Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શિક્ષાપત્રી : સાધારણ ધર્મ (શ્લોક ૧૩, ૧૪)

 ।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।।

 स्त्रिया धनस्य वा प्राप्त्यै साम्राज्यस्य च वा क्वचित् ।
मनुष्यस्य तु कस्यापि हिंसा कार्या न सर्वथा ।।१३।।

(સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી.) 

શ્રી ભાષ્યકાર શતાનંદસ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, આ મનુષ્ય શરીરથી સર્વે પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે. માટે આ મનુષ્ય શરીરનો જો વધ કરી નાખવામાં આવે તો સર્વે પુરુષાર્થનો વધ કર્યો કહેવાય છે.

શાસ્ત્રોમાં મનુષ્યોની હિંસાના ત્રણ નિમિતો મુખ્યપણે બતાવ્યા છે. સ્ત્રી, ધન અને રાજ્ય. જોકે આપણે મનુષ્યનો વધ કરીએ અને તેના બદલામાં સ્ત્રીની પ્રાપ્તિ થઈ જતી હોય અથવા ધન તથા ચક્રવર્તી રાજ્યની પ્રાપ્તિ થતી હોય, તો પણ મનુષ્યનો વધ તો સર્વ પ્રકારે ત્યાજ્ય છે, ક્યારેય પણ કરવો નહિ. કારણકે મનુષ્યનો વધ કરનારા મનુષ્યને ફરીવાર મનુષ્ય જન્મની પ્રાપ્તિ થતી નથી. नृत्वं नरकभोगान्ते नृहन्तुर्नपुनर्भवेत् ।।इति।। આ પદ્યનો એ અર્થ છે કે, મનુષ્યનો વધ કરનાર પુરુષને પ્રથમ નરકની પ્રાપ્તિ થાય છે અને નરકને ભોગવ્યા પછી પણ ફરીવાર મનુષ્ય જન્મની પ્રાપ્તિ થતી નથી. પરંતુ પશુ-પક્ષીની યોનીને પામે છે. માટે કોઈપણ સ્વાર્થને માટે મનુષ્યનો વધ કરી નાખવો નહિ, આવો અભિપ્રાય છે. 

आत्मघातस्तु तीर्थेङपि न कर्तव्यश्च न क्रुधा ।
अयोग्याचरणात् क्वापि न विषोद्बन्धनादिना ।।१४।।

(આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો, ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો.)

શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, જેમ બીજા મનુષ્યના શરીરનો વધ કરવો નહિ, તેમ પોતાના શરીરનો પણ વધ કરવો નહિ. જગતમાં એમ કહેવત છે કે, તીર્થમાં જઈને જો મરે તો એનો મોક્ષ થાય. એમ જો તીર્થમાં જઈને મરવાથી મોક્ષ થઈ જતો હોય, તો અંત વખતે સર્વે મનુષ્યો તીર્થમાં જઈને જ મરે અને સર્વે મોક્ષભાગી થઈ જાય. શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, તીર્થમાં જઈને જે મરવું એ મહા અધમ પાપ છે. તીર્થમાં જઈને મરવાથી ક્યારેય પણ મોક્ષ થતો નથી. પરંતુ ત્યાં જઈ ભગવતસ્મરણ કરવાથી જ મોક્ષ થાય છે, પણ શરીર ત્યાગવાથી નહિ. તીર્થમાં જઈને શરીર ત્યાગવા વિષે કોઈ શાસ્ત્રોમાં વાક્યો જો આવતાં હોય તો એ સત્યયુગ પરત્વે છે, એમ સમજવું. પણ કળિયુગમાં નહિ. માટે અતિ તુચ્છ સ્વર્ગાદિકના સુખની પ્રાપ્તિને માટે કે મોક્ષની ઈચ્છાથી સમગ્ર પુરુષાર્થોને સાધી આપનાર એવા મનુષ્ય શરીરનો વધ કરવો જ નહિ. આ મનુષ્ય શરીરથી ભગવાનની ભક્તિ થઈ શકે છે અને ભક્તિ વડે તો સર્વે પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે. ભક્તિ વડે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે અને જો આ શરીરનો નાશ કરી નાખે તો ભક્તિ પ્રાપ્ત થઈ શકે નહિ અને ભક્તિ વિના તો કોઈ પુરુષાર્થોની પ્રાપ્તિ થાય નહિ અને સ્વર્ગ કે મોક્ષની પણ પ્રાપ્તિ થાય નહિ અને નરકની પ્રાપ્તિ થાય છે. માટે શાસ્ત્રોમાં કદાચ કહેલો હોય છતાં કળિયુગમાં તો એ આત્મઘાત કોઈપણ પ્રકારે ક્યારેય કરવો નહિ.

આ પ્રમાણે શાસ્ત્રીય આત્મઘાતનો નિષેધ કરીને, હવે કેટલીક વાર સ્વભાવને વશ થઈને આત્મઘાત થતો હોય છે, તેનો પણ નિષેધ કરે છે. આત્મઘાત ક્રોધથી પણ થાય છે. માણસમાં જ્યારે ક્રોધ વ્યાપે છે, ત્યારે એ માણસ એટલો બધો વિકળ બની જાય છે કે, એ વખતે વિચાર વિવેકનું ભાન રહેતું નથી. એ ક્ષણ અતિ ભયંકર અંધકારમય હોય છે. આત્મઘાત કરનારો કાંઈ પણ વિચારી શકતો નથી. એને વિચારમાં અને દ્રષ્ટિમાં અંધકાર દેખાય છે. અંધકારમાં ને અંધકારમાં માણસ આત્મઘાત કરી બેસે છે. માટે શ્રીહરીનો અભિપ્રાય એ છે કે, જ્યારે ક્રોધ આવે ત્યારે ધીરજ અને વિવેકે કરીને ક્રોધને દૂર કરવો. પણ ટૂંપો ખાઈને કે ઝેર ખાઈને અથવા કૂવામાં પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત કરવો નહિ.

વળી લોક લજ્જાથી પણ આત્મઘાત થતો હોય છે. પોતાથી બહુ ભયંકર એવું અયોગ્ય આચરણ થઈ ગયું હોય અને સર્વે મનુષ્યો એમને ફિટકારતાં હોય, તિરસ્કાર પૂર્વક કરડી નજરે જોતા હોય, સમાજમાં ક્યાંય મોઢું બતાવાય એવી સ્થિતિ ન હોય ત્યારે દૂર દેશમાં ચાલ્યા જવું અને ત્યાં પ્રાયશ્ચિત કરીને ભગવાનનું ભજન કરવું પણ આત્મઘાત કરવો નહિ. આત્મઘાત કરનારને ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં શ્રુતિનું વાક્ય છે, आसुर्या नाम ते लोका अन्धेन तमसा वृत्ताः । तांस्ते प्रेत्याङभिगच्छन्ति ये के चात्महनो जनाः ।।इति।। આત્મઘાત કરનારા મનુષ્યો ઘોર નરકને પામે છે અને પોતે મનુષ્ય શરીરને વ્યર્થ ગુમાવેલું હોવાથી અને મનુષ્ય શરીરની કિંમત સમજી ન હોવાને કારણે ફરીવાર આત્મહત્યા કરનારા જનો મનુષ્ય જન્મને પામતા નથી, પરંતુ પશુ-પક્ષીના જન્મને પામે છે, આવો ભાવ છે. 

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement