Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રીગઢડા પ્રથમ પ્રકરણ (વચનામૃત ૨૬ થી ૩૦)

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વચનામૃત ૨૬

સાચા રસિક ભક્તને નિર્ગુણભાવ વિષે

સંવત : ૧૮૭૬ ના પોષ સુદ એકાદશી

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : બપોરે

પોશાક : માથે ધોળો ફેંટો, ધોળો ખેસ, ધોળો ચોફાળ, બે કાનને ઉપર ગુલદાવદીનાં મોટા મોટા બે પુષ્પ તથા પુષ્પનો તોરો પાઘને વિષે ખોશ્યો હતો.

શ્રીજી મહારાજ : હવે કીર્તન બોલવા રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો.

પરમહંસ : હે મહારાજ ! બહુ સારું તમો વાત કરો. 

શ્રીજી મહારાજ : ભગવાનનાં રસિક કીર્તન ગાતાં ગાતાં જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તો એમાં મોટી ખોટ છે, કેમ જે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે તેમજ ગીત વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રી આદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે, માટે એ ભક્તને અવિવેકી જાણવો અને ભગવાન અથવા ભગવાનના સંત તેનાં જે વચન તેને વિષે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે, એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો અને એવી મુર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને જ સુખ માનવું અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છે અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળનો અગ્નિ તે જેવો જાણે ત્યારે તે રસિક ભક્ત સાચો, તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદપામે ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે એ રસિક ભક્ત સાચો, તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેણે કરીને પરમ આનંદ પામે પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે તે રસિક ભક્ત સાચો, તેમજ ભગવાનને ચડ્યાં એવાં જે તુલસી, પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીએ યુક્ત એવાં અત્તર, ચંદનાદિક તેની સુગંધીને ગ્રહણ કરીને પરમ આનંદ પામે, પણ કોઈ અન્ય વિષયી જીવે દેહે અત્તર ચંદનાદિક ચરચ્યાં હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જ થાય, એવી રીતે પંચ વિષય ભગવાન સંબંધી હોય તેને વિષે અતિશય પ્રીતિવાન થાય અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિષે અતિશય અભાવે યુક્ત વર્તે તે રસિક ભક્ત સાચો છે અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગે કરીને આનંદ પામે છે તેમજ અન્ય સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તેને યોગે કરીને આનંદ પામે છે તો એ ખોટો રસિક ભક્ત છે, કેમ જે "જેમ ભગવાનને વિષે આનંદને પામ્યો તેમજ વિષયને વિષે પણ આનંદ પામ્યો" માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી, કાં જે ભગવાન તો કાંઈ ખોટા નથી પણ એનો ભાવ ખોટો છે અને જેવાં અન્ય પદાર્થને જાણ્યાં તેવાજ ભગવાનને પણ જાણ્યા માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું, હવે જેમ સ્થૂલ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચ વિષયનો વિવેક કહ્યો તેમજ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેને વિષે સૂક્ષ્મ પંચ વિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધે કરીને જેવો આનંદ પમાય તેવો ને તેવોજ જો અન્ય પંચ વિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય તો તે ભક્તનું રસિકપણું ખોટું છે અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિષે ઉલટા અન્નની પેઠે અભાવ રહેતો હોય તો એ રસિક ભક્ત સાચો છે અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાય તે તો સાચા છે, પણ એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે માટે એની સમજણ ખોટી છે અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાઈ રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે અને જ્યારે કેવળ ભગવાનનું જ ચિંતવન રહે છે ત્યારે ચિંતવન કરતાં કરતાં શૂન્ય ભાવને પામી જાય છે ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી. પછી એવા શૂન્યને વિષે ભગવાનની મૂર્તિને જોતાં જોતાં પ્રકાશ થઈ આવે છે અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે, માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાવો છો ત્યારે આંખ્યો મીંચીને વિચારીએ છીએ, તે આવોજ વિચાર કરીએ છીએ અને અમારો વિચાર થોડો જ છે પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કાંઈ ટકી શકતું નથી અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય, એવો અમારો બળવાન વિચાર છે અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે, તે તમારી આગળ કહ્યું.

વચનામૃત ૨૭

સંતના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું

સંવત : ૧૮૭૬ ના પોષ સુદ દ્વાદશી 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જગ્યાને વિષે ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા. 

સમય : દિવસ ઉગ્યા પહેલા

પોશાક : માથે ધોળો ફેંટો, ધોળો ચોફાળ તથા ખેશ પહેર્યો હતો.

શ્રીજી મહારાજ :  પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે, માટે જેની આવી સમજણ હોય તેના હ્દયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે, જે એમ સમજતો હોય જે 'આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દશ ઈન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે એવા અનંત આશ્ચર્ય છે, તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેનાં જ કર્યા થાય છે' એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહિ અને 'પૂર્વે જે જે અનંત પ્રકારનાં આશ્ચર્ય થઈ ગયાં છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા પ્રત્યક્ષ ભગવાન તે વતેજ થાય છે' એમ સમજે અને વળી પોતે એમ જ સમજતો હોય જે 'ચાય કોઈ મારી ઉપર ધુડય નાખો, ચાય કોઈ ગમે તેવું અપમાન કરો, ચાય કોઈ હાથીએ બેસારો, ચાય કોઈ નાક, કાન કાપીને ગધેડે બેસારો, તેમાં મારે સમભાવ છે' તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્યભાવ રહે છે તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે, એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હ્દયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્ચર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે, કાં જે સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહિ, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા અને એ સમર્થ તો કેવો જે, એના નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માડમાં સર્વે જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે, એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે તે માટે એ સંત તો બ્રહ્માડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશે મોટપ છે અને એવી રીતની ક્ષમાવાળા છે તેજ અતિ મોટા છે અને જે આંખ્યો કાઢીને પોતાની ગરીબ હોય તેને બીવરાવે છે ને મનમાં જાણે જે 'હું મોટો થયો છું' પણ એ મોટો નથી અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડાં હોય તે મોટો. એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી અને જેની મતિ એવી હોય જે 'આ સ્ત્રી તો અતિશે રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશે સારું છે અને આ મેડી તો ઘણી સારી છે અને આ તુબડી તો અતિશે સારી છે અને આ પાત્ર તો અતિશે સારું છે' એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે, ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહિ થાય ? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું એ થાય છે, પણ મોરે કહી એવી જે સાધુતા તે એમાં કોઈ દહાડે આવતી નથી તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કાં જે એ પાત્ર થયો નથી.

વચનામૃત ૨૮

વધવા ઘટવાનું, અર્ધબળ્યા કાષ્ટ જેવા સત્સંગમાંથી પડી જાય છે તે વિષે

સંવત : ૧૮૭૬ ના પોષ સુદ ચૌદસ 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : સવારે 

પોશાક : શ્વેત વસ્ત્ર 

શ્રીજી મહારાજ : જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય, તેને અસદ્વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે જે 'સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું', એમ સર્વેથી અધિક પોતાને જાણે અને રાત્રી દિવસ પોતાના હૈયામાં મુંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહિ અને રાત્રીમાં સુવે તો નિદ્રા પણ આવે નહિ અને ક્રોધ તો ક્યારેય મટેજ નહિ અને અર્ધબળેલા કાષ્ટની પેઠે ધુધવાયા કરે. એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે 'એ સત્સંગમાંથી પડવાનો થયો છે.' અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેને હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહિ અને અંતે પાછો પડી જાય છે અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વે હરિભક્તને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે 'શુભ વાસના વૃદ્ધિ પામી છે', અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશે મોટપને પામી જાય છે.

વચનામૃત ૨૯

શુભ દેશાદિકથી ભક્તિનું બળ વધે છે. અંતર શુદ્ધ થવામાં પ્રારબ્ધ, કૃપાને પ્રયત્ન

સંવત : ૧૮૭૬ ના પોષ સુદ પૂનમ

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : સાંજને સમે

પોશાક : ધોળો ખેસ, ધોળી ચાદર ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો. 

શ્રીજી મહારાજ : પ્રશ્ન પૂછો.

ગોપાળાનંદ સ્વામી : ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે ?

શ્રીજી મહારાજ : એના ઉપાય ચાર છે, એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંગ, તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે, ને દેશકાળ ને સંગનું કારણ વિશેષ છે, કેમ જે, જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય ત્યાં ક્રિયા રૂડી જ થાય અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતર્યું ને ભડવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડીજ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘું પાછું ખસી નિસરવું અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચ વર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશે વૃદ્ધિ પામે, એ પ્રશ્નનો એ ઉત્તર છે.

મુક્તાનંદ સ્વામી : હે મહારાજ ! કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરુ સરખું હોય અને પછી તો અતિશે શુદ્ધ થઈ જાય છે, તે એને કોઈ પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું ? કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું ? કે એ હરિભક્તને પુરુષ પ્રયત્ને કરીને થયું ? 

શ્રીજી મહારાજ : પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે, જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે, ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું. 

અમે જે જે સાધન કર્યા હતાં તેને વિષે કોઈ રીતે દેહ રહેજ નહિ ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ, તે શું તો અમે શ્રીપુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા ત્રણ ચાર ગાઉના પહોળા પાટવાળી એક નદી હતી તેને વિષે એક વાર શરીર તણાતું મેલ્યું તથા શિયાળો, ઉનાળો ને ચોમાસું તેને વિષે છાયા વિના એક કૌપીનભર રહેતા તથા ઝાડીને વિષે વાઘ, હાથી તથા અરણાપાડા તેની ભેળે ફરતા, એવાં એવાં અનંત વિકટ ઠેકાણાં તેને વિષે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહિ, ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું અને જેમ સાંદિપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાણો અને વળી જેમ પાંચ વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદીકના અર્થની સહેજે સ્ફૂર્તિ થઈ, એવી રીતે અતિ શુદ્ધભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઇચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂડી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી અને રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ.

વચનામૃત ૩૦

ગુણ ઓળખી નિષ્કપટ ભાવે સત્સંગ કરવાથી ઘાટની નિવૃત્તિ થાય છે.

સંવત : ૧૮૭૬ ના પોષ વદ એકમ 

સ્થળ : શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની હારે ઉત્તરાદે બાર ઓરડો છે તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા.

સમય : સાંજને સમે

પોશાક : ધોળો ખેશ, ધોળી ચાદર, ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને વિષે ધોળા પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા ને પાઘને વિષે ધોળા પુષ્પના તોરા લટકતા હતા ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા.

શ્રીજી મહારાજ : હવે તો પ્રશ્ન ઉત્તર કરો.

દીનાનાથ ભટ્ટ : હે મહારાજ ! કોઈક સમેતો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિષે ડન્સ બેસે નહિ અને કોઈક સમેતો અલ્પ ઘાટ થાય તેનો પણ મનને વિષે ડન્સ બેસે છે તેનું કારણ શું છે ? અને ભગવાનના ભક્તને એ મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શો છે ? 

શ્રીજી મહારાજ : એનું કારણ તો ગુણ છે, તે જ્યારે તમોગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય માટે તેમાં ઘાટનો ડન્સ બેસે નહિ અને જ્યારે સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે ને તે સમે જે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે, માટે તે ઘાટનો પણ ડન્સ બેસે નહિ અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિષે ડન્સ બેસે, માટે ડન્સ બેસે છે ને નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમે ઘાટ થાય તે સમે તે ઘાટ સામું જુવે તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે અને ઘડી ઘડી પળપળમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહિ અને તમારા જેવો કોઈક બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં બે ત્રણ ચાર સ્થૂળ ઘાટ થાય તે તેના ઓળખ્યામાં આવે અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામી દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે, જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે અને સત્સંગ વિના તો બીજા કોટિ સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિક ગુણની નિવૃત્તિ થાય નહિ અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે, માટે સત્સંગનો પ્રતાપ તો અતિશે મોટો છે અને બીજા સાધન છે તે કોઈ સત્સંગતુલ્ય થાય નહિ, કાંજે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે, તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન કર્મવચને નિષ્કપટપણે સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જાય છે.

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement