॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि ।
वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये ।।१।।
वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये ।।१।।
(જેના ડાબા પડખામાં રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષ:સ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનમાં વિહાર કરનારા એવા શ્રીકૃષ્ણનું હું હૃદયમાં ધ્યાન કરું છું.)
સામાન્યપણે મંગલાચરણ કરવાથી વિધ્નોનો નાશ થાય છે અને વિધ્નોનો નાશ થવાથી ગ્રંથની નિર્વિઘ્નપણે સમાપ્તિ થાય છે. આ રીતે નિર્વિઘ્નપણે ગ્રંથની સમાપ્તિ થવી એ મંગલાચરણનું ફળ શાસ્ત્રોએ બતાવેલું છે. અર્થાત મંગલાચરણ કરવાથી કર્મજન્ય જે અંતરાયો હોય, એ નિર્બળ બને છે, તેથી વિઘ્ન કરવા સમર્થ થઈ શકતા નથી.
હવે અહીં એવી એક શંકા ઉપસ્થિત થાય છે કે, કર્મજન્ય અંતરાયો તો કર્માધીન જીવાત્માઓની અંદર હોય છે. પરમાત્મા તો કર્મને આધીન થઈને જન્મ ધારણ કરતા નથી, પરમાત્મા પોતે સ્વતંત્ર છે. માટે કર્મજન્ય અંતરાયો પરમાત્માનો સ્પર્શ કરી શકે જ નહિ. તો પછી પરમાત્માને મંગલાચરણ કરવાનું શું પ્રયોજન છે? માટે શ્રીજી મહારાજે કરેલું આ મંગલાચરણ નિષ્ફળ હોય એમ જણાય છે, એવી શંકા છે.
આ શંકાનું સમાધાન કરતા શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, प्रयोजनं विना तु मंदोडपि न प्रवतॅते ।।इति।। પ્રયોજન વિના તો મૂર્ખ પુરુષની પણ કોઈ કાર્યમાં પ્રવૃત્તિ થતી નથી, તો સાક્ષાત ઈશ્વરની પ્રયોજન વિનાની પ્રવૃત્તિ ક્યાંથી હોય? ન જ હોય. तस्मादिदं मंगलाचरणं मनुष्यलीलया लोकावबोधनायैव ।।इति।। માટે આ શ્રીજી મહારાજે કરેલા મંગલાચરણમાં તો બીજા મનુષ્યોને શિક્ષણ આપવારૂપ પ્રયોજન છુપાયેલું છે. શ્રીજી મહારાજે પોતાના દૃષ્ટાંતથી બીજા મનુષ્યોને શિક્ષણ આપેલું છે કે, કોઈપણ કાર્યના પ્રારંભમાં અવશ્ય પોતાના ઇષ્ટદેવને યાદ કરવા જોઈએ. માટે શ્રીજી મહારાજે કરેલું મંગલાચરણ નિષ્ફળ નથી, સફળ જ છે.
હવે શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી પહેલા શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, જે શ્રીકૃષ્ણના ડાબા ભાગમાં રાધિકાજી ઉભેલા છે. "ઉભેલા છે" આમ કહ્યું તેથી રાધિકાજીનો સેવાધર્મ બતાવેલો છે, નહિ તો બેઠેલાં છે એમ કહેવું જોઈએ. ઉભેલા છે આમ કહ્યું તેથી પૂજાને યોગ્ય હાર, ચંદનાદિક ઉપચારોનું પાત્ર હાથમાં લઈને રાધાજી શ્રીકૃષ્ણની સેવામાં ખબડદાર થઈને હાજર રહેલા છે, આવો ભાવ સૂચવેલો છે.
વળી જે શ્રીકૃષ્ણના વક્ષ:સ્થલમાં લક્ષ્મીજી રહ્યાં છે. "श्रयति हरिम" इति श्री: ।। હંમેશા જે ભગવાનનો જ આશ્રય કરીને રહે, તેને કહેવાય લક્ષ્મી, આવી લક્ષ્મી શબ્દની વ્યુત્પત્તિ છે. અર્થાત્ લક્ષ્મીજી, ભગવાન શ્રીકૃષ્ણ થકી એક ક્ષણવાર પણ દૂર થઈ શકતાં નથી. આ વિષયમાં ભાગવતનું વાક્ય પ્રમાણરૂપ છે, चलाडपि यच्छी नॅ जहाति कर्हिचित् ।।इति।। આ વાક્યનો એ અર્થ છે કે લક્ષ્મીજી અતિ ચંચળ છે. એક જગ્યાએ સ્થિર રહી શકતાં નથી. રાજા હોય તેને રંક કરી દે અને રંક હોય તેને રાજા કરી દે અને વળી મોટા મોટા રાજાઓ પણ લક્ષ્મીની પ્રાર્થના કરે છે, છતાં લક્ષ્મીજી બધાનો તિરસ્કાર કરી, એક જ ભગવાનના ચરણકમળનું સેવન કરે છે. ચંચળ હોવા છતાં ભગવાનનો ક્યારેય પણ ત્યાગ કરતાં નથી.
હવે લક્ષ્મીજી વક્ષ:સ્થલમાં રહ્યાં છે, તેનું પ્રમાણ શું? તો કહે છે કે ભાગવતના અષ્ટમસ્કંધને વિષે સમુદ્રમંથનની કથા છે, તેમાં કહેલું છે કે, तस्या: श्रियस्त्रिजगतो जनको जनन्या वक्षोनिवासमकरोत् परमं विभूतेः ।।इति।। સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલાં લક્ષ્મીજીએ ભગવાનને સર્વેગુણોથી સંપન્ન માનીને, નવા કમળની માળા ભગવાનના કંઠમાં પહેરાવી અને પછી લજ્જાની સાથે ભગવાનની આગળ જ્યારે ઉભાં રહ્યાં ત્યારે ત્રણે લોકના પિતા ભગવાને ત્રણે લોકના માતા લક્ષ્મીજીને વક્ષ:સ્થળમાં અવિચળ વાસ આપ્યો. આ રીતે લક્ષ્મીજીના વક્ષ:સ્થળમાં નિવાસ વિષયમાં ભાગવતશાસ્ત્ર પ્રમાણરૂપ છે.
વળી જે શ્રીકૃષ્ણ રાધા અને લક્ષ્મીજીની સાથે વૃંદાવનમાં વિહાર કરી રહ્યા છે. અહીં કદાચ કોઈને શંકા થાય કે વૃંદાવનમાં તો ભગવાન શ્રીકૃષ્ણ કેવળ રાધિકાજીની સાથે જ વિહાર કરી રહ્યા હતા અને લક્ષ્મીજીનો શ્રીકૃષ્ણની સાથે વિહાર તો દ્રારિકામાં જ પ્રસિદ્ધ છે. કારણકે રુક્મિણીરૂપ લક્ષ્મીજી શ્રીકૃષ્ણ ભગવાનને દ્રારિકામાં જ પરણ્યાં હતા અને ત્યાંજ વિહાર કરેલો હતો. છતાં અહીં રાધાલક્ષ્મીની સાથે વૃંદાવનમાં શ્રીકૃષ્ણનો વિહાર શા કારણથી કહ્યો?
આના સમાધાનમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, વાત બિલકુલ સાચી છે. જે મનુષ્યરૂપે રહેલાં રુક્મિણીરૂપ લક્ષ્મીજીનો વિહાર દ્વારિકામાં જ પ્રસિદ્ધ છે, છતાં મનુષ્યો જોઈ ન શકે એવા દિવ્યસ્વરૂપે લક્ષ્મીજી હંમેશા શ્રીકૃષ્ણના વક્ષ:સ્થલમાં રહે છે. માટે દિવ્ય સ્વરૂપે લક્ષ્મીજી હંમેશા વૃંદાવનમાં પણ શ્રીકૃષ્ણની સાથે જ હતા. આ વિષયમાં ભાગવતનો દશમસ્કંધ પ્રમાણરૂપ છે. जयति तेधिकं जन्मना व्रजः श्रयत इन्दिरा शश्वदत्र हि ।।इति।। ગોપીઓ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે કહે છે કે, હે પ્રભુ! તમારા જન્મને લીધે આ વ્રજ અધિક શોભે છે. કારણકે આ વ્રજમાં તમારી સાથે લક્ષ્મીજી નિરંતર રહેલાં છે. આ રીતે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ સાથે લક્ષ્મીજીના વિહાર વિષયે ભાગવતશાસ્ત્ર પ્રમાણરૂપ છે.
આવા જે શ્રીકૃષ્ણ તેનું હું હૃદયમાં ધ્યાન કરું છું. હૃદય એટલે હૃદયાકાશમાં જે કમળ છે, ત્યાં સાક્ષાત ભગવાનનો વાસ છે. માટે સર્વે શાસ્ત્રોમાં ધ્યાન કરવા યોગ્ય સ્થાન હૃદયને જ બતાવેલું છે. ભાગવતના આઠમા સ્કન્ધમાં ગજેન્દ્રની સ્તુતિ છે, मुत्कात्मभिः स्वहृदये परिभाविताय ।।इति।। ગજેન્દ્ર કહે છે કે, હે પ્રભુ! જે મુકતાત્માઓ પોતાના હૃદયમાં તમારો સાક્ષાત્કાર કરે છે, એવા તમોને નમસ્કાર કરું છું. આ રીતે ભાગવતમાં પરમાત્માનો સાક્ષાત્કાર હૃદયમાં જ બતાવેલો છે. માટે હૃદય જ ધ્યાન કરવા યોગ્ય સ્થાન કહેલું છે.
હવે અહીં કદાચ કોઈને શંકા થાય કે ભક્તો હોય તો તે પોતાના ઇષ્ટદેવનું ધ્યાન કરે, અહીં સહજાનંદ સ્વામીએ શ્રીકૃષ્ણને પોતાના ઇષ્ટદેવ સ્વીકારીને ધ્યાન કર્યું, માટે સહજાનંદ સ્વામી પણ એક શ્રીકૃષ્ણના ભક્ત છે. આ રીતે સહજાનંદ સ્વામીને ભક્ત તરીકે સ્વીકારવા એ તદ્દન યોગ્ય નથી. કારણકે શિક્ષાપત્રી લખતી વખતે સહજાનંદ સ્વામીએ ઉપદેષ્ટાનો ધર્મ સ્વીકાર્યો છે. ઉપદેષ્ટા હોય તેની પ્રાથમિકતા હોય છે જે, પ્રથમ પોતે આચરણ કરીને શિષ્યોને શિક્ષણ આપવું. અહીં સહજાનંદ સ્વામીએ શિષ્યોના શિક્ષણને માટે ઉપદેષ્ટાનો ધર્મ સ્વીકાર્યો તેથી એ કાંઈ ભક્ત બની જતા નથી. એતો સાક્ષાત ઈશ્વર છે. કેવળ ઉપદેષ્ટા તરીકે મનુષ્યનું પાત્ર જ ભજવેલું છે. જેમ રૂપક કરતી વખતે કોઈ હિરણ્યાક્ષ બની જતો નથી, એ તો કેવળ તેનું અનુકરણ કરે છે. જેમ કોઈ શિક્ષક વિદ્યાર્થીઓને શીખડાવવા માટે પાટી ઉપર એકડો ગુંઠે, તેથી તે શિક્ષક કાંઈ વિદ્યાર્થી બની જતો નથી. શિક્ષક શિક્ષકના સ્થાને જ રહે છે અને વિદ્યાર્થી વિદ્યાર્થીના સ્થાને રહે છે. એજ રીતે ભક્તોને શીખડાવવા માટે સહજાનંદ સ્વામીએ શ્રીકૃષ્ણનું ધ્યાન કર્યું, તેણે કરીને સહજાનંદ સ્વામી કાંઈ ભક્ત બની જતા નથી. સહજાનંદ તો એક સાક્ષાત પૂર્ણાવતાર જ છે, અને અવતાર તથા અવતારીનું અભેદપણું હોવાથી સહજાનંદ સ્વામીને અવતારી પણ કહી શકાય છે. આવો અભિપ્રાય છે.

0 Comments