॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
भ्रात्रो रामप्रतापेच्छारामयोर्धर्मजन्मनोः ।
यावयोध्याप्रसादाख्यरघुवीराभिधौ सुतौ ।।३।।
यावयोध्याप्रसादाख्यरघुवीराभिधौ सुतौ ।।३।।
(શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઇચ્છારામજી, તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે, જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે.)
શ્રી ભાષ્યકાર શતાનંદસ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, શ્રીજી મહારાજ પોતાના સર્વે ભક્તોને આશીર્વાદ આપતા સહુ પ્રથમ બન્ને આચાર્યોનો ઉલ્લેખ કરેલો છે. સામાન્યપણે આપણે કોઈના ઉપર પત્ર લખીએ ત્યારે ઘરમાં કે કુટુંબમાં જે કોઈ મોટો હોય તેનું નામ લખીએ છીએ. તેમ બન્ને આચાર્યોનું સંપ્રદાયમાં પ્રથમ સ્થાન છે. અર્થાત સંપ્રદાયરૂપી કુટુંબમાં બન્ને આચાર્યો મોટા છે, ગુરુ છે, તેથી બન્ને આચાર્યોનું પહેલું નામ શિક્ષાપત્રીમાં લખાયેલું છે એમ જાણવું.
मुकुन्दानन्दमुख्याश्च नैष्ठिका ब्रझचारिणः ।
गृहस्थाश्च मयारामभट्टाद्या ये मदाश्रयाः ।।४।।
गृहस्थाश्च मयारामभट्टाद्या ये मदाश्रयाः ।।४।।
(અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી)
શ્રીજી મહારાજે નૈષ્ઠિક બ્રહ્મચારીઓનો ઉલ્લેખ કરેલો છે. બ્રહ્મચર્ય એટલે શું? અને બ્રહ્મચારી એટલે કોણ? તથા નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે કોણ? આ બાબત શતાનંદ સ્વામીએ સરસ રીતે સમજાવેલી છે, कर्मणा मनसा वाचा सर्वावस्थासु सर्वदा । सर्वत्र मैथुनत्यागं ब्रझचयँ प्रचक्षते ।।इति कौर्मे।। હંમેશા સર્વે અવસ્થાઓમાં અને સર્વે જગ્યાએ મન, કર્મ અને વચન વડે મૈથુનનો ત્યાગ કરી દેવો તેને બ્રહ્મચર્ય કહેલું છે. એ બ્રહ્મચર્યનું જે પાલન કરે તેને કહેવાય છે બ્રહ્મચારી. અને મરણ પર્યત જો બ્રહ્મચર્યનું પાલન કરે તો તેને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય છે.
હવે અહીં કોઈ પ્રતિવાદી એવી શંકા ઉપસ્થિત કરે છે કે, "दीर्धकालं ब्रझचर्यम्" ।। इति कलिवज्येषूत्केः ।। લાંબા સમયનું નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રત કલિયુગમાં પાલન કરવું નહિ. આ રીતે નૈષ્ઠિક બ્રહ્મચર્યનો જ કલિયુગમાં નિષેધ કરેલો છે. તો આ યુગમાં નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનારા નૈષ્ઠિક બ્રહ્મચારીઓ ક્યાંથી હોય? ન જ હોય. તો પછી અહીં "નૈષ્ઠિક" આવા શબ્દનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો છે?
આના ઉત્તરમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, કલિયુગમાં નૈષ્ઠિક બ્રહ્મચર્યનો જે નિષેધ કરેલો છે, એતો જેને ભગવાનનું બળ ન હોય, ભગવાનનો જેને આશ્રય ન હોય અને એજ કારણથી બ્રહ્મચર્યનું પાલન કરવામાં અસમર્થ હોય, એવા પુરુષોને માટે નિષેધ કર્યો છે. પણ જેને ભગવાનનો આશ્રય છે, ભગવાનનું બળ છે, એવા પુરુષો તો કલિયુગમાં પણ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. ભાગવતના પ્રથમ સ્કંધમાં કહેલું છે, किन्नु बालेषु शूरेण कलिना धीरभीरुणा । अप्रमत्तः प्रमत्तेषु यो वृको नृषु वर्तते ।।इति।। આ શ્લોકમાં પ્રતિપાદન કરેલું છે કે, જેમ સાવધાન એવો જે વરૂ છે. એતો, જે પશુ ટોળાનો આશ્રય રાખે નહિ, એવા એકાકી પશુ ઉપર જ પ્રવર્તે છે. પણ જે પશુ ટોળાનો આશ્રય રાખે છે, તેના ઉપર વરૂની પ્રવૃત્તિ થતી નથી. તેમ જેને ભગવાનનો આશ્રય ન હોય એવા પુરુષ ઉપર જ કલિયુગની પ્રવૃત્તિ થાય છે. પણ જેને ભગવાનનો આશ્રય છે, એવા પુરુષો ઉપર કલિયુગ કાંઈ પણ કરી શકતો નથી. માટે ભગવાનનો જેને આશ્રય છે એતો કલિયુગમાં પણ બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે અને વળી ભક્તોની કામવાસના તો ભક્તિ વડે જ નાશ પામી જાય છે. આ બાબત ભાગવતમાં પ્રતિપાદન કરેલી છે, प्रोक्तेन भक्तियोगेन भजतो मा । सकृन्मुनेः । कामा हृदय्या नश्यन्ति सर्वे मयि हृदि स्थिते ।।इति।। શ્રીકૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે, હે ઉદ્ધવ! મારૂં ભજન કરનારા ભક્તના હૃદયમાં હું જ્યારે નિવાસ કરું છું, ત્યારે ભક્તના હૃદયની સર્વે કામવાસના નાશ પામી જાય છે. માટે ભગવાનની ભક્તિનું જેને બળ છે, એવા પુરુષોને કલિયુગમાં પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતની ક્ષતિ થતી નથી.
હવે શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી ગૃહસ્થ શબ્દની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, "ગૃહ" એટલે પત્ની, પત્નીની સાથે જે રહે તેને ગૃહસ્થાશ્રમી કહેવાય છે, પણ બંગલો બનાવીને તેની અંદર રહેનારો ગૃહસ્થ કહેવાતો નથી.
सधवा विधवा योषा याश्च मच्छिष्यतां गताः ।
मुक्तानन्दादयो ये स्युः साधवश्चाखिला अपि ।।५।।
मुक्तानन्दादयो ये स्युः साधवश्चाखिला अपि ।।५।।
(અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ)
પતિની સાથે જે સ્ત્રી રહેતી હોય તેને સધવા સ્ત્રી કહેવાય છે અને જેનો પતિ મૃત્યુ પામી ગયો હોય તેને વિધવા સ્ત્રી કહેવાય છે.
આ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે બ્રહ્મચારીઓમાં મુકુન્દ બ્રહ્મચારીના નામનો મુખ્યપણે નિર્દેશ કરેલો છે. ગૃહસ્થોમાં મયારામ ભટ્ટનો મુખ્યપણે ઉલ્લેખ થયો છે અને સંતોમાં મુક્તાનંદ સ્વામીના નામનો મુખ્યપણે ઉલ્લેખ થયો, પણ સધવા અને વિધવા સ્ત્રીઓને મધ્યે કોઈ પણ એક સ્ત્રીના નામનો મુખ્યપણે ઉલ્લેખ કરેલો નથી. તેનું કારણ શતાનંદ સ્વામી સમજાવે છે કે સધવા અને વિધવા સ્ત્રીઓની શાસ્ત્રોમાં પરતંત્રતા બતાવેલી છે. એજ કારણથી અહીં સ્ત્રીઓને મધ્યે કોઈ એક સ્ત્રીના નામનો મુખ્યપણે ઉલ્લેખ કર્યો નથી અને જે પરતંત્ર હોય તેનું નામ પાછળ મુકવામાં આવે છે. જેમ પિતાની આગળ પુત્રની પરતંત્રતા કહેલી છે, તેથી કોઈપણ પ્રસંગમાં પિતાનું નામ મોખરે હોય છે અને પાછળ પુત્રનો સમાવેશ હોય છે. એજ રીતે સ્ત્રીઓ પરતંત્ર છે. માટે જ અહીં શિક્ષાપત્રીમાં પુરુષોના નિર્દેશ પછી સ્ત્રીઓના નામનો નિર્દેશ કરેલો છે એમ જાણવું. આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે.
હવે અહીં સર્વેથી છેલ્લે શ્રીજી મહારાજે સાધુપુરુષોનો નિર્દેશ કરેલો છે. साध्नुवन्ति साधयन्ति वा धर्मं परकार्यं वेति साधवः ।।इति।। ધર્મકાર્ય અથવા પરોપકારનું કાર્ય પોતે સાધે અને બીજાને સધાવે તેને સાધુપુરુષો કહેલા છે. અહીં સંતોને શ્રીજી મહારાજે સર્વથી પાછળ યાદ કર્યા છે, એનું કારણ શતાનંદ સ્વામી સમજાવતાં કહે છે કે, આ સત્સંગી સંપૂર્ણ જવાબદારી શ્રીજી મહારાજે આચાર્ય અને સંતો ઉપર મુકેલી છે. આ બન્ને તમામ સત્સંગને સાચવનારા છે. તેથી આચાર્ય સૌથી આગળ અને સંતો સહુથી પાછળ રહીને સત્સંગીઓ ઉપર દેખરેખ રાખે છે અને વળી સંતોને સ્વધર્મમાં વિક્ષેપ કરનાર વ્યાવહારિક કાર્યોમાં આસક્તિનો અભાવ હોય છે. તેથી મોટે ભાગે સંતો ધર્મનિષ્ઠ જ હોય છે. આ કારણે શ્રીજી મહારાજે ધર્મનું રક્ષણ કરનારા આશીર્વાદ આપવા માટે સંતોને છેલ્લે સંભારેલા હોય એમ જણાય છે.
स्वधर्मरक्षिका मे तैः सर्वौर्वाच्याः सदाशिषः ।
श्रीमन्नारायणस्मृत्या सहिताः शास्त्रसम्मताः ।।६।।
श्रीमन्नारायणस्मृत्या सहिताः शास्त्रसम्मताः ।।६।।
(એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિષે પ્રમાણરૂપ અને શ્રીમન્નાનારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા.)
આ રીતે શ્રીજી મહારાજે તમામ ભક્તજનોને સંભારીને આશીર્વાદ આપેલા છે કે, શ્રીકૃષ્ણ ભગવાન સર્વે ભક્તોને એવી આત્મશક્તિ આપે કે જેથી આ શિક્ષાપત્રીમાં રહેલા ધર્મોનું સરળતાથી પાલન થઈ શકે. શતાનંદ સ્વામી સમજાવે છે કે, શ્રીજી મહારાજે શ્રીકૃષ્ણ ભગવાનને સંભારીને જે આશીર્વાદ આપેલા છે તે ભક્તોને એવું સૂચવે છે કે, ભગવાનને સંભારીને જો આશીર્વાદ આપવામાં આવે તો પોતાની અંદર રહેલા અહંકારનો નાશ થાય છે અને એ આશીર્વાદ ફળે છે. પણ જો અહંકારથી આપવામાં આવે તો એ આશીર્વાદો કદીપણ સફળદાઈ થતા નથી, આ રીતે શ્રીજી મહારાજે ભક્તોને શિખામણ આપેલી છે અને જે શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા છે એ તમામ શાસ્ત્રોને માન્ય છે. કારણકે શાસ્ત્રોમાં સ્વધર્મનું રક્ષણ કરવું એ જ સર્વસુખનું મૂળ કહેલું છે. सुखमेवेप्सितं लोके सर्वेषामपि देहिनाम् । तन्मूलं तु स्मृतो धर्मः तं रक्षेद्यत्नत स्ततः ।।इति।। શાસ્ત્રોમાં પુત્રનું રક્ષણ થાય, કે ધનનું રક્ષણ થાય કે સ્ત્રીનું રક્ષણ થાય તેને સર્વે સુખનું મૂળ બતાવેલું નથી. સર્વે સુખનું મૂળ તો ધર્મના રક્ષણને જ બતાવેલું છે. સ્મૃતિમાં કહેલું છે કે, આ લોકમાં સર્વે પ્રાણીઓને સુખ જ ઇચ્છિત છે, દુ:ખ કોઈને પણ જોઈતું નથી. સર્વે પ્રાણીઓ સુખને શોધે છે, પણ સુખનું મૂળ તો ધર્મ કહેલ છે. માટે પ્રયત્ન પૂર્વક ધર્મનું રક્ષણ કરવું જોઈએ. આ રીતે સ્મૃતિએ ધર્મના રક્ષણને સર્વે સુખોનું કારણ બતાવેલ છે. માટે જ શ્રીજી મહારાજે આપેલા સ્વધર્મનું રક્ષણ કરનારા આશીર્વાદ શાસ્ત્રમાન્ય છે. અને આ રીતે પત્ર લખતી વખતે જે આશીર્વાદ આપવા એ શિષ્ટાચારની રીતિ કહેલી છે.

0 Comments