॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
વચનામૃત ૩૧
સેવા કરતાં કોઈને દુ:ખવાય તોપણ ભક્તિવાળો શ્રેષ્ઠ છે. નિશ્ચય વડે મોટપ
સંવત : ૧૮૭૬ ના પોષ વદ બીજ
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા.
સમય : સાંજે
પોશાક : શ્વેત વસ્ત્ર
યોગાનંદમુનિ : હે મહારાજ ! ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરી દુ:ખવે નહિ અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે પણ વચને કરીને કોઈને દુ:ખવાય ખરું, એવી રીતના બે ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે?
પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહિ અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું "એનો ઉત્તર તમે કરો"
બન્ને સ્વામી : વચને કરીને કોઈને દુ:ખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે અને નિવૃત્તિને વિષે રહે છે ને કોઈને દુ:ખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી તેને અસમર્થ સરખો જાણવો અને જે સેવા ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે.
શ્રીજી મહારાજ : એ ઉત્તર ઠીક કર્યો અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિષે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે અને એવી રીતે દોષ જુવે ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ દેખાય ખરી અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ દેખાય ખરી અને તે દોષને જોનારે ખોટ કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહિ? તે તો કલ્યાણકારી જ છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂઝે; જેમ શિશુપાળ એમજ કહેતો જે "પાંડવ તો વર્ણસંકર છે ને પાંચ જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે, કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો ને મધના પૂડા ઉખેડયા તેણે કરીને એને મધુસુદન કહે છે, પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી, ને વર્ણસંકર એવા જે પાંડવ તેણે પૂજયો તેણે કરીને શું એ ભગવાન થયો? એવી રીતે ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો."
યોગાનંદમુની : હે મહારાજ ! મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહિ પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો.
શ્રીજી મહારાજ : જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી, મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે અને એ બે વાનાં જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનોજ છે અને પ્રથમ કહી એવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વે હરિભક્તને વિષે છે કેમજે આજ જે સર્વે હરિભક્ત છે તે એમ સમજે છે જે 'અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ' એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહસ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહિ અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસરી બુદ્ધિ થઈ જાય છે.
વચનામૃત ૩૨
પક્ષીની પેઠે કથા કિર્તનાદિ ચારો કરી મૂર્તિરૂપ માળામાં વિરામ કરવો
સંવત : ૧૮૭૬ ના પોષ વદ ત્રીજ
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : પ્રભાત સમે
પોશાક : ધોળો ખેસ, માથે ધોળી પાઘ, ધોળી ચાદર, લલાટને વિષે કેસરની આડય કરી હતી ને ધોળા પુષ્પનો હાર, પાઘને વિષે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો.
શ્રીજી મહારાજ : આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહિ, તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તેજ શ્રોત્રનો વિષય છે અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે અને ભગવાનને ચડ્યાં એવાં જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી અને નારદ, સનકાદિક જેવા અનાદિ મુક્ત છે તેણે પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી; તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક વિષયને ભોગવે છે અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચણવા નીકળે છે તે ચારો કરીને રાત્રી સમે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે પણ પોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતાં નથી, તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે અને વળી પશુ, પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે, એ સર્વે દ્રષ્ટાંત સિદ્ધાંત કહ્યાં તે ઉપર તમે સર્વે હરીભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે "જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળમાત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથાવાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષયી થયા છો કે નહિ? અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે "જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે તેમ તમે સર્વે ભગવાનની કથાકીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપ રૂપી માળામાં વિરામ કરો છો? કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? અને વળી જેમ ધણીયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહિ અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે, કાં વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણીયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો? કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો? એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો?
મુનિ તથા હરિભક્તો : હે મહારાજ ! ભગવાનની કથાકીર્તનાદિકના વિષયી પણ થયા છીએ અને ભગવાનની મૂર્તિ રૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી.
તેજ દિવસ બપોર નમતે શ્રીજી મહારાજ દાદાખાચરના દરબાર વચ્ચે લિબડા તળે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતે શ્રીવાસુદેવનારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા અને મુનિ કીર્તન બોલતા હતા.
શ્રીજી મહારાજ : હવે તો પ્રશ્ન ઉત્તર કરો.
દીનાનાથ ભટ્ટ, બ્રહ્માનંદ સ્વામી : કોઈ સમે તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે અને કોઈ સમે તો અંતર ડોળાઈ જાય છે ને ભજન સ્મરણનું સુખ આવતું નથી તેનું શું કારણ છે?
શ્રીજી મહારાજ : એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી.
મુક્તાનંદ સ્વામી : કેવી રીતે યુક્તિ જાણવી?
શ્રીજી મહારાજ : યુક્તિ તો એમ છે જે, અંતઃકરણને વિષે ગુણનો પ્રવેશ થાય છે તે જ્યારે સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખેથી થાય અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય ને ઘાટસંકલ્પ ઘણા થાય ને ભજન સ્મરણ સુખે થાય નહિ અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે, માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા અને જે સમે સત્વગુણ વર્તતો હોય તે સમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહિ ને શૂન્ય સરખું વર્તે, તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટસંકલ્પ ઘણા થાય માટે તે સમે ભગવાનનું ધ્યાન કરવું નહિ અને તે સમે તો એમ જાણવું જે, હું તો સંકલ્પ થકી જુદો છું, ને આત્મા છું, ને સંકલ્પનો જાણનારો છું, ને તે મારે વિષે અંતર્યામીરૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાળ વિરાજે છે અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય તે સંકલ્પને જોઈને મુંઝાવું નહિ, કેમ જે, અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું છે અને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે, માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જાવું નહિ ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહિ ને પોતાને ને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું.
વચનામૃત ૩૩
મૂઢપણું, પ્રીતિ અને સમજણ વિષે
સંવત : ૧૮૭૬ ના પોષ વદ પંચમી
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા.
સમય : પાછલો પહોર દિવસ
પોશાક : ધોળો ખેસ, ધોળી ચાદર, માથે કસુંબી રંગને છેડે રેંટો બાંધ્યો હતો.
મુક્તાનંદ સ્વામી : ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન અનંત પ્રકારનાં શાસ્ત્રમાં કહ્યાં છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય? તે એવો એક ઉપાય કહો.
શ્રીજી મહારાજ : એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરો એજ એક સર્વે સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે અને તે આશરો અતિ દ્રઢ જોઈએ જેને વિષે કાંઈ પોલ રહે નહિ. તે આશરાના ત્રણ ભેદ છે, એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોયપણ ડોલે નહિ અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે, તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી. એવી રીતે જેને દ્રઢ પ્રીતિ હોય તે પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય અને ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું તથા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પતિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટ પુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિકરૂપે વર્તે છે એ સર્વે રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય, એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય, તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે તે બીજાનો ટાલ્યો ટળે નહિ ને પોતાનો પણ ટાલ્યો ટળે નહિ અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને અમર્થ પણે અથવા અસમર્થ પણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહિ. કહો તો તમને એક પ્રશ્ન પૂછું.
મુક્તાનંદ સ્વામી : પૂછો મહારાજ
શ્રીજી મહારાજ : અમે કહ્યાં જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે? અને એ ત્રણ અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય, માટે મૂઢપણું, પ્રીતિ અને સમજણ એ જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે?
પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, "અમારે તો સમજણનું અંગ છે." અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કહ્યાં.
વચનામૃત ૩૪
હેતરૂપી ભગવાનની માયાના પ્રવાહમાં ન વહેવા તથા આજ્ઞા ન લોપવા વિષે
સંવત : ૧૮૭૬ ના પોષ વદ એકાદશી
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા.
સમય : સવારે
પોશાક : ધોળો ખેસ, ધોળો ચોફાળ ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે પુષ્પના તથા હીરના તોરા લટકતા મુક્યા હતા ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા.
શ્રીજી મહારાજ : કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો.
બ્રહ્માનંદ સ્વામી : સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોટતી નથી અને માયિક એવાં જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે તેનું શું કારણ છે?
શ્રીજી મહારાજ : એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ જે, જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખડો કરવો પડે નહિ અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે એવો ફેર ચડાવી મુક્યો છે, તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે અને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે જ હેત થાય છે. તે એ હેત રૂપીજ ભગવાનની માયા છે, તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિષે દોષબુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે અને જો માયિક પદાર્થને વિષે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ, બ્રહ્મા અને નારદાદિક એ જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. તેટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. તે સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે કોઈ ઠેકાણે પ્રીતિ રાખવી નહિ.
મુક્તાનંદ સ્વામી : જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી ને તેથી આનંદ પણ બીજો નથી, તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશને પામે છે?
શ્રીજી મહારાજ : લ્યો એનો ઉત્તર અમે કરીએ જે, પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે અને જો વચનને વિષે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને કલેશ થાય છે, માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો કલેશ થાય છે અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય ને તેમાંથી જેને જેટલો ફેર પડે તેને તેટલો કલેશ થાય છે અને ગૃહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે, જે પરસ્ત્રીનો ત્યાગ રાખવો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખવો ને ઋતુ સમે સ્ત્રીનો સંગ કરવો. એ આદિક જે જે ત્યાગીને અને ગૃહસ્થને નિયમ કહ્યા છે તેમાં જેને જેટલો ફેર પડે તેટલો તેને કલેશ થાય છે અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખદુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુ:ખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે અને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે.
વચનામૃત ૩૫
ક્રોધ, માન, ઈર્ષ્યા ને કપટ ન રાખે તો કલ્યાણમાં વિરોધી દુષિત બુદ્ધિ ટળે
સંવત : ૧૮૭૬ ના પોષ વદ દ્વાદશી
સ્થળ : શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ લિબડાના ઝાડ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા.
સમય : દિવસે
પોશાક : શ્વેત વસ્ત્ર
શ્રીજી મહારાજ : તમે પ્રશ્ન પૂછો કાં અમે પૂછીએ.
મુનિ : હે મહારાજ ! તમે પૂછો.
શ્રીજી મહારાજ : કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે, તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે?
ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો.
શ્રીજી મહારાજ : લ્યો અમે ઉત્તર કરીએ જે, એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દુષિત છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય, તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીવે તેના પ્રાણ જાય, તેમ બુદ્ધિ તો ઝાઝી છે પણ એને કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે. માટે એતો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે અને એવી દુષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે અને જેની બુદ્ધિ એવી રીતે દુષિત ન હોય, ને તે જો થોડીજ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન થકો પાછો પડતો નથી.
મુક્તાનંદ સ્વામી : હે મહારાજ ! એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય?
શ્રીજી મહારાજ : એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહિ.
મુક્તાનંદ સ્વામી : હે મહારાજ ! કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો.
શ્રીજી મહારાજ : એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ એ ચારવાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહિ તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહિ અને એ ચારવાના માહેલુ એકે જો રાખે તો જેમ જય, વિજય ઘણાય ડાહ્યા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકંઠલોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે અને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાંતો શિવનો ગણ થાય ને કાંતો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈરભાવે પરમેશ્વરનું ભજન કરે.

0 Comments