॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
વચનામૃત ૩૬
ત્યાગી થઈ ભગવાન વિના બીજામાં પ્રીતિ રાખે તે કંગાલ કહેવાય
સંવત : ૧૮૭૬ ના પોષ વદ તેરસ
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લિબડાના ઝાડ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : શ્વેત વસ્ત્ર, કંઠને વિષે ધોળા ને પીળા પુષ્પના હાર, બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ, પાઘને વિષે પીળા પુષ્પનો તોરો તથા કર્ણીકારના રાતા પુષ્પનું છોગલું, જમણા હાથમાં ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા.
શ્રીજી મહારાજ : જેણે સંસાર મુક્યો અને ત્યાગીનો ભેખ લીધો અને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો? તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો. જેમ કંગાલ માણસ હોય, ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય, ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય, ને પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે જે 'આણે પાપ કર્યા હશે માટે એને અન્નવસ્ત્ર મળતું નથી, તેમ જે ત્યાગી થઈને સારાં સારાં જે વસ્ત્રાદિ પદાર્થ તેને ભેળાં કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિષે પ્રીતિએ રહિત હોય, એવો જે ત્યાગી, તેને તો જે મોટા એકાંતિક સાધુ છે, તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે, કેમ જે, જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, ભક્તિ તેને વિષે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બેય બરોબર હોય અને "આ પદાર્થ સારું અને આ પદાર્થ ભૂંડું" એવી તો સમજણ જ હોય નહિ અને એક ભગવાનને વિષે જ પ્રીતિ હોય, તે જ સાચો ત્યાગી છે.
વચનામૃત ૩૭
આત્મજ્ઞાને કરી જન્મભૂમિ તથા સંબંધીમાંથી હેત તોડવું
સંવત : ૧૮૭૬ ના પોષ વદ ચૌદસ
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લિંબડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : માથે ધોળી પાઘ, પાઘમાં પીળા પુષ્પનો તોરો, બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ, કંઠને વિષે પીળાં અને ધોળા પુષ્પનો હાર, ધોળી ચાદર અને ધોળો ખેસ પહેર્યો હતો.
શ્રીજી મહારાજ : જે અણસમજુ હોય અને તેણે ભેખ લીધો હોય, તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિષે હેત ટળતું નથી.
એમ કહીને પછી પોતાના સાથળને વિષે નાનપણમાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો.
શ્રીજી મહારાજ : આ ચિહ્નને જ્યારે અમે દેખીયે છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભરી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાનાં સગાસંબંધી તેને અંતરમાંથી વિસારી દેવાં તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી ન સાંભરતા હોય તે બોલો અને જે લાજે કરીને ન બોલે તેને શ્રીનરનારાયણના સમ છે.
પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા.
શ્રીજી મહારાજ : જ્યારે પોતાને આત્મારૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ? ને તે આત્માનું સગું કોણ? ને તે આત્માની જાત પણ કઈ? અને જો સગપણ લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાતિના દેહ ધર્યા છે, તે સર્વેનું સગપણ સરખું જાણવું અને તે સગાનું કલ્યાણ ઇચ્છવું, તો સર્વેનું ઇચ્છવું અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે ચોરાશી લાખ જાતિનાં જે માં બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે, તેમ આ મનુષ્ય શરીરનાં જે માબાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા અને અમારે તો કોઈ સગાસંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય, તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય, તો તે અમને ન ગમે અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે, જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવા ને તેવા જ્યારે આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે પણ રહે છે અને આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતના ગ્રંથ સાંભળે, પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહિ અને એમ જાણે જે એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા છે જ નહિ અને એમ જાણે જે એ ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે અને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ વૈરાગ્યે યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહિ અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે, તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહિ અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજેજ નહિ. એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજનેતો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુ:ખવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઇચ્છીએ છીએ અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઇચ્છતા નથી, એવા જે જડમતિવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે. તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે, તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજૂરમાં રહે છે અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે. કીર્તન બોલો.
વચનામૃત ૩૮
વણિકના નામનું દ્રષ્ટાંત. વાસના તોડી ભક્તિ કરવી.
સંવત : ૧૮૭૬ ના માઘ સુદ એકમ
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઘોડશાળની ઓસરીએ ગાદલું નંખાવીને વિરાજમાન હતા.
સમય : સાંજે
પોશાક : ધોળો ખેસ, માથે રાતા છેડાનો ધોળો ફેંટો બાંધ્યો હતો ને દોરીયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાળ ઓઢયો હતો.
શ્રીજી મહારાજ : જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે, "પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું, ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી," એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી અને એમ વિચારે નહિ ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહિ. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચૂકવી દઈએ, તો તે દેતાં કઠણ ન પડે ને વર્ષ દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે, તેમ નિરંતર વિચાર કરવો અને મન છે તે જગતની વાસનાએ કરીને વાસિત છે, જેમ ફૂલે કરીને તિલ વસાય છે, તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિષે વાસવું અને ભગવાનનાં ચરિત્રરૂપ જાળાને વિષે મનને ઘુંચવી મેળવું અને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા એક સમ્યો ને બીજો કરવો, બીજો સમ્યો ને ત્રીજો કરવો, એમ ને એમ મનને નવરું રહેવા દેવું નહિ. એવી રીતે ભગવાનનાં જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભારવા માંડે તો તેનો પાર ન આવે. તો સત્સંગ થયા તો દશ, પંદર વર્ષ થયાં હોય તે એનો તો પાર જ ન આવે અને તે એવી રીતે સંભારવા, જે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ ને આવી રીતે વાર્તા થઈ, ઇત્યાદિક જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભારવા અને જે ઝાઝું ન સમજતો હોય તેને તો એમ કરવું એજ શ્રેષ્ઠ ઉપાય છે, એ જેવો બીજો નથી, ત્યારે તમે કહેશો જે અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી. એ તો જેમ જેના નિયમ કહ્યા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે અને અમે તો એમ માન્યું છે જે, મન નિર્વાસનિક જોઈએ અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય તે તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહિ અને બહાર લોકમાં તો તે પ્રવૃતિવાળાનું ભૂંડા જેવું જણાય અને જેને મનમાં વાસના હોય ને તે બાહેર સારી પેઠે નિવૃતિપરાયણ વર્તતો હોય, તો તેનું બહાર લોકમાં તો સારું જણાય પણ તેના જીવનું અતિ ભૂંડું થાય, કેમ જે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે. જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા અને પ્રથમ રાજ્ય મેલ્યું હતું અને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું. માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય, માટે દેહે કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેળાં જોઈએ અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય અને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે અને એવો જે ન હોય તે નાનેરો છે અને ગૃહસ્થ હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો અને મને કરીને તો ત્યાગીની પેથેજ નિર્વાસનિક રહેવું ને ભગવાનનું ચિંતવન કરવું અને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા ને રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું. તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે અને જે પોતાના મનમાં ભૂંડા ઘાટ થતા હોય તે કહેવા. પણ "જેમ કુતરાનું મુખ કૂતરો ચાટે" તથા "સર્પને ઘેર પરોણો સાપ, મુખ ચાટીને વળિયો આપ" તથા રાંડીને પાસે સુવાસણી સ્ત્રી જાય ત્યારે તે કહે જે, આવ્ય બાઈ હું જેવી તું પણ થા, તેમ પોતાની પેઠે જેને ભૂંડા ઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કહેવો તે તો આ દ્રષ્ટાંત દીધા એમ છે. માટે ઘાટ કેને કહેવો? તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળિયો હોય તેની આગળ કહેવો અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો જે, તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે, તે જ્યાં સુધી કહેનારાનો તે ઘાટ ટળી જાય ત્યાં સુધી બેસતો, ઉઠતો, ખાતો, પીતો, સર્વ ક્રિયામાં વાત કર્યા કરે અને તેના ઘાટ ટાળ્યામાં કેવી ચાડ હોય તો જેમ પોતાના ઘાટને ટાળ્યાની ચાડ હોય તેવી હોય એવા આગળ ઘાટ કહેવો અને જેની આગળ ઘાટ કહીએ ને તે આવી રીતે વાતતો ન કરે ને પોતે આળસુ હોય તો શો સમાસ થાય? માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીએ તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિષે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતના સુખથી નિર્વાસનિક થવું અને એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે? તો દશ ઈન્દ્રિયો ને અગિયારમું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય, ને દેહે કરીને તો વ્રત, તપ કરે તોપણ તેનું અતિશે સારું થતું નથી, માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને તે ભગવાનનું માહાત્મ્ય સમજીને પોતાના મનને નિર્વાસનિક કરવાનો નિત્ય અભ્યાસ રાખવો.
સાચો ત્યાગી કેને કહીએ? તો જે પદાર્થનો ત્યાગ કર્યો તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય, જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો છે તેનો પાછો સંકલ્પ થતો નથી તેમ સંકલ્પ ન થાય. ત્યાં શુકજી પ્રત્યે નારદજીનો કહેલો શ્લોક છે જે, "त्यज धर्ममधर्म च" અને એ શ્લોકનું હાર્દ એ છે જે, "એક આત્મા વિના બીજા જે જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું ને ભગવાનની ઉપાસના કરવી તેને પૂરો ત્યાગી કહીએ અને જે ગૃહસ્થ હરિભક્ત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું જે, "આ મારી મિથિલાનગરી બળે છે પણ તેમાં મારુ કાઈ બળતું નથી." ત્યાં શ્લોક છે જે, "मिथिलायां प्रदिप्तायां न मे दह्यति किंचन" એમ સમજે ને ઘરમાં રહેતો હોય તે ગૃહસ્થ હરિભક્ત ખરો કહેવાય અને એવી રીતનો જે ત્યાગી ન હોય ને એવી રીતનો જે ગૃહસ્થ ન હોય તે તો પ્રાકૃત ભક્ત કહેવાય અને મોરે કહ્યો એવો જે હોય તે તો એકાંતિક ભક્ત કહેવાય.
આત્માનંદ સ્વામી : દેહ, ઈન્દ્રિયો તથા અંતઃકરણ તથા દેવતા તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે?
શ્રીજી મહારાજ : થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ જે, દેહ ને ઇન્દ્રિયાદીકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે, તે જે સમજાવનારો વક્તા તે દેહાદીક સર્વના પ્રમાણનો કરનારો છે અને જાણનારો છે ને એ સર્વેથી જુદો છે, એને જ જીવ કહીએ અને જે શ્રોતા છે તે દેહાદીકના રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે તે એને જાણે છે ને એ સર્વેથી જુદો છે એને જ જીવ કહીએ. એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે.
વચનામૃત ૩૯
શાસ્ત્રમાં એક બ્રહ્મના પ્રતિપાદનનાં વચનને સમજવાની યુક્તિ
સંવત : ૧૮૭૬ ના માઘ સુદ ત્રીજ
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : ધોળો ખેસ, ધોળી ચાદર ને માથે ધોળી પાઘ ને પીળા પુષ્પના તોરા પાઘમાં લટકતા હતા ને કાન ઉપર ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા.
શ્રીજી મહારાજ : તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ, તે સર્વેને મિથ્યા કહો છો એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી. માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો, તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ અને ઇતિહાસ તેની સાખ્યે કરીને કરો, પણ કોઈક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહિ માનીએ અને જો વ્યાસજીને વચને કરશો તો અમારા માન્યામાં આવશે, કેમ જે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે.
પછી તે વેદાંતીએ ઘનીક પ્રકારની યુક્તિઓ લાવીને ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહિ.
શ્રીજી મહારાજ : એતો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના બે ભેદ છે. જેમ મેરુ પર્વત ઉપર ઉભા જે પુરુષ તે જે તે મેરુ થકી ઓરા જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત વૃક્ષનું આધાર જે પૃથ્વીનું તળ તે સર્વેને પૃથક પૃથકપણે દેખે છે. તેમ સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત તે જે તે જીવ, ઈશ્વર, માયા તથા એમનું આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથક પૃથકપણે દેખે છે અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઉભા જે પુરુષ તે જેતે તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્વીરૂપે જ દેખે છે, પણ પૃથક પૃથકપણે નથી દેખતા, તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહામુક્ત તે જે તે જીવ, ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મરૂપે કરીને જ દેખે છે, પણ પૃથકપણે નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે તેની સ્થિતિને યોગે કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે ને અસત્યપણું કહેવાય છે અને સવિકલ્પ સ્થિતિવાળાના વચન વેદ, શાસ્ત્ર, પુરણાદિકમાં આવે છે તે એ સર્વે સત્ય કહે છે અને નિર્વિકલ્પ સ્થિતિવાળાના વચન તે એ સર્વેને અસત્ય કહે છે. પણ કાંઈ એ સર્વે અસત્ય નથી, એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતા નથી માટે અસત્ય કહે છે અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત્રી નથી પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રી દિવસ છે, તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહિ, પણ બીજાને મતે તો એ સર્વે છે અને આવી રીતે બ્રહ્મનિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાધ ન આવે ને એમ ન કરે તો પૂર્વાપર બાધ આવે. તે બાધને તો સમજતો ન હોય, તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય, ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચનમાત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય, ને ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય, તે તો મહામૂર્ખ છે ને અંતે નારકી થાય છે. આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો.
વેદાંતી બ્રાહ્મણ : હે મહારાજ ! હે પ્રભો ! હે સ્વામીન્ ! તમે તો પરમેશ્વર છો અને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે, એમાં આશંકાનો માગ નથી.
વચનામૃત ૪૦
સવિકલ્પ નિર્વિકલ્પસમાધિ, ભક્તિ અને ઉપાસનાનાં લક્ષણ
સંવત : ૧૮૭૬ ના માઘ સુદ ચોથ
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ લિંબડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : પ્રાતઃકાળે
પોશાક : ધોળો ખેસ, ધોળી ચાદર ને માથે ધોળી પાઘ ને પાઘને વિષે પીળા પુષ્પનો તોરો લટકતો હતો ને કંઠને વિષે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો.
મુક્તાનંદ સ્વામી : હે મહારાજ ! સવિકલ્પ સમાધિ તે કેને કહીએ, ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ?
શ્રીજી મહારાજ : જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય જે, હું નારદ, સનકાદિક ને શુકજી તે જેવો થાઉં અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું અથવા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને શ્વેતમુક્ત જેવો થાઉં એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય, ને અક્ષર બ્રહ્મના સાધમ્યૅપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્ન રહેતો હોય, તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ.
મુક્તાનંદ સ્વામી : હે મહારાજ ! ભક્તિમાં ને ઉપાસનામાં તે શો ભેદ છે?
શ્રીજી મહારાજ : श्रवणं कीर्तनं विष्णो: स्मरणं पादसेवनम्। अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् ।।એવી રીતે નવ પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ અને ઉપાસના તો તેને કહીએ જે, ભગવાનના સ્વરૂપને વિષે સદા સાકાર્પણાની દ્રઢનિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહિ અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે અને શાસ્ત્રને વિષે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દેજ નહિ, એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ.

0 Comments