માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય. માટે માયિક જે અંતઃકરણ અને ઈન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા, તો એ ભગવાન પણ માયિક ઠર્યા, એ રીતે તમારો પ્રશ્ન છે?

પૂર્ણાનંદ સ્વામી : એજ પ્રશ્ન છે. તેને હે મહારાજ! તમે પુષ્ટ કરી આપ્યો.

શ્રીજી મહારાજ : એનો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે, તે સર્વે પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વે પદાર્થરૂપે પૃથ્વી થઈ છે, ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે અને જળ તો પૃથ્વીને હેઠે પણ છે અને પડખે પણ છે, ને ઉપર પણ છે અને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે. 

માટે જળની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી એકલું જળ જ છે અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે. માટે તેજની દ્રષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી એકલું તેજ જ છે અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે, માટે વાયુની દ્રષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી એકલો વાયુ જ છે અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે, માટે જો આકાશની દ્રષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાસેજ નહિ એકલો આકાશ જ સર્વત્ર ભાસે અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે અને તે તામસાહંકાર, રાજસાહંકાર, સાત્ત્વિકાહંકારઅને ભૂત, ઈન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા એ સર્વે મહત્તત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયાં છે, માટે મહત્તત્ત્વની દ્રષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત, ઈન્દ્રિયો, અંતઃકરણ, દેવતાએ સર્વે નથી, એકલું મહત્તત્ત્વ જ છે અને તે મહત્તત્ત્વ પણ પ્રધાન પ્રકૃત્તિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે. માટે એક પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તત્ત્વ નથી, એકલી એ પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને તે પાછી સૃષ્ટિ સમે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે પુરુષની દ્રષ્ટિએ કરીને જોઈએ તો, એ પ્રકૃતિ નથી એકલો પુરુષ જ છે અને એવા અનંતકોટિ પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે એ મહામાયાની દ્રષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી એકલી મહામાયા જ છે અને એ મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે એ મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી એકલો મહાપુરુષ જ છે અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે. માટે એ અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદીક સર્વે નથી એક અક્ષર જ છે અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરતા છે, ને તે સર્વના કારણ છે અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ, એવા જે ભગવાન તેજ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઈન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપ થઈ જાય છે, ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીનેજ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતેજ થાય છે અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતેજ થાય છે પણ માયિક એવાં જે ઈન્દ્રિયો, અંતઃકરણ તેણે કરીને નથી થતો. 

વચનામૃત ૫૨

સાંખ્યાદિક ચાર શાસ્ત્રે કરી ભગવાનને જાણવા તેની રીત.

સંવત : ૧૮૭૬ ના માઘ વદ ત્રીજ 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરની મેડીની ઓસરીમાં વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : શ્વેત વસ્ત્ર

કથામાં એમ આવ્યું જે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય.

મુક્તાનંદ સ્વામી : હે મહારાજ! એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા? અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે, તે કહો?

શ્રીજી મહારાજ : જે સાંખ્યશાસ્ત્ર છે તે ભગવાનને પંચવિશમા કહે છે અને ચોવીશ તત્ત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતાં, તેમ જીવ ઈશ્વર ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી. માટે એને પણ ચોવીશ તત્ત્વ ભેળાજ ગણે છે અને જીવ ઈશ્વરે સહિત એવાં જે ચોવીશ તત્ત્વ તેને ક્ષેત્ર કહે છે, ને પંચવીશમા ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને છવિશમા કહે છે, ને મૂર્તિમાન કહે છે, ને જીવ ઈશ્વરે પંચવીશમા કહે છે ને ચોવીશ તત્ત્વને પૃથક કહે છે ને એ તત્ત્વ થકી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે અને વેદાંતશાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે અને પંચરાત્રશાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે, એક જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે તેજ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન એ ચતુર્વ્યુહ રૂપે થાય છે અને પૃથ્વીને વિષે અવતારનું ધારણ કરે છે અને તેને વિષે જે નવ પ્રકારની ભક્તિને કરે છે તેનું કલ્યાણ થાય છે. એવી રીતે એ ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક સાંખ્યશાસ્ત્રે કરીનેજ ભગવાનના સ્વરૂપને સમજે તો, એ બાધ આવે જે, સાંખ્યશાસ્ત્રમાં જીવ, ઈશ્વરને તત્ત્વથી નોખા નથી કહ્યા, તે જ્યારે તત્ત્વનો નિષેધ કરીને તત્ત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પંચવીશમો પોતાનો જીવાત્મા સમજાય, પણ ભગવાન ન સમજાય અને જો એકલે યોગશાસ્ત્રે કરીનેજ ભગવાનના સ્વરૂપને સમજે, તો એ દોષ આવે જે, યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે, તેને પરિચ્છીન્ન સમજે, પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે અને જો એક વેદાંતશાસ્ત્રે કરીનેજ ભગવાનના સ્વરૂપને સમજે, તો એ દોષ આવે જે 'જે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક અને નિર્ગુણ કહ્યા છે, તેને નિરાકાર સમજે પણ પ્રાકૃત કરચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે' અને જો એકલે પંચરાત્રશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે જે 'જે ભગવાનના અવતારને વિષે ભક્તિ કહી છે, તેને વિષે મનુષ્યભાવ આવે તથા એકદેશસ્થપણું સમજાઈ જાય, પણ સર્વાંતર્યામીપણું ને પરીપૂર્ણપણું ન સમજાય,' માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે અને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે. માટે એ ચારે શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય અને જો એ ચારમાંથી એકને મુકીદે તો પુણો જ્ઞાની કહેવાય, ને બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય, ને ત્રણને મુકીદે તો પા જ્ઞાની કહેવાય, ને ચારેને મૂકીને જે પોતાના મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે, તે બેય ભુલા પડ્યા છે પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી. માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે અને એ ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે. 

વચનામૃત ૫૩

સાધુનો ગુણ-અવગુણ એજ સત્સંગમાં વધવા ઘટવાનું કારણ છે.

સંવત : ૧૮૭૬ ના માઘ વદ નવમી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા.

સમય : દિવસે 

પોશાક : ધોળો સુરવાળ, ધોળો અંગરખો, જરકશી છેડાનું કસુંબલ ભારે શેલું કેડયે બાંધ્યું હતું ને જરકશી છેડાનો ભારે કસુંબલ રેંટો માથે બાંધ્યો હતો, ને તે પાઘમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા. 

શ્રીજી મહારાજ : કોઈ પ્રશ્ન પૂછો.

મુક્તાનંદ સ્વામી : કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે?

શ્રીજી મહારાજ : મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિષે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે, માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો અને અવગુણ તો ત્યારે લેવો, જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને તે સાધુમાં બીજા ઘણાક ગુણ હોય, તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણનેજ ગ્રહણ કરે તો તેના જ્ઞાન, વૈરાગ્યદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ અને જો અવગુણ લે નહિ, તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે. 

વચનામૃત ૫૪

એકાંતિક સંતના પ્રસંગથી મોક્ષનું દ્વાર ઉઘડી જાય છે.

સંવત : ૧૮૭૬ ના માઘ વદ એકાદશી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા. 

સમય : દિવસે 

પોશાક : ધોળો ખેસ પહેર્યો હતો ને જરીયાની છેડાવાળો કસુંબલ રેંટો ઓઢયો હતો અને આસમાની રંગનો જરીયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો. 

મુક્તાનંદ સ્વામી : હે મહારાજ! શ્રીમદ્ભાગવતના એકાદશ સ્કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવતધર્મ, તેનું જે પોષણ તે કેમ થાય? અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય?

શ્રીજી મહારાજ : સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્ય જ્ઞાન તેણે સહિત જે, ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તે કપિલદેવ ભગવાને દેવહુતી પ્રત્યે કહ્યું છે જે, प्रसंगमजरं पाशमात्मनः कवयो विदुः । स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतम् ।। "જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે, તેવો ને તેવોજ પ્રસંગજો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો, એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે."

શુકમુનિ : ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય? 

શ્રીજી મહારાજ : જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહિ એવી રીતનો જેનો સ્વભાવ હોય, તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડેજ નહિ. માટે જેને વચનમાં દ્રઢતા છે, તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે. 

વચનામૃત ૫૫

અશુભ દેશાદીકે કરી વર્તમાનનો દ્રઢાવ રહેતો નથી.

સંવત : ૧૮૭૬ ના માઘ વદ એકાદશી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉગમણે બાર ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા.

સમય : દિવસે

પોશાક : શ્વેત વસ્ત્ર 

શ્રીજી મહારાજ : પ્રશ્ન ઉત્તર કરો.

મુક્તાનંદ સ્વામી : જીવને ભજનસ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી?

શ્રીજી મહારાજ : એ તો અશુભ એવા જે દેશ, કાળ, ક્રિયા અને સંત તેને યોગે કરીને રહેતો નથી અને તે દ્રઢાવ પણ ત્રણ પ્રકારનો છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે તો મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતાની તો શી વાત કહેવી? અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય, ને તેમાં પણ દ્રઢતા જેમ છે એમને એમ જો રહે તો, એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્ય છે અને દેશ, કાળ, ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે, તે નડે છે અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે, કેમ જે દેશ, કાળ, ક્રિયા અને સંગ રૂડા છે તોય પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબડદાર થઈને રહે તો એના પાપ બળીને ભષ્મ થઈ જાય અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કાંઈક સુકૃત હોય તે પણ નાશ પામે અને મદિરાપાનની કરનારી જે પાતર્યો તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે જે, "મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહિ" તેને તો મહામૂર્ખ જાણવો. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement