॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
વચનામૃત ૪૧
"एकोडहं बहुस्यां प्रजायेय" એ શ્રુતિનો સ્પષ્ટાથૅ
સંવત : ૧૮૭૬ ના માઘ સુદ પંચમી
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરને સમીપે લિંબડા તળે ચોતરા ઉપર ઢોલિયે વિરાજમાન હતા.
સમય : સાંજે
પોશાક : ધોળા વસ્ત્ર, પીળા પુષ્પના હાર ને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા ને પાઘને વિષે પીળા પુષ્પના તોરા લટકતા મુક્યા હતા.
શ્રીજી મહારાજ : પ્રશ્ન ઉત્તર કરો.
નૃસિંહાનંદ સ્વામી : હે મહારાજ ! 'एकोहं बहुस्यां प्रजायेय।' એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે, "પ્રલયકાળને વિષે જે એક ભગવાન હતા તેજ પોતાની ઇચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વ જીવ ઇશ્વરરૂપે થયા છે." તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેડ બેસતી નથી અને અમે તો એમ સમજીએ છીએ જે, ભગવાન તો અચ્યુત છે તે ચ્યવીને જીવ, ઇશ્વરરૂપે થાય નહિ, માટે એ શ્રુતિનો જે અર્થ તેતો તમે કહો તો યથાર્થ સમજાય.
શ્રીજી મહારાજ : એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી. એનો અર્થ તો બીજી રીતે છે, તે વેદસ્તુતિના ગઘમાં કહ્યો છે જે "स्वकृतविचित्रयोनिषु विशत्रिव हेतुतया तरतमतश्च कास्त्यनलवत्स्वकृतानुकृति:।" એનો અર્થ એમ છે જે "પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાનાપ્રકારની યોનીઓ તેમને વિષે કારણપણે અંતર્યામીરૂપે કરીને પ્રવેશ કરીને ન્યુનાધિકભાવે પ્રકાશ કરે છે." તેની વિગતી જે, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિસમયને વિષે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે, ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિષે પ્રવેશ કરે છે તે પુરુષરૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે, એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો, તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ અને પછી તે પ્રકૃતિપુરુષ થકી પ્રધાનપુરુષ થયા અને તે પ્રધાનપુરુષ થકી મહતત્ત્વ થયું અને મહતત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો, ને અહંકાર થકી ભૂત, વિષય, ઈન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા તે થયા ને તે થકી વિરાટ પુરુષ થયા ને તેની નાભિકમળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્મા થકી મરીચ્યાદીક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા ને તે થકી ઇન્દ્રદીક દેવતા થયા ને દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વેમાં કારણપણે અંતર્યામીરૂપે પ્રવેશ કરીને રહ્યા છે. પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષપ્રકૃતિમાં નથી, ને જેવા પુરુષપ્રકૃતિમાં છે તેવા પ્રધાનપુરુષમાં નથી, ને જેવા પ્રધાનપુરુષમાં છે તેવા મહતત્ત્વાદીક ચોવીશ તત્ત્વમાં નથી, ને જેવા ચોવીશ તત્ત્વમાં છે તેવા વિરાટપુરુષમાં નથી, ને જેવા વિરાટપુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી, ને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદીકમાં નથી, ને જેવા મરિચ્યાદીકમાં છે તેવા કશ્યપમાં નથી, ને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રદિક દેવતામાં નથી, ને જેવા ઇન્દ્રદીક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી, ને જેવા મનુષ્યમાં છે તેવા પશુપક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વેમાં કારણપણે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે, જેમ કાષ્ઠને વિષે અગ્નિ રહ્યો છે, તે મોટા કાષ્ઠમાં મોટો અગ્નિ રહ્યો છે ને લાંબા કાષ્ઠમાં લાંબો અગ્નિ રહ્યો છે, ને વાંકા કાષ્ઠમાં વાંકો અગ્નિ રહ્યો છે, તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલુ કાર્ય કરાવવું હોય, તેને વિષે તેટલી સામર્થીએ યુક્ત થકા રહે છે અને અક્ષરને પુરુષ પ્રકૃતિ આદિ સર્વેને વિષે પુરુષોત્તમ ભગવાન અંતર્યામીરૂપે રહ્યા છે, પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થીમાં તારતમ્યપણું છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામીરૂપે કરીને એ સર્વેને વિષે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જીવ ઇશ્વરપણાને પોતે પામીને બહુરૂપે નથી થયા, એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો.
વચનામૃત ૪૨
વિધિનિષેધ સત્ય છે. ખોટા કહેનાર નારકી થાય છે.
સંવત : ૧૮૭૬ ના માઘ સુદ છઠ્ઠ
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લિંબડાના વૃક્ષની હેઠે ઓટા માથે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : માથે ધોળી પાઘ, પાઘમાં પીળા પુષ્પનો તોરો, બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ, ધોળી ચાદર અને ધોળો ખેસ પહેર્યો હતો.
શ્રીજી મહારાજ : વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે, વિધિ નિષેધ તો મિથ્યા છે અને વિધિનિષેધે કરીને પમાય એવાં જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે અને તેને પામનારો જે શિષ્ય તેપણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે અને એક બ્રહ્મજ સભર ભર્યો છે તે સત્ય છે. એવી રીતે જે કહે છે તે શું સમઝીને કહેતા હશે? અને સર્વે વેદાંતીના આચાર્ય જે શંકરાચાર્ય તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડલુ ધારણ કરાવ્યા અને એમ કહ્યું જે ભગવદ્રીતા ને વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને ઝાઝાં ચોમાસા થયાં હોય તેને થોડાં ચોમાસાવાળાએ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરનીજ ભિક્ષા કરવી એવી રીતે જે વિધિનિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહિ હોય? અને જે હમણાં જ્ઞાની થયા તેમણે વિધિનિષેધને ખોટા કરી નાખ્યા. તે શું શંકરાચાર્ય કરતા એ મોટા થયા? માટે એ તો એમ જણાય છે જે એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે.
વિધિનિષેધ શાસ્ત્રમાં ખોટા કહ્યા છે તેતો એમ કહ્યા છે, જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિષે એક વર્ષ સુધી ચાલ્યું જાય છે, તેને આગલો કાંઠો પણ દેખ્યામા આવે નહિ અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહિ તો ઝાડવાં તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખ્યામાં આવે? અને જ્યાં દેખે ત્યાં એકલું જળજ દેખાય, પણ જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહિ અને ઉંચુ જુએ તો મોટી મોટી સમુદ્રની લહેર્યું ઉઠતી હોય માટે ઉંચુ પણ જળજ જણાય. ત્યારે તે વહાણને વિષે બેઠા એવા જે પુરુષ તે એમ કહે જે, "એકલું જળજ છે બીજું કાંઈ નથી."
એ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે જે, જેને બ્રહ્મસ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે, એક બ્રહ્મજ છે અને તે વિના બીજું જે જીવ, ઈશ્વર અને માયા એ આદિક સર્વે તે મિથ્યા છે અને તેના વચન શાસ્ત્રમાં લખાણા હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિનિષેધને ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રુષા કરે ને છોકરાની શુશ્રુષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિનિષેધ તેને ખોટા કહે છે, એવા જે આ જગતને વિષે જ્ઞાનના કથનારા છે તેને તો મહા અધમ જાણવા ને નાસ્તિક જાણવા.
શંકરાચાર્યે તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને "भजगोविन्दं भज गोविन्दं भज मूढमते।" એ આદિક ઘણાંક વિષ્ણુનાં સ્તોત્ર કર્યા છે તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદિ જે ઘણાંક દેવતા તેનાં સ્તોત્ર કર્યા છે, જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે, એવો આશય જાણીને શંકરાચાર્યે સર્વે દેવતાનાં સ્તોત્ર કર્યા છે અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટા કરી નાખે છે અને વળી એમ કહે છે જે, જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી, તે મુર્ખપણામાંથી કહે છે.
જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિષે જડભરત શ્રેષ્ઠ છે અને જેટલા પુરાણ માત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિષે જડભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા, તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો, ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સરખા ચાર પગ ને ટૂંકી પૂંછડી ને માથે નાની શીંગડીયો, એવો આકાર પોતાને પ્રાપ્ત થયો અને પરમાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંઘાથે વ્રજની ગોપીયોએ કામબુદ્ધિયે કરીને પ્રીતિ કરી તો પણ, સર્વે ભગવાનની માયાને તરી ગઈયો, ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામિયો, તેનું કારણ એ છે જે શ્રીકૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા, તો તે સંઘાથે ગોપીયોએ જાણે અજાણે પ્રીતિ કરીતો પણ તે ગોપીયો ગુણાતીત થઈયો અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો તે પોતે મૃગલું થયા. માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભુંડુંજ થાય છે અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્યસ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે.
જો શ્રીકૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોય તો, એની ભક્ત જે ગોપીયો તે ગુણાતીતપણાને ન પામત અને જો ગુણાતીત પદને પામિયો તો શ્રીકૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્યમૂર્તિજ છે અને વેદાંતી કહે છે જે, 'સર્વત્ર બ્રહ્મસભર ભર્યો છે' ત્યારે જેમ ગોપીયોએ શ્રીકૃષ્ણભગવાનને વિષે પ્રીતિ કરી તેમ જ, સર્વે સ્ત્રીઓ પોતપોતાના ધણીને વિષે પ્રીતિ કરે છે તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓને વિષે પ્રીતિ કરે છે, તોપણ તેમને ગોપીયોના જેવી પ્રાપ્તિ થતી નથી. તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે, માટે જે વિધિ નિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી અને જે એ વિધિ નિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે.
વચનામૃત ૪૩
નિષ્કામી ભક્ત પ્રભુ સેવા સિવાય ચતુર્ધા મુક્તિને પણ ઇચ્છતા નથી.
સંવત : ૧૮૭૬ ના માઘ સુદ સાતમ
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : સાંજે
પોશાક : ધોળી પાઘ, ધોળી ચાદર, ધોળો ખેસ, પાઘને વિષે પીળા પુષ્પના તોરા, કંઠને વિષે પીળા પુષ્પના હાર, બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા.
શ્રીજી મહારાજ : સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ જે, શ્રીમદ્રાગવત પુરાણમાં કહ્યું છે જે, 'જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા.' અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે, 'ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા. તે ચાર પ્રકારની મુક્તિ તે શું? તો એક તો ભગવાનના લોકમાં રહેવું અને બીજું ભગવાનને સમીપે રહેવું અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું અને ચોથું ભગવાનના સરખું ઐશ્ચર્ય પામવું, એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઇચ્છતો, ને કેવળ ભગવાનની સેવાનેજ ઈચ્છે છે. તે એ ભક્ત ચાર પ્રકારની મુક્તિને શા સારું નથી ઇચ્છતો, એ પ્રશ્ન છે?' તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો.
પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહિ.
શ્રીજી મહારાજ : જે ભગવાનનો ભક્ત થઈને એ ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય અને જે એ ચતુર્ધા મુક્તિને ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવાનેજ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. તે શ્રીમદ્રાગવતમાં કહ્યું છે જે "मत्सेवया प्रतीतं च सालोक्यादि चतुष्टयम्। नेच्छेन्ति सेवया पूर्णा: कुतोन्यत्कालविप्लुतम्। सालोक्यं साष्टि सामीप्यं सारूप्यैकत्वमप्युत। दीयमानं न गृह्णन्ति विना मत्सेवनं जना:।।" એનો અર્થ એ છે જે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે, તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઇચ્છેજ નહિ, ને એક સેવાનેજ ઈચ્છે છે અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે અને એ ભક્ત નથી ઇચ્છતા તોપણ બળાત્કારે ભવવાન એને પોતાના ઐશ્ચર્ય સુખને પમાડે છે. તે કપિલદેવ ભગવાને કહ્યું છે જે "अथो विभूति मम मायाविनस्तामैश्चयॅमष्टांगमनुप्रवृत्तम्। श्रियं भागवती वा स्पृहयन्ति भद्रां परस्य मे तेश्नुवते तु लोके।।" અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઇચ્છવું અને ઈચ્છે તો એમાં એટલી કાચ્યપ કહેવાય અને જો કાચ્યપ હોય તો, નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને, એ કચ્યપને ટાળવી.
વચનામૃત ૪૪
સ્નેહનું રૂપ. જગતપ્રસંગ દેહાદિ મમત્વ ટાળવો તે વિષે.
સંવત : ૧૮૭૬ ના માઘ સુદ આઠમ
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા.
સમય : સવારના પહોરે
પોશાક : ધોળો ખેસ, ધોળી ચાદર ને માથે ધોળો ફેંટો ને તે ફેંટાને એક આંટે કરીને બોકાની વાળી હતી ને તે પાઘ ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો.
શ્રીજી મહારાજ : ભગવાનને વિષે સ્નેહ હોય તેનું શું રૂપ છે?
પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું પણ સમાધાન ન થયું.
શ્રીજી મહારાજ : તમને તો સ્નેહની દિશજ જડી નહિ અને તમે જે પિંડ બ્રહ્માડથી નિસ્પૃહ રહેવું તેને સ્નેહ કહ્યો, એ સ્નેહનું રૂપ નહિ, એ તો વૈરાગ્યનું રૂપ છે અને સ્નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે, એનું નામ સ્નેહ કહીએ અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિષે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય તો, જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે, એવી રીતે જેને વર્તતું હોય, તેને ભગવાનને વિષે પ્રીતિ છે એમ જાણવું, તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો, જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે.
બ્રહ્માનંદ સ્વામી : એવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિષે થાય તેનું શું સાધન છે?
શ્રીજી મહારાજ : સત્પુરુષનો જે પ્રસંગ એજ પરમેશ્વરને વિષે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે.
સોમલો ખાચર : એવો પ્રસંગ તો અતિશે કરીએ છીએ, પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી?
શ્રીજી મહારાજ : પ્રસંગ તો કરો છો, પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો અને અર્ધો જગતનો પ્રસંગ કરો છો, તે માટે ભગવાનને વિષે દ્રઢ પ્રીતિ થતી નથી.
વિપ્ર વાલાધ્રુવ : હે મહારાજ ! દેહ અને દેહના સંબંધીને વિષે અહં મમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે?
શ્રીજી મહારાજ : એતો એ જીવને વિપરીત ભાવના થઈ છે જે, પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહરૂપે માને છે અને એ જીવાત્માને વિષે દેહ તો કેવી રીતે વળગ્યો છે તો જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો શિવાડીને પહેર્યો ત્યારે તે એમ માને જે, દરજી તે મારો બાપ છે ને દરજણ તે મારી મા છે એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો, તે ક્યારેક તો બ્રાહ્મણને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા ચોરાશી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિષે પોતાપણું માને અને તે દેહના માબાપને પોતાના માબાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો અને ચોરાશી લાખ જાતમાં જે પોતાની માં, બોન, દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી માટે જે એવા સગપણને સાચું માને છે, તેને અહંમમત્વના ઘાટ કેમ ટળશે? અને આવી રીતની સમજણ વિના, જન્મભૂમિની જે દેશવાસના તે ટળવી ઘણી કઠણ છે અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે, ત્યાં સુધી એને વિષે સાધુપણું આવતું નથી, માટે દેહ ને દેહના સંબંધીને વિષે અહંમમત્વનો ત્યાગ કરીને અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને, ને સર્વ વાસનાનો ત્યાગ કરીને, સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે, તે સાધુ કહેવાય છે અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે અને એવો સાધુ તો હું છું જે "મારે વર્ણાશ્રમનું લેશ માત્ર પણ માન નથી"
એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે, એમ જાણવું અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે.
વચનામૃત ૪૫
ભગવાન સાકાર છે. ભગવાનની મૂર્તિનું તેજ તે નિરાકાર છે.
સંવત : ૧૮૭૬ ના માઘ સુદ દશમી
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા.
સમય : સાંજે
પોશાક : ધોળી ચાદર, ધોળો ખેશ ને માથે ધોળી પાઘ બાંધી હતી.
ગોપાળાનંદ સ્વામી : હે મહારાજ ! કેટલાક વેદાંતિ એમ કહે છે જે 'ભગવાનને આકાર નથી.' અને તેવાજ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે અને કેટલાક જે નારદ, શુક્ર, સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તે એ બેમાંથી કોણ સાચા છે?
શ્રીજી મહારાજ : જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકારજ છે અને મહા તેજોમય મૂર્તિ છે અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે, તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે 'તે ભગવાન માયા સામું જોતા હતા' અને જ્યારે જુવે ત્યારે તેને શું એકલી આંખ જ હોય? હાથ પગ પણ હોય. માટે સાકારરૂપનું પ્રતિપાદન થયું અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિષે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ, તે અગ્નિલોકને વિષે સાકાર છે અને જેમ સમગ્ર તડકો છે તે નિરાકાર કહેવાય છે, ને સૂર્યના મંડળને વિષે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે અને એ સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે અને કોઈ એમ કહેશે જે, શ્રુતિમાં એમ કહ્યું છે જે 'પરમેશ્વર તો કરચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે' તો એ જે શ્રુતિએ કરચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કરચરણાદિકનો નિષેધ કર્યો છે અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે, પણ માયિક નથી અને જેમ સૂર્યનું તેજ છે તેને આગળ દર્પણ ધરીએ, ત્યારે તે કિરણનું જે રૂપ તે સૂર્યના જેવું જ ભાસે છે. તેમ પુરુષોત્તમ ભગવાન મૂર્તિમાન છે, તેની કિરણરૂપ જે સર્વત્ર વ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મ તેનું રૂપ પણ દર્પણ જેવું જેનું નિર્મળ અંતઃકરણ થયું હોય, તેને પુરુષોત્તમ ભગવાનના જેવું સાકારજ ભાસે છે. તે માટે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકારજ છે પણ નિરાકાર નથી અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી.

0 Comments