॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
कार्यं न सहसा किञ्चित्कार्यो धर्मस्तु सत्वरम् ।
पाठनीयाङधीतविद्या कार्यः सङ्गोङन्वहं सताम् ।।३६।।
(વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો.)
શ્રી ભાષ્યકાર શતાનંદસ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે, કોઈપણ વ્યવહાર સંબંધી કાર્ય હોય, તેને પોતાની બુદ્ધિથી સારી રીતે વિચાર કરીને અથવા સત્પુરુષોને પૂછીને કરવું, પણ અકસ્માત કરી નાખવું નહિ. વિચાર્યા વિના કાર્ય કરી નાખનાર પુરુષને મહાન દુ:ખની પ્રાપ્તિ થાય છે. ભારવી નામના કવિએ કહેલું છે કે, વિચાર્યા વિના તત્કાળ કોઈપણ કાર્ય કરવું નહિ અને વિચાર્યા વિના તત્કાળ જે કાર્ય કરી નાખવું એ અવિવેક છે અને તે પરમ આપત્તિનું સ્થાન છે. ભર્તૂહરિએ પણ કહેલું છે, गुणवदगुणवद्वा कुर्वता कार्यमादौ परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकृतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, ગુણવાળું અથવા તો ગુણ વિનાનું કોઈપણ કાર્યને કરતા વિદ્વાન પુરુષોએ પ્રયત્ન પૂર્વક એ કાર્યનું પરિણામ વિચારવું જોઈએ કે, હું આ કાર્યનો પ્રારંભ તો કરું છું, પણ આ કાર્યનું પરિણામ ખરાબ તો નહિ આવે ને? આ રીતે ખૂબ ખૂબ વિચાર કરીને જ કાર્યનો આદર કરવો જોઈએ અને જે પુરુષ વિચાર્યા વિના અતિ વેગથી કાર્યનો પ્રારંભ કરી દે છે, તે પુરુષના મનમાં સતત ચિંતા રહે છે કે, કાર્યનો પ્રારંભ તો થઈ ચૂક્યો છે, પણ એનું પરિણામ શું આવશે? આ રીતે જ્યાં સુધી એ કર્મની સિદ્ધિ ન થાય, ત્યાં સુધી એ કાર્ય હૃદયમાં સંતાપને કરનારું થાય છે અને શલ્યની પેઠે હૃદયને બાળનારું થાય છે. માટે હંમેશા વિચારીને જ કાર્ય કરવું. વિચારીને કાર્ય કરનાર હંમેશા સુખી જ થાય છે, દુ:ખી ક્યારેય પણ થતા નથી. મહાભારતમાં એક ચીરકારી બ્રાહ્મણની કથા છે, ઇન્દ્રે ગૌતમમુનિનું રૂપ ધારણ કરીને ગૌતમની પત્ની અહલ્યાની સાથે દુર્વ્યવહાર કરેલો હતો. આ બાબતની ગૌતમ મુનિને ખબર પડતાં, ગૌતમ ઋષિએ ક્રોધાયમાન થઈને પોતાની પત્ની અહલ્યાને મારી નાખવા માટે પુત્રને આજ્ઞા કરી, પણ પુત્ર તો માતાનું માહાત્મ્ય સમજી કરીને, માતાને મારવામાં ઘણો ઘણો વિચાર કર્યો કે, માતાને મારવામાં તો મહાન પાપ છે, માતાને મારી નાખવાથી પુત્રનો ક્યારેય પણ છુટકારો થતો નથી, આમ ઘણો ઘણો વિચાર કરીને બેસી રહ્યો, પણ માતાને મારી નહિ. તેથી ગૌતમમુની પોતાના પુત્ર ઉપર અતિ પ્રસન્ન થઈ ગયા અને પોતાના પુત્રે માતાને મારવામાં લાંબો સમય વિચાર કર્યો, તેથી પોતાના પુત્રનું નામ પણ ચીરકારી ધારણ કર્યું. ચીરકારી એટલે "લાંબો સમય વિચાર કરનાર" આ રીતે વિચારીને કાર્ય કરનાર પુરુષો હંમેશા સુખી જ થાય છે, દુ:ખી ક્યારેય પણ થતા નથી. આવો શ્રીહરીનો અભિપ્રાય છે.
વળી ધર્મ સંબંધી જો કોઈ કાર્ય હોય, તો તત્કાળ જ કરી નાખવું, એમાં કોઈની રાહ જોવી નહિ અને લાંબો વિચાર પણ કરવો નહિ. જ્યારે ધર્મ સંબંધી કાર્ય કરવાનો મનમાં વિચાર ઉત્તપન્ન થાય, તેજ સમયે એ કાર્ય કરી નાખવું નહિ તો પછી એ વિચાર બદલાઈ જાય છે અને ધર્મ સંબંધી કાર્ય અટકી જાય છે. કારણકે ધર્મની ગતિ ઉતાવળી કહેલી છે. આજે આપણા મનમાં સંકલ્પ થયો કે મારે આ ધર્મકાર્ય કરવું છે, પણ થોડીવાર પછી મનમાં એવો સંકલ્પ થશે કે હશે, કાંઈ નહિ આવતે વર્ષે કરીશું. આ રીતે ધર્મ સંબંધી કાર્યમાં ઝટ ઝટ મન બદલાઈ જતું હોય છે, તેથી ધર્મની ગતિ ઉતાવળી શાસ્ત્રમાં બતાવેલી છે.
વળી જો ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરી નાખેલું હોય, તોપણ કાંઈ હાનિકારક થતું નથી. કારણકે ધર્મ સંબંધી કાર્ય પરલોકમાં સહાય કરનારું છે. धर्म एव सहायी स्यात् परलोके न चेतरः ।।इति।। આ સ્મૃતિ વાક્યનો એ અર્થ છે કે, પરલોકમાં તો કેવળ ધર્મ જ મદદ કરનારો છે. એ સિવાય બીજી કોઈપણ વસ્તુ કે કોઈપણ વ્યક્તિ પરલોકમાં મદદ કરનાર નથી. માટે ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરી નાખવામાં પોતાને કોઈપણ પ્રકારની હાનિ થતી નથી.
મહાભારતમાં એક કથા છે. યુધિષ્ઠિર રાજા પોતાના ભાઈઓ સાથે રાજ્યની કચેરીમાં બેઠા હતા, કાંઈક રાજકીય મંત્રણા ચાલતી હતી. તે સમયે કોઈક ભિક્ષુક બ્રાહ્મણ ત્યાં આવીને દાન દક્ષિણાની યાચના કરી. તે સમયે યુધિષ્ઠિર રાજાએ કહ્યું કે ભુદેવ! અત્યારે રાજ્યના અતિથિગૃહમાં ઉતારો કરો અને આવતીકાલે મળજો. તમારી ઈચ્છા પૂર્ણ થશે. તે સમયે ભિક્ષુક બ્રહ્મણે જવાબ આપ્યો કે, चलं वित्तं चलं चित्तं चलं जीवितमावयोः । यमस्य करुणा नास्ति धर्मस्य त्वरिता गतिः ।।इति।। હે રાજન! કાલનો શો ભરોસો? चलं वित्तम् ।।इति।। પૈસો ચંચળ છે, લક્ષ્મી અતિ ચંચળ છે. આજે આપણા હાથમાં હોય, ને કાલે ન પણ હોય. માટે પૈસો હાથમાં હોય ત્યારે જ ધર્મ કાર્ય કરી લેવું જોઈએ. માનો કે કદાચ પૈસો સ્થિર રહે, તો મનુષ્યનું મન ચંચળ છે. चलं चित्तम् આજે મનમાં એમ થાય કે આટલું દાન કરવું છે, તો આવતી કાલે મન બદલાઈ જાય છે. કારણકે મન બહુ ચંચળ છે. માનો કે કદાચ પૈસો અને મન આ બંન્ને સ્થિર રહી જાય, તો પણ चलं जीवितमावयोः આપણા બંનેના જીવન ચંચળ છે. આવતીકાલ સુધીમાં આપણા બંનેમાંથી એકનું મૃત્યુ ન થઈ જાય તેની શુ ખાત્રી? કદાચ માનો કે આવતીકાલ સુધી આપણે બંન્ને જીવિત રહીએ, તો પણ धर्मस्य त्वरिता गतिः ।।इति।। ધર્મની ઉતાવળી ગતિ શાસ્ત્રોમાં બતાવેલી છે. અર્થાત ધર્મ સંબંધી કાર્યોમાં મનુષ્ય જો ઢીલાશ રાખે તો, કોઈ દિવસ ધર્મકાર્ય કરી શકતો નથી. કારણકે ધર્મ સંબંધી કાર્યમાં જલ્દી વિપરીત બુદ્ધિ થવાનો સંભવ છે. આજે કરવામાં આવેલો ધર્મ સંબંધી કાર્યનો સંકલ્પ, આવતીકાલ સુધીમાં તો વિપરીતપણાને પામી જાય છે. માટે તક મળે એટલે તરત જ ધર્મકાર્ય કરી લેવું. ધર્મકાર્ય કરવામાં કોઈની રાહ જોવી નહિ. મોક્ષધર્મમાં કહેલું છે કે, श्वः कार्यमद्य कुर्वीत पूर्वाह्ने चापराह्निकम् । न हि प्रतीक्षते मृत्युः कृतं वास्य न वा कृतम् ।।इति।। ધર્મ સંબંધી કાર્ય આવતીકાલે કરવાનું નક્કી કર્યું હોય, તો આજે જ કરી લેવું. આવતીકાલની રાહ જોવી નહિ. બપોર પછી કરવાનું નક્કી કર્યું હોય, તો બપોર પહેલા જ કરી લેવું, કારણકે મૃત્યુ કોઈની રાહ જોતું નથી. આપણું કાર્ય અધૂરું હશે તોપણ મૃત્યુ આપણને લઈને ચાલ્યું જશે. માટે ધર્મકાર્યમાં ક્યારેય પણ પ્રતીક્ષા કરવી નહિ. ધર્મકાર્ય તો તત્કાળ જ કરી લેવું. આવો શ્રીહરીનો અભિપ્રાય છે.
વળી પોતે ગુરુની સેવા કરીને અને અભ્યાસ કરીને જે વિદ્યા પ્રાપ્ત કરેલી હોય, એ વિદ્યા કોઈ સુશીલ શિષ્ય હોય, તેને અર્પણ કરવી. કારણકે વિદ્યાદાનને અતિદાન કહેલું છે. त्रिण्याहुरतिदानानि गावः पृथ्वी सरस्वती ।।इति।। ગાયનું દાન, પૃથ્વીનું દાન અને વિદ્યાદાન આ ત્રણ અતિદાનો કહેલા છે અને વળી વિદ્યા ભણાવનારને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. पराध्यापनसक्तो हि पुरुषस्तु यदश्रुते । तपस्तत्परमं तस्य ब्रह्मलोकगमं स्मृतम् ।।इति।। આ શ્લોકનો એ ભાવ છે કે, નિ:સ્વાર્થભાવે બીજાને ભણાવવામાં તત્પર એવો પુરુષ બીજાને ભણાવવાથી જે દુ:ખને પામે છે, એ તેનું પરમ તપ કહેલું છે અને આ તપ બ્રહ્મલોકને પમાડનારું છે. માટે પોતે ભણેલી વિદ્યા બીજાને ભણાવવી.
વળી નન્દીપુરાણમાં ચૌદ પ્રકારની વિદ્યાઓ મુખ્ય કહેલી છે. તેમાં વેદના છ અંગો અને ચાર વેદો, ધર્મશાસ્ત્રો, પુરાણો, મીમાંસાશાસ્ત્ર અને તર્કશાસ્ત્ર, આ ચૌદ વિદ્યાઓ પ્રધાન છે, આ ચૌદ વિદ્યાઓમાં અવાન્તર ઉત્તપન્ન થયેલી બીજી હજારો વિદ્યાઓ છે અને આ ચૌદ વિદ્યાઓને મધ્યે મીમાંસા સંબંધી જે બ્રહ્મવિદ્યા, પુરાણ સંબંધી વિદ્યા અને ધર્મશાસ્ત્ર સંબંધી વિદ્યા, આ ત્રણ વિદ્યાઓ મુખ્ય કહેલી છે અને તેમાં પણ બ્રહ્મવિદ્યા છે, એ બધી વિદ્યાઓમાં પર વિદ્યા કહેલી છે. માટે બ્રહ્મવિદ્યાનું દાન આપનારા પુરુષોને સર્વે દાનોનું ફળ પ્રાપ્ત થાય છે. માટે પોતે જે વિદ્યા પ્રાપ્ત કરેલી હોય, એ વિદ્યા જિજ્ઞાસુ અને સારા સ્વભાવવાળા શિષ્યને ભણાવવી, આવો શ્રીહરીનો ભાવ છે.
વળી હંમેશા સ્વધર્મનિષ્ઠ એવા ભગવાનના જે અનન્ય ભક્તો હોય, તેનો સમાગમ કરવો, અર્થાત એવા ભક્તના દર્શન કરવા, વંદન કરવા, પૂજા કરવી, વચનો હૃદયમાં ધારણ કરવા, ઇત્યાદિક રૂપ જે સમાગમ તે હંમેશા કરવો. કારણકે સત્સંગ છે એ જ ભગવાનની ભક્તિને ઉત્તપન્ન કરનારો છે. भवापवर्गो भ्रमतो यदा भवेज्जनस्य तर्ह्यच्युत सत्समागमः । सत्सङ्गमो यर्हि तदैव सद्गतौ परावरेशे त्वयि जायते मतिः ।।इति।। મુચુકુંદ રાજા શ્રીકૃષ્ણને કહે છે કે, હે પ્રભુ! આ સંસારમાં ભ્રમણ કરતા મનુષ્યને તમારી કૃપાથી જ્યારે મોક્ષકાળ નજીક આવે છે, ત્યારે પ્રથમ તો તેને એકાંતિક સંતનો સમાગમ પ્રાપ્ત થાય છે અને જ્યારે સંતનો સમાગમ પ્રાપ્ત થાય છે, ત્યારે જ તમારે વિષે ભક્તિ ઉત્તપન્ન થાય છે અને જ્યારે ભક્તિનો ઉદય થાય છે, ત્યારે જ જીવાત્માનો મોક્ષ થાય છે. આ રીતે સંતનો સમાગમ ભક્તિને ઉત્તપન્ન કરનારો કહ્યો છે. માટે હંમેશા એકાંતિક સંતનો સમાગમ કરવો.
વળી જેમ સમુદ્રના જળમાં ડુબતા એવા પુરુષોને નૌકા છે, એજ દ્રઢ આશ્રયરૂપ છે, તેમ આ સંસારરૂપી સાગરમાં ઊંચ અને નીચ યોનિમાં ડૂબકીઓ ખાતા એવા પુરુષોને એકાંતિક સંતો છે, એજ પરમ આશ્રયરૂપ કહેલા છે અને વળી બહાર ઉદયને પામતો સૂર્ય કેવળ બહારના અંધકારને દૂર કરી શકે છે, પણ હૃદયના અંધકારને દૂર કરી શકતો નથી. પણ એકાંતિક સંતો તો જ્ઞાનદ્રષ્ટિ આપીને હૃદયના અંધકારને પણ દૂર કરી નાખે છે અને વળી ગંગાદીક જળમય જે તીર્થો છે અને ધાતુ અથવા પથ્થરની જે દેવતાઓની પ્રતિમાઓ છે, તે લાંબા સમયે મનુષ્યોને પવિત્ર કરે છે. પણ ભગવાનના એકાંતિક સંતો તો દર્શનમાત્રથી જ મનુષ્યોને પવિત્ર કરે છે અને વળી એકાંતિક સંતોનો સમાગમ બુદ્ધિની જડતાને હરે છે, વાણીને વિષે સત્યનું સિંચન કરે છે, લાંબા સમયના હૃદયના પાપોને પણ બાળીને ભસ્મ કરી નાખે છે. માટે આવા એકાંતિક સંતોનો સમાગમ પણ મન, કર્મ અને વચનથી કરવો. પણ જળમાં કમળનું પત્ર રહેલું હોવા છતાં પણ એ પત્રને જે રીતે જળનો સ્પર્શ લાગતો નથી, એ રીતે ઉપરછલો સમાગમ કરવો નહિ. પરંતુ એવા એકાંતિક સંતોની સેવા કરવી, સંતોનું વચન હૃદયમાં ધારણ કરવું, સંતોની આગળ પોતાના દોષ કહેવા, આ રીતે પ્રધાન વિધિથી સંતોનો સમાગમ કરવો. કારણકે સંતોના સમાગમથી સર્વે સાંસારિક સંતાપો નાશ પામી જાય છે. માટે જ સંતોના સમાગમને અને ધર્મને પ્રાણ થકી પણ અધિક રક્ષણ કરવા યોગ્ય કહેલા છે. માટે ભક્તજનો હોય તેમણે નિષ્કામભાવથી કોઈપણ જાતના સ્વાર્થ વિના કેવળ પોતાના કલ્યાણને માટે અવશ્ય હંમેશા સાધુનો સમાગમ કરવો, આવો અભિપ્રાય છે.
गुरुदेवनृपेक्षार्थं न गम्यं रिक्तपाणिभिः ।
विश्वासघातो नो कार्यः स्वश्लाघा स्वमुखेन च ।।३७।।
(ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા.)
શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે, ગુરુની પાસે ખાલી હાથે જવું, એ ગુરુ પ્રત્યેની અશ્રદ્ધા ગણાય છે. ગુરુ પ્રત્યે જો શ્રદ્ધા હોય, તો ગુરુના દર્શનાર્થે ક્યારેય પણ ખાલી હાથે જવું નહિ. કાંઈક ભેટ લઈને જ ગુરુની પાસે જવું.
દેવની પાસે ખાલી હાથે જવું, એ અધાર્મિકતા ગણાય છે. માટે ધર્મનિષ્ઠ પુરુષો હોય, તેમણે દેવની પાસે પણ ખાલી હાથે જવું નહિ. અર્થાત દેવના દર્શને જતી વખતે દેવને અર્પણ કરવા માટે કોઈપણ ફળાદીક વસ્તુ લઈને જ જવું.
વળી રાજા પાસે ખાલી હાથે જવું, એ અવિવેક ગણાય છે અને તે પુરુષની કાર્યકુશળતામાં ગણના થતી નથી. માટે જો આપણને રાજા દ્વારા કાંઈ કાર્ય કરાવવું હોય અને કાર્યકુશળ તથા વિવેકી બનવું હોય, તો રાજા પાસે પણ ખાલી હાથે જવું નહિ.
વળી કોઈનો વિશ્વાસઘાત કરવો નહિ. હું તમારું આ કાર્ય અવશ્ય કરી આપીશ, તમે જરા પણ ચિંતા કરશો નહિ અથવા હું તમારું અવશ્ય રક્ષણ કરીશ, તમો કોઈ જાતનો ભય રાખશો નહિ. આ રીતે વિશ્વાસ આપીને, પછી એ કાર્ય કરી ન આપવું તેને વિશ્વાસઘાત કહેવાય છે. માટે આપણામાં શક્તિ હોય, બળ હોય, તોજ પરોપકારના કાર્યમાં જોડાવવું, પણ કોઈને ખોટી રીતે વિશ્વાસ આપવો નહિ. કારણકે વિશ્વાસઘાત છે, એ મહાપાપ છે. स महापातकी भूमौ यो विश्वस्याङन्यमर्दयेत् ।।इति।। જે પુરુષ બીજાને વિશ્વાસ આપીને પીડા આપે છે, અર્થાત વિશ્વાસ આપીને કાર્ય કરી નથી આપતો, વિશ્વાસભંગ કરે છે, એ પુરુષ આ પૃથ્વી ઉપર મહાપાપી કહેલો છે. વિશ્વાસભંગી એ મહાપાપી છે. માટે કોઈનો વિશ્વાસઘાત કરવો નહિ.
વળી પોતાને મુખે કરીને પોતાની પ્રશંસા કરવી નહિ. પોતાને મુખે પોતાની પ્રશંસા કરવી, એજ પુણ્યને બાળી નાખે છે. આ વિષયમાં વ્યાસનું વચન પ્રમાણરૂપ છે. निन्दाङन्यस्यात्मनः श्लाघा द्वयं सुकृतनाशकृत् ।।इति।। આ વાક્યનો એ અર્થ છે કે, બીજાની નિંદા અને પોતાની પ્રશંસા આ બંન્ને પોતાના જ પુણ્યને નાશ કરનાર છે. માટે બીજાની નિંદા કરવી નહિ અને પોતાની પ્રશંસા કરવી નહિ. તેમ જ બીજાની પ્રશંસા પણ યથાયોગ્ય જ કરવી જોઈએ. આ વિષયમાં એક નીતિવાક્ય છે. प्रत्यक्षे गुरवस्तुत्याः परोक्षे मित्रबान्धवाः । कर्मान्ते दासभृत्याश्च न च स्त्रियः ।।इति।। આ નીતિવાક્યનો એ અર્થ છે કે, ગુજનોની અર્થાત સત્પુરુષોની પ્રશંસા કરવી હોય, તો પ્રત્યક્ષ કરવી. અર્થાત તેની હાજરીમાં જ કરવી. મિત્ર કે બંધુઓની પ્રશંસા કરવી હોય, તો એમની ગેરહાજરીમાં બીજા પાસે કરવી. બીજે પ્રશંસા કરવાથી ધીમે ધીમે એમની પાસે પહોંચી જાય છે. નોકરવર્ગની પ્રશંસા કરવી હોય, તો કર્માન્તે કરવી. અર્થાત આપણે બતાવેલું કામ કરી આપે, પછી જ પ્રશંસા કરવી કે, તમોએ આ બહુ સરસ રીતે કર્યું છે. પણ કામ પૂરું થયાથી પહેલાં નોકરવર્ગની પ્રશંસા કરવી નહિ અને પોતાના પુત્ર કે પત્નીની પ્રશંસા કરતા જરા વિચાર કરવો. કારણકે પત્ની અને પુત્ર એ કાંઈ નોકર નથી, એ મિત્ર પણ નથી, એતો પોતાનું જ અંગ છે. માટે પત્ની પુત્રના જે વખાણ, તે પોતાના જ વખાણ કર્યા કહેવાય છે. માટે કહેવાનો એ અભિપ્રાય છે કે, પોતાની પ્રશંસા તો ન જ કરવી અને બીજાની પ્રશંસા પણ વિચારીને યથાયોગ્ય જ કરવી.
यस्मिन् परिहितेङपि स्युर्दृश्यान्यङ्गानि चात्मनः ।
तद्दूष्यं वसनं नैव परिधार्यं मदाश्रितैः ।।३८।।
(જે વસ્ત્ર પહેર્યે થકે પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું.)
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, ગુપ્ત રાખવા યોગ્ય જે અંગો, તેમને ઢાંકવા માટે વસ્ત્રો ધારણ કર્યાનું વિધાન છે. તો જે વસ્ત્રો ધારણ કર્યા પછી પણ ગુપ્ત રાખવા યોગ્ય અંગો ઢંકાય નહિ, તો વસ્ત્ર ધારણ કરેલું હોય તોપણ નહિ ધારણ કર્યા સમાન છે. સદાચારદીપમાં કેવું વસ્ત્ર ધારણ ન કરવું જોઈએ, તેનું વિધાન કરેલું છે. अति सूक्ष्मं च दृश्याङ्गं स्फाटितं जालसन्निभं । न धार्यं मलिनं वासो धार्यं शुचि घनं च तद् ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, અતિ સૂક્ષ્મ વસ્ત્ર ધારણ કરવું નહિ, ફાટેલું વસ્ત્ર ધારણ કરવું નહિ, મચ્છરદાની સમાન જારીવાળું વસ્ત્ર ધારણ કરવું નહિ. એજ રીતે મેલું વસ્ત્ર ધારણ કરવું નહિ. પરંતુ ઘાટું પવિત્ર અને ધોયેલું વસ્ત્ર ધારણ કરવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે, આ સદાચારદીપમાં કહ્યું કે, ફાટેલાં તથા જાળીવાળા કપડાં પહેરવા નહિ. એ વિષયમાં એમ સમજવું કે અતિ ગરીબ હોય અને અતિ ત્યાગી હોય, તેમના માટે આ નિયમ લાગુ પડતો નથી. તેમને જે વસ્ત્ર મળે તે પહેરી લેવું. કારણકે અતિ ગરીબ હોય અને તીવ્ર વૈરાગ્યે કરીને જેમણે પોતાના દેહનો અતિશે અનાદર કરી દીધો હોય, એવા અતિ ત્યાગી હોય, તેમને તો બીજાની ઈચ્છાથી વસ્ત્રો પ્રાપ્ત થતા હોય છે. માટે આ બંન્નેને ઈશ્વર ઈચ્છાથી જે વસ્ત્રો પ્રાપ્ત થાય, એ વસ્ત્રો પહેરી લેવા. પણ તે સિવાય જે ધનવાન ગૃહસ્થો હોય તેમણે કદીપણ ફાટેલાં કે મલિન વસ્ત્રો ધારણ કરવા નહિ. ધનવાન ગૃહસ્થો હોય તેમણે તો ઘાટા, પવિત્ર અને મૂલ્યવાન સારા વસ્ત્રો ધારણ કરવા. એવો અહીં વિવેક સમજવો, આવો શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે.
धर्मेण रहिता कृष्णभक्तिः कार्या न सर्वथा ।
अज्ञानिन्दाभयान्नैव त्याज्यं श्रीकृष्णसेवनम् ।।३९।।
(શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહિ.)
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે, ધર્મ વિનાની પાંગળી કહેલી છે. પાંગળો મનુષ્ય ક્યારેય પણ પર્વતારોહણ જેમ કરી શકે નહિ, તેમ ધર્મ વિનાની પાંગળી ભક્તિ મનુષ્યને મોક્ષપદે પહોંચાડી શકતી નથી. ધર્મ વિનાની ભક્તિ શરૂઆતમાં તો પ્રબળ જણાતી હોય છે, પણ ધીમે ધીમે નિર્બળ બનીને, અંતે નાશ પામી જતી હોય છે અને ધર્મે સહિત જે ભક્તિ છે, એતો ધીમે ધીમે પુષ્ટિને પામતી જાય છે અને અંતે પરાકાષ્ટાને પામીને અખંડ સ્મૃતિના રૂપમાં પરિણામને પામી જાય છે, કે જેનાથી કોઈ મોટું અને કઠિન સાધન શાસ્ત્રોમાં કહ્યું નથી, માટે ધર્મે સહિત જ ભગવાનની ભક્તિ કરવી.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે, यथा एकादश्यां न भुपञ्जीत वैष्णवः पक्षयोर्द्वयोः ।।इति।। આ સ્મૃતિમાં મનુષ્યોને એકાદશીનો ઉપવાસ કરવો એ સ્વધર્મ કહેલો છે અને બીજી સ્મૃતિમાં ભગવાનને નૈવેદ્ય ધરીને ભગવાનની પ્રસાદીનો એક જ કોળિયો જમનારા પુરુષને આ કળિયુગમાં છ માસ ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. તો આ રીતે ભગવાનની પ્રસાદીના માહાત્મ્ય ભક્તિ વડે ઉપવાસ પર સ્વધર્મનો વૈષ્ણવોએ ત્યાગ કરવો નહિ. કારણકે વૈષ્ણવોને તો હંમેશા બારે માસ ભગવાનની પ્રસાદીનું અન્ન જ જમવાનું હોય છે. માટે એકાદશીને દિવસે ભોજનનો જે નિષેધ છે, એતો નિત્ય પ્રાપ્ત ભગવાનની પ્રસાદીના અન્નનો પણ નિષેધ જ છે, એમ સમજવું. માટે ભગવાનની પ્રસાદીના અન્નનો એક જ કોળિયો જમવાથી છ માસ ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે, આવી લાલચથી એકાદશીને દિવસે એક ઉપવાસરૂપ સ્વધર્મનો ત્યાગ કરવો નહિ. અર્થાત છ માસના ઉપવાસનું ફળ જતું કરી દેવું, પણ એકાદશીના ઉપવાસરૂપ સ્વધર્મને જતો કરવો નહિ.
વળી तेपुस्तपस्ते जहुवुः सस्नुरार्या ब्रह्मानूचुर्नाम गृह्यन्ति ये ते ।।इति।। આ સ્મૃતિ એમ કહે છે કે, ભગવાનના નામની અંદર બધું આવી જાય છે. ભગવાનના નામનું માહાત્મ્ય મોટું છે, તેથી શિયાળાની ઠંડી ઋતુમાં કદાચ સ્નાન ન થઈ શકે, તો પણ કોઈ જાતનો વાંધો નહિ, ભગવાનનું નામ લઈ લેવું. ભગવાનના નામની અંદર સ્નાન આવી જાય છે. સંધ્યાવંદન પણ આવી જાય છે. સ્નાન સંધ્યાદીકની કળાકુટ કરવાની કોઈ જરૂર નથી. આ રીતે કેટલાક પ્રમાદી જનો કહેતા હોય છે. પણ શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે, આ સ્મૃતિમાં ભગવાનના નામનું જે માહાત્મ્ય બતાવેલું છે, એ નામના મહાત્મ્યનો ઓથ લઈને પ્રાતઃકાળમાં સ્નાન-સંધ્યાદીક સ્વધર્મનો ક્યારેય પણ ત્યાગ કરવો નહિ. સ્વધર્મને સાથે રાખીને જ ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું, એ યોગ્ય છે, પણ ભગવાનના નામોચ્ચારણના બળથી સ્વધર્મને છોડી દેવો, એ યોગ્ય નથી.
વળી सर्वं विष्णुमयं जगत् ।।इति।। આ સ્મૃતિવાક્યની અંદર જ્ઞાનનું માહાત્મ્ય બતાવેલું છે કે, આ સારું જગત વિષ્ણુમય છે. સ્ત્રી પણ વિષ્ણુ છે અને પુરુષ પણ વિષ્ણુ છે. આવા જ્ઞાનના મહાત્મ્યનો ઓથ લઈને ભગવાનના મંદિરમાં અથવા ભગવાનની સમીપે રહીને, વારંવાર સ્ત્રીઓના મુખને ન જોવા પર પોતાનો સ્વધર્મ અને સ્ત્રીઓની હાંસી મશ્કરી ન કરવા પણ જે પોતાનો સ્વધર્મ તેનો ત્યાગ કરવો નહિ અને જો ત્યાગ કરે, તો મહાન દોષ પ્રાપ્ત થાય છે. श्री विष्णोर्मन्दिरे स्थित्वा सेवायां तस्य वा क्वचित् । मुदा ये स्त्रीर्निरीक्षन्ते योनिकीटा भवन्ति ते ।।इति।। આ શ્લોકમાં હારીતમુની કહે છે કે, ભગવાનના મંદિરમાં રહીને અથવા ભગવાનની સેવામાં રહીને જે પુરુષો હર્ષ વડે વારંવાર સ્ત્રીઓને જ જોયા કરે છે, તે પુરુષો સ્ત્રીઓની યોનિમાં કીડાપે ઉત્તપન્ન થાય છે. માટે જ્ઞાનના બળે કરીને પણ ભગવાનના મંદિરમાં દ્રષ્ટિને નિયમમાં રાખવા પણ સ્વધર્મનો ત્યાગ કરવો નહિ.
વળી दर्शनात् दुरितक्षयः ।।इति।। આ સ્મૃતિ વાક્યનો અર્થ એવો છે કે, ભગવાનના દર્શનથી પાપમાત્રનો નાશ થઈ જાય છે. આ પ્રમાણે સ્મૃતિમાં કહેલા ભગવાનના દર્શનના મહાત્મ્યનો ઓથ લઈને જન્માષ્ટમ્યાદિ ઉત્સવોમાં સ્ત્રીઓની ઘણી ભીડ હોય છે, તો એ સ્ત્રીઓની ભીડમાં પ્રવેશ ન કરવો, પ્રવેશ ન કરવા પણ જે સ્વધર્મ તેનો ત્યાગ ન કરવો. અર્થાત ચાલોને હમણાં સ્ત્રીઓની ભીડમાંથી પ્રવેશ કરીને ચાલ્યા જઈએ, જો કાંઈક પાપ લાગશે તો હમણાં જ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરીશું, તેથી પાપમાત્રનો નાશ થઈ જશે. આ રીતે દર્શનના માહાત્મ્યના બળે કરીને પણ સ્વધર્મનો ત્યાગ કરવો નહિ. કારણકે સ્વધર્મનો ત્યાગ કરીને કોઈ પુરુષ ભલે ભગવાનના દર્શન કરે, ભગવાનના નામનું ઉચ્ચારણ કરે, છતાં પણ એ ભગવાનનો અપરાધી કહેલો છે. આ વિષયમાં લઘુહારીતસ્મૃતિનું વાક્ય પ્રમાણરૂપ છે. अपहाय निजं धर्मं कृष्ण कृष्णेति वादिनः । ते हरेर्द्वेषिणो ज्ञोया धर्मार्थं जन्म यद्धरेः ।।इति।। આ શ્લોકનો એ અર્થ છે કે, જે પુરુષો પોતાના ધર્મનો ત્યાગ કરીને ભલે કૃષ્ણ, કૃષ્ણ આ રીતે ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે, છતાં પણ તે પુરુષો ભગવાનના દ્વેષી અને શત્રુ જાણવા, કારણકે ભગવાનનો જન્મ ધર્મના રક્ષણને માટે જ થાય છે. માટે ધર્મની સાથે જ ભગવાનની ભક્તિ કરવી અને વળી વરાહપુરાણમાં પ્રતિપાદન કરેલું છે કે, श्रुति स्मृतिर्ममैव आज्ञा यस्तामुल्लङ्घय वर्तते । आज्ञाभङ्गी मम द्वेषी स मद्बक्तो न वै धरे ।।इति।। વરાહ ભગવાન પૃથ્વી પ્રત્યે કહે છે કે, હે પૃથ્વી! શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં પ્રતિપાદન કરાયેલી જે આજ્ઞાઓ છે, તે મારી જ આજ્ઞાઓ છે. માટે જે પુરુષો શ્રુતિ અને સ્મૃતિ સંબંધી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને વર્તે છે, તે આજ્ઞાભંગી છે, મારો દ્વેષી છે અને મારો ભક્ત પણ નથી. આ રીતે વરાહ ભગવાને કહ્યું છે, માટે ભક્તજનો હોય તેમણે ધર્મને સાથે રાખીને જ ભગવાનની ભક્તિ કરવી, પણ ધર્મનો ત્યાગ કરીને ભક્તિ કરવી નહિ. કારણકે ધર્મ વિના ભક્તિની ક્યારેય પણ સિદ્ધિ થતી નથી, આવો ભાવ છે.
વળી આપણે ભગવાનની સેવા કે ભક્તિ કરતા હોઈએ, ત્યારે ભગવાન કે ભગવાનના ભક્તનું માહાત્મ્ય નહિ જાણનારા કોઈક અજ્ઞાની પુરુષો જો આપણી નિંદા કરે, તાડન કરે તોપણ એ નિંદા અને તાડનના ભય થકી ભગવાનની સેવા અને ભક્તિનો ત્યાગ કરવો નહિ. કારણકે ભગવાન અને ભગવાનના ભક્તોની જે નિંદા કરવી એતો દુર્જનોનો સ્વભાવ હોય છે. તો દુર્જનો જેમ પોતાના સ્વભાવનો ત્યાગ કરતા નથી, તેમ ભક્તજનો હોય તેમણે સેવા અને ભક્તિ કરવા પોતાના સ્વભાવનો ત્યાગ કરવો નહિ. નિંદા કરવી એ દુર્જનોની શોભા છે, તો એ નિંદાના ભય થકી સેવા અને ભક્તિનો ત્યાગ ન કરવો એ ભક્તની શોભા છે.
પરાશરસ્મૃતિમાં બતાવેલું છે કે, यो यस्य तत्त्वं पुरुषो न जानाति स तस्य निन्दां कुरुते न विद्वान् ।।इति।। જે પુરુષો જેમનું માહાત્મ્ય જાણતા નથી, તે પુરુષો એમની નિંદા કરે છે. પણ માહાત્મ્ય જાણનારા પુરુષો કદી પણ એમની નિંદા કરતા નથી. તેમ અજ્ઞાની પુરુષો ભગવાન અને ભગવાનના ભક્તોનું માહાત્મ્ય જાણતા નથી, તેથી અજ્ઞાની પુરુષો ભગવાન અને ભગવાનના ભક્તની નિંદા કરે છે. માટે ભક્તોએ આવી નિંદાને ગણકારવી નહિ. यस्य त्राता चक्रपाणिर्दुर्जनस्तं करोति किम् । ततो न तद्बयात् भक्तिं जह्याद्विष्णोर्नरः सुधीः ।।इति।। આ શ્લોકમાં કહેલું છે કે, જેમનું રક્ષણ કરનારા ચક્રપાણિ ભગવાન છે, તેમને દુર્જન પુરુષો શું કરી શકવાના હતા. માટે બુદ્ધિમાન પુરુષો હોય, તેમણે દુર્જનોના ભય થકી ભગવાનની ભક્તિનો ત્યાગ કરવો નહિ. જેમ વનમાં સિંહ ફરતો હોય અને પાછળથી શિયાળીયા બુમો પાડે તેણે કરીને સિંહ શું એ વનનો ત્યાગ કરી દે છે? નહિ, સિંહ તો એ શિયાળીયાને ઘાસના તણખલાની સમાન માને છે. તે જ રીતે ભગવાનના ભક્તો તો સિંહની સમાન છે. તેને શિયાળીયાની સમાન એ દુર્જનો શું કરી શકવાના હતા? માટે ભક્તોએ દુર્જનોના ભય થકી ભગવાનની ભક્તિનો ક્યારેય પણ ત્યાગ કરવો નહિ. જેમ પૂર્વે ભગવાનના એકાંતિક ભક્ત પ્રહલાદ, પિતા હરણ્યકશિપુના ભય થકી ભક્તિનો જરાપણ ત્યાગ કરેલો ન હતો અને વિષ્ણુને જ કર્તા સમજીને પ્રહલાદજી નિર્ભય રહ્યા હતા, તેથી વિષ્ણુએ પ્રહલાદજીની રક્ષા કરી હતી. તે જ રીતે ભક્તજનો હોય તેમણે ભગવાનને જ કર્તા અને રક્ષક કરનારા જાણીને નિર્ભય રહેવું, પણ દુષ્ટોના ભય હેઠળ દબાઈને મોક્ષમાર્ગપર ભક્તિનો ત્યાગ કરી દેવો નહિ, આવો અભિપ્રાય છે.
0 Comments