Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીગઢડા પ્રથમ પ્રકરણ (વચનામૃત ૪૬ થી ૫૦)

 ॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૪૬

સર્વાધાર અનાદિ ચિદાકાશની ઉત્પત્તિ ને વિનાશ થતો નથી તે વિષે.

સંવત : ૧૮૭૬ ના માઘ સુદ એકાદશી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા. 

સમય : સાંજે

પોશાક : ધોળો ખેશ, ધોળી ચાદર, માથે ધોળી પાઘ બાંધી હતી. 

ભટ્ટ માહેશ્વર : સમાધિને વિષે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે?

શ્રીજી મહારાજ : આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો જે, આકાશ તે અવકાશને કહીએ અને જે જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે અને એવું કોઈ પદાર્થ નથી જે જેને વિષે આકાશ ન હોય. કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિષે પણ આકાશ છે અને તે એક રજના કોટાનકોટી કટકા કરીએ તોપણ તેને વિષે આકાશ છે. માટે આકાશની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિક ચાર ભૂત દેખાતા નથી, એકલો આકાશ જ દેખાય છે. તે આકાશ સર્વેનો આધાર છે અને સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિષે છે અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિષે રહ્યું છે અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ ને પુરુષ તે પણ આકાશને વિષે છે. એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય જે પિંડ બ્રહ્માંડ એ સર્વને માંહી પણ રહ્યો છે અને સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે. એવો જે આકાશ તે તો સુષુપ્તિને વિષે અથવા સમાધિને વિષે લીન થતો નથી.

કોઈ કહેશે જે, "આકાશાદિક પંચભૂત તો તમોગુણથી ઉપજ્યાં છે તે આકાશ, પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય? ને સર્વમાં વ્યાપક કેમ કહેવાય? તો એનો ઉત્તર એ છે જે, પ્રકૃતિમાં જો અવકાશ રૂપ આકાશ ન હોય તો, જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પાદિક બહાર નિસરે છે અને જેમ ગાયના પેટમાંથી વાછડું બહાર નિસરે છે, તેમ પ્રકૃતિમાંથી મહતત્ત્વ નિસરે છે. તે કેમ નિસરે? માટે પ્રકૃતિને વિષે આકાશ રહ્યો છે અને મહતત્ત્વમાંથી અહંકાર નિસરે છે. માટે મહતત્ત્વમાં આકાશ રહ્યો છે અને અહંકારથી ત્રણગુણ નિસરે છે. માટે અહંકારને વિષે આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી આકાશ આદિ પંચભૂત નિસરે છે. માટે તમોગુણને વિષે પણ આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી જે આકાશ નિસરે છે, તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને વિકારવાન છે અને સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકારી છે ને અનાદિ છે અને એવો સર્વાધાર જે આકાશ છે, તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ અને એ આકાશને વિષે પુરુષ ને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે. કેવી રીતે તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામે જુવે છે, ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે, તેમ પુરુષ જે પતિ ને પ્રકૃતિ રૂપ જે સ્ત્રી તે થકી મહતત્ત્વાદીક સંતાન ઉત્પન્ન થાય છે, એવી રીતે જે એ પ્રકૃતિ તે ચોવીશ તત્ત્વરૂપે ને પિંડ બ્રહ્માંડરૂપે થાય છે. એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે અને જેટલાં પ્રકૃતિના કાર્ય છે તેને વિષે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપક પણે રહે છે, તે પુરુષની વિકાસ અવસ્થા છે અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વ નાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે, એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે અને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વે નાશ પામ્યાં, ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો, એ પુરુષની સંકોચ અવસ્થા છે. જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે છે ત્યારે પોતાના અંગ સર્વે બહાર કાઢે છે અને જ્યારે સંકોચને પામે છે ત્યારે સર્વે પોતાના અંગ તાણી લે છે. તે રૂઢમૂઢ થઈ રહે છે તેમ પુરુષ પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે અને એ પ્રકૃતિને પ્રકૃતિનાં કાર્યને વિષે અન્વય વ્યતિરેકપણું પુરુષનું જ છે, પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી, કેમજે, જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય અને આ બ્રહ્માંડ છે તેને ચારેકોરે લોકાલોક પર્વત છે. તે ગઢની પેઠે રહ્યો છે અને તે લોકાલોકની બહાર તે અલોક છે અને તે અલોકથી પર સપ્ત આવરણ છે અને તેથી પર એકલું અંધારું છે અને તે અંધારાથી પર પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ. તેમજ ઉંચુ પણ બ્રહ્મલોક સુધી કહેવાય અને તેની ઉપર સપ્ત આવરણ છે અને તે આવરણને પાર અંધકાર છે અને અંધકારને પાર પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ અને તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય ને તેથી હેઠાં સપ્ત આવરણ છે, ને તેથી હેઠું અંધકાર છે. તેથી હેઠો પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ. એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડની માંહી પણ છે અને એવો જે એ સર્વાધાર આકાશ છે, તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહરવિદ્યા કહીએ અને અક્ષીવિદ્યા આદિક ઘણીક પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે. તે માંહેલી એ પણ એક બ્રહ્મવિદ્યા છે અને એ ચિદાકાશ છે, તે અતિ પ્રકાશવાન છે અને તે ચિદાકાશ અનાદિ છે ને તેની ઉત્પત્તિ અને વિનાશ નથી અને જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કહ્યો છે, તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને અંધકારરૂપ છે. તેની લીનતા થાય છે, પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી. એવી રીતે તે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો અને હવે તેમાં કોઈને શંકા રહી હોય તો પૂછો!

પછી તે વેદાંતી બ્રાહ્મણ તથા હરિજન બોલ્યા જે, હવે કોઈને લેશ માત્ર સંશય નથી. 

વચનામૃત  ૪૭

ધર્મનિષ્ઠાદિક ચાર પ્રકારની નિષ્ઠાવાળાનાં લક્ષણ.

સંવત : ૧૮૭૬ ના માઘ સુદ દ્વાદશી 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લિંબડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : સવારના પહોરમાં

પોશાક : શ્વેત વસ્ત્ર

શ્રીજી મહારાજ : સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહિ તો નહિ સમજાય.

સર્વે હરિભક્ત : હે મહારાજ! કહો.

શ્રીજી મહારાજ : પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય અને કોઈકને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વે હરિભક્તમાં હોય છે. હવે જેને ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા, બ્રહ્મચર્યાદિકરૂપ જે પોતનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવાચાકરી કરવી તેને વિષે પ્રીતિએ યુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનના મંદિર કરવાં તથા ભગવાનને અર્થે બાગબગીચા કરવા તેને વિષે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારનાં નૈવેધ ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીપવું તથા વાળવું તેને વિષે રુચિ વર્તે અને ભગવાનની શ્રવણ કિર્તનાદિક જે ભક્તિ તેને નિર્દભપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવતધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કિર્તનાદિકને વિષે અતિશે રુચિ વર્તે અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તેતો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઇષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિએ યુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે એવી પ્રકૃતિવાળો હોય અને જેને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વ માયિક પદાર્થમાત્ર તેને વિષે નિરંતર અરુચિ વર્તે અને અસત્યરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગૃહ કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારા જે શાસ્ત્ર તેને વિષે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિષે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન અને સદ્ધસ્ત્રાદિ પંચવિષય સંબંધી માયિક પદાર્થમાત્ર તેને પામવાને વિષે અતિશે અરુચિ વર્તે અને જેને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિષે જ અતિશે દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવાં જે માયિક પદાર્થ તેને વિષે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહિ અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરે અને તે ભક્તને ભગવાનના જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિષે અતિશે રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિષે અતિશે રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિષે પ્રેમને દેખે, તે ભક્તને વિષેજ તેને પ્રીતિ થાય અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિષે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિષેજ નિરંતર પ્રવૃત્તિ હોય એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને, જેવું જેનું અંગ હોય તેવું તે કહો અને આ વાર્તા છે તેતો દર્પણ તુલ્ય છે. તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે અને ભગવાનના ભક્ત હોય તેતો અંગ વિનાના હોય નહિ, પણ પોતાના અંગને ઓળખે નહિ એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહિ અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય, ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય, માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો!

પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, જેનું એક સરખું અંગ હોય તે ઉઠી ઉભા થાઓ, પછી જેનું જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઉભા થયા. પછી શ્રીજી મહારાજે એ સર્વને પાછા બેસાડ્યા.

નિત્યાનંદ સ્વામી : એ ચારે અંગવાળાને પોતપોતાના અંગમાં કાંઈ ગુણ દોષ છે કે નથી?

શ્રીજી મહારાજ : ગુણ દોષ છે તે કહીએ તે સાંભળો જે, એ ચારે અંગવાળા જે ભક્ત તેમના જે અમે પ્રથમ લક્ષણ કહ્યાં તે પ્રમાણે જે વર્તે તેતો એમને વિષે ગુણ છે અને એ પ્રમાણે જે ન વર્તાય તેટલો એમને વિષે દોષ છે. 

મુક્તાનંદ સ્વામી : એ ચાર નિષ્ઠાવાળાને વિષે કોઈ અધિક ન્યૂન છે કે એ ચારે તુલ્ય છે?

શ્રીજી મહારાજ : જ્યાં સુધી એક એક નિષ્ઠાને વિષે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિષે વર્તે ત્યારે તે સર્વે થકી અધિક છે અને જ્યારે ચારે નિષ્ઠા એકને વિષે વર્તે ત્યારે તેને પરમભાગવત કહીએ અને એનેજ એકાંતિક ભક્ત કહીએ.

વચનામૃત ૪૮

ચાર પ્રકારના કુસંગથી બચવા પ્રાર્થના કરવી.

સંવત : ૧૮૭૬ ના માઘ સુદ તેરસ 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લિંબડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા. 

સમય : સાંજે 

પોશાક : શ્વેત વસ્ત્ર 

શ્રીજી મહારાજ : સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. એ અમારી આજ્ઞા છે જે, હરિભક્ત માત્રને શ્રીનરનારાયણની મૂર્તિ કાગળમાં લખાવી દઈશું, તે પૂજજો અને એ પૂજા સર્વે શાસ્ત્રે કરીને પ્રમાણ છે અને શ્રીમદ્ભાગવતને વિષે પણ અષ્ટ પ્રકારની મૂર્તિ કહી છે. માટે ચિત્રમુર્તિ પણ અતિ પ્રમાણ છે અને અમારી આજ્ઞા પણ છે. માટે હરિભક્ત માત્રને પ્રાત:કાળમાં સ્નાન કરીને શ્રીનરનારાયણની પૂજા કરવી અને પૂજા કર્યા પછી પ્રદક્ષિણા કરવી અને સાષ્ટાંગ પ્રમાણ કરવા, પછી ભગવાન પાસે એમ માંગવું, જે હે મહારાજ! અમારી કુસંગ થકી રક્ષા કરજો. તે કુસંગ ચાર પ્રકારનો છે. એક તો કુંડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્કવેદાંતી અને ચોથા નાસ્તિક, એ ચાર પ્રકારનો કુસંગ છે. તેમાં જો કુંડા પંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચૂકાડીને ભ્રષ્ટ કરે અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવરાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે અને જો શુષ્કવેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મનેજ સાચાં કરીને પરમેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેમને ખોટા કરી દેખાડે અને અનાદિ સતશાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. માટે ભગવાનની પાસે માંગવું જે, એ ચાર પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહિ અને વળી એમ પ્રાર્થના કરવી જે, હે મહારાજ! કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજો અને નિત્યે તમારા ભક્તનો સમાગમ દેજો. એવી રીતે નિત્યે ભગવાનની પ્રાર્થના કરવી.

તમે સર્વે હરિભક્ત એમ મનમાં લાવશો મા, જે એ તો કાગળ ઉપર ચિત્રામણ છે તે આપણી કેમ કુસંગ થકી રક્ષા કરશે? એવો ભાવ તો કોઈ દહાડો લાવશો મા. કાં જે અમે તો સત્પુરુષ છીએ તે અમારી આજ્ઞાએ કરીને તમે સર્વે નરનારાયણની પૂજા રાખશો તો, અમારે અને નરનારાયણને તો સુધો મનમેળાપ છે. તે અમે નરનારાયણને કહેશું જે, હે મહારાજ! જે પંચ વર્તમાનમાં રહીને અમારી આપેલ જે તમારી મૂર્તિ તેને પૂજે તેમાં તમે અખંડ વાસ કરીને રહેજો. માટે એ નરનારાયણ દેવ છે તેને અમે સ્નેહરૂપી પાસે બાંધીને અમે જોરાવરી રાખીશું. માટે તમે સર્વે એમ નિશ્ચે જાણજો જે, એ મૂર્તિ તે શ્રીનરનારાયણ દેવ પંડે જ છે. એવું જાણીને કોઈ દહાડો મૂર્તિ અપૂજ રહેવા દેશોમાં અને પ્રાતઃકાળમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી અને પછી બીજો ધંધો કરવો અને જ્યાં સુધી પંચવર્તમાનમાં રહીને એ નરનારાયણ દેવની પૂજા કરશો ત્યાં સુધી એ મૂર્તિને વિષે શ્રીનરનારાયણ વિરાજમાન રહેશે. એ અમારી આજ્ઞા છે. તે સર્વે દ્રઢ કરીને માનજો. 

વચનામૃત ૪૯

અંતદ્રષ્ટિ વિષે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તે.

સંવત : ૧૮૭૬ ના માઘ સુદ ચૌદસ 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. 

સમય : સંધ્યા સમે

પોશાક : કંઠને વિષે પીળાં પુષ્પનો હાર, બે હાથમાં પીળા પુષ્પના ગજરા અને સર્વે ધોળાં વસ્ત્ર પહેર્યા હતા. 

શ્રીજી મહારાજ : પ્રશ્ન ઉત્તર કરો.

બ્રહ્માનંદ સ્વામી : ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તેતો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે. તેનું શું કારણ છે?

શ્રીજી મહારાજ : ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહિ અને તેને તો એજ ફિકર રહે છે જે, 'મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે.' માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એજ કઠણ છે અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે. માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહિ અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતાં સંભાળતા પરમેશ્વરનો ભક્ત થશે.

બ્રહ્માનંદ સ્વામી : એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનુ શું સાધન છે?

શ્રીજી મહારાજ : એનું સાધન તો અંતદ્રષ્ટિ છે, તે અંતદ્રષ્ટિ તે શું? તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું અંતદ્રષ્ટિ છે અને તે મૂર્તિ વિના ષટ્ચક્ર દેખાય અથવા ગોલોક, વૈકુંઠાદિક ભગવાનના ધામ દેખાય, તો પણ તે અંતદ્રષ્ટિ નહિ. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર મૂર્તિ સામું જોઈ રહેવું તેનું નામ અંતદ્રષ્ટિ છે અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્યદ્રષ્ટિ છે.

પછી વળી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, હવે તો બે બે જણ થઈને સામસામા પ્રશ્ન ઉત્તર કરો. પછી ઘણી વાર સુધી પરમહંસે પરસ્પર પ્રશ્ન ઉત્તર કર્યા તેને સાંભળતા થકા શ્રીજી મહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા હતા. 

વચનામૃત ૫૦

કલ્યાણનો પ્રયત્ન કરનાર કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય.

સંવત : ૧૮૭૬ ના માઘ વદ એકમ 

સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરની મેડીની ઓસરી આગળ પ્રાતઃકાળે વિરાજમાન હતા.

સમય : દિવસે

પોશાક : શ્વેત વસ્ત્ર 

શ્રીજી મહારાજ : જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, તે કુશાગ્ર બુદ્ધિ તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ? અથવા શાસ્ત્રપુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ?

પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહિ.

શ્રીજી મહારાજ : કેટલાક તો વ્યવહારમાં અતિ ડાહ્યા હોય, તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહિ તથા કેટલાક શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહિ. માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા અને જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે અને જે જગતવ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જોડી બુદ્ધિવાળો છે. એ ઉપર ભગવદ્રીતાનો શ્લોક છે જે, या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः । એ શ્લોકનો એમ અર્થ છે જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વે જગતના જીવની બુદ્ધિ રાત્રીની પેઠે અંધકારે યુક્ત વર્તે છે, કહેતાં ભગવાનનું ભજન નથી કરતા અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ભજનને વિષે જગ્યા છે, કહેતાં નિરંતર ભગવાનનું ભજન કરતા થકા વર્તે છે અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને વિષે જીવમાત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે, કહેતાં વિષયને ભોગવતા થકાજ વર્તે છે અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિષે અંધકારે યુક્ત વર્તે છે, કહેતાં તે વિષયને ભોગવતા નથી. માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તેજ કુશાગ્રબુદ્ધિવાળા છે અને તે વિના તો સર્વે મૂર્ખ છે. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement