Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શિક્ષાપત્રી : મંગલાચરણાદિ ઉપોદ્વાત (શ્લોક ૭ થી ૧૦)

 ॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

 एकाग्रेणैव मनसा पत्रीलेखः सहेतुकः ।
अवधार्योडयमखिलैः सर्वजीवहितावहः ।।७।।

(આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે, તે સર્વેના જીવને હિતની કરનારી છે.) 

શ્રી ભાષ્યકાર શતાનંદસ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, જે આ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખી છે, એ સર્વે જીવોના હિતને માટે છે. માટે આ શિક્ષાપત્રીને એકાગ્ર મન વડે વાંચવી અને સાંભળવી. કોઈપણ કાર્યની અંદર મનની એકાગ્રતા અતિ આવશ્યક છે. મનની એકાગ્રતા વિના કોઈપણ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. બીજા વ્યાવહારિક કાર્યોમાં આસક્ત એવા મન વડે જો આ શિક્ષાપત્રીનું શ્રવણ કરેલું હોય કે વાંચન કરેલું હોય, તો એ નહિ સાંભળ્યા સમાન અને નહિ વાંચ્યા સમાન છે. શ્રુતિમાં પ્રતિપાદન કર્યું છે કે, अन्यत्रमना । भूवंना । दर्शम्, अन्यत्रमना । भूवं नाश्रौषम् ।।इति।। કોઈએ પ્રશ્ન કર્યો કે આ માણસને તમે જોયો? ત્યારે તેના ઉત્તરમાં કહેલું છે કે, મારુ મન બીજે હતું તેથી હું જોઈ શક્યો નહિ અથવા મારુ મન બીજે હતું તેથી હું સાંભળી શક્યો નહિ. આ ઉપરથી એ સાબિત થાય છે કે, મનુષ્ય મન વડે જ જોઈ શકે છે અને મન વડે જ સાંભળી શકે છે. કારણકે જ્યાં સુધી મન ઇન્દ્રિયોને અનુસરે નહિ, ત્યાં સુધી ઈન્દ્રિયો પોતપોતાના વિષયો ગ્રહણ કરી શકતી નથી. અર્થાત મનની જ્યાં સુધી પ્રસન્નતા ન હોય, ત્યાં સુધી ઇન્દ્રિયોને વિષયોનું સ્પષ્ટ જ્ઞાન થતું નથી. માટે જ આ શિક્ષાપત્રીને એકાગ્ર મન વડે ધારણ કરવી, આવો શ્રીહરીનો અભિપ્રાય છે.

શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી લખી છે, એ સર્વે જીવોનું હિત કરનારી છે. વાસ્તવમાં તો જે શિક્ષાપત્રીની આજ્ઞા પાળે તેનું કલ્યાણ તો થાય જ, પરંતુ આ શિક્ષાપત્રીની આજ્ઞા પાળનાર ભક્તના સંબંધમાં જો કોઈ આવે, તો તેનું પણ કલ્યાણ થાય. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે, અમારા ભક્તના ગોળાનું જે કોઈ પાણી પીશે, તેનું પણ અમો કલ્યાણ કરીશું. આ રીતે એકાંતિક ભક્તોના સંબંધથી બીજા જીવોનું પણ કલ્યાણ થાય છે. માટે આ શિક્ષાપત્રી આડકતરી રીતે સર્વ જીવોનું હિત કરનારી છે અને સીધી રીતે જે આ શિક્ષાપત્રીની આજ્ઞા પાળતા હોય એવા ભક્તોનું જ કલ્યાણ કરનારી છે. શતાનંદ સ્વામી સમજાવે છે કે, આ શ્લોકમાં 'હેતુએ સહિત શિક્ષાપત્રી ધારણ કરવી' આમ શ્રીજી મહારાજે કહ્યું, તો એ હેતુ કયા? તો એ હેતુ હવે પછીના બે શ્લોકમાં શ્રીજી મહારાજ બતાવે છે.

ये पालयन्ति मनुजाः सच्छास्त्रप्रतिपादितान् ।
सदाचारान् सदा तेत्र परडत्र च महासुखाः ।।८।।

(શ્રીમદ્ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને પરલોકને વિષે મહાસુખિયા થાય છે.)

શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, સુખનું મૂળ ધર્મ કહેલો છે. તેથી ધર્મનું રક્ષણ કરનારા મનુષ્યો આલોકમાં અને પરલોકમાં બ્રહ્માદિકના સુખ કરતા પણ અધિક મહાસુખિયા થાય છે. એ હેતુથી આ શિક્ષાપત્રીની અંદર રહેલા ધર્મનું યથાર્થ પાલન કરવું. આ પહેલો હેતુ છે. 

तानुल्लङ्घयात्र वर्तन्ते ये तु स्वैरं कुबुद्धयः ।
त इहामुत्र च महल्लभन्ते कष्टमेव हि ।।९।।

(તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે, તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોકને પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે.)

જે પુરુષો સદાચારનું ઉલ્લંઘન કરીને ઇચ્છાનુસાર વર્તન કરે છે, તે પુરુષો જેનું વર્ણન ન થઈ શકે એવા અનિર્વચનીત દુ:ખને પામે છે. ભગવતદ્ગીતામાં પણ કહેલું છે કે, यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः । न स सिद्धिमवाप्रोति न सुखं न परां गतिम् ।।इति।। જે પુરુષો શાસ્ત્રની મર્યાદાનો તિરસ્કાર કરીને ઇચ્છાનુસાર આચરણ કરે છે, તે પુરુષો અલોકને વિષે કોઈ પણ પ્રકારની સિદ્ધિ અને સુખને પામતા નથી અને મહાદુ:ખીયા થાય છે. તેમજ પરલોકમાં સારી ગતિને પામતા નથી. ભાગવતમાં પણ કહેલું છે કે, यदसौ शास्त्रमुल्लङ्घय स्वैराचार्यार्यगर्हितः अवर्तत चिरं कालमघायुरशुचिर्मलात् ।। આ ભાગવતના શ્લોકમાં પ્રતિપાદન કરેલું છે કે, અજામેલનો જ્યારે મૃત્યુ સમય પ્રાપ્ત થયો છે, ત્યારે અજામેલને લેવા માટે યમના દૂતો આવેલા છે. એ યમના દૂતોને જોઈને ભય પામેલા અજામેલે પુત્રના યોગે નારાયણના નામનું ઉચ્ચારણ કરેલું છે. તેથી તત્કાળ જ વિષ્ણુના પાર્ષદો હાજર થયા છે. યમના દૂતો અને વિષ્ણુના પાર્ષદોનો સંવાદ થયો છે, તેમાં વિષ્ણુના પાર્ષદો કહે છે કે, આ અજામેલે નારાયણનું નામ લીધેલું છે, તેથી આ અજામેલ અમારો છે અને યમના દૂતો કહે છે કે, આ અજામેલે શાસ્ત્રોનું ઉલ્લંઘન કરીને ઇચ્છાનુસાર આચરણ કરેલું છે અને જીવનપર્યત પાયમય આયુષ્ય વ્યતીત કરેલી છે અને વળી વેશ્યાનું અન્ન ભક્ષણ કરેલું હોવાથી અતિ અપવિત્ર થયેલો છે અને એ પાપોનું પ્રાયશ્ચિત પણ કરેલું નથી. માટે આ અજામેલને અમો ધર્મરાજા પાસે લઈ જઈશું. કારણકે આલોકમાં જેને પાપોનું પ્રાયશ્ચિત કરેલું ન હોય તેને ધર્મરાજા દંડ વડે પ્રાયશ્ચિત કરાવીને શુદ્ધ કરે છે. આમ જ્યાં કહેલું છે ત્યાં પણ શાસ્ત્રોની મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને જે ઈચ્છા અનુસાર આચરણ કરે છે, એ મહાદુ:ખી થાય છે. માટે શ્રીહરિનો એવો અભિપ્રાય છે કે, જો તમો આ બંન્ને હેતુઓની સાથે શિક્ષાપત્રીને ધારણ કરશો તો "મર્યાદાનું પાલન કરનાર મહાસુખિયા થાય છે" આવા મહાસુખના સ્વાર્થથી અને "મર્યાદાનો ત્યાગ કરનાર મહાદુ:ખી થાય છે" આવા મહાદુ:ખના ભયથી આ શિક્ષાપત્રીની યથાર્થ આજ્ઞાઓનું પાલન થશે જ. માટે આ બન્ને હેતુઓની સાથે એકાગ્ર મન વડે શિક્ષાપત્રીને ધારણ કરવી આવું તાત્પર્ય છે.  

अतो भवद्बिर्मच्छिष्यैः सावधानतयाखिलैः ।
प्रीत्यैतामनुसृत्यैव वर्तितव्यं निरन्तरम् ।।१०।।

(તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ.) 

શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો અભિપ્રાય સમજાવતાં કહે છે કે, જો આપણે સાવધાન ન હોઈએ તો જરૂર ઈન્દ્રિયો કુમાર્ગે ચાલી જાય છે અને આપણે ધર્મમાર્ગ થકી ભ્રષ્ટ થઈએ છીએ, માટે શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરવામાં સાવધાન રહેવું જોઈએ.

આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ પ્રેમથી પાલન કરવી જોઈએ. આજ્ઞાઓનું બે પ્રકારે પાલન થાય છે. એક તો પ્રેમથી અને બીજું ભયથી, અર્થાત બળાત્કારે પાલન કરવું પડે છે. જેમ કે ન્યાયાધીશની આજ્ઞા કે પોલીસની આજ્ઞા કોઈ પ્રેમથી પાલન કરતું નથી. પણ બલાત ભયથી જ પાલન કરવી પડે છે. પણ આ શિક્ષાપત્રીની આજ્ઞાઓનું જો હું પાલન કરીશ, તો મને મહાસુખની પ્રાપ્તિ થશે. આવા ઉત્સાહથી શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પ્રેમથી પાલન કરવું અને વળી એક દિવસ કે બે દિવસ નહિ, પરંતુ જ્યાં સુધી શરીરમાં પ્રાણ અને શરીરની સ્મૃતિ હોય ત્યાં સુધી નિરંતર સાવધાન થઈને પ્રેમથી શિક્ષાપત્રીને અનુસારે વર્તવું, આવો શ્રીહરીનો અભિપ્રાય છે. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement